Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કૉલમ : ગાઢ નિદ્રામાં પણ તમે સાંભળવાનું ચૂકતા નથી

કૉલમ : ગાઢ નિદ્રામાં પણ તમે સાંભળવાનું ચૂકતા નથી

16 April, 2019 11:21 AM IST |
દર્શિની વશી

કૉલમ : ગાઢ નિદ્રામાં પણ તમે સાંભળવાનું ચૂકતા નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘મને તો રાતે એવી ઊંઘ આવે કે બાજુમાં કોઈ ગમે એટલી વાતો કરતું હોય તો પણ કંઈ ફરફ પડે નહીં. હું તો ઘસઘસાટ ઊંઘી જાઉં છું પછી શું વાતો થતી હોય એની મને કાંઈ ખબરેય ન હોય’ એવાં વાક્યો આપણે અનેકના મોઢેથી સાંભળી ચૂક્યા હોઈશું, પરંતુ જે આવું કહે છે તે ખોટું બોલે છે! વૈજ્ઞાનિકોની દૃષ્ટિએ વ્યક્તિ ઊંઘે તો પણ તેના કાન ઊંઘતા નથી.

આપણે ઘણી વખત ઊંઘમાંથી ઊઠીએ છીએ ત્યારે માથું થોડું ભારે લાગે છે તો ક્યારેક કશુંક ભૂલી ગયા હોઈએ એવો આભાસ થાય છે અથવા તો કોઈક વાક્યો મગજમાં ફરી રહ્યાં હોય એવો અનુભવ થતો હોય છે. એમ થવાનું એક કારણ આપણી ઇન્દ્રિયો પણ છે, જે આપણા શરીરમાં ૨૪ કલાકની ડ્યુટી કરે છે અને આ ઇન્દ્રિયોમાંનો એક છે કાન, જે આપણી ગાઢ નિદ્રા દરમિયાન પણ કાર્યરત રહેતા હોય છે, પરંતુ નીંદર દરમ્યાન આપણા મગજનો મોટા ભાગનો હિસ્સો રેસ્ટ કરતો હોવાથી કાનથી સાંભળેલા અવાજનું શરીર કોઈ રીઍક્શન આપતું નથી, પરંતુ અવાજો અને શબ્દો તમારા મગજના એક ખૂણે સેવ થઈ જાય છે, જેને લીધે ભવિષ્યમાં એ શબ્દો અને અવાજો ફરી કાન સાથે અથડાય ત્યારે એની સાથે આપણે ફૅમિલિયર હોવાનો અનુભવ કરીએ છીએ.



દક્ષિણ અમેરિકામાંની વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીની એક ટીમે તાજેતરમાં નાનાં ભૂલકાંઓની સ્કૂલમાં જઈને તેમના પર એક રિસર્ચ કર્યું હતું, જેમાં આ બાળકોને સ્કૂલમાં બપોરે સુવડાવી દેવામાં આવ્યાં હતાં અને જેવાં આ બાળકો ગાઢ નિદ્રામાં ઊતરી ગયાં કે તેમની બાજુમાં અલગ-અલગ સંગીત અને અવાજ ચાલુ કરી દીધા. થોડા સમય પછી જ્યારે બાળકો ઊઠ્યાં ત્યારે પહેલાં તેઓની સામે જુદું સંગીત વગાડ્યું, પરંતુ થોડા સમય પછી ફરી વખત તેઓની સામે નીંદરના સમયનું સંગીત વગાડ્યું કે આ બાળકો ખુશ થઈ ગયાં, જાણે કે આ સંગીતથી તેઓ ફૅમિલિયર હોય.


મગજ સાથે સીધો સંબંધ

ENT સ્પેશ્યલિસ્ટ ડૉ. ઉમરેજ સઈદનું કહેવું છે કે આપણો કાન બાહ્ય કાન, મધ્ય કાન અને આંતરિક કાનથી બનેલો છે જેમાં બાહ્ય કાન આપણે સંપૂર્ણપણે જોઈ શકીએ છીએ. જ્યારે મધ્ય કાન પડદા પાછળનો હવા ભરેલો ભાગ છે, જેમાં ત્રણ હાડકાં છે ત્યારે આંતરિક કાન સંતુલન જાળવે છે. આ ત્રણેય એકબીજાને અવાજનો સંદેશો આગળ મોકલાવે છે જે મગજ સુધી જાય છે. કોઈ પણ અજાણ્યો અથવા ઊંચો અવાજ આપણા મગજના જ્ઞાનતંતુઓ સુધી પહોંચે તો આપણે ગમે તેટલી ઘેરી ઊંઘમાંથી બેઠા થઈ જઈએ છીએ. આમ કાન અને મગજનો સીધો સબંધ છે.’


સક્રિયતા શું કામ?

કન્સલ્ટિંગ ફૅમિલી ફિઝિશ્યન ડૉ. બીના દેસાઈ આ બાબતે એક ઉદાહરણ આપતાં કહે છે, ‘જેમ આપણે ઍર-કન્ડિશનરને રિમોટથી બંધ કરી દઈએ છીએ, પરંતુ એની મેઇન સ્વિચ ચાલુ હોવાથી એમાં પાવરની સપ્લાય ચાલુ જ રહે છે એવી જ રીતે આપણા શરીરને પણ એક ઉપકરણ સમાન સમજી શકો છો. ઊંઘ રિમોટની જેમ છે જે શરીરને કામ કરતું અટકાવી દે છે, પરંતુ સિસ્ટમને ચાલુ જ રાખે છે. આપણે ગમે એટલી ગાઢ નિદ્રામાં હોઈએ તો પણ નાક વાટે શ્વાસ લેવાનું કામ ચાલતું જ હોય છે એવી જ રીતે આપણા કાન પણ કામ કરતા જ હોય છે. ફરક એટલો જ હોય છે કે ઊંઘમાંથી ઊઠ્યા પછી અવાજો યાદ નથી રહેતા. ઘણી વખત તમે ફીલ કર્યું હશે કે તમે સૂતા હો, પરંતુ હજી ગાઢ નિદ્રામાં સરી પડ્યા નથી એ સમયે તમારી બાજુમાં બે વ્યક્તિ વાતો કરતી હોય છે અને જે તમારા કાન પર પડ્યા કરતી હોય છે, પરંતુ જેવા તમે ગાઢ ઊંઘમાં ધકેલાઈ જાઓ કે તરત એ અવાજ અને વાતો તમારા સ્વપ્નમાં દૃશ્યરૂપે કન્ટિન્યુ થઈ જાય છે. જેમ કે બાજુમાં કોઈ કાશ્મીર ફરવા જવાની વાતો કરતા હોય અને તમે સ્વપ્નમાં કાશ્મીરમાં ફરવા નીકળી પડો અને એ વાતો સ્વપ્નમાં મગજમાં ફરતી રહે. આવું થવાનું કારણ તમારા કાન જ છે, જે તમારા મગજ સુધી સંદેશા મોકલી રહ્યા છે.’

