ઉપકાર અને અધિકાર : કરવામાં આવતા ઉપકારને અધિકાર માનવાની ભૂલ ક્યારેય કરતા નહીં

Published: Feb 19, 2020, 16:05 IST | Manoj Joshi | Mumbai

જીવનમાં સતત આપણે એકબીજાના સાથસહકારથી આગળ વધી રહ્યા છીએ. ગમે એટલા સ્વાવલંબી હોવાનો દાવો કરીએ પણ હકીકત એ છે કે આપણે સતત પરાવલંબી જીવન જીવી રહ્યા છીએ.

જીવનમાં સતત આપણે એકબીજાના સાથસહકારથી આગળ વધી રહ્યા છીએ. ગમે એટલા સ્વાવલંબી હોવાનો દાવો કરીએ પણ હકીકત એ છે કે આપણે સતત પરાવલંબી જીવન જીવી રહ્યા છીએ. આપણું અસ્તિત્વ કોઈકને કારણે છે. આપણે શ્વાસ કોઈકને કારણે લઈએ છીએ તો પેટમાં જતો આહારનો એકેએક દાણો પણ કોઈકની મજૂરીનું પરિણામ છે. રોટી, કપડાં અને મકાન એમ જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં આપણે સતત અવલંબિત છીએ. અવલંબન વિનાનું એકેય જીવંત અસ્તિત્વ આ ધરતી પર છે જ નહીં. એકબીજાના આધારે, એકબીજાને આધીન થઈને એકબીજાની જરૂરિયાતો પર નિર્ભર રહીને આપણે ટકી શક્યા છીએ. અઢળક લોકો સતત આપણા પર ઉપકાર કરતા રહે છે અને એ ઉપકાર જ આપણને જિવાડી જાય છે. જેમ આપણે સતત કોઈકના અવલંબન પર જીવી રહ્યા છીએ એમ આપણને આધીન પણ કેટલાક લોકો જીવી રહ્યા છે. અરસપરસના સાથસહકારથી જીવ માત્રનું અસ્તિત્વ ટકેલું છે. એ દૂરના સંબંધો હોય કે પછી નજીકના સંબંધો હોય, પ્રોફેશનલ રિલેશન હોય કે સોશ્યલ રિલેશન હોય. સંબંધમાં હંમેશાં આપ-લે હોય છે. જોકે સંબંધના પ્રકાર પ્રમાણે આપ-લેનો વ્યવહાર બદલાતો હોય છે.

જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે જ્યાં લેવડદેવડની ગણતરી હોતી જ નથી. જ્યાં આપનારી વ્યક્તિને આપવું એ પોતાનો અધિકાર લાગતો હોય છે. જોકે આવા સંબંધો જૂજ હોય છે. જ્યાં ઉપકાર શબ્દ નથી હોતો, પણ કંઈક કરવા મળ્યું, કોઈક રીતે પોતે પ્રિય વ્યક્તિને કામ લાગ્યા એનો ઉમળકો હોય છે. અગેઇન, આવા સંબંધો જૂજ હોય છે. એક, બે અને કદાચ ત્રણ. અપેક્ષાઓનું વિશ્વ ત્યાં ખૂબ નાજુક હોય છે. એક મીઠી નજર અને બે મીઠા બોલમાં તો એકમેક માટે જીવ આપી દેવા પ્રેરિત કરી દે. આગળ કહ્યું એમ, આ સંબંધોમાં લેવલદેવડ પ્રેમની છે એટલે બીજી બાબતોનું કોઈ અસ્તિત્વ જ નથી.

આપ્યા વિના લીધા કરવાની વૃત્તિ આદત બને ત્યારે અટકી જવામાં શાણપણ છે, કારણ કે ખોટી આદતો ક્યારેક બહુ મોટો આઘાત આપતી હોય છે. તમે યાદ કરો એવા તમામ લોકોને જેની સાથેના વ્યવહારમાં તમે માત્ર લેવાનું કામ કર્યું છે. શાંતિ અને સંતુષ્ટિ જોઈતી હોય તો સામા પાત્રને શોષણની અનુભૂતિ આવે એ સ્તર પર ક્યારેય કોઈને વાપરી ન કાઢો, કારણ કે એમાં એ વ્યક્તિ કરતાં લાંબા ગાળે તમને વધુ નુકસાન છે. આ જ વાત પરથી ઉત્તર પ્રદેશની અત્યારની સ્થિતિ યાદ આવી. ગેરકાયદે કતલખાનાંઓને મળેલી છૂટને ત્યાંના કેટલાક લોકો પોતાનો અધિકાર માની બેઠા હતા. આજે જ્યારે એ છીનવાયું તો સમસમી ગયા છે. એટલે જ કહું છું ભલામાણસ, આપવામાં આવતા ફેવરને ક્યારેય પોતાનો અધિકાર ન માનવો. ક્યારેય ભૂલતા નહીં આ વાત. તરફેણમાં વર્તવું કે પછી તરફેણની દિશામાં રહેવું એ ક્યારેય હક ન હોઈ શકે અને એવું માની પણ ન શકાય. કોઈ હિસાબે નહીં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK