ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૩૦૦

Updated: 29th December, 2018 10:47 IST | રશ્મિન શાહ

‘ફોજદારે કુલદીપસિંહની સાથે ભળીને મોટી યોજના બનાવી છે. મને અને તારા દીકરાને બેયને ફસાવી દેવાની...’

ડાકુ - લઘુકથા
ડાકુ - લઘુકથા

નવલકથા  

પોલીસચોકીએ થયેલી વાત અમરસિંહે રાંભીને કહેવાનું શરૂ કર્યું. પોલીસ ખાતાએ ઉપજાવેલી વાર્તા પણ તેમણે સંભળાવી અને એ શક્યતા વર્ણવતાં કહ્યું પણ ખરું કે બે ભાઈઓ વચ્ચે જમીન માટે અંટસ હોવાથી પોલીસ એવું માને છે કે અમરસિંહના કહેવાથી ભૂપતે તેના મોટા બાપુ કર્ણવીરસિંહની હત્યા કરી નાખી હોવાની શક્યતા છે.

‘સાચ્ચે, આ બધાય ખાખીવાળાને તો ડાયરામાં મોકલવા જોઈ. વાર્તા ઊભી કરવામાં કેવા પાવરધા છે.’

‘હં...’

અમરસિંહે માત્ર મસ્તક નમાવ્યું. મનમાં તો હતું કે કહી દે કે કેટલીક વાર્તા જીવનનો આખો અધ્યાય બદલી નાખનારી હોય છે અને અત્યારે એ જ થઈ રહ્યું છે.

મનમાં રહેલા આ શબ્દો ગળા નીચે ઉતારીને અમરસિંહે પોલીસચોકીનું આખરી ફરમાન પણ સંભળાવી દીધું.

‘કાલે સવારે ભૂપતને પોલીસચોકીએ હાજર કરવાનો છે. ફોજદાર પાસે થોડાક દિવસો માગ્યા; પણ તેણે ના પાડી દીધી, માન્યો નહીં.’

‘ભૂપતને હાજર ન કરીએ તો ફોજદાર શું કરી લેવાનો?’

‘તો ફોજદાર આપણા ઘરે આવી ભૂપતનું ફુલકે કાઢીને ગામ વચ્ચે વાજતે-ગાજતે પોલીસચોકીએ લઈ જાય...’

‘એમ કંઈ તેના બાપનો માલ થોડો છે.’ રાંભીની ભાષામાં રૂક્ષતા ઉમેરાઈ ગઈ હતી, ‘આવે તો ખરા લેવા મારા દીકરાને... એકેકના ટાંટિયા ભાંગી નાખું.’

રાંભીના અવાજમાં આવેલી રૂક્ષતા ખોટી નહોતી. આ રૂક્ષતા એક મહિલાની નહીં; દીકરાના જીવ માટે મનોમન વલખાં મારતી માની હતી, એક જનેતાની હતી.

‘કાયદા સામે કોઈનું કંઈ નથી ચાલતું રાંભી...’

માતૃભાવથી બહાર ઝળકી આવેલા શબ્દોને રોકતાં અમરસિંહે ચોખવટ પણ કરી, ‘તું કોઈ અઘટિત પગલું ભરે તો એ લોકો તને પણ પકડીને લઈ જાય ને હું જો સાથ નો દઉં તો મનેય જેલમાં નાખી દે.’

વરની અડધી જ વાત સાંભળીને રાંભીએ મોઢા પર સંભળાવી દીધું.

‘મને પકડે એનો મને વાંધો નથી. હમણાં જઈને ફાંસીના માંચડે ચડી જઉં, પણ મારા દીકરાને કંઈ થવું ન જોઈએ...’

‘જો એવું ચાલતું હોત તો અત્યારે હું નહીં પણ મારી લાશ ઘરે આવી હોત.’ અમરસિંહે રડતી રાંભીના ખભા પર હાથ મૂક્યો. એ સ્પર્શમાં સાંત્વન પણ હતું અને લાચારી પણ ટપકતી હતી, ‘ગ્રહ જ્યારે કપટ રમવા માંડે ત્યારે કર્મને દોષ દેવાને બદલે જિંદગી કિસ્મતના સહારે જીવવાની હોય, દુખી થવાને બદલે અત્યારે આ સંકટમાંથી માર્ગ શોધવાનું કામ આપણે સાથે મળીને કરવાનું છે.’

‘તમે જયેન્દ્રસિંહબાપુને વાત કરોને. તે કંઈક રસ્તો કાઢશે.’

‘હું ત્યાં જઈને જ આવ્યો...’

‘આ સમયે આવવાનું કારણ શું અમરસિંહ?’

જયેન્દ્રસિંહ તેમના શયનખંડમાંથી બહાર આવ્યા. અમરસિંહને દરબારગઢમાં બેસાડવાને બદલે તેમણે પોતાના દીવાનખંડમાં જ બોલાવી લીધા હતા. મહેલમાં મૂકવામાં આવેલી નવીનક્કોર ઘડિયાળમાં રાતના બાર વાગી ગયા હતા અને ઘડિયાળનો મોટો કાંટો પાંચના આંકડા પર જવા માટે થનગની રહ્યો હતો. દીવાનખંડનું આ ઘડિયાળ રાજકોટના વાઇસરૉય ખાસ લંડનથી લાવ્યા હતા. કાઠિયાવાડમાં આવું જ બીજું ઘડિયાળ તેમણે જૂનાગઢના નવાબ મહોબ્બતઅલી ખાનને ભેટ આપ્યું હતું.

‘આમ મધરાતે અચાનક શું આવવું પડ્યું?’

‘દરબાર, ફોજદાર મારા દીકરાને ફસાવી દે એવું મને લાગે છે.’

‘અધીરા નહીં થાઓ અને બન્યું શું એ માંડીને કહો?’ જયેન્દ્રસિંહે મનમાં આવેલા વિચારો પણ કહી જ દીધા, ‘ફોજદાર આ સમયે ઘરે આવ્યો હતો?’

‘ના, મને બોલાવ્યો હતો. પોલીસચોકીએ...’

અમરસિંહે વાત શરૂ કરી. વાત જેમ-જેમ આગળ વધતી ગઈ એમ-એમ જયેન્દ્રસિંહના ચહેરાની ઊંઘનું બાષ્પીભવન થવા લાગ્યું અને જ્યારે વાત પૂરી થઈ ત્યારે તેમના ચહેરા પર ગુસ્સાનું લાલચોળ આવરણ ચડી ગયું હતું.

‘ફોજદારની આ મજાલ!? સમજે છે શું તેના મનમાં...’

‘દરબાર, મારા દીકરાને બચાવો. કહેતાં હો તો હું દીકરા અને ઘરવાળીને લઈને ગામ છોડીને ચાલ્યો જઈશ, પણ આ જુલમમાંથી મને છોડાવો...’

‘નાસીપાસ થવાની જરૂર નથી અમરસિંહ... ભૂલો નહીં કે તમે ક્ષત્રિય છો. જરૂર પડ્યે જૂલ્મ સામે આગ બનીને ત્રાટકે એનું નામ ક્ષત્રિય.’

‘વાત સાચી તમારી... જો હથિયાર ન ઉપાડવાના સોગન ન લીધા હોત તો આજે એ ફોજદારની લાશ પોલીસચોકીએ પડી હોત અને માતાજીનાં દર્શન કરીને આવા હરામી પોલીસવાળા વિરુદ્ધ ક્યારનો બહારવટિયે ચડી ગયો હોત...’ અમરસિંહના અવાજમાં ખાનદાની ખુમારી ઝળકી ગઈ, ‘પણ નક્કી કર્યું છે કે ગમે એ થાય, અહિંસાના માર્ગે નથી ચાલવું. બસ, આ વચનને પાળવા મથી રહ્યો છું.’

‘અહિંસાનું પાલન એ હદે ન કરવાનું હોય કે દુનિયા ગણતરી નાર્મદમાં કરવા માંડે...’

જયેન્દ્રસિંહની ઇચ્છા નહોતી તોય તેમનાથી દાંત ભીંસાઈ ગયા હતા. મનોમન તેમણે મહાત્મા ગાંધીને બે-ચાર ભૂંડા શબ્દો પણ સંભળાવી દીધા. જે રીતે કલાકારો અને ભવાયાના પ્રશંસકો ઊભા થવા માંડ્યા હતા એ રીતે મહાત્મા ગાંધીના ચાહકો પણ વધવા માંડ્યા હતા. જો આમ જ ચાલુ રહેશે અને દુનિયા ગાંધીબાપુના અહિંસાના સિદ્ધાંતોને આમ જડની જેમ વળગી રહેશે તો એક દિવસ એવી હાલત થઈ જશે સેનામાં ભરતી થવા માટે કોઈ તૈયાર નહીં થાય અને યુદ્ધમાં તલવારને બદલે ઉપવાસનાં શસ્ત્રો ઉગામવાનો વારો આવી જશે.

‘સવારે ભૂપતને લઈને કેટલા વાગ્યે પોલીસચોકીએ જવાનું છે?’

‘નવ વાગ્યે...’

‘ઠીક છે, ચિંતા ન કરો. નવ વાગ્યે ભૂપતને બદલે હું પણ તમારી સાથે આવીશ.’

અમરસિંહના ચહેરા પર પહેલી વાર ખુશી પથરાઈ. તેણે લળીને એક નહીં પણ બે વખત સલામી આપી અને મહેલની બહાર નીકળ્યો. હવે તેના પગમાં પહેલાં જેવું જ જોર આવી ગયું હતું, પણ આ જોર ઝાઝો વખત ટક્યું નહીં.

‘દરબારે આટલો મોટો આશરો ઊભો કરી દીધો છે તો શું ચિંતા કરવાની હવે... કાલે સવારે તમે અને દરબાર ભેગા મળી ફોજદારને મળીને વાત કરી લ્યો એટલે વાત પૂરી થાય...’

‘રાંભી, એમ વાત પૂરી નહીં થાય... ફોજદાર આદું ખાઈને પાછળ પડ્યો છે.’

અમરસિંહે પોતાની વાત આગળ ધપાવી અને મહેલની બહાર જે કંઈ બન્યું એનું વર્ણન ઘરવાળીની સામે કર્યું.

‘શું અમરસિંહ, જયેન્દ્રસિંહની પૂંઠમાં ચક્કર મારી આવ્યા?’

ચિંતાને મહેલમાં જ છોડીને ઉતાવળ પગલે ઘરે જઈ રહેલા અમરસિંહની પીઠ સાથે અપમાનજનક અને બીભત્સ શબ્દો અથડાયા. અમરસિંહ પાછળ ફર્યા. પાછળની તરફ એક કે બે નહીં પણ

ત્રણ-ત્રણ ઘોડેસવારો ઊભા હતા. જેણે આવી હીન ભાષામાં વાત કરી હતી તે શખ્સ અજાણ્યો હતો અને અન્ય કોઈના ચહેરા દેખાતા નહોતા.

‘મહેમાન, સંબંધોની ગરિમા ઓળખી ન શકાતી હોય તો એ ગરિમાને તોડવાનું કામ ન કરવું જોઈએ.’

‘તમારા બધા સંબંધોની ગરિમાની મને ખબર છે અમરસિંહ...’ બોલનારા શખ્સના ચહેરા પર નામ પૂરતું પણ અજવાળું આવતું નહોતું એટલે તેનો ચહેરો કળી શકાતો નહોતો, પણ અવાજ પરથી અમરસિંહ તેને ઓળખી ગયા હતા, ‘એટલે જ તો તમે પોલીસચોકીએથી નીકળ્યા કે તરત જ મેં ધારણા માંડી લીધી હતી કે હવે આ માણસ સીધો જયેન્દ્રસિંહની મોજડી ચાટવા પહોંચશે.’

‘ફોજદાર, તમારે જોઈએ છે શું?’

‘ભૂપત... કાલે સવારે નવ વાગ્યે.’

‘પણ મારા એ છોકરાએ તમારું શું બગાડ્યું છે?’

‘એ બધી વાત આવતા દિવસોમાં કરીશું, તમારો છોકરો ગૂનો કબૂલી લે પછી.’ ફોજદારે ઘોડાની કમરમાં બૂટ ખૂંચાડ્યું એટલે એ દબાયેલા પગલે અને શિસ્તબદ્ધ રીતે આગળ વધ્યો, ‘અને વાત રહી તમારા અને જયેન્દ્રસિંહના આવવાની તો મારી ચોખવટ સાંભળી લો... અંગ્રેજ સરકારના નિમાયેલા પોલીસના કામમાં અડચણ ઊભી કરવા બદલ અને રાજની ધમકી આપી કામને બગાડવા બદલ હું તમારી તો ઠીક, જયેન્દ્રસિંહની પણ ધરપકડ કરી શકું છું... જો ધરપકડ ન કરું અને અંગ્રેજ સરકારને લેખિત ફરિયાદ કરી દઉં તો એક જ દિવસમાં અંગ્રેજોની સેના તમારા ગામ પર તૂટી પડશે... આગળ શું કરવું એ તમે વિચારી લેજો. દીકરાને કાયદાને સોંપતાં રોકવો છે કે પછી ગામને અંગ્રેજોને સોંપી દેવું છે... સારું એ તમારું.’

‘ફોજદાર હવે તમે સત્તાનો દુÊરુપયોગ કરી રહ્યા છો.’

‘હવે??!’ ફોજદાર હસ્યો, ‘ભલા માણસ, એ તો હું ક્યારનો કરી રહ્યો છું. તમને ખબર છે આ બન્ને કોણ છે? આ છે સમશેર અને આ છે ગોવિંદ... આ બેય કોણ છે ખબર છે તમને?’

અમરસિંહે નકાર સાથે માથુ ધુણાવ્યું.

‘કાલે સવારે ખબર પડી જશે. તમારો છોકરો આ બેયનાં ડાચાં જોઈને ચડ્ડી ભીની કરે ત્યારે તમને સમજાઈ જશે કે આ બેય કોણ છે...’

અમરસિંહ ફોજદારના શબ્દોનો ભાવાર્થ સમજે ત્યાં સુધીમાં ત્રણેય ઘોડાઓ દૂર નીકળી ગયા હતા. અમરસિંહે ઘરની ગલીમાં પગમાં મૂક્યો ત્યાં તેમના કાને ધડાકાઓ સંભળાયા. એ સમયે તો અમરસિંહે એવું ધારી લીધું હતું કે જંગલી જનાવરને મારવા માટે સિપાઈઓએ ફાયરિંગ કર્યું હશે, પણ તેમની આ ધારણા ખોટી હતી. થયેલા એ બંદૂકના ધડાકાઓ ફોજદારે કર્યા હતા અને એ બે ધડાકામાં સમશેર અને ગોવિંદ માર્યા ગયા હતા.

- હવે કરવું શું?

રાતના અંતિમ પહોરની શરૂઆત થઈ ત્યારે પણ ચૌહાણ દંપતીને આ પ્રfનનો જવાબ નહોતો મળ્યો. હા, બન્નેને એટલું ચોક્કસ સમજાઈ ગયું હતું કે જો કોઈ પગલું ભરવામાં નહીં આવે તો ચોક્કસપણે તેમણે દીકરો ગુમાવવાનો વારો આવવાનો છે. રાજપૂત લોહીને દીકરો ગુમાવવાનો કોઈ શોક નહોતો, પણ દીકરાને આ રીતે છળકપટમાં હોમી દેવો પડે એ વાતનો રંજ ચોક્કસ હતો.

‘મને એક વાત સૂઝે છે આપણે અત્યારે ગામ છોડીને નીકળી જાય તો?’ રાંભીએ અમરસિંહને રસ્તો દેખાડ્યો. આ રસ્તો કેટલો વાજબી હતો એ તો રાંભીને નહોતી ખબર, પણ એક મા તરીકે અત્યારે તેને આ જ રસ્તો સર્વશ્રેષ્ઠ લાગ્યો હતો. ‘રાજકોટ મારા ભાઈને ત્યાં ચાલ્યા જઈએ. પછી આપણે પાછા જ નહીં આવીએ.’

‘આંખો બંધ કરી દેવાથી સંકટ ટળતું નથી.’

‘સકંટનો સામનો કરવાની પહેલી રીત એક છે, સલામત થઈ જાય. જો સલામતી જળવાયેલી રહેશે તો સંકટનો સામનો કરવાની હિંમત અને કુનેહ બન્ને આપોઆપ આવી જશે.’

અમરસિંહને આ શબ્દો ગળે ઊતર્યા, પણ સૂચવવામાં આવેલો રસ્તો વાજબી લાગ્યો નહીં. તેમને ખબર હતી કે રાજકોટ ગયા પછી ફોજદાર ધારે તો કયાં પગલાં ભરી શકે છે અને કઈ રીતે તેમને શોધી શકે છે. તે એ પણ જાણતા હતા કે ફોજદારે કુલદીપસિંહ સાથે મળીને વર્ષો જૂની અદાવતને ઘરનો પ્રfન બનાવી દીધો હતો અને સગા મોટા ભાઈની હત્યાનો આરોપ આ બાપ-દીકરા પર ઢોળી દેવાની તૈયારીઓ કરી લીધી હતી. ઘટના કોઈએ નજરે જોઈ નહોતી. એવામાં આ ઘટનામાં પોતે નિર્દોષ છે કે ભૂપતનો કોઈ હાથ નથી એ પુરવાર કરવાનું કામ પણ અઘરું જ નહીં, લગભગ અશક્ય હતું.

હત્યાનો આરોપ અને એ આરોપ પછી ગામ છોડીને ભાગી જવાનું કારસ્તાન.

‘રાંભી, ભાગી જવાનો અર્થ એક જ નીકળે છે કે આપણે ફોજદારનો આરોપ સ્વીકારી લીધો છે. પાછા પગ કરવા કરતાં તો બહેતર છે કે આ કપોળકલ્પિત આક્ષેપોનો સામનો આપણે સામી છાતીએ કરીએ.’

‘છાતી સલામત રહેશેને?!’

સવાલની સાથે રાતના અંધકારના સન્નાટામાં અનુકંપા પણ રેલાઈ ગઈ. રાંભી અમરસિંહને જોઈ રહી અને અમરસિંહ જમીન તરફ એકીટશે તાકીને બેસી રહ્યા. જાણે કે આ સવાલનો જવાબ જમીનમાંથી સ્ફુરવાનો હોય.

આ ખામોશી ત્યારે તૂટી જ્યારે ઘોડી બીજલની હણહણાટી સંભળાઈ.

અમરસિંહે આંખો ઊંચી કરી. ભૂપત જાગી ગયો હતો અને ખાટલામાં બેઠો બીજલને જોઈ રહ્યો હતો. ઘોડીને જ્યાં બાંધવામાં આવી હતી એ વાડામાં બીજલ થનગનતી હતી. કર્ણવીરસિંહના મોત પછી ભૂપતની જેમ જ સૂનમૂન બેસી રહેતી બીજલ આજે પહેલી વખત રંગ દેખાડતી હતી. અમરસિંહ ચૂપચાપ ઊભા થયા અને વાડાની નજીક જઈને તેમણે બીજલના થાળમાં થોડા ચણા અને ગોળ નાખ્યા. બીજલે પહેલાં પોતાના થાળને જોયો અને પછી અમરસિંહને જોયા. અમરસિંહ ત્યાં સુધીમાં ફરી ઘરના ઓટલા પર ગોઠવાઈ ગયા હતા. બીજલે થાળમાં મોઢું માંડવાને બદલે ફરી વખત હણહણાટી કરી.

First Published: 29th December, 2018 10:04 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK