ગયા અઠવાડિયે એક મહિલાની ફરિયાદના આધારે મલાડ પોલીસે બે ચેઇન-સ્નૅચર્સની ધરપકડ કરી હતી. આમાંનો એક લૂંટારો નવરાત્રિમાં મહિલાઓનાં સોનાનાં ઘરેણાં ઝૂંટવી લેવા ખાસ દિલ્હીથી મુંબઈ આવ્યો હતો. તેણે તેના સાથીદાર સાથે ભેગા મળીને મલાડ, બોરીવલી અને કાંદિવલીમાંથી ઘરેણાંની લૂંટ ચલાવવાની યોજના સાથે માત્ર ૧૦ દિવસ માટે ઘર ભાડે લીધું હતું. ધરપરડ કરાયેલી બન્ને વ્યક્તિની ઓળખ ૩૨ વર્ષના રાજેશ ઉર્ફે વિજય ખિચ્ચડ અને ૨૬ વર્ષના રવિ બાગડી તરીકે કરવામાં આવી હતી.
૧૮ ઑક્ટોબરે મલાડના સુંદરનગરમાં બનેલી ઘટનાની તપાસ કરતાં વરિષ્ઠ પોલીસ અધિકારી જ્યૉર્જ ફર્નાનન્ડિસની દેખરેખ હેઠળની ટુકડીએ આરોપીઓ દ્વારા ગુના માટે ઉપયોગમાં લેવાયેલી બાઇક જોગેશ્વરી-ઈસ્ટમાં આવેલા બિંબીસાર નગરમાંથી શોધી કાઢ્યા બાદ ૨૩ ઑક્ટોબરે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ફરિયાદીએ આપેલી વિગતોના આધારે અમે ૧૦૦ જેટલા સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસ્યા બાદ જોગેશ્વરીથી બાઇક શોધી કાઢીને છટકું ગોઠવીને ૨૩ ઑક્ટોબરે બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમ્યાન ખિચ્ચડે કહ્યું હતું કે અગાઉ તે મુંબઈમાં રહેતો હતો અને પછીથી દિલ્હી ગયો હતો, જ્યાં વિવિધ પોલીસ સ્ટેશનમાં તેના નામે ચેઇન-સ્નૅચિંગ અને લૂંટના ૮૦ કરતાં વધુ ગુના નોંધાયા છે.