મગજની ક્ષમતા

આ સંદર્ભે વાત આગળ વધારતાં ફૅમિલી ફિઝિશ્યન ડૉ. સંદીપ મહેતા કહે છે, ‘આપણે જ્યારે સૂઈએ છીએ ત્યારે આપણું ૭૦ ટકા જેટલું મગજ રેસ્ટ કરે છે અને ૩૦ ટકા જેટલું મગજ સબકૉન્શિયસ હોય છે, જેથી એ સમયે તમારી આસપાસ થતા અવાજો આ સબકૉન્શિયસ માઇન્ડ આગળ લઈ જતું નથી અને અવાજોને ત્યાં જ સ્ટૉપ કરી દે છે અને તમારી મેમરીમાં સેવ થવા નથી દેતો. તમારી આસપાસ જે રોજ સંભળાતા હોય એવા અવાજો; જેવા કે પંખા, AC, ગાડી, પાણી ટપકવાનો અવાજ, સામાન્ય નસકોરાંના અવાજ જેને સાયન્સમાં નૅચરલ અવાજ પણ કહેવામાં આવે છે એ તમારા કાન પર પડ્યે રાખે તો પણ તમને ઊંઘમાંથી ઉઠાડી શકતા નથી, પરંતુ જો કોઈ જોરથી બેલ મારે, જોરથી બૂમ મારે, જે હાઈ પિચના સાઉન્ડ કહેવાય છે એનાથી તમારી ઊંઘ તરત ખૂલી જાય છે, કેમ કે આ અવાજો તમારા સબકૉન્શિયસ માઇન્ડને એક અલાર્મ આપે છે અને એના સિગ્નલ મગજને ફરી કામે લગાવી દે છે. સામાન્ય રીતે લોકો બે પ્રકારની નીંદર લેતા હોય છે, એક લાઇટ સ્લીપ અને બીજી ડીપ સ્લીપ. લાઇટ સ્લીપ એટલે ટ્રેનમાં, બસમાં કે બપોરે જમ્યા પછી લીધેલી ૧૫-૨૦ મિનિટની નેપ, જ્યારે ડીપ સ્લીપ એટલે ગાઢ નિદ્રા, જે રાતે લેવાની હોય અને ઓછામાં ઓછી સાત કલાકની હોય. આ સમયે તમારી ઇન્દ્રિયો ચાલુ જ હોય છે, જેથી તમને તરસ લાગે અથવા ટૉઇલેટ લાગે તો ઊઠી જાઓ છો, પરંતુ નીંદર લેનારાઓનો હજી એક પ્રકાર છે, જે છે હાર્ડ સ્લીપ, જેઓ તેમના સૂવાના કાર્યક્રમમાં એક પણ વખત ઊઠતા નથી અને તેમને ઉઠાડતી વખતે ઢોલ વગાડવાં પડે. આવા લોકોનું મગજ ૮૦થી ૯૦ ટકા સ્લીપ મોડમાં હોય છે અને માત્ર ૧૦થી ૨૦ ટકા સબકૉન્શિયસ હોય છે. જો મગજ ફુલ સ્લીપ થઈ જાય તો કોમા જેવી પરિસ્થિતિ થઈ જાય છે. જેઓના કાન પર અવાજ પડે છે ત્યાંથી ઇયર ડ્રમમાં જાય છે અને ત્યાંથી બ્રેઇનની નસ સુધી પણ જાય છે, પરંતુ મગજ કામ કરતું ન હોવાથી આગળ પ્રોસીજર થતી નથી.’

હિયરિંગ થેરપી

કાનની આ ક્ષમતાનો ઉપયોગ મેડિકલ પ્રૅક્ટિસમાં પણ કરવામાં આવે છે, જેના પર ડૉ. બીના દેસાઈ કહે છે, ‘આપણે ત્યાં હવે ઘણી હૉસ્પિટલમાં હિયરિંગ થેરપીથી કોમામાં સરી પડેલા દરદીઓને પણ ઠીક કરવાની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. એક કોમામાં રહેલા દરદીએ છેલ્લા દોઢ મહિનાથી જાતજાતની ટ્રીટમેન્ટ કરાવી, પણ બહુ ફરક પડ્યો નહીં. આખરે તેમના પરિવારે હિયરિંગ ટ્રીટમેન્ટ શરૂ કરી જેમાં રોજ તેમની બાજુમાં સુમધુર સંગીત, પૉઝિટિવ વાઇબ્સ આપતી ધૂન, ભૂતકાળમાં ઘરમાં થયેલા શુભ પ્રસંગની ઑડિયો કૅસેટ કે જેમાં જૂની અને પ્રિય યાદો હોય એ સંભળાવવાનું શરૂ કર્યું. આ ટ્રીટમેન્ટ શરૂ થયાના થોડા સમય બાદ તેમણે આંખની મૂવમેન્ટ કરવાની શરૂ કરી દીધી અને હવે તેમને પગમાં કોઈ ઈજા પહોંચે તો પણ સમજ પડવા લાગી છે. આ કહેવાનો અર્થ એ છે કે કાનથી મગજ સુધી પહોંચેલા ધ્વનિ અને અવાજો મગજના ઇમોશનલ ભાગને જાગ્રત કરી દે છે અને માણસને ગંભીર બીમારીમાંથી પણ ધીરે-ધીરે બહાર લાવી દે છે. પહેલાંના સમયના લોકો કહેતા હતા કે નાનાં બાળકો સૂઈ જાય પછી તેમની પાસે થોડો વખત બેસીને ભગવાનના શ્લોક અથવા સારું વાંચનનું પઠન કરવું. એમ કરવાથી બાળકના મગજમાં સારા વિચારો ઘર કરી જાય છે. આજે હવે મૉડર્ન સમયના લોકો એને રિસર્ચના નામે એને ખરું પુરવાર કરી રહ્યા છે.’

કાન વિશે જાણવા જેવું

કાનનો આકાર બહારથી તો અંગ્રેજીના C જેવો છે, પરંતુ અંદરથી ગોકળગાય જેવો છે. દરેકના કાનનો આકાર અલગ-અલગ હોય છે તેમ જ કોઈક વાર એક વ્યક્તિના બન્ને કાનનો આકાર પણ જુદો હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ આવા પ્રકારના શેપ પાછળનું કારણ પણ શોધી કાઢ્યું છે. તેમના મુજબ આવા પ્રકારના ઇનરશેપને લીધે લો ફ્રિક્વન્સીનો અને અસ્પક્ટ અવાજ પણ કાનને સંભળાય છે.

કાનની નીચેનો ભાગ જેને બૂટ કહેવામાં આવે છે એને વીંધવામાં આવે છે. ત્યાં ઍક્યુપ્રેશરનો પૉઇન્ટ હોય છે. કાન વીંધવાથી રિપ્રોડક્ટિવ ઑર્ગન હેલ્ધી રહે છે. સાથે રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ સિવાય બૌદ્ધિક શક્તિ વધે છે, લકવા જેવી બીમારી મટે છે. ભારતીય સંસ્કૃતિમાં ૧૬ સંસ્કાર છે જેમાંનો એક કર્ણભેદ સંસ્કાર પણ છે.

આ પણ વાંચો : હિમાલયની ગોદમાં વસેલું સુંદર શહેર ગૅન્ગટૉક

કુદરતે કાનને બંધ કરવા માટે કોઈ ઢાંકણ કે કોઈ બારી બનાવી નથી, પરંતુ હા, સાંભળવાની શક્તિને મર્યાદિત બનાવી છે જેથી અમુક અંતર પછીનો અવાજ તેમ જ અમુક વૉલ્યુમ સુધીનો અવાજ જ સંભળાઈ શકે છે. આ સિવાય જો કાનને બંધ કરવાનું ઢાંકણ બનાવવામાં આવ્યું હોત તો બહારની હવા અને શરીરની અંદર રહેલી હવા સાથે ઇમબૅલૅન્સ થઈ જાય. એટલે કે કાનની અંદર એક ટ્યુબ આવેલી છે જે હવાને અંદર-બહાર કરે છે તેમ જ બહારની હવાના દબાણને પણ સંતુલિત કરે છે, પરંતુ આપણે જ્યારે બગાસું ખાઈએ છીએ કે છીંક ખાઈએ છીએ ત્યારે એ થોડી પળો માટે ખૂલે અને બંધ થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

16 April, 2019 11:21 AM IST | | દર્શિની વશી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK