8 મેથી મુંબઈ-થાણે કામ પર જનારાઓને કલ્યાણ-ડોમ્બિવલી, ઉલ્હાસનગરમાં નો એન્ટ્રી

Published: 6th May, 2020 08:58 IST | Mumbai Correspondent | Mumbai

બન્ને મહાનગરપાલિકા ક્ષેત્રમાં કોરોનાના દરદીઓની સંખ્યા વધી રહી હોવાથી પાલિકાએ નિર્ણય લીધો : આ તમામ અધિકારી-કર્મચારીઓ માટે તેમના કામના સ્થળ નજીક મુંબઈ મહાનગરપાલિકાએ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી

મુલુંડ પૂર્વ ટોલ નાકા પર પોલીસ નાકાબંદી
મુલુંડ પૂર્વ ટોલ નાકા પર પોલીસ નાકાબંદી

કલ્યાણ-ડોમ્બિવલી અને ઉલ્હાસનગર મહાનગરપાલિકાના ક્ષેત્રમાંથી મુંબઈ-થાણે કામે જનારાઓને ૮ મેથી આ બન્ને ક્ષેત્રમાં પ્રવેશ ન આપવાનો આદેશ ગઈ કાલે કાઢવામાં આવ્યો હતો. બન્ને ક્ષેત્રમાં કોરાનાના કેસમાં સતત થઈ રહેલા વધારાને ધ્યામાં રાખીને બન્ને મહાનગરપાલિકાના કમિશનરોએ આવો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું હતું. આ સિવાય મુંબઈ અને થાણેમાંથી કોઈ વ્યક્તિ કલ્યાણ-ડોમ્બિવલી કે ઉલ્હાસનગરમાં ન પ્રવેશે એનું ધ્યાન રાખવાની સૂચના પાલિકાના કમિશનરોએ પોલીસને આપી છે.

કલ્યાણ-ડોમ્બિવલીમાં ગઈ કાલે કોરોનાના ૧૧ નવા દરદીઓ નોંધાવાની સાથે આંકડો ૨૨૪ હતો જેમાંથી ૩ લોકોનાં મૃત્યુ થવાની સાથે ૭૪ લોકો ઠીક થયા બાદ અત્યારે ૧૪૭ લોકોની સારવાર ચાલી રહી છે. આમાં ૬૦ દરદીઓ દરરોજ મુંબઈ કામે જતા લોકો છે. તેમની અવરજવર કરવાને લીધે જ કલ્યાણ-ડોમ્બિવલીમાં કોરોનાનો ફેલાવો થઈ રહ્યો હોવાનું માનીને કમિશનર વિજય સૂર્યવંશીએ ૮ મેથી આદેશ બહાર પાડ્યો છે.

એક અંદાજ મુજબ કલ્યાણ-ડોમ્બિવલી, ટિટવાળામાં રહેતા ૨૫૦૦ લોકો મુંબઈ કામે જાય છે જેમાં સરકારી કર્મચારી, ખાનગી કર્મચારી અને પત્રકારોનો સમાવેશ થાય છે. આ તમામ લોકો માટે મુંબઈ મહાનગરપાલિકાએ તેમના કામના સ્થળ નજીક હોટેલોમાં રહેવાની વ્યવસ્થા કરવાની સૂચના આપી છે. ૮ મેથી નો એન્ટ્રી અમલમાં આવવાની હોવાથી જેઓ મુંબઈ જવા માગતા હોય તેમણે પોતાની માહિતી એક ફૉર્મમાં ભરીને ઈ-મેઇલ મોકલવાનો નિર્દેશ કર્યો છે.

ડોમ્બિવલીમાં કલ્યાણ કરતાં પણ વધારે કોરોનાના દરદીઓ નોંધાઈ રહ્યા હોવાથી અહીંથી બહાર ગયેલાઓને ફરી પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવાયો છે. આવી જ રીતે ઉલ્હાસનગર મહાનગરપાલિકાના કમિશનર સુધાકર દેશમુખે પણ મુંબઈ કામ પર જતા લોકોને ઉલ્હાસનગરમાં ફરી પ્રવેશ ન આપવા બાબતની સૂચના ગઈ કાલે જારી કરી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK