હિમાલયની ગોદમાં વસેલું સુંદર શહેર ગૅન્ગટૉક

ટ્રાવેલ-ગાઇડ - દર્શિની વશી | Apr 14, 2019, 14:10 IST

ઉત્તર-પૂર્વીય રાજ્યોની વધુ એક દેન ગૅન્ગટૉક માત્ર સુંદરતામાં જ નહીં, પરંતુ સ્વચ્છતામાં પણ અજોડ છે. રુમટેક મોનેસ્ટ્રી, સોમગો લેક, કાંચનજંઘા માઉન્ટેન, લાચોગ, નથુલા પાસ સહિતનાં આકર્ષણો ગૅન્ગટૉકને પર્યટનનાં સ્થળોની યાદીમાં ઊંચું સ્થાન અપાવે છે

હિમાલયની ગોદમાં વસેલું સુંદર શહેર ગૅન્ગટૉક
સિક્કિમની સૌથી મોટી મોનેસ્ટ્રીમાં રુમટેક મોનેસ્ટ્રીનું નામ આવે છે. આ મોનેસ્ટ્રી ચાર માળની છે, જેની અંદર બૌદ્ધ ધર્મના ગ્રંથો અને વસ્તુઓ રાખવામાં આવેલી છે.

હિમાલયનું નામ પડતાંની સાથે નજર સમક્ષ કેવો મનમોહક બર્ફીલો નજારો આવી જાય છે ને! તેવી જ રીતે સુંદરતાના માપદંડમાં એકબીજાને ટક્કર આપે તેવાં ઉત્તર-પૂર્વીય રાજ્યોની વાત નીકળે ત્યારે હરિયાળી, ધોધ, ખીણો અને વાંકાચૂકા, પરંતુ ૧૦૦„ ઍડવેન્ચર પૂરાં પાડતા રસ્તા આંખોની સામે ઊભરી આવે છે, પરંતુ જો આ બધો નજારો તમને એક જ સ્થળે મળી જાય તો પછી કેવી મજા પડે ને!!! આપણે વાત કરી રહ્યા છીએ ગૅન્ગટૉકની.

ઉત્તર-પૂર્વીય રાજ્યો પર કુદરત એટલી બધી મહેરબાન છે કે અહીંના સૌંદર્યને જોતાં એક મિનિટ માટે વિચારમાં પડી જવાય છે કે આ સ્થળ ભારતમાં જ છે કે વિદેશનું કોઈ સ્થળ. આવું જ એક ખૂબસૂરતીથી છલોછલ એવું એક સ્થળ છે ગૅન્ગટૉક. ગૅન્ગટૉક એ સિક્કિમ રાજ્યની રાજધાની છે અને બૌદ્ધ ધર્મના ફૉલોઅર્સનું જન્નત. આગળ કહ્યું તેમ ઉત્તર-પૂર્વનાં રાજ્યો ખૂબ જ સુંદર છે, જેમાં ગૅન્ગટૉક સૌથી સુંદર શહેરોમાંનું એક ગણાય છે. સુંદરતાની સાથે સ્વચ્છતાનો પણ અહીં એટલો જ સુંદર રીતે સંગમ થયેલો છે, જે ટૂરિસ્ટોને અહીં સુધી ખેંચી લાવે છે. ઈસ્ટર્ન હિમાલયની રેન્જમાં અને સમુદ્રની સપાટીથી ૫૦૦૦ ફૂટની ઊંચાઈ પર ગૅન્ગટૉક આવેલું છે, જે સિક્કિમનું હિલસ્ટેશન પણ ગણાય છે. ગૅન્ગટૉકનો અર્થ અનેક રીતે મૂકવામાં આવ્યો છે, પરંતુ તેનો ખરો અર્થ ‘હિલ કટ’ એ વધુ પ્રચલિત છે. અહીંની જનસંખ્યા માત્ર ૧,૦૦,૦૦૦ જેટલી છે. સિક્કિમની બોર્ડર અનેક રાજ્યો અને દેશની સાથે જોડાયેલી હોવાથી અહીંના લોકોની ભાષામાં પણ વૈવિધ્ય જોવા મળે છે. મુખ્ય ભાષામાં નેપાળી, ભૂતિયા, લાપચા, નિમ્બુ, તિબેટિયન અને હિન્દી છે. ઇન્ચે મોનેસ્ટ્રીના બાંધકામ બાદ ગૅન્ગટૉક તરફ પ્રવાસીઓનું વહેણ વધવા લાગ્યું છે અને આજે ગૅન્ગટૉક વન ઑફ ધ ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ તરીકે ઊભરી રહ્યું છે.

રુમટેક મોનેસ્ટ્રી

ગૅન્ગટૉકથી ૨૪ કિલોમીટરના અંતરે રુમટેક આવેલું છે, જ્યાં રુમટેક મોનેસ્ટ્રી આવેલી છે. આ સ્થળ સમુદ્રની સપાટીએથી ૬૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અને તિબેટિયન બૌદ્ધ ધર્મના અનુયાયીઓનું પ્રિય સ્થળ છે. ચાર માળની આ મોનેસ્ટ્રી સિક્કિમની સૌથી મોટી મોનેસ્ટ્રી છે. અહીં ધાર્મિક ગ્રંથો, કળાકૃતિઓ સહિતની અલભ્ય વસ્તુઓ સાચવી રાખવામાં આવી છે, જે અહીં આવીને જોઈ શકાય છે. અહીંની સૌથી મજેદાર આર્ટિસ્ુટક વસ્તુ છે બ્લૅક હૅટ, જેને ડાયમંડ, રૂબી અને કીમતી પથ્થરોથી સજાવવામાં આવેલું છે. તિબેટિયન કલચરને જોવા માગતા હોવ અને અહીંના સાધુઓની રહેણીકરણીને નજીકથી જાણવા માગતા હોવ તો આ સ્થળ બેસ્ટ છે.

એમજી માર્ગ

એમજી માર્ગ ગૅન્ગટૉકનો મુખ્ય માર્ગ એટલે કે રસ્તો છે. આ રસ્તાને જોવા માટે ટુરિસ્ટો અહીં આવે છે. એવું તે શું ખાસ છે આ રસ્તામાં કે લોકો અને ટૂરિસ્ટો અહીં સુધી ખેંચાઈ આવે છે? એવો સવાલ જો તમારા મનમાં પણ ઊભો થયો હોય તો તમને જણાવી દઈએ કે આ રસ્તાની મુખ્ય વિશેષતા છે અહીંની ચોખ્ખાઈ, જેને લીધે તે માત્ર ગૅન્ગટૉક કે સિક્કિમમાં જ નહીં, પરંતુ સમગ્ર ભારતદેશમાં પ્રખ્યાત છે. આ રસ્તા સંપૂર્ણ રીતે સ્વચ્છ અને ચોખ્ખા છે. ચોખ્ખાઈ ઉપરાંત એમજી માર્ગ શૉપિંગ માટે પણ એટલો જ પ્રખ્યાત છે. સાંજના સમયે અહીં મોટા પ્રમાણમાં ટુરિસ્ટોની અવરજવર રહેતી હોય છે. આ જ માર્ગ પર ટાઇટેનિક નામક એક પાર્ક પણ છે. જે ખાસ પર્યટકોને આરામ કરવા માટે બનાવવામાં આવેલો છે.

હિમાલયન ઝુઓલૉજિકલ પાર્ક

પ્રાણીઓ પણ કુદરતી સૌંદર્યને માણી શકે અને તેની વચ્ચે રહી શકે તે ઉદ્દેશની સાથે ૨૦૫ એકર વિસ્તારમાં આ પાર્કને બનાવવામાં આવ્યો છે. આ પાર્કમાં લાલા પાંડા, કસ્તુરી હરણ, હિમાલયન કાળાં રીછ જોવા મળે છે. સ્નો લિયોપોડ પણ અહીં વસેલા છે. આ પાર્ક ભારતનો એકમાત્ર ઝુઓલૉજિકલ પાર્ક છે, જે સમુદ્રની સપાટીથી ૨૧૩૪ મીટરની ઊંચાઈ પર આવેલું છે.

સેવન સિસ્ટર વૉટરફૉલ

ગૅન્ગટૉકથી ૩૨ કિલોમીટરના અંતરે હાઈવે નજીક આ વૉટરફૉલ જોવા મળશે. હકીકતમાં આ વૉટરફૉલનું ઉદ્ગમસ્થાન એક જ છે, પરંતુ નીચે પડતી વખતે એ સાત અલગ અલગ ધારમાં વહે છે એવું લાગે છે જેના પરથી આ વૉટરફૉલનું નામ સેવન સિસ્ટર એવું પડી ગયું છે. ચોમાસામાં આ વૉટરફૉલ ફુલ ફોર્સમાં વહે છે અને તેની સુંદરતા પણ ફુલ ફોર્સમાં જોવા મળે છે.

ગૅન્ગટૉક રોપવે

અહીં આવતા ટૂરિસ્ટોની પહેલી પસંદ ગૅન્ગટૉક રોપવે છે, જ્યાંથી ગૅન્ગટૉકનો આકાશી નજારો જોવા મળી શકે છે. સુંદર શહેર અને રમણીય વાદીઓનો નજારો માણવા માટે રોપવે સૌથી બેસ્ટ વિકલ્પ છે. આ રોપવે ત્રણ અલગ અલગ ઊંચાઈ પર જાય છે, જેમાં બેસીને ટુરિસ્ટોને શહેરનો અવિસ્મરણીય અનુભવ મળે છે.

સોમગો લેક

ગૅન્ગટૉકથી ૪૦ કિલોમીટરના અંતરે સોમગો લેક આવેલું છે, જે સિક્કિમના પૂર્વીય વિસ્તારમાં આવેલું છે. સમુદ્રની સપાટીથી ૩૭૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું આ લેક નાથુલા પાસ તરફ જતાં રસ્તામાં આવે છે. શિયાળામાં આ તળાવ થીજી જાય છે ત્યારે ઉનાળામાં બરફ ઓસરતાં તળાવની આસપાસ સુંદર ફૂલો ખીલી ઊઠે છે. દરેક સીઝનમાં આ તળાવનો કલર પણ બદલાતો રહે છે, જેથી અહીંના કેટલાક સ્થાનિક લોકો આ તળાવ પર આવતાં ડરે છે. ગુરુ પૂર્ણિમાના દિવસની અહીં ઉજવણી કરવામાં આવે છે. આ તળાવમાં રહેલા પાણીમાં કોઈ ચમત્કારિક શક્તિ હોવાની પણ લોકામાં માન્યતા છે. અહીંથી ચાઇના બોર્ડર માંડ પાંચ કિલોમીટરના અંતરે છે. ???ગ્રેસિયર???થી ઘેરાયેલું આ લેક અહીંના સુંદર નજરાણાસમાન છે. સાથે બાજુમાં એક શિવનું મંદિર પણ છે. અહીં આવતા સહેલાણીઓ આ મંદિરની પણ મુલાકાત લેતાં જાય છે. તળાવની ફરતે ફરવા માટે અહીં યાંર્ક સફારી પણ ઉપલબ્ધ છે.

કાંચનજંઘા બાયોસ્પેર રિઝર્વ

કાંચનજંઘા પર્વતમાળાનું પિક (શિખર) વિશ્વનું ત્રીજું સૌથી મોટું પિક ગણાય છે, જેને સ્થાનિક ભાષામાં ડોઝોન્કા પણ કહેવામાં આવે છે. બરફથી આચ્છાદિત કાંચનજઘા અત્યંત આકર્ષક અને મનમોહક જગ્યા છે. આ સ્થળે ૫૫૦થી અધિક પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળે છે. આટલી ઊંચાઈ પર હોવાથી અહીં આવેલા નૅશનલ પાર્કને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ સ્થાન મળ્યું છે, જેથી અહીં આવવા માટે ટૂરિસ્ટોએ એક સ્પેશ્યલ પાસ મેળવવાનો રહે છે. તિબેટિયન મહિનાના સાતમા મહિને અહીં એક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

લાચોગ

સિક્કિમનાં સૌથી સુંદર ગામડાંમાં લાચોગનો સમાવેશ થાય છે, જે તિબેટિયન બોર્ડરની નજીક આવેલું છે, જેનું નામ પણ ઘણું પ્રખ્યાત છે. અહીં આવેલી લાચોગ મોનેસ્ટ્રી અહીંનું મુખ્ય આકર્ષણ છે. લાચોગ અહીં આવેલા વૉટરફૉલ અને પાઇન ફૉરેસ્ટને લીધે વધુ જાણીતું છે. ભારતીય આર્મીનો બેઝ પણ અહીં જ છે. વાદળોની વચ્ચે ફરી રહ્યા હોય એવું આ ગામડાનું એન્વાયર્નમેન્ટ તમને એક અલગ દુનિયામાં જ લઈ જાય છે.

તાશી વ્યુ પૉઇન્ટ

ગૅન્ગટૉકથી આઠ કિલોમીટરના અંતરે તાશી વ્યુ પૉઇન્ટ આવેલો છે, જ્યાંથી ગૅન્ગટૉકની ફરતે વીંટળાયેલા સુંદર પર્વતો અને તેની સાથે રમત રમતાં વાદળો તેમ જ કુદરતની સુંદર રચનાઓને જોઈ શકાય છે. વધુ ને વધુ ટૂરિસ્ટોને ખેંચવા માટે અહીં ઑબ્ઝર્વેશન ટાવર પણ બનાવવામાં આવેલો છે. પહાડીઓનો અદ્ભુત નજારો જોવો હોય તો સવારે અહીં આવવું. આવો જ એક વ્યુ પૉઇન્ટ છે, જેનું નામ છે ગણેશ ટૉક વ્યુ પૉઇન્ટ. નામ મુજબ આ સ્થળ ભગવાન ગણપતિના નામ પરથી પડ્યું છે. ઊંચાઈ પર આવેલા આ સ્થળેથી આસપાનું મનોહર લોકેશન દેખાય છે. ગણેશ ટૉકના ઊંચાઈ પર આવેલા પૉઇન્ટ પર એક સમયે એક જ વ્યક્તિ જઈ શકે એવું છે.

હનુમાન ટૉક

ગૅન્ગટૉકથી નવ કિલોમીટર ના અંતરે આવેલું હનુમાન ટોક એ પવનપુત્ર હનુમાન નું પવિત્ર અને શાંત મંદિર છે. આ મંદિરની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. રામાયણ કાળ વખતે જ્યારે હનુમાન તેમની લક્ષ્મણ માટે સંજીવની પર્વત હાથ પર ઉંચકીને લઈ જતાં હોય છે ત્યારે તો થાક ખાવા માટે આ સ્થળે થોડી ક્ષણ માટે વિરામ કરવા રોકાયા હતા એવી અહીંના લોકોનું કહેવું છે પાછળથી તેમની યાદીના સ્વરૂપે આ મંદિર બનાવવામાં આવ્યું હતું એવું કહેવાય છે કે આ મંદિરની દેખરેખ ભારતીય સેના દ્વારા કરવામાં આવે છે તેમજ મંદિર અને તેનું પરિસર પણ ખૂબ જ સ્વચ્છ અને સુંદર રાખવામાં આવ્યું છે પ્રદુષણ થી મુક્ત છે જે તેને અન્ય મંદિરોથી અલગ કરે છે. આ મંદિરેથી ગૅન્ગટૉક શહેર અને કંચનજઘા પર્વતમાળાને જોઈ શકાય છે.

nathula_lake

નાથુલા પાસ તરફ જતાં રસ્તામાં સોમગો લેક આવે છે, જે ખૂબ જ સુંદર અને રમણીય છે. શિયાળામાં અહીંનું પાણી થીજી જાય છે, જ્યારે ઉનાળામાં લેકની ફરતે ફૂલો ખીલી ઊઠે છે.

નાથુલા પાસ

સમુદ્રની સપાટીથી ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલી આ જગ્યા ગૅન્ગટૉકની જ નહીં, પરંતુ મોટા ભાગના ટુરિસ્ટોની પણ માનીતી અને ખૂબસૂરત જગ્યા છે. ગૅન્ગટૉકથી ૫૫ કિલોમીટર દૂર નાથુલા પાસ આવે છે, જે એક માઉન્ટેન પાસ છે, જે સિક્કિમ અને ચીનના તિબેટ ઑટોનોમોસ વિસ્તારમાં પડે છે, જેના વિશે આપણે ઘણું વાંચી અને સાંભળી ચૂક્યા છીએ તેમ જ ઘણી ફિલ્મોમાં પણ આ સ્થળે સૂટ કરાયેલાં દૃશ્યો જોવા મળે છે. નાથુલા પાસ સિલ્ક રૂટ તરીકે પણ જાણીતો છે. વાંકાચૂકા અને દરેક બીજી મિનિટે ઍડવેન્ચરનો અનુભવ કરાવતું આ સ્થળ ખૂબ જ રોમાંચકારી જગ્યા છે. વર્ષના મોટા ભાગના સમયમાં આ વિસ્તાર બરફથી આચ્છાદિત હોય છે. ગૅન્ગટૉકથી નાથુલા પાસ સુધી આવતાં રસ્તામાં રુક્મિણી ફૉલ સહિત કેટલાંક સુંદર લેક પણ આવે છે. ચીનની સીમા પણ અહીંથી વધુ દૂર નથી. ભારત અને ચીનની વચ્ચે થતાં ત્રિમાર્ગીય વેપારનો એક માર્ગ પણ છે. આ સ્થળે આવવા માટે તમારી પાસે ભારતીય નાગરિકતા હોવી જોઈએ, કેમ કે અહીં ભારતીયો સિવાય અન્ય કોઈને પણ આવવાની પરવાનગી નથી. ભારતીયોએ પણ અહીં આવવા માટે અગાઉથી પરવાનગી લેવી પડે છે.

tashi

તાશી વ્યુ પૉઇન્ટ પરથી ગૅન્ગટૉકની ખૂબસૂરતીને મન ભરીને માણી શકાય છે.

ક્યારે અને કેવી રીતે જશો?

અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોની જેમ અહીંનું ક્લાયમેન્ટ પણ બધા ટૂરિસ્ટોને બારે મહિના માફક આવે એવું નથી, મતલબ કે શિયાળામાં અહીંનું ઉષ્ણતામાન ઘણું નીચું આવી જાય છે, જ્યારે ચોમાસામાં અહીં પુષ્કળ વરસાદ પડે છે, જેથી જો અહીં મન મૂકીને ફરવું હોય અને કુદરતી સૌંદર્યને માણવું હોય તો એપ્રિલ-મે મહિનો અને ઑક્ટોબર-નવેમ્બર મહિનો બેસ્ટ રહેશે. અગાઉ સિક્કિમમાં કોઈ ઍરપોર્ટ હતું નહીં, જેથી કરીને અહીં આવતા ટૂરિસ્ટોએ ઘણી લાંબી મુસાફરી કરવી પડતી હતી, જોકે ગયા વર્ષે અહીં ગૅન્ગટૉક નજીક ઍરપોર્ટ શરૂ કરવામાં આવતાં ટુરિસ્ટોને ઘણી રાહત મળી છે. રેલવે માર્ગ અહીં સુધી પહોંચવાનો સેફ માર્ગ છે, જે થોડો લાંબો છે. સિલિગુડી સુધી ટ્રેન લીધા બાદ જાહેર પરિવહન અથવા પ્રાઇવેટ વાહન મારફતે ગૅન્ગટૉક સુધી પહોંચી શકાય છે.

ગૅન્ગટૉકની જાણીઅજાણી વાતો

પાંડા કાળા અને સફેદ રંગના હોય છે. આ સિવાય પણ પાંડાનો બીજો કોઈ કલર હોઈ શકે છે તેવું ક્યારે વિચાર્યું નથી, પરંતુ અહીં આવીને તેવો વિચાર બદલાઈ જશે, કેમ કે અહીં કાળા અને સફેદ નહિ, પરતું લાલ રંગના પાંડા જોવા મળશે, જે અહીંનું રાષ્ટ્રીય ઍનિમલ છે.

ગૅન્ગટૉકમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય ફ્લાવર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં ઓર્ચિડ, ગુલાબ સહિતનાં સીઝનલ ફૂલોની અનેક પ્રકારની વેરાઇટીનાં ફૂલો મૂકવામાં આવે છે. આ કલેક્શન એટલું બધું વિશાળ હોય છે કે તેને જોવા માટે વિશ્વભરમાંના નૅચરલવર સહિત ટૂરિસ્ટો પણ ઊમટી પડે છે. આ ફેસ્ટિવલનું આયોજન દર વર્ષે માર્ચ મહિના દરમ્યાન કરવામાં આવે છે.

૨૦૧૮ સુધી સિક્કિમમાં કોઈ ઍરપોર્ટ હતું નહીં.

અહીં સાક્ષરતાનું પ્રમાણ ૯૪ ટકા છે.

અહીં નેપાળી ભાષાનું ચલણ વધારે છે, જેથી અહીંના થિયેટરમાં નેપાળી ફિલ્મો વધુ બતાવવામાં આવે છે.

દર વર્ષે અહીં ૪,૦૦,૦૦૦ ટુરિસ્ટો આવે છે.

આ પણ વાંચો : ત્રિપુરા : ધાર્મિક, સાંસ્કૃતિક ને પ્રાકૃતિક સુંદરતાનો શ્રેષ્ઠ સમન્વય છે

શું ખાશો અને શું ખરીદશો?

ગૅન્ગટૉકનું ભોજન એટલે ભારતીય, ચાઇનીઝ અને તિબેટિયન ખોરાકનું કૉમ્બિનેશન. અહીં વેજ અને નૉન-વેજ એમ બન્ને ઑપ્શન અવેલેબલ છે, પરંતુ વેજમાં વેરાયટી ઓછી છે. અહીંનું પસંદગીનું ફૂડ મોમોસ અને ઠુકપા છે. ગૅન્ગટૉકની લોકલ રેસ્ટોરાંમાં અહીંની પ્રખ્યાત વાનગી ટ્રાય કરવા જેવી છે. અહીં મળતી ચા અને કૉફીની અલગ ફ્લેવર માણવાની મજા આવશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK