Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હિંમત હોય તો પ્રેમ કરી જુઓ!

હિંમત હોય તો પ્રેમ કરી જુઓ!

23 February, 2020 01:38 PM IST | Mumbai
Dr Dinkar Joshi

હિંમત હોય તો પ્રેમ કરી જુઓ!

હિંમત હોય તો પ્રેમ કરી જુઓ!


તમે કોઈને પ્રેમ કરો એ કરતાં તમને કોઈ પ્રેમ કરે એ તમને વધારે ગમે છે. પ્રેમ કરવો એનો સામાન્ય અર્થ આપણે એવો જ કરીએ છીએ કે આ પ્રેમ તંતુના બન્ને છેડે વિજાતીય વ્યક્તિ જ હોવી જોઈએ. આ ગેરસમજ આપણે આદિ કાળથી ચલાવીએ છીએ. હકીકતે પિતા દશરથ પુત્ર રામને પ્રેમ કરે અને આ પુત્રપ્રેમને વશ થઈને તે મૃત્યુ પણ પામે. રાજા ભરતની વાતથી આપણે કોઈ અજાણ્યા નથી. રાજા ભરતે ઉત્તરાવસ્થામાં એક હરણના બચ્ચાને પ્રેમ કર્યો અને પછી બીજા જન્મમાં તે રાજા જડભરત બન્યા. આમ પ્રેમ માત્ર વિજાતીય જ થાય એવું નથી. એ સજાતીય પણ થાય અને અન્ય પ્રાણી પ્રત્યે પણ થાય. પ્રેમ વૃક્ષને પણ થાય અને ક્યારેક ઢીંગલા-ઢીંગલીને પણ થાય.

પ્રેમ એટલે શું થાય એની કોઈને ખબર નથી. પ્રેમ વિશે મોટી-મોટી વાતો વિવેચકોએ, વિચારકોએ, અધ્યાત્મ પુરુષોએ અને બીજા અનેક પોતાને પ્રેમીજન ગણાવતા માણસોએ કરી છે. અડધી રાત્રે તમારી ઊંઘ ઊડી જાય અને પછી કલાકો સુધી તમને કોઈની યાદ આવે, એ વ્યક્તિ તમારી પાસે હોય અથવા તમે એ વ્યક્તિ પાસે હો એવી કોઈક પ્રકારની ઝંખના જાગે એને આપણે ફટાફટ પ્રેમ કહી દઈએ છીએ. અસંગરો અને પ્રેમ આ બન્ને જુદી-જુદી અવસ્થા છે. આપણે એને એકત્વ આપી દીધું છે. કોઈ વ્યક્તિના નહીં હોવાથી આપણને તાત્પૂરતો અસંગરો સાલે છે. એ જ રીતે કોઈ વ્યક્તિ તરફના કહેવાતા પ્રેમને કારણે આપણું સમગ્ર અસ્તિત્વ ડહોળાઈ જાય તો એ પ્રેમ નથી, પણ વિવેકભાન ગુમાવી દીધેલો મોહ છે.



પ્રેમ વિશેની આટલીક વાત આજે સુઝાડવાનો જશ અમરાવતીની એક કૉલેજને આપવો જોઈએ. અખબારી અહેવાલો પ્રમાણે આ કૉલેજના સંચાલકોએ કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પાસે જાહેરમાં એવી પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ કૉલેજકાળ દરમિયાન કોઈનેય પ્રેમ કરશે નહીં. સંચાલકોનો આશય તો આ કન્યાઓ અભ્યાસકાળ દરમિયાન અણસમજુ હોય છે અને આવી અવસ્થામાં પ્રેમના ચક્કરમાં કોઈક લફંગા છોકરા સાથે ફસાઈ ન જાય એ જ હોવો જોઈએ. આ આશય દેખીતી રીતે કંઈ ખોટો નથી, પણ આ પ્રતિજ્ઞાને જે શાબ્દિક સ્વરૂપ આપવામાં આવ્યું છે એ જેવું છે એવું સ્વીકારી લેવું અઘરું છે.


કૉલેજકાળ એટલે સામાન્યતઃ સોળથી વીસ વરસની ઉંમરનો કાળ છે. આ અવસ્થામાં આપણે જેને વિજાતીય આકર્ષણ કહીએ છીએ એ ઉત્પન્ન થાય છે અને જેને પ્રેમ શબ્દથી ઓળખીએ છીએ એવી કોઈક અજાણી લાગણી પણ પેદા થાય છે. આ પ્રાકૃતિક છે અને એને રોકવાનો કોઈ પ્રયત્ન સહજ ભાવ નથી. પણ એ સાથે જ આ અવસ્થા આવા કોઈ આકર્ષણ કે લાગણીથી લપેટાઈ જાય ત્યારે વિદ્યાર્થી અવસ્થા ડહોળાઈ જાય છે. આ તબક્કે સૌથી વધુ સાવચેત માતાપિતાએ રહેવું પડે છે. કેટલાં માતાપિતા સંતાનોની આ અવસ્થાને સમજતાં હશે એ વિરાટ પ્રશ્ન છે.

અહીં જે શબ્દ આજકાલ વારંવાર દેખાય છે એ શબ્દ પણ ઓળખવા જેવો છે. લવ જેહાદ નામના આ શબ્દથી આપણે દસ-વીસ વરસ પૂર્વે સાવ અજાણ્યા હતા. આ શબ્દને ભાષા સાથે કોઈ સંબંધ નથી. લવ અંગ્રેજી શબ્દ છે અને જેહાદ શબ્દનું મૂળ અરબી ભાષા છે. અરબીમાં એનો અર્થ ધર્મ માટેનું યુદ્ધ એવો થાય છે. આ ધર્મયુદ્ધ એટલે કે મહાભારતમાં મહર્ષિ વ્યાસે જે ધર્મની વાત કરી છે એ ધર્મ આ નથી. ધર્મ એટલે કે સંપ્રદાય એટલે કે સાંપ્રદાયિક વલણોના રક્ષણ કે વિસ્તાર માટે જે યુદ્ધ થાય એનો અર્થ અહીં અભિપ્રેત છે. મુસલમાન યુવકો હિન્દુ કૉલેજિયન યુવતીઓને પ્રેમના ઓઠા હેઠળ ફસાવે અને પછી તેમનું ધર્મપરિવર્તન કરાવીને નિકાહ પઢે અને એ પછી ટ્રિપલ તલાક. આમ કરવાથી એક હિન્દુ ઘટે અને એક મુસ્લિમ વધે. આ રીતે કેટલા હિન્દુઓ ઘટ્યા અને કેટલા મુસ્લિમો વધ્યા એની કોઈ માહિતી વસ્તીગણતરીના ચોપડે ક્યાંય નોંધાઈ નથી. 


સાચી વાત તો એ છે કે આ લવ જેહાદ સામે આક્રોશ કરનારા હિન્દુઓએ પોતે જ પોતાના ઘરમાં ડોકિયું કરવું જોઈએ. તમારી પુત્રીઓને તમે આ લવ જેહાદ નામના રાક્ષસથી માહિતગાર કેમ નથી કરતા? આ કન્યાઓને તમે એવી સમજ કેમ નથી આપતા કે તેઓ સમજણપૂર્વક જ આ ભૂતથી દૂર ભાગે. લવ જેહાદમાં જો મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ફસાવી શકે તો એના વિપરીત ક્રમમાં હિન્દુ યુવક મુસ્લિમ કન્યાને કેમ ફસાવી ન શકે? (અહીં કોઈક સંસ્કૃતિપ્રેમી એવી વાત પણ કરે કે હિન્દુ પરંપરામાં આવી ફસામણીનું કોઈ શિક્ષણ જ નથી તો દલીલ તરીકે એને માન્ય કરી શકાય એટલું જ નહીં, આ લવ જેહાદ પછી ટ્રિપલ તલાકની જે સગવડ મુસલમાનોને આજ સુધી મળતી એ હિન્દુઓને ઉપલબ્ધ થતી નથી.)   

હિન્દુ અને ઇસ્લામ ધર્મમાં ધર્મપરિવર્તનના પ્રશ્ને જે જુદા-જુદા અભિગમો છે એ વિશે અહીં થોડોક વિચાર કરવા જેવો છે. ઇસ્લામ ધર્મ અન્ય ધર્મીઓના પરિવર્તનથી જ ફૂલ્યો ફાલ્યો છે. હિન્દુ ધર્મમાં પરિવર્તન સ્વીકાર્ય નથી. હિન્દુ હોવા માટે હિન્દુ માતાપિતાના પેટે અવતરવું પડે છે, બહારથી આવી શકાતું નથી. ગઈ સદીના પૂર્વાર્ધમાં સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય, બળજબરીથી પરિવર્તિત કરાયેલા હિન્દુઓને પુનઃ હિન્દુ બનાવવા માટે આંદોલન ચલાવી રહ્યા હતા ત્યારે કટ્ટર મુસલમાન નેતાઓ મહમદ અલી અને શૌકત અલીએ ગાંધીજી સમક્ષ સ્વામી શ્રદ્ધાનંદ અને લાલા લજપતરાય સામે ધર્મના નામે ફરિયાદ કરી હતી. – ‘મુસલમાન ધર્મમાં અન્ય ધર્મીઓને સાચા માર્ગે એટલે કે ઇસ્લામમાં લાવવાની સ્પષ્ટ આજ્ઞા આપવામાં આવી છે પણ હિન્દુ ધર્મમાં પરિવર્તનની કોઈ વાત નથી એટલે હિન્દુઓને મુસલમાન બનાવવાની વાત ધર્મ સુસંગત છે અને મુસલમાન બનેલા હિન્દુઓને ફરીથી હિન્દુ બનાવવાની વાત ધર્મ વિરુદ્ધ છે.’

મૂળ વાત પ્રેમની છે. પ્રેમ ધર્મ, જાતિ કે એવી અન્ય શરતો જોયા પછી જ થાય એ સંભવિત છે ખરું? આજે એટલે કે આ ક્ષણે જે વ્યક્તિઓ પોતાના પ્રેમની વાત કરે છે એ પૈકી કેટલા પાંચ કે દસ વરસ પછી આવા ને આવા પ્રેમની વાત કરશે? માણસની લાગણીઓ એક રસાયણ છે અને કોઈ પણ પ્રકારના રસાયણમાં સમય રાસાયણિક પ્રક્રિયા પેદા કરે જ છે. આ રાસાયણિક પ્રક્રિયાને સમજી લેવાથી કદાચ જીવન – ખાસ કરીને પારિવારિક જીવન વધુ સુખરૂપ બને છે.

રાજા દશરથ પુત્ર રામનો વિયોગ પૂરું એક અઠવાડિયું પણ સહન કરી શક્યા નહીં. કથાકારો આ માટે રાજા દશરથનો પુત્ર પ્રેમ કારણભૂત ગણાવે છે. માતા કૌશલ્યા રામના પૂરાં ૧૪ વરસના વિયોગને સ્વસ્થતાથી જીરવીને રામ પાછા ફર્યા ત્યાં સુધી અયોધ્યામાં રહ્યાં છે. તો શું કૌશલ્યાને પુત્રપ્રેમ નહોતો એમ કહી શકાય? હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર પુત્રપ્રેમમાં ગળાબૂડ હતા અને સર્વનાશ જોવા છતાં તેમણે પુત્રોને રોક્યા નહીં. સોએ સો પુત્રો એકલા ભીમના હાથે નાશ પામ્યા છતાં યુધિષ્ઠિર રાજ્યમાં પૂરાં પંદર વરસ સુધી રહ્યા છે.

પ્રેમ અને સત્ય આ બન્ને પરમની વિભાવના છે. એને વાત-વાતમાં ગમે તેવા શબ્દો સાથે ખરડીને અભડાવી દેવાની જરૂર નથી. એને ઓળખવા માટે કદાચ શબ્દ નહીં પણ શબ્દાતીત વિભાવના શોધવી પડે. પ્રેમને શબ્દાળુતા કે અપેક્ષાઓ સાથે કોઈ સંબંધ નથી. એનો માપદંડ માત્ર એક જ છે – મને આ નથી ગમતું પણ તમને આ ગમે છે એટલે મને નથી ગમતું એની તમને જાણ કર્યા વિના હસતાં-હસતાં આ કામ હું કરીશ આનું નામ પ્રેમ. પ્રેમમાં બે ન હોય, એક જ હોય. કબીરદાસે જે ઈશ્વર માટે કહ્યું છે એ માણસ માટે પણ એટલું જ સાચું છે, કારણ કે માણસ જ્યારે પ્રેમ કરે છે ત્યારે તે ઈશ્વરની લગોલગ હોય છે – ‘પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય.’ 

Whatsapp-channel Whatsapp-channel

23 February, 2020 01:38 PM IST | Mumbai | Dr Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK