આજે દાદરમાં થઈ રહેલી દીક્ષાની કંકોતરી જોવા ને વાંચવા જેવી છે

Published: 2nd December, 2012 04:58 IST

આજે દાદર (વેસ્ટ)ની ઍન્ટોનિયો દ સિલ્વા સ્કૂલના ગ્રાઉન્ડમાં દીક્ષા ગ્રહણ કરી રહેલા અનિલ શાહની કંકોતરીનો કૉન્સેપ્ટ એકદમ અનોખો અને અનેરો છે. ન્યુઝપેપરના ફૉર્મેટમાં બનાવવામાં આવેલી આ નિમંત્રણપત્રિકાનું ટાઇટલ ‘ધી જિનાજ્ઞા ટાઇમ્સ’ આપવામાં આવ્યું છે અને ફુલ સાઇઝના છાપાના એક પાનાની બેઉ બાજુ વર્તમાનપત્રમાં આવતા હોય એ જ પ્રમાણે મુખ્ય સમાચાર, સંક્ષિપ્ત ખબરો, ટૂંકું ને ટચ, જાહેરખબરો, કોયડાઓ, શબ્દસંધાન, શાબ્દિક રમતો, ફોટોગ્રાફ સહિત છપાઈ છે.જૈન શાસન અને દીક્ષાના ગુણો, ફાયદાઓને ન્યુઝની રીતે લખીને તૈયાર કરવામાં આવેલું આ ઇન્વિટેશન-કાર્ડ અભયશેખરસૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય ચિતશેખરવિજય મહારાજસાહેબે ક્રીએટિવ માઇન્ડની નીપજ છે. ચિતશેખરવિજય મહારાજસાહેબના આ સંદર્ભે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દીક્ષાર્થીઓની કંકોતરીમાં તેમનો પરિચય લખવાનો હોય છે જેમાં તેમની સામાજિક, ધાર્મિક, આધ્યાત્મિક લબ્ધિઓ વિશે લખવામાં આવે છે. અમારા ગુરુભાઈ બનનારા અનિલભાઈનો પ્રોફાઇલ સામાન્ય વ્યક્તિઓની સાપેક્ષમાં નિરાળો છે. તેઓ ૧૫ વર્ષથી સમાજ, દેશ અને ધર્મને લગતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હતા અને મૂંગા મોઢે આ કાર્યો કર્યા બાદ ક્યારેય તેમણે એ કામકાજ માટે કોઈ ગૌરવ કે સન્માન નથી સ્વીકાર્યું. આથી અમે વિચાર્યું કે અનિલભાઈના આ પાસાને ઉજાગર કરવો જ જોઈએ અને એક ટિપિકલ કંકોતરીની સ્ટાઇલને બદલે એવું કંઈક કરીએ જેમાં ટૂંકાણમાં અનિલભાઈનો પરિચય, સંસારની અસારતા અને સંયમની સાર્થકતા એમ ત્રણેય મુદ્દાઓને આવરી લેવાય.’

A4 સાઇઝમાં ફોર ફોલ્ડ થયેલા આ ‘ધી જિનાજ્ઞા ટાઇમ્સ’માં તંત્રી, માલિકો, છાપનારનું નામ તો છે જ અને સાથે વર્તમાનપત્રના ઈ-મેઇલ આઇડી અને વેબસાઇટ સહિત દરેક છાપાના હોય એવા RNI NO. અને Regd No.ની ડીટેલ્સ પણ આપવામાં આવી છે. વળી ચિલ્ડ્રન્સ ટાઇમ્સના સેક્શનમાં ‘પ્રિપરેશન ઑફ દીક્ષા’ના ટૉપિક પરની કૉમિક પટ્ટી પણ કાબિલેદાદ છે. જોકે બહુ ગાજેલા FDI (ફૉરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ)ના ન્યુઝને અહીં મુખ્ય સમાચાર તરીકે લેવામાં આવ્યા છે જેમાં સંયમને ફિયરલેસ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગણાવવામાં આવ્યો છે અને આ કાયદાથી શું-શું અસરો થશે એનું મસ્ત વિવરણ કરવામાં આવ્યું છે.

મૂળે રાપર તાલુકાના બાલાસર ગામના બે ચોવીસી સમાજના અનિલ શાહની ‘પ્રવ્યજ્યા આમંત્રણ પત્રિકા’ જેટલી નોખી છે એટલું જ નોખું તેમનું વ્યક્તિત્વ છે. પહેલાં દાદર (વેસ્ટ)માં અને છેલ્લા એક વર્ષથી ઘાટકોપર (વેસ્ટ)માં સંઘાણી એસ્ટેટમાં રહેતા અનિલ-‘દાદર’ના હુલામણા નામે ઓળખાતા ૩૫ વર્ષના અનિલભાઈ ૨૧ વર્ષ પૂર્વે વતનથી મુંબઈ કમાવા આવ્યા અને દાદરમાં જ રેડીમેડ ગાર્મેન્ટનું કારખાનું શરૂ કર્યું. એસએસસી સુધી ભણેલા અનિલભાઈએ કહ્યું હતું કે ‘અમે જૈન હતા, પણ નાનપણમાં કે તરુણાવસ્થામાં ધાર્મિક લાગણીઓ નહીંવત્. કંદમૂળ ખાતા અને રાત્રિભોજન પણ કરતા. એ અરસામાં જ મને મુંબઈ આવ્યા પછી એકાદ વર્ષમાં એક કલ્યાણમિત્ર મળી ગયા જેમના સંગાથે હું ધર્મ પ્રત્યે વળ્યો અને સંસારની નિરર્થકતા સમજાઈ. મમ્મી-પપ્પા પાસે દીક્ષા લેવાની અનુમતિ માગી, પણ મંજૂરી ન મળી. પછી મેં મધ્યમ માર્ગ અપનાવ્યો. લગ્ન નથી કરવાં એ નક્કી કરી સમાજ, દેશ અને ધર્મની સેવા કરવી છે એવું નક્કી કરી લીધું અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત થઈ ગયો.’

આ વ્યવસ્થા અનિલભાઈનાં માતા-પિતા જયાબહેન અને કાન્તિલાલભાઈને પણ મંજૂર હતી. વળી નાના ત્રણ ભાઈઓએ પણ ધંધો સંભાળી લીધો હતો. આથી અનિલભાઈ સેવાક્ષેત્રે પ્રવૃત્ત રહે એમાં કોઈને વાંધો નહોતો અને ઉંમરના વીસમા વરસથી જ અનિલભાઈ વર્ધમાન સંસ્કૃતિ ધામ, સમસ્ત મહાજન જેવી સંસ્થાઓના નેજા હેઠળ યોજાતાં સામાજિક અને ધાર્મિક કાર્યોમાં જોડાઈ ગયા. કારગિલ માટે ફન્ડ ઊભું કરવાનું હોય કે જીવદયા, પાંજરાપોળ, ઢોરવાડા માટે કામ કરવાનું હોય; અનિલભાઈ અગ્રેસર જ હોય. જોકે તેમણે ફક્ત પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ નથી કરી. ગુજરાતમાં ભૂકંપ વખતે, બિહારના પૂર વખતે અને દક્ષિણ ભારતમાં આવેલી સુનામી વખતે અનિલભાઈએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બેથી છ મહિના સતત રહી ગ્રાસરૂટ લેવલે રાહતકાર્ય કર્યું હતું. કુદરતી હોનારતો વખતે શરૂઆતમાં ભોજન પછી આવાસ, ઘરવખરી અને પીડિતોને સંપૂર્ણપણે વિસ્થાપિત કરવા સુધીનું કામ કરનારા અનિલભાઈ અને શ્રી દાદર આરાધના ભવનની ટીમે ક્યારેય કોઈ પબ્લિસિટી નથી કરી અને કાર્યોની જાહેરાત પણ નથી કરી.

સમાજસેવાની ધખતી ધૂણીમાંથી ફરી સંયમમાર્ગે જવાના અચાનક આવેલા ટ્વિસ્ટ વિશે જણાવતાં અનિલભાઈએ કહ્યું હતું કે ‘ગયા વર્ષે એક મિત્ર તરફથી ઉપધાનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં હું એ આયોજનમાં મદદરૂપ થવા ગયેલો. મિત્રના આગ્રહથી ઉપધાન તપમાં જોડાઈ ગયો અને ફરી પાછું મન દીક્ષા લેવા તલપાપડ થઈ ગયું અને માતા-પિતા પાસે રજામંદી માગી અને તેમણે હોંશે-હોંશે આપી દીધી.’

- અલ્પા નિર્મલ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK