Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અભી અભી તુઝકો યાદ કરતે થે, અય મોત, તેરી લંબી ઝિંદગી હૈ!

અભી અભી તુઝકો યાદ કરતે થે, અય મોત, તેરી લંબી ઝિંદગી હૈ!

08 June, 2020 11:22 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

અભી અભી તુઝકો યાદ કરતે થે, અય મોત, તેરી લંબી ઝિંદગી હૈ!

 સ્મશાન એક એવી જગ્યા છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સૌકોઈ ફિલોસૉફર બની જાય છે.

સ્મશાન એક એવી જગ્યા છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સૌકોઈ ફિલોસૉફર બની જાય છે.


સાવધાન! આજે વાત સ્મશાનની કરવી છે. સ્મશાન એટલે કે નરકની સફર કરતાં પહેલાંનો પ્રથમ અને આખરી પડાવ.
સ્મશાન એટલે જીવનનાં તમામ રહસ્યોને છુપાવીને અંતરધ્યાન થઈ જવાનું સ્થળ.
સ્મશાન એટલે આધિ-વ્યાધિ-ઉપાધિથી મુક્ત કરતી જગ્યા.
સ્મશાન એટલે મૃત્યુની શાનનું પ્રતીક.
સ્મશાન એટલે સ્વજનનું મુક્તિધામ.
સ્મશાન એટલે સ્મૃતિ અને વિસ્મૃતિનો સંગમ.
સ્મશાન એટલે સ્વ અને સ્વજનનો કાયમનો વિયોગ કરાવતું વિરહધામ.
સ્મશાન એટલે ક્ષણભર ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’નું ભાન કરાવતી ક્ષણભંગુર ક્ષણ.
સ્મશાન એટલે ‘લાકડાભેગા’ થઈ જવાની ઉક્તિનો સાક્ષાત્કાર કરાવતી પળ.
સ્મશાન એટલે ભડભડતા અગ્નિ વચ્ચે પણ શાંત, સ્થિતપ્રજ્ઞ રહેવાનો મહાયોગ.
સ્મશાન એ કીમતીમાં કીમતી સ્થળ છે, જે પામવા માટે મરવું પડે છે.
સ્મશાન એક એવી જગ્યા છે, જેમાં પ્રવેશતાંની સાથે જ સૌકોઈ ફિલોસૉફર બની જાય છે.
સ્મશાન એ કામચલાઉ વૈરાગ્યભાવ જગાડવાનું સ્થળ છે.
સ્મશાન ગરીબ-તવંગર, રંક-રાય, જાતિ-જ્ઞાતિથી મુક્ત અને સૌને એક જ લાકડીથી હાંકતું સ્થળ છે.
સ્મશાન એ સંબંધને, સગપણના દંભને પર્દાફાશ કરતું સ્થળ છે. એ માટેના પુરાવારૂપે એક ઉક્તિ છે ‘સગાં તો સ્મશાનથી પાછાં ફરે, કંઈ સાથે નથી બળતાં!
સ્મશાન એક એવી જગ્યા છે જ્યાં જઈને નાહી નાખવું પડે છે. ‘નાહી નાખવાનો’ એક અર્થ એવો છે કે સંબંધને સમાપ્ત કરી દેવો.
સ્મશાન જ એક એવું સ્થળ છે જે નાના ગામડાથી માંડીને મોટાં શહેરોમાં હોય છે. એ કોઈ બાંધે કે ન બાંધે, એની મેળે ઊભું થઈ જતું હોય છે.
સ્મશાનનો શબ્દકોશમાં અર્થ છે ‘મડદાં બાળવાનું કે દાટવાનું સ્થળ, પ્રેતભૂમિ શતાનક, શવસાન, મશાણ, કબ્રસ્તાન.’ આ બધા પર્યાયવાચક શબ્દો, પણ વિચાર કરો કે સ્મશાનમાં માત્ર મૃતક જ બળે છે? ના, સ્મશાનમાં મૃતકની ચિતા જ નહીં, અનેક સ્વજનનાં ચિત્ત પણ બળે છે.
એક વાર કોઈક અજાણ્યા માણસનો ફોન આવ્યો. મારા મિત્ર રજની શાહનો રેફરન્સ આપીને બોલ્યો, ‘સોલંકીસાહેબ, મારા ભાઈનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે. અમારે સ્મશાનભૂમિમાં તેના ક્રિયાકર્મ માટે હાજર રહેવું છે. અમારે શું વિધિ કરવાની? કોને મળવાનું? કે કઈ રીતે પરવાનગી મળે?
એના પ્રશ્નનું સમાધાન તો કર્યું, પણ ચિત્તતંત્ર ખળભળી ઊઠ્યું. આ તે કેવી વિષમતા? સ્વજનની અંતિમવિધિમાં હાજર રહેવાની પણ પરવાનગી લેવી પડે! અશોકપુરી ગોસ્વામીની બે પંક્તિઓ આંખો સામે તરવરવા લાગી...
‘પોટાશ જેવો આજનો આ વર્તમાન છે,
ને કમનસીબે આપણી રૂની દુકાન છે.’
તંત્રની મજબૂરી અને આપણી કમનસીબીની ચર્ચા અસ્થાને છે, પણ હાલત કરુણામય છે એ સ્પષ્ટ છે. સ્વજન બિછાને હોય અને પાર્શ્વભૂમિમાંથી ગીત વાગતું હોય, ‘મૈં તડપું યહાં, તુ તડપે વહાં, સોયા પ્યાર જગાયે, ઓ ઓ ઓ નિંદ ન મુઝકો આયે’ની સ્થિતિ અકળાવી મૂકે એવી છે.
લૉકડાઉનના દરેક તબક્કે ઘણા ઇન્ટરવ્યુ (મુલાકાત) આપ્યા, ફોન પર અને વૉટ્સઍપ પર. મોટા ભાગના સવાલ-જવાબ રાબેતા મુજબના અને તકિયાકલમ જેવા હતા. એવા જ એક સવાલનો મેં જુદો જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. એ સમજ્યો કે નહીં એની મને ખબર નથી, પણ એટલું બોલ્યો કે તમારી પાસે મેં આવા જ જવાબની આશા રાખી હતી. સવાલ હતો હાલમાં આપ શું કરી રહ્યા છો?
‘હું સ્યમંતક મણિ શોધી રહ્યો છું.’
‘સ્યમંતક મણિ? કોઈ સાઉથ ઇન્ડિયન મિત્ર ખોવાયો છે?’
‘તેં ભાગવત વાંચ્યું નથી?’
‘દુર્ગા ભાગવત? મને મરાઠી વાંચતાં ફાવતું નથી.’ મેં સહજ અવાજ ઊંચો કરી કહ્યું, ‘મારા બાપ, આપણા ધાર્મિક ગ્રંથમાં શ્રીકૃષ્ણ જીવનના ઘણા અદ્ભુત પ્રસંગ છે. એ ભાગવતમાં સ્યમંતક મણિનો ઉલ્લેખ છે. મણિ એ કોઈ વ્યક્તિની સરનેમ નથી. મણિ એટલે મહામૂલું રત્ન!! એવા એક નોખા-અનોખા મહામૂલા રત્નનું નામ સ્યમંતક મણિ હતું, જે મણિ ચોરવાનો આરોપ ભગવાન શ્રીકૃષ્ણ પર હતો.
‘આ વાતને મારા સવાલ સાથે શું લાગેવળગે?’
‘તને જવાબ સમજાય એટલે હું આ પૂર્વાપર સંબંધ આપું છું ડોબા!’ જોકે ‘ડોબા’ શબ્દ હું મનમાં જ બોલ્યો હતો. કેમ કે હું સમજું છું કે દરેકને દરેક વિષયનું જ્ઞાન હોવું જરૂરી નથી. એ રીતે ઘણી બાબતોમાં હું પણ ‘ડોબો’ છું. ખેર, મેં મુદ્દાસર જવાબ આપ્યો, ‘જો બંધુ, પુરાણકાળમાં સત્રાજિત નામનો રાજા હતો. સૂર્યદેવનો મહાન ભક્ત. તેની ભક્તિથી પ્રસન્ન થઈને સૂર્યદેવે તેને પ્રસ્તુત સ્યમંતક મણિ ભેટ આપ્યો હતો. આ મણિમાં એવો ગુણ હતો કે જ્યાં એ હોય ત્યાં કોઈ કુદરતી આફત આવે નહીં, રોગચાળો ફેલાય નહીં. ચોરી, આગ, આંધી-તોફાનનો ઉપદ્રવ થાય નહીં, દુકાળ કે અતિવૃષ્ટિનો ભય રહે નહીં. આજે આપણી હાલત જોઈને એ મણિ શોધવાનાં સપનાં સેવી રહ્યો છું.’
મારા આવા જવાબથી તે પ્રસન્ન થયો અને વધુ સવાલોની મારા પરથી ઘાત ટળી અને સાથોસાથ મને એક સદ્‍વિચાર પણ આવ્યો, સ્મશાનનો! આજે આખું શહેર સ્મશાનવત્ છે. કદાચ, આ વાંચતા હશો ત્યારે કેટલાંક સ્થળોએ જીવંત હિલચાલ જોવા મળશે, પણ એ હિલચાલ પણ સ્મશાનથી ભયમુક્ત નહીં જ હોય.
વિધિની વક્રતા પણ કેવી છે. શહેર સ્મશાનવત્ અને સ્મશાનમાં ધક્કામુકી. બસ, આ જ વિચાર. બધા મારો ઇન્ટરવ્યુ લે છે તો હું સ્મશાનનો કેમ ન લઉં? સ્મશાન એટલે સ્મશાનના સંચાલકનો, જે આવા કપરા, કાળઝાળ સમયમાં પણ રાતદિવસ ત્યાં રહેતો હોય, જેના નસીબમાં પારકાનાં દુઃખનું મૂકસાક્ષી બનવાનું લખ્યું હોય.
મોત સાથે અભ્યગ્ર સ્થિતિ કોઈક વાર અનુભવી છે. આધ્યાત્મિક આયાતન વિશે અભ્યાસ પણ કર્યો છે, સ્મશાનની મુલાકાત પણ અસંખ્ય વાર લીધી છે, પણ આજની પરિસ્થિતિ જુદી છે.
આજે ત્યાંની હાલત કેવી હશે? કેવાં-કેવાં દૃશ્યો ત્યાં રચાતાં હશે? કઈ રીતે બધું ત્યાં મૅનેજ થતું હશે? આ બધાનો જવાબ મને ક્યાંથી મળે? અને મને યાદ આવ્યા શંભુગિરિ ગોસ્વામી.
લગભગ બે વર્ષ પહેલાં અભિનેત્રી ભૈરવી શાહના અંતિમ સંસ્કાર માટે અંધેરી-ઈસ્ટમાં આવેલા ‘મુક્તિધામ’માં જવાનું થયું. ‘મિડ-ડે’ ગુજરાતીને કારણે શંભુભાઈ સાથે મારી ઓળખાણ થઈ. ‘મિડ-ડે’માં આવતા મારા ફોટોને કારણે મને ઓળખી ગયા. બસ, પછી તો ઘરોબો થઈ ગયો.
મેં શંભુભાઈની મુલાકાત લેવા ફોન લગાડીને કહ્યું, ‘બાપુ, હું માનું છું કે આપ બહુ વ્યસ્ત હશો એટલે‍ આડીઅવળી વાત કરવા કરતાં મારે આપને કેટલાક સવાલ કરવા છે.’
‘હુકમ કરો, પ્રભુ.’
‘મુક્તિધામ’ સ્મશાનગૃહના સંચાલક તરીકે તમે કેટલાં વર્ષથી કામ કરો છો?’
‘લગભગ ૨૫ વર્ષથી.’
‘આજે પણ જાઓ છો?’
‘જાઓ છો એટલે? આજે તો મુક્તિધામ મારું સેવાગ્રામ બની ગયું છે.’
‘એ કહો કે કોરોનાકાળ પહેલાં કેટલાં શબ અંતિમક્રિયા માટે આવતાં હતાં અને આજે કેટલાં આવે છે?’
‘પહેલાં ૮થી ૧૦ ડેડબૉડી આવતી, આજે સંખ્યા બમણી થઈ ગઈ છે. ૮થી ૧૦ નૅચરલ ડેથ, કોરોનાના કારણસર ૭થી ૮ ડેડબૉડી.’
‘કોરોનાને કારણે રોજ ૭થી ૮ ડેડબૉડી?’
‘હા પ્રભુ, કૂપર હૉસ્પિટલ નજીક પડે છેને!’
‘કોણ લઈને આવે છે?’
‘હૉસ્પિટલના કર્મચારીઓ, ડ્રાઇવર અને સાથે એકાદ પોલીસ.’
‘સગાંવહાલાં?’
‘એ લોકો સીધાં અહીં પહોંચે છે. કોઈનાં હોય, કોઈનાં ન પણ હોય.’
‘બધાંને અંદર આવવા દો?’
‘ના, સરકારે ૨૦ની સંખ્યા નક્કી કરી છે.’
‘બધાંએ માસ્ક પહેરેલા હોય?’
‘એ સિવાય અંદર આવવા જ ન મળે, ડિસ્ટન્સ પણ જળવાય અને પ્રવેશતાં પહેલાં હાથ ધોવાનું પણ ફરજિયાત.’
‘ડેડબૉડીનો કઈ રીતે નિકાલ થાય?’
‘અમારો સ્ટાફ પૂરી તકેદારી અને સજ્જતા સાથે અંતિમક્રિયા માટે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં લઈ જાય. લાકડાની ચિતા પર લઈ ન જવાય.’
‘એક બૉડીને બળતાં કેટલો વખત લાગે?’
‘લગભગ પોણાબેથી બે કલાક.’
‘પછી બીજું ડેડબૉડી?’
‘ના, અડધો-પોણો કલાક ભઠ્ઠી ઠંડી કરતાં લાગે. પછી અસ્થિ કાઢવાનાં હોય, એને સાચવી રાખવાં પડે.’
‘રોજની ૭થી ૮ ડેડબૉડી અને એક માટે ત્રણ કલાક? આના હિસાબે તમારે તો ૨૪ કલાક હાજરી આપવી પડતી હશે? તમે ત્યાં જ સૂઈ જાઓ છો?’
‘થોડી રાતો ત્યાં વિતાવી, પછી તબિયતે સાથ ન આપ્યો, પણ હવે રોજ સવારે ૧૦થી બે અને સાંજે ૫થી ૧૦ સુધી જાઉં છું. બાકીનો સમય મારા કુશળ કર્મચારીઓ સંભાળી લે છે. અસાધારણ પરિસ્થિતિમાં મને બોલાવી લે. હું નજીકમાં જ રહું છું.’
‘એક ડેડબૉડી બળતું હોય પછી લાઇનમાં ઊભા રહેલા બીજા સ્વજનોની હાલત કેવી હોય છે?’
‘મુક્તિધામ’માં વિશાળ જગ્યા છે. બધી જ સગવડ છે. બેસવાની, પાણી પીવાની, છાંયડાની વગેરેની, પણ લોકો પાસે ધીરજ નથી.’
‘એટલે ક્યારેક બોલાચાલી, ઝઘડો-ટંટો?’
‘બધું સ્વાભાવિક છે. ગાળો સાંભળવી પડે, મહેણાંટોણાં પણ. અમારી એ સહન કરવાની તૈયારી હોય જ છે.’
‘દસ-બાર કલાકની રાહ જોતા લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા?’
‘સોલંકીભાઈ, મુક્તિધામનું નૂતનીકરણ ૧૯૯૫માં શ્રી વ્યાપારી મંડળ - અંધેરી ચૅરિટેબલ ટ્રસ્ટે કર્યું! આ મંડળ અનેક સામાજિક સેવા મંડળ માટે જાણીતું છે. દેશમાં આવેલી દરેક આપત્તિ વખતે એ મદદરૂપ બન્યું છે. આ વખતે પણ જરૂરિયાતમંદોની ભોજનની વ્યવસ્થાની હજારો કિટ સપ્લાય કરી છે તો આ લોકોને બાકી કેમ રાખીએ?’
‘સરસ! એ કહો કે સ્વજનનોની દરરોજની રોકકળ તમે કઈ રીતે સહન કરો છો?’
‘સ્મશાન એ માતમનું ધામ છે, મહેફિલનું નહીં. અમને કોઠે પડી ગયું છે, પણ આ વખતની સ્થિતિ જુદી છે. સ્વજનો મૃતકનું મોઢું જોઈ શકતા નથી. પૂર્ણપણે ધાર્મિક વિધિ કરી શકતા નથી અને સૌથી વધારે દુખદાયક વાત એ છે કે મૃતક પાછો ઘરનું મોઢું જોવા પામતો નથી. આપણામાં મૃતદેહને ઘરેથી કાઢી જવાની પ્રથા છે, જેથી મૃતકના આત્માને શાંતિ મળે. સારવાર દરમ્યાન પણ સ્વજતો મૃતકને મળી શકતા નથી એટલે તેમના દાઝેલા હૈયાનો વિચાર કરતાં થરથરી જવાય છે.’
હું વધુ પૂછું એ પહેલાં કોઈ નવો ‘કેસ‍’ મુક્તિધામમાં આવ્યો એટલે મુલાકાત અધૂરી રહી ગઈ. ખેર, છેલ્લે...
શંભુગિરિ ગોસ્વામી મળવા જેવી વ્યક્તિ છે. શ્રી અંધેરી વ્યાપારી મંડળના સેક્રેટરી છે. અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. માતાજીના ચુસ્ત ભક્ત છે. પર્યટકો માટે જામનગરનું સ્મશાન જેમ એક વાર મુલાકાત લેવા જેવું ગણાય છે એવું ‘મુક્તિધામનું’ પણ છે. મુંબઈના શ્રેષ્ઠ-સગવડભર્યા અંતિમધામમાં એની ગણના થાય છે.

સમાપન
‘અમે આંધી વચ્ચે તણખલાના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ,
ફટાણાના માણસ, મરશિયાના માણસ,
અમે વારસાગત સમસ્યાના માણસ.’
- શ્રી ભગવતીકુમાર શર્મા


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2020 11:22 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK