કોરોના કરફ્યુ : ગઈ કાલે કોઈ અંત નહોતો અને આવતી કાલનું કંઈ નક્કી નથી

Published: Mar 23, 2020, 07:22 IST | Manoj Joshi | Mumbai Desk

મેરે દિલ મેં આજ ક્યા હૈ? : કોરોનાના કૅરમાંથી બિલકુલ બહાર આવવું હશે તો તમારે એને પૂરતો સમય આપવો પડશે અને તમારે તમામ પ્રકારના સહયોગની પણ તૈયારી રાખવી પડશે.

ખાલીખમ મુંબઇ
ખાલીખમ મુંબઇ

૧૬૭ દેશ, અઢી લાખ પેશન્ટ્સ અને ૧૦,૦૦૦નાં મોત.
કોરોના કરફ્યુ લાવવો પડે એવા જ આ આંકડા છે અને આ આંકડા ખરેખર ધ્રુજાવી દે એ પ્રકારના છે. આ આંકડાથી વાત અટકી નથી, કોરોનાએ પોતાનું કારસ્તાન ચાલુ જ રાખ્યું છે અને એટલે જ કહેવાનું મન થાય છે કે ગઈ કાલનો જનતા કરફ્યુ એ અંત નહોતો અને આવતી કાલનું કંઈ નક્કી નથી. કોરોનાના કૅરમાંથી બિલકુલ બહાર આવવું હશે તો તમારે એને પૂરતો સમય આપવો પડશે અને તમારે તમામ પ્રકારના સહયોગની પણ તૈયારી રાખવી પડશે.
અત્યાર સુધી કોરોનાને આપણે ભારોભાર કાબૂમાં રાખ્યો છે-આ હકીકત છે. જે દેશમાં સિવિક સેન્સ અને એટ‌િકેટ્સનો અભાવ હોય, જે દેશની ત્રીસ ટકાથી વધારે વસ્તુ અભણ અને ગરીબ વર્ગમાં આવતી હોય એ દેશમાં કોરોના જેવા વાઇરસ માટે જાગૃતિ લાવવાનું કામ નાનું નથી-સહેલું નથી, પણ આ કામ થયું છે. જેણે પણ કર્યું અને જે રીતે પણ થયું. કામ થયું એ મહત્ત્વનું છે. કોરોના માટે આજે નાનામાં નાનો વર્ગ જાગૃત છે, નાની વ્યક્ત‌િ પણ કોરોનાને ઓળખતી થઈ છે. આ જે નોબત આવી એ નોબતનો હવે પૂરતો લાભ લેવાનો છે અને સાચું કહું તો આપણે લઈ રહ્યા છીએ. બે દિવસ પહેલાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો વિડિયો મેસેજ આવ્યો, જેમાં તેણે ઘરમાં રહેવાની અપીલ કરી હતી. આ જે કામ થયું એ ખૂબ સરસ થયું છે. બાળકો સુધ્ધાં એ વિડિયો જોતાં થઈ ગયાં. સોસાયટી જે કોઈ આઇકન છે, સોસાયટીમાં જેમનું અઢળક માન છે એ સૌ સેલિબ્ર‌િટીએ બહાર આવવાની જરૂર છે અને આ રીતે લોકોમાં જાગૃતિ આવે એ માટે કામ કરવાની જરૂર છે. જેએનયુમાં થયેલા વિદ્યાર્થીઓના ઝઘડા અને કજિયા સમયે ટ્વિટર પર આવીને બરાડા પાડનારા સેલિબ્રિટીઓ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે એ જાણવાનું મન થાય છે, પણ સાથોસાથ એવું કહેવાની પણ ઇચ્છા થાય છે કે અત્યારે એવા કજિયામાં પડવા કરતાં રાષ્ટ્રવાદને જ આંખ સામે રાખવો જોઈએ.
કૉન્ગ્રેસે પહેલીવાર વાજબી પગલું લીધું છે અને સરકાર સાથે હોવાનો દાવો કર્યો છે. આ દાવો કરીને કેન્દ્ર સરકાર પર કોઈ ઉપકાર થયો નથી એ પણ સૌ કોઈ યાદ રાખે. આ સમય જ એવો છે. મહામારીના આ કાળમાં જો તમે વિપરીત દિશામાં ચાલવાનું કામ કરો તો એ પ્રજાનું અહિત થયા સમાન છે. અત્યારે પાર્ટી કે પક્ષે, રાજકારણ કે કાવાદાવાને નહીં પણ પ્રજાને આંખ સામે રાખવાની છે અને એ જ કામ થવું જોઈએ. મહામારી પર રાજકારણ ન હોય અને મહામારી પર કોઈ રાજરમત ન હોય. આ સમય છે લોકોને હાથ આપવાનો, લોકોને સાથ આપવાનો. જો આ સમયમાં તમે ક્યાંય પણ પાછાં પડ્યા તો માર્યા ઠાર. કોરોના કોઈની શરમ રાખતો નથી અને કોઈની શરમ રાખવા રાજી પણ નથી.
કોરોના સામે આદરેલા જંગમાં હવે કરફ્યુ સુધી પહોંચ્યા છીએ અને આ કરફ્યુની શરૂઆત આપણે આગળ પણ રાખવાની છે. ગભરાવાની જરૂર નથી, પણ એટલું જ યાદ રાખવાનું છે કે ગભરાટ ન આવે એ માટે જ આ કરફ્યુ બીજી વખત અને ત્રીજી વખત આવી શકે છે. કોરોના સામે લડવું હશે તો આ જ ‌એક રસ્તો છે. કોરોના સામે બાથ ભીડવી હશે તો નિષ્ક્ર‌‌િય થઈને બેસી રહેવું એ જ સાચો માર્ગ છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK