Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > અમેરિકાની ઈરાન પર ઍર સ્ટ્રાઇકઃ બાહુબલી જનરલ સુલેમાની ઠાર

અમેરિકાની ઈરાન પર ઍર સ્ટ્રાઇકઃ બાહુબલી જનરલ સુલેમાની ઠાર

04 January, 2020 12:17 PM IST | Baghdad

અમેરિકાની ઈરાન પર ઍર સ્ટ્રાઇકઃ બાહુબલી જનરલ સુલેમાની ઠાર

જનરલ કાસીમ સુલેમાની

જનરલ કાસીમ સુલેમાની


ઈશુના નવા ૨૦૨૦ના વર્ષમાં જ વિશ્વમાં ફરી એક વાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય એમ નવા વર્ષના બીજા જ દિવસે વિશ્વની મહાસત્તા અમેરિકાએ ઇરાકની રાજધાની બગદાદ પર ડ્રોન-હુમલો કરીને ઈરાનના કુદસ ફોર્સના સૌથી શક્તિશાળી લશ્કરી વડા જનરલ કાસીમ સુલેમાનીનો ખાતમો બોલાવી દેતાં ઇરાક-ઈરાને અમેરિકા સામે ખતરનાક બદલો લેવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે એવી તંગદિલી સર્જાઈ છે જાણે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગવાની શરૂઆત થઈ ગઈ હોય. અમેરિકાના આ પગલાની અસર ભારત પર પણ પડી છે. ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં ખરીદાતા પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અચાનક ઉછાળો જોવા મળ્યો હતો અને એના પગલે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઈ શકે એમ છે. તો બીજી તરફ આજના નેટયુગમાં અનિવાર્ય એવા સોશ્યલ મીડિયામાં ત્રીજા વિશ્વયુદ્ધના નામે મેસેજ અને વિડિયો વાઇરલ થયા હતા. ઈરાન અને ઇરાક અમેરિકા સામે બદલાની કેવી કાર્યવાહી કરશે એના પર વિશ્વઆખાની નજર તકાયેલી છે.

તાજેતરમાં અમેરિકાએ ઈરાન અને ઇરાકને અમેરિકી દૂતાવાસ સામે દેખાવ અને પથ્થરમારો કરવા બદલ એનું પરિણામ ભોગવવાની ધમકી આપી હતી એના પગલે ઇરાકના બગદાદ ઍરપોર્ટ પર ગુરુવારે મોડી રાતે અમેરિકાએ રૉકેટ-હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના ઇલિટ કુદ્દસ સેનાના પ્રમુખ જનરલ કાસીમ સુલેમાની અને ઇરાકના ઈરાન સમર્થિત સંગઠન પૉપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સ (પીએમએફ)ના કમાન્ડર અબુ મહદી અલ-મુહંદીસ સહિત આઠ જણનાં મોત થયાં છે. કાસીમ સુલેમાની કુદ્દસ ફોર્સ સંગઠનનો વડો પણ હતો. હાશીદ ઉગ્રવાદી સંગઠનને ઈરાનનું લશ્કર મદદ કરે છે.

બગદાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ રોડ પર તેમની કારને ટાર્ગેટ બનાવીને અમેરિકાએ કરેલા હવાઈ હુમલામાં આ બન્ને જણ માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે બગદાદમાં નવા વર્ષની પૂર્વસંધ્યાએ ૩૧ ડિસેમ્બરે ઈરાન સમર્થિત ઉગ્રવાદીઓએ અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યો હતો અને અમેરિકાએ એના જવાબમાં સુલેમાની તથા અન્ય ઉગ્રવાદીને ટાર્ગેટ બનાવીને ખતમ કરી નાખ્યા છે. આ જાણકારી હાશીદ સંગઠને એક નિવેદન દ્વારા આપી છે. ઈરાનના ખાસ લશ્કરના વડા કાસીમ સુલેમાનીની હત્યા બદલ રાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક પાળવાની જાહેરાત ઈરાનના ટોચના નેતા અયાતોલ્લાહ ખૈમેનીએ કરી છે.



સુરક્ષા દળોએ કહ્યું કે ગુરુવારે મધરાત બાદ બગદાદ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર અનેક મિસાઇલોનો મારો કરવામાં આવ્યો હતો. અમેરિકી રૉકેટ્સે હાશીદના એક કાફલાને ટાર્ગેટ બનાવ્યો હતો. એ હુમલામાં અમુક મહત્વની વ્યક્તિઓ સહિત આઠ જણ માર્યા ગયા છે. હાશીદ સંગઠનને પૉપ્યુલર મોબિલાઇઝેશન ફોર્સિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.


સુલેમાની અને મુહાન્ડિસના મોતને કારણે મધ્યપૂર્વ વિસ્તારમાં મોટા પાયે અશાંતિ ઊભી થવાની સંભાવના સર્જાઈ છે. ઈરાન તથા એનાં લશ્કરી દળો આનો બદલો ઇઝરાયલ અને અમેરિકી મથકો પર હુમલો કરીને લે એવી સંભાવના છે. બગદાદ ઍરપોર્ટ પર કરાયેલા હુમલા માટે પીએમએફ સંગઠને અમેરિકાને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલા બાદ અમેરિકા તથા ઈરાનની સરકારો તરફથી કોઈ તત્કાળ કમેન્ટ બહાર પાડવામાં આવી નથી.

ઇરાકની રાજધાની બગદાદ સ્થિત અમેરિકાની એમ્બેસીએ ૧ જાન્યુઆરીએ પોતાના તમામ સાર્વજનિક કૉન્સ્યુલર સંચાલનને આગામી આદેશ સુધી ફરજમુક્ત કરવાની જાહેરાત કરી હતી અને એમ્બેસી બંધ કરી દીધી હતી. આ નિર્ણય અમેરિકાની એમ્બેસી પર ઈરાન સમર્થક પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ લેવાયો હતો.


વાઇટ હાઉસે એક નિવેદન રજૂ કરતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકન સેનાએ વિદેશોમાં હાજર પોતાના જવાનોની સુરક્ષા માટે નિર્ણાયક કાર્યવાહી કરતાં કાસીમ સુલેમાનીને મારી નાખ્યો હતો. સુલેમાની રિવૉલ્યુશનરી ગાર્ડ કોર્પની ‘કુદ્દસ ફોર્સ’નો ચીફ હતો. અમેરિકા આ બળને આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂકયું છે. અમેરિકાએ કહ્યું કે જનરલ સુલેમાની ઇરાક સતત અમેરિકન ડિપ્લોમેટ્સ અને જવાનો પર હુમલાની યોજના બનાવી રહ્યો હતો.

સુલેમાનીના મોત બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ટેક્સ્ટ કર્યા વગરની એક ટ્વીટ કરી હતી. આ ટ્વીટમાં અમેરિકન ઝંડો લગાવ્યો છે. ટ્રમ્પની આ ટ્વીટને એક સંદેશ તરીકે જોવાય છે. જોકે સુલેમાની અનેક વખત ટ્રમ્પને ચેતવણી આપી ચૂકયો હતો.

અમેરિકાની ક્રૂરતાનો જડબાતોડ જવાબ મળશે : રુહાનીનો હુંકાર

ઈરાન અને એના ક્ષેત્રનાં સમર્થક રાષ્ટ્રોએ લશ્કરી વડા કાસીમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલા હુમલામાં હત્યા કરવા બદલ ખતરનાક બદલો લેવાની વાત ઉચ્ચારી છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ઈરાન તેમ જ એના ક્ષેત્રનાં મુક્ત રાષ્ટ્રો અમેરિકાની ક્રૂરતાનો જડબાતોડ જવાબ આપશે. રુહાનીએ ઈરાન તેમ જ સમર્થક મધ્યપૂર્વના દેશોને લશ્કરના વડા સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે આહ્‍વાન કર્યું હતું.

સુલેમાનીની શહીદી પર ક્રૂર અમેરિકાએ જે આક્રમકતા દાખવી છે એનાથી ઈરાન તેમ જ ક્ષેત્રનાં રાષ્ટ્રો અને લોકોને જોરદાર ઠેસ પહોંચી છે એમ રુહાનીએ ઈરાન સરકારની એક વેબસાઇટ પર નિવેદન પોસ્ટ કર્યું હતું. રાષ્ટ્રપતિના જણાવ્યા મુજબ સુલેમાનીની હત્યાથી ઈરાન તેમ જ એનાં સમર્થક રાષ્ટ્રોની શક્તિ તેમ જ પ્રતિબદ્ધતા બેવડાઈ છે અને અમેરિકા દ્વારા ઇસ્લામિક મૂલ્યોના રક્ષણ માટે અમે કોઈ પણ હદે જતાં ખચકાઈશું નહીં. આ પ્રકારના કાયરતાપૂર્વકના હુમલાથી અમેરિકાની આ ક્ષેત્રમાં નબળાઈ અને હતાશા છતી થઈ છે.

suleimani

વીંટીથી ઓળખાયો

કાસીમ સુલેમાનીને ઠાર કર્યાની પુષ્ટિ તેના હાથની વીંટી પરથી થઈ છે. તે હંમેશાં પોતાની એક આંગળીમાં લાલ રંગના નંગવાળી વીંટી પહેરતો હતો. ઇરાકી પત્રકાર સ્ટીવ નાબિલે એક ટ્વીટ કરીને સુલેમાનીની એક જૂની તસવીર અને મૃત્યુ બાદનો ફોટો શૅર કર્યો છે. બન્ને ફોટોમાં તેની વીંટીમાં લાલ રંગ દેખાય છે

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 12:17 PM IST | Baghdad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK