દહિસરમાં ચોરોની ખુલ્લેઆમ દહેશત

Published: 3rd November, 2011 23:54 IST

રેલવે-સ્ટેશન પરિસર અને ગુજરાતી એરિયા મેઇન ટાર્ગેટ, પોલીસ-પ્રશાસનને જગાડવા બીજેપી કરશે મોટું આંદોલનદહિસરના રેલવે-સ્ટેશનની આસપાસના ગીચવાળા પરિસરમાં ચેઇન-સ્નૅચિંગ તેમ જ ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. એમાં પણ સૌથી વધારે બનાવો ગુજરાતીઓેની વસ્તી ધરાવતા પરિસરમાં બનવાને કારણે લોકોમાં ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે.

દહિસર રેલવે-સ્ટેશન પાસે આવેલા સ્ક્ાયવૉક તેમ જ ફૂટઓવર બ્રિજ પર અને સ્ટેશનની આસપાસના પરિસર જેમ કે લોકમાન્ય ટિળક રોડ, એસ. વી. રોડ, એલ. ટી. રોડ, એલઆઇસી કૉલોની, આઇસી કૉલોની જેવા કેટલાય પરિસરમાં ધોળે દિવસે ચોરોએ પોતાની દહેશત ફેલાવી રાખી છે.

પોલીસ-ફરિયાદનો ફાયદો નથી

દહિસર (વેસ્ટ)માં જયવંત સાવંત રોડ પર આવેલી ચંદ્રલોક દહિસર કો-હાઉસિંગ સોસાયટીના ચૅરમૅન તિલક કાર્લાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સોસાયટી રેલવે-સ્ટેશનના પૅરૅલલ રોડ પર આવેલી છે. અમારા પરિસરમાં ચોરોનું પ્રમાણ એટલું વધી ગયું છે કે ખુલ્લેઆમ તેઓ ચોરી અને લૂંટફાટ કરવા લાગ્યા છે. પોલીસમાં ફરિયાદ કરી છે છતાં કોઈ યોગ્ય કાર્યવાહી નથી થતી એટલે અમે અમારા ખર્ચે અહીં સિક્યૉરિટી વધારી દીધી છે. પોલીસ દ્વારા અમને કોઈ પણ પ્રકારની મદદ મળી નથી રહી.’

પોલીસનું શું કહેવું છે?

ચોરીની ઘટનામાં થયેલા વધારા સંબંધે જણાવતાં બોરીવલી (વેસ્ટ)ના એમએચબી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુરેશ કિજેલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પોલીસ દ્વારા બધા જ પરિસરમાં રાત-દિવસ પૅટ્રોલિંગ કરવામાં આવે છે. થોડાઘણા બનાવ અહીં બન્યા છે, પણ અમે કાર્યવાહી કરીને ચોરોની ધરપકડ પણ કરી રહ્યા છીએ. લોકોએ પણ કાળજી રાખવી જોઈએ. અમે બધા પરિસરોમાં સાવચેત રહેવા માટે મોટાં ર્બોડ પણ માર્યા છે.’

દહિસર-ઈસ્ટ પોલીસ-સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ રાણેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં તો અમે આવા બનાવો પર સારો કન્ટ્રોલ ક્ર્યો છે. લોકોએ પણ પોલીસને સહકાર આપવો જોઈએ.

જોરદાર આંદોલનની ચેતવણી

અમારી પાસે ચોરીના વધેલા કિસ્સાઓ સંદર્ભે કેટલીયે ફરિયાદ આવી છે એમ જણાવીને વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દહિસરમાં ચોરી અને ખાસ કરીને ચેઇન-સ્નૅચિંગનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. મેં ડીસીપી (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) મહેશ પાટીલને આ વિશે જાણ કરી હતી એમ છતાં કંઈ થયું ન હોવાથી મેં ઍડિશનલ પોલીસ-કમિશનર રામારાવ પવારને પણ ફરિયાદ કરી છે. તેથી હવે અડવાણીની જનચેતના યાત્રા બાદ પોલીસને જણાવ્યા વગર જ જોરદાર આંદોલન કરીને ઊંઘતી પોલીસની આંખ ઉઘાડવાની છે.’

આ બાબતે દહિસર બીજેપી એકમના નેતા ચંદ્રશેખર રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં છેલ્લા કેટલાય સમયથી દહિસરનાં પોલીસ-સ્ટેશનો, દહિસર, બોરીવલી રેલવે-પ્રશાસન, મુંબઈ સેન્ટ્રલ ડી.આર.એમ. (ડિવિઝનલ રેલવે-મૅનેજર) વગેરે કેટલીયે જગ્યાએ ફરિયાદ કરી છે છતાં હજી પણ ધોળે દિવસે ચોરીઓ અને ચેઇન-સ્નૅચિંગના બનાવો બની રહ્યા છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK