વેદનાઓ કાગળ પર ચીતરી

Published: Feb 02, 2020, 14:46 IST | Hiten Anandpara | Mumbai

સફેદ કાગળ જ્યારે અક્ષરની કાળાશ પહેરે છે ત્યારે એના અર્થમાં ઉમેરો થાય.

સફેદ કાગળ જ્યારે અક્ષરની કાળાશ પહેરે છે ત્યારે એના અર્થમાં ઉમેરો થાય. એક કાગળ અમાપ શક્યતાઓ ધરાવે છે. અખબારોને તો એના વગર ચાલે જ નહીં. ઇન્ટરનેટ પર મોટા ભાગનાં અખબારો ઑનલાઇન વાંચવા મળે છે છતાં સવારે ઘરે ગુડ મૉર્નિંગ કહીને ધસી આવતા અખબારને ચા પીતાં-પીતાં વાંચવાની મજા કંઈ ઓર જ છે.

કિન્ડલ પર પુસ્તકો વાંચવા મળે છે. ઈ-બુક્સ પણ હવે તો ઉપલબ્ધ છે. છતાં પુસ્તક હાથમાં પકડીને વાંચતા હોઈએ તો જાણે કોઈ સ્વજન સાથે ખભે હાથ મૂકીને વાત કરતાં હોઈએ એવી આત્મીયતા લાગે. રાતે નવલકથાનું કોઈ પ્રકરણ વાંચતાં-વાંચતાં પુસ્તકને છાતીએ મૂકીને નિદ્રાધીન થઈએ તો નવલકથાનાં પાત્રોને આપણા ધબકારાનો ફીડબૅક મળે. કાગળનું રિપ્લેસમેન્ટ કાગળ જ હોઈ શકે. બધા કલમવંતાઓને ભગવતીકુમાર શર્માનો શેર અર્પણ કરીએ...

હૃદયમાં જ તારા પ્રથમ તું નીરખને

પછી દસ દિશામાં પરમ તું નીરખને

મળ્યો છે તને તે ધરમ તું નીરખને

આ કાગળ, આ ખડિયો, કલમ તું નીરખને

કાગળ પાસે એક પોતીકી ભાષા હોય છે. એકાદ પાનામાં સમાઈ જતી કવિતા લાઘવમાં માધવને નિરૂપી શકે. ત્રણ-ચાર પાનાંમાં છલકાતો લલિત નિબંધ શબ્દ અને સંવેદનથી કાગળને ન્યાલ કરી શકે. પાંચ-દસ પાનાંમાં મંડાતી વાર્તા સમાજના કોઈ પાસાનું આબાદ ચિત્રણ કરી શકે. સેંકડો પાનાંમાં વિસ્તરતી નવલકથા એક નાનકડું વિશ્વ સર્જી શકે. કાગળ વગર કલમનો મોક્ષ સંભવ નથી અને આ બન્ને વગર સર્જકનો. ડેસ્ક પર બેસીને લખતો સર્જક પાંચ-દસ ફીટના ઘેરાવામાંથી અસીમ વિશ્વને આવરી શકવાની પહોંચ કેળવી શકે છે. યુવા શાયર ચિન્મય શાસ્ત્રાળ ‘વિપ્લવ’ લખવાનું કારણ દર્શાવે છે...

આપની ખુશ્બૂ ભળે જ્યારે પવનમાં

ફેરફારો થઈ પડે ત્યારે શ્વસનમાં

ભેજ કાગળને નરમ કરતો રહે છે

એટલે લખતો થયો છું હું અગનમાં

પીડાને વહેવા માટે કોઈ આલંબન જોઈએ. એ જો આપણી ભીતર જ ભેગી થતી રહે તો કોઈ દિવસ જ્વાળામુખી જેવો ભડકો થઈ જાય. જેમનામાં બહુ આક્રોશ ભર્યો હોય, ગૂંગળામણ થતી હોય એવા દરદીને મનોચિકિત્સક લખવાનું સૂચન કરે છે જેથી ભરાયેલું ભીતર ઠાલવી શકાય. એસ. એસ. રાહી એક ડર તરફ નિર્દેશ કરે છે...

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી

ખટકે છે તે દિવસથી સમય નામની કણી

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે

એ બીકે આંગળીની નથી કાઢતો અણી

કાગળના પણ વિવિધ શેડ હોય છે. શ્વેત રંગ તો હંમેશાં એવરગ્રીન રહેવાનો. સેપિયા કલરનો કાગળ ફ્લૅશબૅકમાં લઈ જાય. ફાઉન્ટનસ્થિત ચીમનલાલની શૉપમાં વિવિધ ડેકોરેટિવ લેટર પેપર મળે છે. સાચવીને સેફ ડિપોઝિટ વૉલ્ટમાં મૂકી રાખવાનું મન થાય એવા રૂપકડા હોય. હાથમાં પકડીએ તો પ્રતીત થાય કે આમાં કોઈ દિવસ વેદનાની વારતા ન મંડાય, આમાં તો સુખનો હિલ્લોળ જ છલકાવો જોઈએ. સૌંદર્યના ધામ જેવા આ કાગળ ઉપર તો સૈફ પાલનપુરીના આ શેર શોભે...

સામે નથી કોઈ અને શરમાઈ રહ્યો છું

હું પોતે મને પોતાને દેખાઈ રહ્યો છું

તારા લીધે લોકો હવે નીરખે છે મને પણ

કાગળ છું હું કોરો અને વંચાઈ રહ્યો છું

કાગળને વધારે ઘટ્ટ કે ઘન બનાવો એટલે એ કાર્ડ બની જાય. કાર્યક્રમોની નિમંત્રણપત્રિકા આવા આર્ટ પેપર પર છપાતી હોય છે. એ હજી વધુ ઘટ્ટ બની કંકોતરીનું જાજરમાન આમંત્રણ બની જાય. વ્યાવસાયિક ધોરણે પણ એનો ખપ વિવિધ રૂપ-આકારમાં થયો રહ્યો છે. કાર્ટન તરીકે એ માલસામાનની હેરફેરમાં કામ લાગે છે. પર્યાવરણવાદીઓમાં એક આક્રોશ એ પણ ઊઠ્યો છે કે ઍમેઝૉન જેવી ઑનલાઇન સર્વિસને કારણે ડિલિવરીમાં કાર્ટનનો ઉપયોગ વધતો જ જાય છે. એટલે એ મટીરિયલ પૂરું પાડવા વધુ ને વધુ વૃક્ષોને હણવામાં આવે છે. એકવીસમી સદીમાં આવતી મોટા ભાગની સુવિધા એક કૉસ્ટ લઈને આવે છે જે મોટા ભાગે પર્યાવરણે જ ચૂકવવાની થાય. કૈલાસ પંડિત માનવીના સ્વભાવને શબ્દસ્થ કરે છે...

એ મળે તો આમ, નહિ તો ના મળે

ફોનના નંબર સમા છે માણસો

ફૂલ કાગળના થયા તો શું થયું

માણસો યે ક્યાં રહ્યા છે માણસો

પહેલાંના સમયમાં બારણાની તડમાંથી ટપાલ કે ઇનલેન્ડ લેટર્સ આવતા એનો એક રોમાંચ રહેતો. એ તાલાવેલીનો તરજુમો કરવો શક્ય નથી. પત્રની ખુશ્બૂ આપણામાં જાણતાં-અજાણતાં ઉમેરાતી. પ્રિયજનનો પત્ર આવ્યો હોય તો એમ લાગતું કે એ ગુલાલથી લબાલબ છે, પણ આપણા સિવાય કોઈ આંખ એ જોઈ શકવાની. હર્ષદ ત્રિવેદી ફૂલના સાંનિધ્યે એની વાત છેડે છે...

સોગઠી મારી અને તારી, નિકટ આવી હશે

એ ક્ષણે નાજુક રમતને મેં તો ગુમાવી હશે

આપણે હંમેશ કાગળનાં ફૂલો જેવાં રહ્યાં

તો પછી કોણે સુગંધી જાળ ફેલાવી હશે?

અનામી કાગળનો એક જમાનો હતો જેમાં મોટે ભાગે અપશબ્દો કે ધાકધમકી કે ઉતારી પાડવાની ચેષ્ટાઓ સ્થાન પામતી. ચિનુ મોદી એક હકારાત્મક દૃષ્ટિકોણ શોધી કાઢે છે...

જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!

પાંદડાંને કારણે પોપટ હતાનો વ્હેમ છે

બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ

નામ સરનામા વગરના કાગળોની જેમ છે

ક્યા બાત હૈ

કાગળની વેદનાઓ

કાગળની વેદનાઓ કાગળ પર ચીતરી

ને કાચની મેં વેદનાઓ જીરવી

મારે એની કંઈ વાત કેમ કરવી?

 

ઘટનાવછોઈ જરા લાગણીઓ દોડી

ત્યાં હૈયાનો લીરો અટવાયો

ચીતરેલા મોરતણા પીંછામાં રંગ એક

ન્હોતો દીઠો તે સંભળાયો

દેખાતી જાય નહીં એવી કંઈ વાત મારે

કેમ કરી ચીંધ્યા તે કરવી?

 

સૂરજને જોઈ કાચ તરફડતી કાયામાં

કેવી હસાવે એની આંખો?

સપનાનું એક લીલું પાંદડું ફૂટ્યું ને ત્યાં તો

આવી ગઈ પાનખરની પાંખો

માટીના ઘરમાં જઈ સપનું જંપે

ને તોયે માટીની વેદનાઓ વરવી

મહેશ શાહ

(કાવ્યસંગ્રહ - દરિયો સમજીને)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK