Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોણે તમને પકડ્યા છે, તમે કોને પકડ્યા છે, બોલો

કોણે તમને પકડ્યા છે, તમે કોને પકડ્યા છે, બોલો

01 March, 2020 03:17 PM IST | Mumbai
Kana Bantwa

કોણે તમને પકડ્યા છે, તમે કોને પકડ્યા છે, બોલો

કોણે તમને પકડ્યા છે, તમે કોને પકડ્યા છે, બોલો


પકડી રાખશો ત્યાં સુધી દુખી થશો એવા ગયા સપ્તાહના આર્ટિકલના પ્રતિસાદમાં ઘણા વાચકોએ પૂછ્યું કે અમુક બાબતો પકડી રાખવા જેવી ખરી કે નહીં? કે પછી બધું જ છોડી દેવું એ જ યોગ્ય છે? પ્રશ્ન સરસ છે, પણ જવાબ પહેલાં આ મજાની વાર્તા વાંચો.

 એક સંત રસ્તા પર જઈ રહ્યા હતા. ગાય દોરીને આવતો એક માણસ સામે મળ્યો. ગાયના ગળામાં દોરડું બાંધેલું હતું અને એનો બીજો છેડો પેલી વ્યક્તિના હાથમાં હતો. સંતને જોઈને તે ઊભો રહ્યો. વંદન કર્યા અને અધ્યાત્મની વાતો કરવા માંડ્યો. ઘણાને એવી ટેવ હોય છે કે કોઈ જ્ઞાની મળે તો તેની સામે પોતાનું જ્ઞાન દેખાડવા માંડે. જ્ઞાનીને ભીડવતા પ્રશ્નો પૂછવા માંડે. આવી વ્યક્તિનો ઉદ્દેશ જ્ઞાન મેળવવાનો નહીં, પોતાનું જ્ઞાન બતાવવાનો અને સામાને ઉતારી પાડવાનો હોય. ગાયનો માલિક પણ આવા જ સ્વભાવનો હતો. સંત સાથે જીવ અને શિવ, ઇચ્છાઓ અને મોક્ષ, જીવન અને મૃત્યુનો વિતંડાવાદ કરવા માંડ્યો. સંત શાંતિથી સાંભળતા રહ્યા. માયાના બંધન અને એષણાઓથી કેમ મુક્ત થવું એના પર પણ પેલા ભાઈ લાંબું બોલ્યા. બોલતો જાય અને વચ્ચે કહેતો જાય કે હું તો અલ્પબુદ્ધિ છું, હું તો કાંઈ જાણતો નથી, આપ જેવા વિદ્વાનનો સંગ કરતાં બે શબ્દ કાને પડી જાય એમાં ધન્યતા અનુભવું. મારી વાત ખોટી હોય તો મને કહેજો. મને સમજાવજો, સાચું શું છે? સંતને થયું કે આને ઉદાહરણથી જ સમજાવું કે ઇચ્છાઓનું બંધન શું છે.



એટલે સંતે પેલા માણસને પૂછ્યું કે આ ગાયને તમે બાંધી છે કે તમે ગાય સાથે બંધાયેલા છો? પેલા વિતંડાવાદીએ તરત જવાબ આપ્યો, ‘મહારાજ, કેવી વાત કરો છો. ગાય મારા બંધનમાં છે. ગાયે મને થોડો બાંધ્યો હોય.’ સંત હસ્યા અને પૂછ્યું કે ‘જો આ ગાયનું દોરડું છોડી નાખવામાં આવે તો ગાય તમારી પાછળ આવે કે તમે ગાયની પાછળ એને પકડવા જાઓ?’ આટલું કહેતાંની સાથે જ પેલો માણસ કાંઈ સમજે એ પહેલાં જ સંતે ગાયના ગળામાં બાંધેલા દોરડાની ગાંઠ છોડી નાખી. દોરડું છૂટતાં જ ગાય ચાર પગે દોડી. પેલો માણસ એની પાછળ...


 કોણ પકડે છે અને શું પકડવું એ સમજવું બહુ જરૂરી છે. જેમ છોડતાં શીખવું જરૂરી છે એ જ રીતે શું પકડી રાખવું એ શીખવું પણ અનિવાર્ય છે. જિંદગીને સરસ રીતે જીવવી હોય તો બન્ને બાજુ બૅલૅન્સ રાખવું. જે રીતે દોરડા પર ચાલતો નટબજાણિયો એક પણ બાજુ નમે નહીં એ રીતે જિંદગી નામના દોરડા પર ચાલી શકાય તો અદ્ભુત રીતે પસાર થાય જિંદગી. પણ સંપૂર્ણ સંતુલન જાળવવું જીવનમાં સંભવ નથી અને જરૂરી પણ નથી. ઊલટું જરા અસંતુલન હોય તો જ લાઇફ ઇન્ટરેસ્ટિંગ બને. ચાલતી રહે. દોડતી રહે. રોમાંચ ટકી રહે. રસ ટકી રહે. માણસને રોલર કોસ્ટરમાં શા માટે મજા આવતી હોય છે? ફુલ સ્પીડથી ગાડી ડ્રાઇવ કરવામાં શા માટે આનંદ આવે છે? પર્વતની ટોચ પર પહોંચવામાં થ્રિલ શા માટે અનુભવાય છે? હાથે કરીને જોખમ વહોરવાનાં સાહસો છેને આ બધાં? જોખમ હોવા છતાં એમાં આનંદ આવે છે એ રોમાંચનો છે. થ્રિલનો છે. એડ્રિનાલિન રશનો છે. અસંતુલનનો છે. થોડું અસંતુલન તો જોઈએ સંસારમાં રહેવા માટે, નહીંતર કોઈ સ્વાદ ન રહે. પણ એક બાજુ અસંતુલિત ન થવું. થોડું આ બાજુ ઢળવું, થોડું પેલી બાજુ, નટબજાણિયાની જેમ. ઇલેકિટ્રક મોટર હોય કે ડીઝલ એન્જિન, આ યંત્રો ફરે છે અસંતુલનને કારણે. ઇલેક્ટ્રિક મોટરમાં વીજપ્રવાહથી પેદા થતું ચુંબકત્વ ખેંચતું–ધકેલતું રહે એટલે રોટર ફરે. કમ્બસ્ટન એન્જિનમાં કમ્પ્રેશન કપાય એટલે પિસ્ટન નીચે જાય અને ફ્લાય વ્હીલના ધક્કાથી ફરી ઉપર આવે. ઉપર સ્પાર્ક થાય એટલે નીચે ધકેલાય. સઘળો ખેલ અસંતુલનનો છે. આવું જ જીવનનું છે. માત્ર સુખ હોય, માત્ર સમૃદ્ધિ હોય, માત્ર શાંતિ હોય, માત્ર સલામતી હોય, માત્ર અભય જ હોય, કોઈ દુ:ખ ન હોય, કોઈ મુશ્કેલી ન હોય, સંપૂર્ણ સંતોષ જ હોય, સંપૂર્ણ સલામતી હોય, કોઈ ભય, જોખમ જ ન હોય, કોઈ પ્રતિસ્પર્ધી જ ન હોય તો જીવન શુષ્ક બની જાય. ઘરેડમય બની જાય. નાવીન્ય વગરનું થઈ જાય. એવું વેજિટેબલ જીવન જીવવામાં બહુ મજા ન હોય. જે સાધક સ્વને ઓળખી ચૂક્યો છે અને પરબ્રહ્મ સાથે જેનો નાતો જોડાઈ ગયો છે એવા વિરક્તનું જીવન આવું હોય અને એમાં અવર્ણનીય આનંદ હોય પણ એ સામાન્ય માણસ માટેની સ્થિતિ નથી. જેણે જગતમાં રહીને સંસારના ચક્રમાં ફરવાનું છે એવા પૃથકજન માટે સંપૂર્ણ વિરક્ત બનવું સંભવ નથી અને સલાહભર્યું પણ નથી. કૉમનમૅન તો સારો, સરળ, સમ્યક્ બનીને પોતાનું નિયત કર્મ નિષ્ઠાથી કરતો રહે એટલે બસ. એવા મારા–તમારા જેવા માણસોના જીવનમાં તો બધું જ હોવું જોઈએ અને એ બધાના અસંતુલનમાં સંતુલન જાળવવાના પ્રયત્નો એ જિંદગીનો આનંદ છે.

 જિંદગી જીવવા જેવી લાગવી જોઈએ. એમાં સંતુષ્ટિ, તૃપ્તિ, પ્રસન્નતા, આનંદ, ખુશી, ઉલ્લાસ, ઉમંગ, સફળતા, વિકાસ, ઉન્નતિ જરૂરી છે અને એટલે એવું ઘણું છે જે પકડી રાખવું પણ જરૂરી છે. જે પીડે છે એને છોડો, જે આનંદ આપે છે એને પકડી એવું કહી શકાય એવી સીધીસાદી આ વાત નથી. આવું સરળીકરણ જીવનમાં સંભવ પણ નથી. જિંદગી બહુ જ કૉમ્પ્લેક્સ ચીજ છે. એમાં દરેક સમસ્યાનો એકસરખો ઉકેલ નથી હોતો. દરેક સવાલનો ફિક્સ ઉત્તર નથી હોતો. એક બહુ જ પ્રાચીન ઝેન કથા છે ઃ


ચીનમાં કોઈ એક સ્થળે બે સાધુઓએ બે મઠ સ્થાપ્યા હતા. બન્ને સાધુઓ એકબીજાના કટ્ટર પ્રતિસ્પર્ધી એટલે બન્ને મઠ એકબીજાના દુશ્મન. એક મઠમાં ભણવા આવનાર બાળકોને બીજા મઠમાં પ્રવેશવાની તો છૂટ નહોતી જ, બીજા મઠના શિષ્યો સાથે વાત કરવાની પણ છૂટ નહીં. બન્ને મઠ એકમેક વિરુદ્ધ એટલું બધું શિષ્યોને કહ્યા કરે કે બન્નેનાં બાળકો બીજા મઠના લોકોને ભયંકર ખરાબ માને. એક વખત મઠમાંથી એક બાળકને દૂધ લેવા માટે ગામમાં મોકલવામાં આવ્યો. આ શિષ્ય જતો હતો ત્યાં રસ્તામાં વિરોધી મઠનો શિષ્ય મળી ગયો. બન્ને સરખી ઉંમરના. બાળકો તો અંતે બાળકો જ હોયને ? એટલે બોલવાની મનાઈ હોવા છતાં પ્રથમ મઠનો શિષ્ય બીજા મઠના હમઉમ્ર શિષ્યને પૂછી બેઠો, ‘તું ક્યાં જાય છે?’ પેલો શિષ્ય મઠમાં રહીને અધ્યાત્મની સુફિયાણી વાતો સાંભળતો રહેતો એટલે તેણે સાંભળેલો જવાબ આપી દીધો, ‘જ્યાં પવન લઈ જાય ત્યાં.’ આ જવાબ પ્રથમ મઠના શિષ્યને પલ્લે પડ્યો નહીં. શું જવાબ આપવો એ સૂઝ્‍યું નહીં એટલે મૂંઝાઈને મૂંગો રહ્યો. સાંજે આવીને મઠમાં ગુરુને વાત કરી. ગુરુએ કહ્યું, ‘હું જાણું જ છું કે એ મઠના લોકો બહુ ખરાબ છે. એ આવા જ જવાબ આપે. તારે તેને સજ્જડ જવાબ આપવો જોઈતો હતો. તેઓ આવું જ કરીને બીજાને નીચા દેખાડે છે. શિક્ષણ જ એવું આપે છે તેઓ શિષ્યોને. તું કાલે જજે અને રસ્તામાં એ છોકરો મળે તો પૂછજે કે તું ક્યાં જાય છે. એ જવાબ આપશે કે પવન લઈ જાય ત્યાં તો તું તેને પૂછજે કે તારે પગ જ ન હોય તો? એનો જવાબ તે નહીં આપી શકે એટલે આપણો વિજય થશે.’ શિષ્ય ગયો બીજા દિવસે. પેલો છોકરો મળ્યો પણ ખરો. પૂછ્યું, તું ક્યાં જાય છે? પેલા છોકરાએ કહ્યું, ‘હું તો શાકભાજી લેવા જાઉં છું.’ હવે? ગુરુએ શીખવેલો જવાબ તો અહીં કામમાં આવે એમ નહોતો.

બધી જગ્યાએ પહેલેથી નિર્ધારિત જવાબ કામ આવતા નથી. સફળતા માટે કોઈ એક વસ્તુને પકડી રાખવી, કોઈ એક માર્ગને છોડવો નહીં એ બહુ જરૂરી છે. મુંબઈથી અમદાવાદ જવું હોય તો હાઇવેને છેક અમદાવાદ સુધી પકડી રાખવો પડશે. બે કલાક અમદાવાદ હાઇવે પર, બે કલાક પુણે એક્સપ્રેસવે તરફ, બે કલાક કર્જત–કસારા તરફ, બે કલાક પનવેલ તરફ ભાગ્યા કરીએ તો અમદાવાદ ક્યારેય ન પહોંચાય. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે, ‘અભ્યાસેન તુ કોન્તેય.’ હે અર્જુન સતત અભ્યાસથી તું પામી શકીશ. એક જ ધ્યેયને છોડી દીધા વગર સતત અભ્યાસ, સતત એનો પીછો કરતા રહેવાથી સફળતા મળે છે, સિદ્ધિ મળે છે. જે બાબત હાથમાં લઈએ એને અંત સુધી લઈ જવી. ત્યાં સુધી અટકવું નહીં, થાકવું નહીં, છોડવું નહીં. વ્યાવસાયિક કામોમાં ઇન્વૉલ્વમેન્ટનો અર્થ છે પકડી રાખવું. ચોંટી રહેવું. તેના મય બની જવું. જેટલા વધુ ઇન્વૉલ્વ થશો, જેટલા ઊંડા ઊતરશો એટલી સફળતાની ગફરન્ટી વધુ. માત્ર ધંધામાં જ નહીં, દરેક બાબતમાં ઇન્વૉલ્વમેન્ટ જરૂરી છે.

‘કરતાં જાળ કરોળિયો...’ એ રૂઢિપ્રયોગ ગજબ છે. જે છોડતો નથી તે મંજિલે પહોંચે જ છે. જે નિષ્ઠાથી વળગી રહે છે, જે નિષ્ફળતાને ગણકારતો નથી, જે પડવાથી ડરતો નથી તે સફળ થાય છે. થોમસ એડિશનની ટીમ એક પ્રયોગ સેંકડો વખત કરતાં કરતાં થાકી ગઈ. ટીમ-લીડરે એડિસનને કહ્યું, ‘આપણે ૭૬૫મી વખત નિષ્ફળ ગયા. હવે આ પ્રયોગ છોડી દેવો જોઈએ?’ એડિસને ઉત્સાહથી જવાબ આપ્યો, ‘૭૬૫મી વખત? મતલબ કે આપણે સફળતાની સાવ નજીક પહોંચી ગયા છીએ, પ્રયોગ ચાલુ રાખો.’

દરેક પ્રયોગ, ભલે એ નિષ્ફળ હોય, કશુંક શીખવે છે. જે પોતાના ધ્યેયને, એ માટેના માર્ગને છોડતો નથી તેને નિષ્ફળ બનાવવાનું સામર્થ્ય વિધાતા પાસે પણ નથી.

Whatsapp-channel Whatsapp-channel

01 March, 2020 03:17 PM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK