Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > UOBમાં 1875 સુધી એક પણ છોકરી મેટ્રિકની પરીક્ષામાં બેઠી જ નહોતી!

UOBમાં 1875 સુધી એક પણ છોકરી મેટ્રિકની પરીક્ષામાં બેઠી જ નહોતી!

02 January, 2021 02:37 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

UOBમાં 1875 સુધી એક પણ છોકરી મેટ્રિકની પરીક્ષામાં બેઠી જ નહોતી!

ગ્રાન્ટ મેડિકલ કૉલેજનું મૂળ મકાન

ગ્રાન્ટ મેડિકલ કૉલેજનું મૂળ મકાન


‘ઝટ્ટ ડોળિ નાંખો રે, મનજળ થંભ થયેલું’
ઓગણીસમી સદીનાં આપણાં સમાજ, ધર્મ, શિક્ષણ, ભાષા, સાહિત્ય, આ બધાંની જે તાતી જરૂરિયાત હતી એ કવિ નર્મદના આ શબ્દોમાં છતી થાય છે. સમાજ સુધારો એ ઓગણીસમી સદીના જીવન અને સાહિત્યનું એક મહત્ત્વનું પરિબળ ખરું, પણ એ એકમાત્ર પરિબળ નહોતું. એ જમાનાનાં મુંબઈથી પ્રગટ થતાં કેટલાંક સામયિકોનાં નામ જુઓ : વિદ્યાસાગર (૧૮૪૦), ખોજદોસ્ત (૧૮૪૨), જ્ઞાનપ્રસારક (૧૮૪૮), રાસ્તગોફતાર (૧૮૫૧), સત્યપ્રકાશ (૧૮૫૩), જ્ઞાનદીપક (૧૮૫૬), અને બુદ્ધિવર્ધક (૧૮૫૬). આ સામયિકોનાં નામમાં આવતા વિદ્યા, ખોજ, જ્ઞાન, સત્ય, બુદ્ધિ જેવા શબ્દો સૂચક છે. એ વખતે મુંબઈમાં અને આખા પશ્ચિમ ભારતમાં જે મથામણ ચાલી રહી હતી એ માત્ર સમાજ સુધારા બાબતની નહોતી. વ્યક્તિ અને સમાજના જીવનમાં વિદ્યાની, જ્ઞાનની, સત્યની, બુદ્ધિની પ્રતિષ્ઠા કરવાની હતી. આપણે જેને ‘સુધારક યુગ’ કહીએ છીએ એ હકીકતમાં નવજાગૃતિ યુગ છે અને પશ્ચિમ ભારતમાં એ યુગનાં મંડાણ થયાં મુંબઈથી.

university-02



૧૮૭૦ની આસપાસની હિન્દુ કન્યાશાળા 


માનશો? ૧૮૫૭માં શરૂ થયેલી યુનિવર્સિટી ઑફ બૉમ્બેએ ૧૮૫૯માં પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી, પણ ૧૮૭૫ સુધી એક પણ છોકરી આ પરીક્ષામાં બેઠી જ નહોતી! કારણ કે છોકરી પણ મેટ્રિકની પરીક્ષા આપી શકે એવો વિચાર જ કોઈને આવ્યો નહોતો! ૧૮૭૫માં યુનિવર્સિટીને બેળગાંવના પોસ્ટ માસ્તર એસ. ખરસેતજીએ કાગળ લખીને પુછાવ્યું કે મારી દીકરી ફિરોઝા મેટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહીં? આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદામાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનું ‘હી’ સર્વનામ જ વપરાયંુ હતું. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને મેટ્રિકની પરીક્ષામાં બેસવા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટ માસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. આઠ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોને પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઈચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય તેમ પુનાની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કૉલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં બી.એ.ની ડિગ્રી મેળવી. એ છોકરીનું નામ કૉર્નેલિયા સોરાબજી. એ હતી મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રૅજ્યુએટ, બૉમ્બે પ્રેસિડન્સીની પહેલી સ્ત્રી ગ્રૅજ્યુએટ અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રૅજ્યુએટ. તેમનું કુટુંબ મૂળે તો પારસી, પણ કૉર્નેલિયાના જન્મ પહેલાં તેમના પિતા ખરસેતજી લંગડાનાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો અને ‘સોરાબજી’ અટક અપનાવી હતી.

university-03


૧૮૬૨ની મેટ્રિકની પરીક્ષાનું ગુજરાતીનું એક પેપર

બીએની ડિગ્રી તો મળી, પણ પછી શું? અમદાવાદની ગુજરાત કૉલેજમાં સરકારે ‘ટીચિંગ ફેલોશિપ’ની ઑફર કરી, પણ છોકરીઓના શિક્ષણ માટે કામ કરવાનો ઇરાદો હતો એટલે પહેલાં તો એ ઑફર નકારી પણ પછી વિચાર આવ્યો કે એક છોકરીના હાથ નીચે ભણવાથી છોકરાઓનું પણ ભલું થશે એટલે ઑફર સ્વીકારી. ત્યાં જઈ પ્રિવિયસ અને બીએનો અભ્યાસ કરતા છોકરાઓને (એ વખતે કોઈ છોકરી ત્યાં ભણતી નહોતી) અંગ્રેજી ભણાવ્યું. જોડાયા પછી ત્રણ મહિને તેમની નિમણૂક અંગ્રેજીના પ્રોફેસર તરીકે કરવામાં આવી. અગાઉ આ જગ્યાએ કોઈ ને કોઈ બ્રિટિશરની જ નિમણૂક થતી. એટલે કૉર્નેલિયા પહેલાં બિનબ્રિટિશ અંગ્રેજીના અધ્યાપક બન્યાં. ત્યારે તેમની ઉંમર હતી ફક્ત બાવીસ વરસ!

university-03

સર બહેરામજી જીજીભાઈ

આ કૉર્નેલિયા સોરાબજી વખત જતાં ગ્રેટ બ્રિટનમાં સ્થાયી થયાં હતાં પણ પોતાના દેશને, એની સંસ્કૃતિને ભૂલ્યાં નહોતાં. આ વિશેનો એક રસપ્રદ કિસ્સો : ગ્રેટ બ્રિટનના લોકો કૉર્નેલિયાને ‘ન્યુ વુમન ફ્રૉમ ઇન્ડિયા’ તરીકે ઓળખવા લાગ્યા. વધતાં-વધતાં કૉર્નેલિયાની નામના રાણી વિક્ટોરિયા સુધી પહોંચી એટલે રાણીએ મુલાકાત માટે આમંત્રણ આપ્યું. પણ રાણીના અધિકારીઓને કૉર્નેલિયાએ કહ્યું કે રાણીસાહેબાને મળવા તો હું જરૂર આવું, પણ એક મુશ્કેલી છે : મુલાકાત વખતે હું પશ્ચિમી ઢબનો પોશાક નહીં પહેરું, મારા દેશના રિવાજ પ્રમાણે સાડી જ પહેરીશ. ‘નહીં રાણીજીનો હુકમ પણ પાછો કદી ફરે’ એ નિયમથી ટેવાયેલા અધિકારીઓ મૂંઝાયા. શું કરવું? થોડી હિંમત કરી રાણીસાહેબાને કાને વાત નાખી. ઉદારતા અને સૌજન્યપૂર્વક મહારાણી વિક્ટોરિયાએ સંદેશો મોકલ્યો કે તું તારા દેશનો પોશાક પહેરીને આવે એનો મને વાંધો નથી. આ સંદેશો પહોંચાડતી વખતે અધિકારીઓએ દબાતે અવાજે એક અરજ કરી : ‘આપ રોજ પહેરો છો એવી સફેદ સાડી નહીં પણ રંગીન સાડી પહેરો તો સારું.’ કૉર્નેલિયાએ આ વાત સ્વીકારી અને પીળાશ પડતા ગુલાબી રંગની સાડી પહેરીને મહારાણીને મળવા ગયાં. યુનિવર્સિટી ઑફ બૉમ્બેના જે કૉન્વોકેશન હૉલમાં તેમને ડિગ્રી મળી હતી એ જ કૉન્વોકેશન હૉલમાં બરાબર સો વર્ષ પછી ૧૯૮૮માં કૉર્નેલિયા સોરાબજીનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું.

university-04

કૉર્નેલિયા સોરાબજી 

એટલે કન્યા-કેળવણી એ સુધારાનું કહો કે નવજાગૃતિનું પહેલું પગથિયું. પણ એ જમાનામાં છોકરીઓ અને છોકરાઓને સાથે ભણાવી શકાય એ તો શક્ય જ નહોતું. એટલે ધ બૉમ્બે એજ્યુકેશન સોસાયટીએ ૧૮૧૮માં મુંબઈમાં એક ગર્લ્સ સ્કૂલ પણ શરૂ કરી હતી, પણ એમાં એક પણ હિન્દુ છોકરી ભણતી નહોતી. એ વિશેગે સોસાયટીના ત્રીજા વાર્ષિક અહેવાલમાં કહ્યું છે કે હિન્દુઓમાં છોકરીઓને ભણાવવાનો ચાલ નથી તેથી આ સ્કૂલમાં એક પણ હિન્દુ છોકરી ભણતી નથી. આ પરિસ્થિતિ પાછળ માત્ર ઉપેક્ષા જવાબદાર નહોતી, પરંપરાવાદી જૂથો દ્વારા ભોળા લોકોમાં જાતજાતની અફવાઓ ફેલાવવામાં આવતી હતી. જેમ કે જો છોકરીને ભણાવી હોય તો તે વહેલી વિધવા થાય અથવા ભણવા માટે નિશાળે જતી છોકરીઓ વંઠી જતી હોય છે અને મોટેરાના કે વરના કહ્યામાં રહેતી નથી વગેરે.
પણ વખત જતાં એક મુશ્કેલી નજર સામે આવી. છોકરો ભલે થોડુંઘણું, પણ ભણેલો હોય અને છોકરી તદ્દન અભણ હોય તો એ પણ એક પ્રકારનું કજોડું બની શકે. એટલે માબાપને વધુ સારી દીકરી, છોકરાને વધુ સારી પત્ની અને સાસરિયાંને વધુ સારી વહુ મળી રહે એટલા ખાતર પણ છોડીઓને થોડું ભણાવવી જોઈએ એમ લાગવા માંડ્યું. એટલે પહેલાં મુંબઈમાં અને પછી ગુજરાતનાં કેટલાંક શહેરોમાં પહેલાં પારસીઓએ અને પછી બીજા વર્ગોના ઉજળિયાત લોકોએ દીકરીને મર્યાદિત પ્રમાણમાં ભણવા માટે ‘છોડીઓ માટેની નિશાળો’માં મોકલવાનું શરૂ કર્યું. તો તવંગર કુટુંબોમાં છોકરીઓને (અને છોકરાઓને પણ) ભણાવવા માટે ‘ઘર શિક્ષક’ રાખવાનું શરૂ થયું. અત્યંત તવંગર અથવા મોભાદાર કુટુંબોમાં આ માટે ‘ગોરી’ અને તે ન મળે તો ઍન્ગ્લોઇન્ડિયન કે પારસી શિક્ષિકાઓ પણ રાખવામાં આવતી.

ગુજરાત અને કાઠિયાવાડમાં તો નવી કેળવણી સામેનો વિરોધ લાંબો વખત ટક્યો. પ્રમાણમાં પ્રગતિશીલ કહી શકાય એવા ભાવનગર રાજ્યમાં પણ બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ આપતી પહેલી સ્કૂલ છેક ૧૮૫૬માં કેટલાક બ્રિટિશ સાહેબો અને દીવાન ગૌરીશંકર ઉદયશંકરના આગ્રહથી સ્થપાઈ હતી. પણ એ જ દીવાને જ્યારે કન્યાશાળા સ્થાપવાનો વિચાર કર્યો ત્યારે એ માટે જગ્યા ભાડે આપવા કોઈ તૈયાર ન થયું. એટલે તેમણે એ પોતાના ઘરમાં શરૂ કરી અને એમાં ભણવા માટે પોતાના કુટુંબની અને નજીકનાં સગાંઓની આઠથી દસ વરસની ઉંમરની દસ જેટલી છોકરીઓને દાખલ કરી એટલું જ નહીં, ઘણી સમજાવટ પછી એ કન્યાશાળાના ઉદ્ઘાટન વખતે પોતાની છ વરસની ઉંમરની રાજકુંવરી હાજર રહે એ માટે રાજવી દંપતીની સંમતિ મેળવી.

અલબત્ત, શરૂઆતનાં ઘણાં વર્ષો છોકરાઓ અને છોકરીઓને એકસરખું શિક્ષણ આપવાની જરૂર ભાગ્યે જ કોઈને જણાઈ હતી. ‘બાળોઢાભ્યાસ પ્રકરણ’ નામના લાંબા નિબંધમાં કવીશ્વર દલપતરામ છોડીઓને કેવી ચોપડીઓ ભણાવવી જોઈએ એની ખાસ્સી લાંબી યાદી આપે છે. એમાંની કેટલીક : નીતિની, ચાલ-મિજાજની, શિયળની, આબરૂની, પાકશાસ્ત્રની, ધીરજ વિશે, સંપ વિશે, ઘરસૂત્ર વિશે, સંતોષ વિશે. કન્યા થોડુંઘણું વાંચતાં, લખતાં, ગણતાં શીખે અને કહ્યાગરી કુલવધૂ થઈને રહે એથી વધુ બીજું શું જોઈએ? પણ આ ચોકઠામાંથી પહેલાં મુંબઈ બહાર નીકળ્યું અને પછી ગુજરાત એને અનુસર્યું.

૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ એના કરતાં પણ પહેલાં, ૧૮૪૫માં ગ્રાન્ટ મેડિકલ કૉલેજ શરૂ થઈ ચૂકી હતી અને એ પોતાની ડિગ્રી પણ આપતી હતી. આખા એશિયા ખંડની એ પહેલી મેડિકલ કૉલેજ. પછીથી એ યુનિવર્સિટી સાથે સંલગ્ન થઈ. એટલે મેડિકલ શિક્ષણ, ઍલોપૅથિક ડૉક્ટરો અને સારવાર પદ્ધતિ, શસ્ત્રક્રિયા વગેરેની શરૂઆત પણ મુંબઈથી જ થઈ. અમદાવાદ મેડિકલ સ્કૂલ નામની ગુજરાતની પહેલી મેડિકલ શિક્ષણ આપતી સંસ્થા છેક ૧૮૭૧માં શરૂ થઈ હતી. મુંબઈના સખાવતી પારસી વેપારી સર બહેરામજી જીજીભાઈએ ૧૮૭૯માં વીસ હજાર રૂપિયાનું દાન આપ્યા પછી એનું નામ બી. જે. મેડિકલ સ્કૂલ કરવામાં આવ્યું. છેક ૧૯૧૭માં એ સ્કૂલમાંથી કૉલેજ બની હતી. ૧૮૭૮માં શરૂ થયેલી પુનાની મેડિકલ કૉલેજ માટે પણ સર જીજીભાઈ બહેરામજીએ માતબર દાન આપ્યું હતું.

અંગ્રેજી માધ્યમ દ્વારા અપાતા શિક્ષણ માટે આપણે મોટા ભાગે લૉર્ડ મેકોલેને જવાબદાર ગણીને તેને ગાળો ભાંડીએ છીએ, પણ તેમની શિક્ષણ વિશેની વિચારણાની અસર જેટલી કલકત્તા અને મદ્રાસ પ્રેસિડન્સીમાં પડી એટલી બૉમ્બે પ્રેસિડન્સીમાં લાંબા વખત સુધી પડી નહીં. એનું મુખ્ય કારણ એ કે બ્રિટિશ પદ્ધતિના શિક્ષણની અહીં શરૂઆત થઈ ત્યારે એના બે મુખ્ય પુરસ્કર્તા માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન અને કૅપ્ટન જ્યૉર્જ રિસ્તો જર્વિસ, બન્ને દૃઢપણે માનતા હતા કે ‘દેશી’ઓને શિક્ષણ તો તેમની માતૃભાષામાં જ અપાવું જોઈએ. એ વખતે પણ અંગ્રેજી માધ્યમની નિશાળો તો હતી જ, પણ મુખ્યત્વે પરદેશી અને સ્થાનિક ખ્રિસ્તી વિદ્યાર્થીઓ માટે. પછી વખત જતાં જ્યારે બીજા વિદ્યાર્થીઓને પણ એમાં દાખલ કરવા જોઈએ એવી માગણી ઊઠી ત્યારે સરકારે ‘ઍન્ગ્લો વર્નાક્યુલર’ સ્કૂલો શરૂ કરી જેમાં શિક્ષણની શરૂઆત તો માતૃભાષામાં જ થાય, પણ પછી આગળ જતાં અમુક વિષયો અંગ્રેજીમાં ભણાવાય. યુનિવર્સિટી ઑફ બૉમ્બે શરૂ થઈ ત્યારથી મેટ્રિકથી માંડીને બીએ સુધી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓ શીખવવાની સગવડ હતી. શરૂઆતમાં ઘણાં વર્ષો સુધી તો મેટ્રિકની પરીક્ષામાં ‘દેશી’ ભાષાઓનાં ત્રણ પેપર રહેતાં. એક વ્યાકરણનો, બીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો અને ત્રીજો અંગ્રેજીમાંથી ‘દેશી’ ભાષાઓમાં અનુવાદનો. એ જમાનાની તાસીર કેવી હતી એનો એક દાખલો : આજે તો પરીક્ષાઓમાં ગેરરીતિ થતી અટકાવવા માટે યુનિવર્સિટીઓએ જાતજાતના નુસખા અજમાવવા પડે છે અને છતાં પરીક્ષાઓનાં પરિણામોમાં ગોલમાલ થતી જ રહે છે. પણ મુંબઈ યુનિવર્સિટી શરૂ થઈ ત્યારથી ઘણાં વર્ષો સુધી દરેક પ્રશ્નપત્રને મથાળે એના પેપર સેટર્સનાં નામ છપાતાં! અને વિદ્યર્થીઓને નંબર આપવામાં આવતા નહોતા. ઉત્તરપત્રના દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ લખવાનું રહેતું. એ વખતે સ્કૂલ-કૉલેજોની સંખ્યા પ્રમાણમાં ઓછી એટલે ઘણુંખરું વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાને ઓળખાતા હોય એવું બને. છતાં કોઈને ‘ગોલમાલ’ની બીક રહેતી નહીં. અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેના વિશ્વાસ પર પરીક્ષાઓનાં વહાણ ચાલતાં.

શિક્ષણ એ એક એવો દરવાજો છે કે એક વાર એ ખોલો પછી અનેક નવી-નવી બાબતો સમાજમાં દાખલ થયા વગર રહે જ નહીં. પણ આ રીતે આપણા સમાજમાં જે નવું અજવાળું પથરાયું એની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

02 January, 2021 02:37 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK