Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જાંબાઝ મહિલા ઇન્સ્પેક્ટરે પ્રેગ્નન્ટ મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

જાંબાઝ મહિલા ઇન્સ્પેક્ટરે પ્રેગ્નન્ટ મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

08 July, 2020 08:06 AM IST | Mumbai
Mumbai correspondent

જાંબાઝ મહિલા ઇન્સ્પેક્ટરે પ્રેગ્નન્ટ મહિલા અને બાળકનો જીવ બચાવ્યો

બે જીવ બચાવનારી આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડ.

બે જીવ બચાવનારી આઝાદ મેદાન પોલીસ સ્ટેશનની સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડ.


કોરોનાના અત્યારના સમયમાં કોઈને જીવલેણ વાઇરસનું સંક્રમણ થાય તો સગાં-સંબંધી, મિત્રોથી માંડીને પાડોશીઓ મુશ્કેલીના સમયે મોઢું ફેરવી લેતા હોય છે ત્યારે વરસાતા વરસાદમાં રાત્રે રસ્તામાં પ્રસવપીડાથી તરફડી રહેલી પ્રેગ્નન્ટ મહિલાની મદદે એક બાહોશ કર્તવ્યનિષ્ઠ મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર આવી હોવાની ઘટના તાજેતરમાં મેટ્રો સિનેમા પાસે બની હતી. વરસતો વરસાદ, રાતનો સમય અને કોરોનાના સંક્રમણના ભય વચ્ચે ડૉક્ટર અને ઍમ્બ્યુલન્સ માટે ત્રણ કલાક સુધી મદદ માગીને મહિલા પોલીસ અધિકારીએ નવજાત બાળક અને તેની માતાને ઉગારી લીધી હતી. બાળક-માતા અત્યારે એકદમ સ્વસ્થ છે.

આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહેલી સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડની ૪ જુલાઈએ નાઇટ ડ્યુટી હોવાથી તે પોતાના સાયન ખાતેના ઘરેથી ભારે વરસાદ વચ્ચે બાઇક પર રાત્રે ૧૦ વાગ્યે પોલીસ સ્ટેશન પહોંચી હતી. સબ-ઇન્સ્પેક્ટરની ડ્યુટીમાં તે રાત્રે આઝાદ મેદાન મોબાઇલ નંબર વન વેહિકલ પર હતી. નાકાબંધી હોવાથી રાતના ૩ વાગ્યા સુધી તે રસ્તા પર હતી.



ત્યાર બાદ પ્રિયા ગરુડ તેના સાથી-કર્મચારીઓ સાથે આઝાદ મેદાન પોલીસ સ્ટેશન પહોંચીને રેઇન કોટ કાઢતી હતી ત્યારે એક મહિલાએ તેના મોબાઇલ પર ફોન કરીને માહિતી આપી હતી કે મેટ્રો ટૉકીઝ પાસેની ફુટપાથ પર એક મહિલા તરફડી રહી છે અને મદદ માટે બૂમો પાહી રહી છે. આથી તમે તરત અહીં આવો.
મહિલાનો ફોન મૂકીને પ્રિયા રાત્રે ચાર વાગ્યે ઘટનાસ્થળે પહોંચી ત્યારે તેણે ફુટપાથ પર એક ત્રીસેક વર્ષની પ્રેગ્નન્ટ મહિલાને પ્રસવપીડાથી નગ્ન અવસ્થામાં તરફડતી જોઈ હતી. બાળકનો ગમે ત્યારે જન્મ થઈ શકે એવી સ્થિતિ હોવાથી પ્રિયાએ ઍમ્બ્યુલન્સ બોલાવવા માટે પોલીસ કન્ટ્રોલ રૂમથી માંડીને પાલિકાના આરોગ્ય વિભાગ અને આસપાસની હૉસ્પિટલમાં સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ આવવા તૈયાર નહોતું થયું.


પ્રિય ગરુડના જણાવ્યા મુજબ આ દરમ્યાન મહિલાએ એક બાળકને જન્મ આપી દીધો હતો. તેની નાળ કાપવી જરૂરી હોવાથી સરકારી હૉસ્પિટલના ડૉક્ટરોનો પ્રિયાએ સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે વરસાદ અને કોવિડના કારણે ઘટનાસ્થળે આવવામાં અસમર્થતા દાખવી હતી. ત્રણ કલાકની મહેનત બાદ ૧૦૮ ઍમ્બ્યુલન્સ ડૉક્ટર સાથે પહોંચી હતી અને ડૉક્ટરે પીપીઈ કિટમાં વીંટાળીને નવજાત બાળકની નાળ કાપી હતી. બાદમાં ઍમ્બ્યુલન્સમાં લઈ જઈને બન્નેને કામા હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યાં હતાં.

સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડના પ્રયાસથી નવજાત બાળક અને તેની માતાનો જીવ બચી ગયો હતો. આઝાદ નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિદ્યાસાગર કાલકુંદ્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાતનો સમય, ભારે વરસાદ અને કોવિડના સંક્રમણની શક્યતા હોવા છતાં સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડે ખાકી વરદીની ફરજ તથા માનવતા દાખવીને ફુટપાથ પર તરફડી રહેલી એક ગરીબ મહિલા અને તેના નવજાત બાળકના જીવ બચાવ્યા છે. તેના કામની આજે ચારેબાજુએ પ્રશંસા થઈ રહી છે. ફુટપાથ પરની મહિલા માનસિક રીતે અસંતુલિત છે અને તેની સાથે રહેતો પતિ ગાયબ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. તે મહિલા અને નવજાત બાળક અત્યારે કામા હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.’


સબ-ઇન્સ્પેક્ટર પ્રિયા ગરુડે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘પોલીસની ડ્યુટીની સાથે મુશ્કેલીમાં પડેલી કોઈ વ્યક્તિને મદદ કરવાની ફરજ મેં અદા કરી છે. મારું માનવું છે કે આપણા થોડા પ્રયાસથી કોઈનો જીવ બચતો હોય તો એ કામ કરવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2020 08:06 AM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK