Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કોઈને ઓળખવું-જાણવું-સમજવું એ ક્યારેક ભ્રમ નીકળી શકે

કોઈને ઓળખવું-જાણવું-સમજવું એ ક્યારેક ભ્રમ નીકળી શકે

30 January, 2020 01:09 PM IST | Mumbai
Jayesh Chitaliya

કોઈને ઓળખવું-જાણવું-સમજવું એ ક્યારેક ભ્રમ નીકળી શકે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જીવનના રોજબરોજના વ્યવહારોમાં આપણે ઘણી વાર કોઈ બીજી વ્યક્તિ માટે બોલતા હોઈએ છીએ, હું તો આને જાણું છું, હું તો તેને ઓળખું છું, મારો તેની સાથે પરિચય છે, અમે એકબીજાને ઓળખીએ છીએ વગેરે. કયારેક આ જ વિધાનને આપણે ચોક્કસ અનુભવ બાદ એવું કરી નાખીએ છીએ, હું તેને બરાબર ઓળખી શક્યો નહીં, હું તેને ઓળખવામાં માર ખાઈ ગયો, હું તેને જાણી શક્યો નહીં, મારી તેને જાણવામાં ભૂલ થઈ ગઈ. તેની સાથેનો પરિચય એક ભ્રમ રહ્યો. જીવનમાં સમય અને સંજોગ અનેક વ્યક્તિ સાથેના સંબંધો અને અનુભવોમાં ઘણુંબધું બદલી નાખતા હોય છે. આમાં પણ સૌથી વધુ બદલાવ આવે છે એ વિધાનમાં કે હું તને સમજું છું, તે મને સમજે છે, અમે એકબીજાને સમજીએ છીએ. એકસાથે વરસો સુધી રહેતાં માતા-પિતા પોતાનાં સંતાનોને અને સંતાનો પોતાનાં મા-બાપને સમજી શકતાં નથી. પતિ -પત્ની લગ્નનાં કેટલાં વરસો સુધી કે બાદ પણ એકબીજાને સમજવાનો દાવો કરી શકે છે? એનો અર્થ એ નથી કે કોઈ કોઈને ક્યારેય સમજતું નથી, પરંતુ સમજની મર્યાદા સમય-સંજોગ-ઘટના મુજબ બદલાતી રહે છે. 

વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિને જાણવું, ઓળખવું, પરિચય હોવો એક વાત હોય છે અને સમજવું એ સાવ બીજી વાત હોય છે. જોકે આપણે કાયમ માટે કોઈને પણ સમજી શકતા નથી, કારણ કે વ્યક્તિ પોતે પણ સમય સાથે બદલાતી રહે છે અને આપણે પણ. આપણી સમજ પણ સમય સાથે પરિવર્તનમાંથી પસાર થાય જ છે. ઉંમર સાથે આપણું શરીર જ માત્ર બદલાતું નથી બલકે મન અને જીવનનો અભિગમ પણ બદલાય છે. આપણે ખરેખર તો એકબીજાને ઉપરછલ્લું જાણીએ-ઓળખીએ છીએ અને એનાથી પણ ઉપરછલ્લું સમજીએ છીએ. ઘણી વાર તો આ જાણવું-ઓળખવું-સમજવું એ પણ એક ભ્રમ બની જાય છે યા ભ્રમ નીકળે છે. આનાં કારણ અનેકવિધ હોય છે.   



દેખાય છે કંઈક, થતું હોય છે કંઈક


એક સૂફી કથા તાજેતરમાં વાંચવામાં આવી. વાંચીને મજા પડી ગઈ. આમ તો આ કથા કેટલાં પણ વરસ જૂની હોય અને કથામાં પાત્રનું નામ કંઈ પણ હોય, આપણે તેને આપણા જીવન સાથે આજે  પણ રિલેટ કરી શકીએ છીએ. એટલે જ તો આવી કથા સદીઓ બાદ પણ લોકોને યાદ રહે છે અને યાદ કરાવવામાં આવે છે. વાત જાણે એમ છે કે એક નગરમાં એક દાણચોર રહેતો હતો. તે બહુ ચાલાક હતો, તેથી ત્યાંની પોલીસ-પ્રજા સૌને જાણ હોવા છતાં તે કોઈ દિવસ પકડાતો નહીં, કારણ કે પુરાવા મળે તો પકડાયને! શેની દાણચોરી કરે છે? કઈ રીતે કરે છે? એ ખબર તો પડવી જોઈએને!

આ અલગારી માણસ રોજ બીજા નગરની સીમા પાર કરી ત્યાંથી પોતાના નગરમાં ઘાસ લાવવાનું કામ કરતો. તે રોજ ચારથી પાંચ ગધેડાઓ પર ઘાસ લઈને આવતો. જકાત અધિકારી શંકા સાથે તેના ઘાસની તપાસ કરતા કે એ કંઈ એમાં છુપાવીને કીમતી સામાન લાવતો નથીને? પરંતુ કંઈ જ સામાન ક્યારેય મળતો નહીં. જોકે આ માણસની વધતી જતી સંપત્તિ જોઈને જકાત અધિકારીને- લોકોને થતું કે આ માણસ આટલો ધનવાન કઈ રીતે થઈ રહ્યો છે? જોકે ક્યાંયથી કોઈ પુરાવા પ્રાપ્ત થયા નહીં. વરસો બાદ એ માણસ કામકાજથી નિવૃત્તિ લઈ એ નગર છોડી બીજા દેશમાં ચાલ્યો ગયો, જોગાનુજોગ તેના જ નગરનો જકાત અધિકારી જે કાયમ તેની તપાસ કરતો હતો, તે પણ એ જ નવા દેશમાં રહેવા આવીને આ અલગારી દાણચોરનો જ પાડોશી બન્યો. એ અધિકારી  પણ નિવૃત્ત થઈ ગયો હતો. તેણે એક દિવસ સંયમ સાથે નમ્રતાપૂર્વક એ માણસને પૂછ્યું કે તું હવે તો સાચું કહે, તું શેની દાણચોરી કરતો હતો? એ માણસે બહુ સહજતાથી જવાબ આપ્યો, ગધેડાઓની દાણચોરી કરતો હતો. હું બીજા નગરથી ગધેડા લાવી વેચતો હતો. આ સાંભળીને પેલા પોલીસની બોલતી બંધ થઈ ગઈ.


વિશ્વાસનો જ વધુ ગેરલાભ

આપણા જીવનમાં આસપાસ લોકોને આપણે જોઈએ તો આપણને લોકો શું કરતા દેખાય છે અને ખરેખર શું કરતા હોય છે એ કળવું કઠિન બની જાય છે. તાજેતરમાં જ એક મિત્રની ઑફિસમાં કામ કરતી મહિલા તેને છેતરપિંડી કરીને કંપનીના સાત લાખ રૂપિયા રફેદફે કરી ગઈ. તે એવી રીતે રફુચક્કર થઈ કે તેનો કોઈ સંપર્ક ન થઈ શકે. તેણે કોઈ નિશાની છોડી નહીં. મારા મિત્રના કહેવા મુજબ તે બહુ સમયથી કામ કરતી હતી. તેની કામગીરી સારી હોવાથી તેના પર વિશ્વાસ પણ ભરપૂર હતો, કદાચ એનો જ તેણે ઉપયોગ કરી લીધો. સામાન્ય રીતે સાથે કામ કરતા માણસની એક ઇમેજ બની ગયા બાદ આપણે તેને કથિત ઓળખતા, જાણતા અને સમજતા થઈ જઈએ છીએ; જેને લીધે આપણો તેના પર વિશ્વાસ બની જવો સહજ હોય છે. જ્યારે એ જ માણસ સંજોગોનો લાભ લઈ યા તકનો ઉપયોગ કરી તમને છેતરી જાય ત્યારે તમને ખબર પડવામાં યા સત્ય સમજવામાં મોડું થઈ ગયું હોય છે. મિત્ર કહે છે, આટલાં વરસોથી એ મહિલા કામ કરતી હતી, અમે તે આવું કરી શકે એની કલ્પના પણ નહોતા કરતા.

કોણ-કોણ છેતરે છે?

જ્યારે પણ કોઈ છેતરપિંડી થાય યા વિશ્વાસઘાત થાય ત્યારે અગાઉનો માહોલ આવો જ હોય છે જેમાં બીજાઓને એની કલ્પના પણ હોતી નથી યા થતી નથી. ઇતિહાસ આવા અનેક દાખલાઓથી  ભરેલો છે. આપણા રોજબરોજના જીવનમાં પણ આવું આપણને ઘણી વાર સાંભળવા–જોવા મળે છે. જોકે આપણે એ પછી થોડો વખત માટે સજાગ થઈ જઈએ છીએ અને સમય જતાં આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ કહેવાય છે કે ઇતિહાસ પાસેથી આપણે એ જ શીખીએ છીએ કે ઇતિહાસ પાસેથી આપણે કંઈ નથી શીખતા. રાજકીય નેતાઓ સંભવતઃ આ જ રીતે આપણે છેતરતા રહેતા હોય છે. શા માટે માત્ર રાજકીય નેતાઓ? દરેક ક્ષેત્રમાં આપણે વિવિધ એવા લોકોથી છેતરાતા રહીએ છીએ જેમના પર આપણે વિશ્વાસ રાખ્યો હોય છે. આપણા સમાજના કેટલાક (બધા નહીં)  ડૉક્ટરો, વકીલો, ટૅક્સ-કન્સલ્ટન્ટ, સલાહકારોથી માંડી આપણી સાથે સંકળાયેલા અનેક લોકો આપણને ક્યારે કયા સ્વરૂપે છેતરી જશે એની આપણને કલ્પના હોતી નથી. આ કાર્ય બહુ કુશળતાપૂર્વક થતું રહે છે.

આપણે ફરી ‘એ માણસને હું ઓળખું છું, જાણું છું, સમજું છું’ એ વાત પર આવી જઈએ છીએ. આપણે એ સત્યને ભૂલતા રહીએ છીએ કે એક માણસ કાયમમાટે એનો એ જ રહી શકતો નથી, સમય -સંજોગ તેને બદલતા રહે છે. આ બદલાવ તેને બહેતર બનાવે છે યા બદતર પણ બનાવે છે.

ઉપરની વાર્તાનો દાણચોર ઘણા માણસોમાં બેઠો હોય છે, જે લોકોને બતાવે છે કંઈક અને કરે છે કંઈક. દોષ માત્ર એ દાણચોરનો નથી, આપણે પોતે પણ જવાબદાર હોઈએ છીએ, આપણે માણસમાં જે જોવાનું હોય છે એને બદલે કંઈક બીજું જોતા રહીએ છીએ. અર્થાત્ વસ્તુઓને જોયા કરીએ છીએ, પરંતુ વિચારને જોવાનું ચૂકી જઈએ છીએ જેને લીધે માણસને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ. કહેવાય છે કે સાગરના પેટાળમાં જઈ તમે સાગરમાં રહેલાં તમામ મોતી લઈ આવ્યાનો દાવો કદાચ કરી શકો, પરંતુ કોઈ પણ માણસને કાયમ માટે સમજી લીધાનો દાવો ક્યારેય ન કરી શકો.

Whatsapp-channel Whatsapp-channel

30 January, 2020 01:09 PM IST | Mumbai | Jayesh Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK