Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેઇન ગેટને તાળાં મારો

મેઇન ગેટને તાળાં મારો

04 April, 2020 07:27 AM IST | Mumbai Desk
Prakash Bambhrolia

મેઇન ગેટને તાળાં મારો

મીરા રોડમાં આવેલા ધરતી કૉમ્પ્લેક્સમાં તાળાબંધી કરવામાં આવી છે.

મીરા રોડમાં આવેલા ધરતી કૉમ્પ્લેક્સમાં તાળાબંધી કરવામાં આવી છે.


દિલ્હીના તબ્લિગી જમાતના કાર્યક્રમમાં અહીંથી ૧૫ લોકો ગયા હોવાની ચર્ચાથી પણ સ્થિતિ ગંભીર થવાની શક્યતાથી સાવચેતીના પગલારૂપે પાલિકાના કમિશનરે કડક વલણ અપનાવ્યું

અનેક વખત વિનંતીઓ કર્યા બાદ અને સૂચના આપ્યા બાદ પણ લોકો કામ વિના ઘરની બહાર નીકળીને પોતાની સાથે બીજાઓના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હોવાથી અમારે સખત વલણ અપનાવવું પડ્યું છે. - ચંદ્રકાન્ત ડાંગે, કમિશનર



મીરા-ભાઈંદરમાં કોરોનાના એક પરિવારના ચાર તથા અન્ય બે પેશન્ટ્સ સામે આવ્યા બાદ પણ આ જીવલેણ પરિસ્થિતિને લોકો ગંભીરતાથી લેતા ન હોવાથી પાલિકા પ્રશાસન અને પોલીસ દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવાના ઉપાય કરાઈ રહ્યા છે. લોકો પર નિયંત્રણ રાખવા માટે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની નિયુક્તિ કરાયા બાદ પાલિકાએ ગઈ કાલે દરેક સોસાયટીને બિલ્ડિંગનો ગેટ બંધ રાખીને દરેક આવતી-જતી વ્યક્તિ પર નજર રાખવાનો આદેશ આપ્યો હતો. આ આદેશનું પાલન નહીં થાય તો સોસાયટીના ચૅરમૅન અને સેક્રેટરી સામે કાયદાકીય કાર્યવાહી કરવાનું પણ પાલિકાના કમિશનર ચંદ્રકાન્ત ડાંગેએ કહ્યું છે.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ક્ષેત્રમાં આવતા નયા નગરમાં એક જ પરિવારના ૪ લોકોને કોરોના વાઇરસનું સંક્રમણ થતાં તેમની અત્યારે જુદી-જુદી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સિવાય અન્ય બે જણનો ટેસ્ટ-રિપોર્ટ પણ પૉઝિટિવ આવતાં આ વિસ્તારમાં કોરોનાના ૬ પેશન્ટ મળી આવ્યા છે. આવી સ્થિતિ હોવા છતાં કંઈક ને કંઈક ખરીદવાના બહાને લોકો સ્કૂટર પર કે ચાલીને મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી રહ્યા હોવાનું જાણવા મળતાં પ્લેઝન્ટ પાર્ક, નયા નગર સહિતના વિસ્તારોમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની નિયુક્તિ કરવામાં આવી છે.
પાલિકા દ્વારા સવારે અમુક કલાક કરિયાણા, શાકભાજી લેવા માટે ઘરની બહાર નીકળવાની છૂટ અપાઈ છે. આ સમયે લોકો જરૂરી ચીજવસ્તુઓ લઈ લે છે, પરંતુ એ સિવાયના સમયમાં પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા હોવાની ફરિયાદ પાલિકાને મળી રહી છે. પોલીસ લોકોને લાકડી-દંડા ફટકારીને ઘરમાં જવાનું કહેતા હોવા છતાં તેઓ જરાય માનતા નથી.
મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર ચંદ્રકાન્ત ડાંગેએ એક વિડિયોના માધ્યમથી આખા વિસ્તારમાં સંપૂર્ણ લૉકડાઉનનું પાલન થાય એ માટે હાઉસિંગ સોસાયટીઓના ચૅરમૅન અને સેક્રેટરીને તાળું મારીને ગેટ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. વિડિયોમાં કેટલીક સૂચના આપી છે, જેમ કે સોસાયટીના ગેટ પર એક રજિસ્ટર રાખીને દરેક આવતા-જતા લોકોની નોંધ કરવી, શાકભાજી કે બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા માટે સોસાયટીમાં રહેતા બે-ત્રણ જણને જવાબદારી સોંપવી. એ સિવાયના લોકોને બહાર ન જવા દેવા. આસપાસના શાકભાજી વેચનારાઓનો સંપર્ક કરીને તેમને સોસાયટીના પરિસરમાં બોલાવીને અમુક સમય વેચાણ માટે ઉપલબ્ધ કરાવવા. કોઈ પણ સોસાયટીના લોકો કામ વિના બહાર નીકળતા જણાશે તો એ સોસાયટીના ચૅરમૅન કે સેક્રેટરીને જવાબદાર ગણાવાશે.
મીરા-ભાઈંદરમાં અત્યાર સુધી કોરોનાના વાઇરસ સંક્રમિત પેશન્ટ્સની સંખ્યા ૬ છે, જ્યારે ગુરુવારે નવા ૨૦ શંકાસ્પદ દરદી સામે આવતાં તેમને અહીંની ભારતરત્ન પંડિત ભીમસેન જોશી હૉસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રખાયા છે.


તબ્લિગીના કાર્યક્રમમાં ગયેલાઓમાંથી ઘણાનો હજી સુધી પત્તો નથી મળી રહ્યો

દિલ્હીના નિઝામુદ્દીનમાં તબ્લિકી જમાત દ્વારા આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં મીરા-ભાઈંદરના ૧૫ લોકો ગયા હોવાની યાદી કલેક્ટર ઑફિસ દ્વારા પાલિકાને મળી હતી. જોકે પાલિકાએ આ તમામ લોકોના ઘરે જઈને ચકાસણી કરતાં આ લિસ્ટમાંના બે જણ અહીં રહેતા હોવાનું જણાયું છે. પાલિકાએ જારી કરેલી અખબારી યાદીમાં જણાવાયું છે કે લિસ્ટમાં ભાઈંદરમાં રહેતી એક ક્રિશ્ચિયન મહિલા અને એક મુસ્લિમ મહિલા સહિત ૧૫ નામ છે. આ બેમાંથી કોઈ પણ કાર્યક્રમમાં ન ગયાં હોવાનું જણાયું છે, જ્યારે બાકીના ૧૩ જણ અહીં ૧થી ૨ વર્ષ પહેલાં રહેતા હોવાથી તેમના મોબાઇલ-નંબર લેતી વખતે તેમણે કંપનીને આપેલી વિગતમાં અહીંનું ઍડ્રસ છે. એક મામલામાં લિસ્ટમાં જેમનું નામ છે તેમનો મોબાઇલ બીજું જ કોઈ વાપરી રહ્યું છે. પાલિકાને કલેક્ટર ઑફિસમાંથી બીજા કેટલાક લોકોનું લિસ્ટ મળ્યું છે એની અત્યારે તપાસ ચાલી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 07:27 AM IST | Mumbai Desk | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK