મોરારિબાપુ માટે હિન્દી ફિલ્મનાં ગીતો જીવનદર્શન સમજવાનાં હાથવગાં સાધન છે

Published: Feb 09, 2020, 14:52 IST | Rajani Mehta | Mumbai

૧૬ જાન્યુઆરીએ મહુવામાં પૂજ્ય મોરારિબાપુના સાંનિધ્યમાં હિન્દી ફિલ્મોનાં કાવ્યસભર ગીતોનો એક કાર્યક્રમ રજૂ કરવાનો મોકો મળ્યો એને જીવનની એક મોટી ઇચ્છાપૂર્તિ ગણું છું.

મોરારિબાપુ
મોરારિબાપુ

૧૬ જાન્યુઆરીએ મહુવામાં પૂજ્ય મોરારિબાપુના સાંનિધ્યમાં હિન્દી ફિલ્મોનાં કાવ્યસભર ગીતોનો એક કાર્યક્રમ રજૂ કરવાનો મોકો મળ્યો એને જીવનની એક મોટી ઇચ્છાપૂર્તિ ગણું છું. આ વિશે અનેક મિત્રો અને સંગીતપ્રેમીઓએ પૂછ્યું એટલે એના વિશેની થોડી વાતો શૅર કરું છું...

બાપુ સાથે મારી પહેલી મુલાકાત ૧૯૯૧માં થઈ, જ્યારે સુરેશ દલાલ સાથે એક કવિ સંમેલન માટે હું (શ્રોતા તરીકે) મહુવા ગયો હતો. મનુભાઈ ગઢવી, બરકત વીરાણી (બેફામ),  હરીન્દ્ર દવે, રમેશ પારેખ  અને બીજા માતબર સાહિત્યકારો ત્યાં હાજર હતા. સુરેશ દલાલના સંચાલનમાં મોડી રાત સુધી ચાલેલા એ યાદગાર કવિ-સંમેલનની કૅસેટ હજી મારી પાસે સચવાયેલી પડી છે.

બાપુને હિન્દી ફિલ્મી ગીતો પસંદ છે એ જગજાહેર વાત છે. આ ગીતોમાં રહેલું કાવ્યતત્ત્વ જીવનની દરેક પરિસ્થિતિને સહજતાથી આપણી સમક્ષ રજૂ કરે છે. બાપુ માટે ફિલ્મનાં ગીતો જીવનદર્શન સમજવા માટેના હાથવગા સામાન છે. વિખ્યાત કવિ નરેન્દ્ર શર્મા કહે છે, ‘કવિતા મેં અચ્છાઇ ભલે હો ના હો, સચ્ચાઈ ઝુરુર હોની ચાહિયે.’ કથામાં બાપુ ગીતો ઉપરાંત ગુજરાતી-ઉર્દૂ શેરો-શાયરી અનેક વાર ક્વોટ કરતા હોય છે. મેં વિચાર્યું કે આ બે પાસાંનો સમન્વય કરીને કંઈક નવી રજૂઆત કરવી જોઈએ જેમાં ફિલ્મસંગીત, સાહિત્ય અને દૃષ્ટાંતોનું સારુંએવું પ્રમાણ હોય. 

આ વિચારસરણી મુજબ જીવનના વિવિધ તબક્કા જેવા કે મિલન, વિરહ, દર્દ, વિષાદ, સુખ-દુખ, વ્યથા, આનંદ અને બીજા વિષય પર આધારિત ફિલ્મ ગીતોનો એક ગુલદસ્તો ‘જીના ઇસી કા નામ હૈ’ તૈયાર કરીને એની ઑડિયો-વિઝ્યુઅલ રજૂઆત બાપુ અને બીજા રસિકજનો સમક્ષ કરી એની આજે વાત કરવી છે.

ફિલ્મ-સંગીત માટે શાસ્ત્રીય સંગીતના પંડિતો અને ખાંસાહેબોનો અણગમો જગજાહેર છે. તેમના હિસાબે ફિલ્મ-સંગીત એટલે શુદ્ધ શાસ્ત્રીય સંગીતની ભ્રષ્ટ આવૃત્તિ. બડે ગુલામ અલીખાંનો કિસ્સો યાદ આવે છે. ફિલ્મ સંગીત પ્રત્યે તેમની નારાજગી કોઈથી છૂપી નથી. કે. આસિફ જ્યારે ‘મોગલ-એ-આઝમ’ના ‘પ્રેમ જોગન બન કે’ ગીતના પ્લેબૅક માટે તેમની પાસે ગયા ત્યારે પહેલાં તો તેમનું અપમાન કર્યું. એમ છતાં કે. આસિફ હિંમત હાર્યા વિના તેમને ગીત ગાવાનો આગ્રહ કરતા રહ્યા ત્યારે ખાંસાહેબે તેમને ટાળવા માટે ૨૫,૦૦૦ રૂપિયાની માગણી કરી અને કે. આસિફે એ સ્વીકારી (એટલું જ નહીં, આ જ ફિલ્મ માટે ‘શુભ દિન આયો રે’ માટે પણ પ્લેબૅક આપ્યું. એ દિવસોમાં લતા મંગેશકર અને મોહમ્મદ રફીને એક ગીત ગાવાના ૫૦૦થી ૭૦૦ રૂપિયા મળતા હતા). વાત એ નથી, પ્લેબૅક સિંગર્સ માટે પણ તેમનો અભિપ્રાય ઊંચો નહોતો છતાં લતા મંગેશકરનું ‘અનારકલી’નું ગીત ‘યે ઝિંદગી ઉસીકી હૈ, જો કિસીકા હો ગયા, પ્યાર હી મેં ખો ગયા’ સાંભળીને તેઓ બોલી ઊઠ્યા, ‘કમબખ્ત, કુછ ભી કહો? કભી બેસૂરી નહીં હોતી.’

આ અને આવા બીજા કિસ્સા ઉપરાંત એ સમયના કલાકાર-કસબીઓની ઓછી જાણીતી વાતો બાપુ અને અન્ય શ્રોતાઓ સમક્ષ શૅર કરવાનો જે અનુભવ રહ્યો એ યાદગાર રહ્યો. એક રસિકજન તરીકે બાપુ નાના-મોટા દરેક કલાકારને માન આપે છે અને કાન દઈને, એક સારા શ્રોતા બનીને વક્તાને દાદ આપતા હોય છે. આમ પણ એક સારા વક્તા બનવા માટેની પહેલી શરત એ છે કે તે સારો શ્રોતા હોવો જોઈએ. આવા થોડા યાદગાર કિસ્સાઓ તમારી સાથે શૅર કરું છું.

અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમારની એક ફરિયાદ સાંભળવા જેવી છે. તેઓ કહે છે, ‘કામ પતાવીને ઘેર જાઉં છું ત્યારે યુસુફ ખાન હંમેશાં મારી સાથે ઝઘડો કરતાં કહે છે દિન-રાત મહેનત કરને કે બાદ મુઝે ક્યા મિલતા હૈ? સારી શોહરત ઔર ઇઝ્ઝત દિલીપકુમાર લે જાતા હૈ. અને આ સાંભળીને હું દુખી થઈ જાઉં છું. બીજા દિવસે બહાર જાઉં છું અને દુનિયા જે અહોભાવથી દિલીપકુમારનો આદર–સત્કાર કરે છે ત્યારે દિલીપકુમારનું દિલ બાગ બાગ થઈ જાય છે અને મને કહે છે દેખો, કિતની ઇઝ્ઝત મિલતી હૈ. હૈ ઔર કોઈ દૂસરા જિસકે પીછે સબ પાગલ હૈ? અને આ બધું જોઈને-સાંભળીને સુખનો અહેસાસ થાય છે. ઘણી વાર મનમાં વિચાર આવે છે કે મૈંને ક્યા ખોયા ઔર ક્યા પાયા? ઇસી કશ્મકશ મેં ઝિંદગી ગુઝરતી હૈ. સોચતા હૂં એક ના એક દિન કુછ તો પા લૂંગા. બસ, ઇસી ઉમ્મીદ મેં કામ કિયે જાતા હૂં.’

દિલીપકુમાર જેવા મહાન કલાકારની જેમ આપણે સૌ આવી ઉલઝનમાં જીવતા હોઈએ છીએ. તેમના  જેવી ‘વેલ રેડ’ વ્યક્તિ ફિલ્મી દુનિયામાં ભાગ્યે જ જોવા મળે. તેમની વાતોમાં ફિલોસૉફી અને જીવનદર્શનની બારીકીઓ જોવા મળે. આવો જ એક બીજો કિસ્સો છે. વર્ષો પહેલાં ‘ગઝલ ૧૦૧’ પુસ્તકના વિમોચન પ્રસંગે તેમણે વિચાર કરતા મૂકી દે એવી એક વાત કરી હતી એ તેમના શબ્દોમાં પ્રસ્તુત છે...

‘થોડા દિવસ પહેલાં કૉન્કર્ડ વિમાનની પ્રથમ ફ્લાઇટમાં મને મુંબઈથી ન્યુ યૉર્ક જવાનું આમંત્રણ મળ્યું. આ નૉન-સ્ટૉપ ફ્લાઇટ લગભગ ૧૦ કલાકમાં મુંબઈથી ન્યુ યૉર્ક પહોંચી ગઈ. લૅન્ડ થયા બાદ દરેક બહાર નીકળવાની ઉતાવળમાં હતા. હું શાંતિથી મારી સીટ પર બેઠો હતો. કોઈએ મને પૂછ્યું કે તમારે મોડું નથી થતું? મેં જવાબ આપ્યો, ‘મુંબઈમાં રાતે ૧૦ વાગ્યાની આ ફ્લાઇટ  અહીં પહોંચી છે ત્યારે હજી તો (એ જ દિવસના) રાતે ૮ વાગ્યા છે. આપણે માટે આ બે કલાક બોનસ છે તો પછી ઉતાવળ કરવાનું કોઈ કારણ નથી એટલે શાંતિથી બેઠો છું.’ દિલીપકુમારની વાત પછી એટલું જ કહેવું પર્યાપ્ત છે કે સમજદાર કો ઇશારા કાફી હૈ. હાથના કાંડા પર ઘડિયાળ તો દરેકની પાસે છે, પરંતુ સમય કોઈની પાસે નથી. એવી હાલતમાં આ બે કલાકના બોનસનું સાચું મૂલ્ય સમજી શકે એવું કોણ છે?

સંગીતકાર ઓ. પી. નૈયરે મારી સાથે તેમના જીવનની એક એવી વાત શૅર કરી હતી જે તેમના જીવન જીવવાના અભિગમની વાત કહી જાય છે. સંગીતપ્રેમીઓ જાણે છે કે આશા ભોસલે સાથે તેમના અંગત સંબંધ વિશે તેમણે કદી ઢાંકપિછોડો નથી કર્યો. અહીં વાત કરવી છે તેમના ઍટિટ્યુડની. એક સમયે અતિનિકટ ગણાતા આ બે દિગ્ગજ કલાકારો ‘Familiarity breeds contempt’ (અતિનિકટતા અવજ્ઞામાં પરિણમે છે)એ ન્યાયે વિખૂટા પડ્યા. એ પછી ફિલ્મી પત્રકારોએ આશા ભોસલેનો ઇન્ટરવ્યુ લીધો, જેમાં આશા ભોસલેએ આ બાબતે ઘણી વાતો કરી. ત્યાર બાદ એ જ પત્રકારો ઓ. પી.  નૈયર પાસે આવ્યા અને કહ્યું કે આ પૂરી ઘટના વિશે તમારે શું કહેવું છે ત્યારે તેમણે એટલું જ કહ્યું કે ‘નો-કમેન્ટ.’ પત્રકારોનો સતત આગ્રહ હતો કે અમારી ફરજ છે કે બન્ને પક્ષોનો દૃષ્ટિકોણ લોકો સમક્ષ રજૂ કરવો જોઈએ. તમે કંઈક તો ખુલાસો કરો? ત્યારે તેમણે એટલું જ કહ્યું, ‘મારે કોઈ ખુલાસા નથી કરવા, કારણ કે મારા મિત્રોને એની જરૂર નથી અને મારા દુશ્મનો તેને સાચા ગણશે નહીં.’

 મહુવામાં વ્યાખ્યાનમાળાના કાર્યક્રમ સિવાય બાપુ સાથે સત્સંગ કરવાના બે-ત્રણ મોકા મળ્યા.  સવાર-સાંજ તેમને મળવા આવતા ભાવકો ઉપરાંત અલગ-અલગ ક્ષેત્રના કલાકારો પણ આવતા ત્યારે મહેફિલ જામતી. એમાં અલકમલકની વાતો થાય. એક કલાકારે વર્ષો પહેલાં બનેલા એક કિસ્સાની બાપુને યાદ અપાવી હતી. બન્યું એવું કે એક નાટકની રજૂઆત થવાની હતી. નાટક શરૂ થવાનું હતું એની ૧૦ મિનિટ પહેલાં બાપુ આવ્યા. એની ખબર પડતાં નાટકના દરેક કલાકારો તેમને મળવા અને આશીર્વાદ લેવા સભાગૃહમાં આવ્યા; સિવાય એક કલાકાર, જે એક સ્ત્રીપાત્ર ભજવતો હતો. નાટક પૂરું થયા બાદ તે આવીને બાપુને કહે, ‘બાપુ, તમને થશે કે હું તમારા આશીર્વાદ લેવા ન આવ્યો. સાચું કહું, હું જે પાત્ર ભજવતો હતો એ એક એવી સ્ત્રીનું હતું જે પોતાના પતિ સિવાય પારકા પુરુષની છાયાને પણ જુએ તો પાપ લાગે. એ સમયે હું એ રોલમાં એવો ઓતપ્રોત થઈ ગયો હતો કે મને તમારી સમક્ષ આવવામાં પાપ કરવા જેવું લાગતું હતું. મને ક્ષમા કરજો.’

એક કલાકારના ઇન્વૉલ્વમેન્ટની આનાથી મોટી મિસાલ બીજી કઈ હોઈ શકે. એ સમયે મને મહાન અદાકાર સર લૉરેન્સ ઓલિવિયરનો એક કિસ્સો યાદ આવ્યો જે મેં સૌની સાથે શૅર કર્યો. બન્યું એવું કે બ્રૉડવે પર શેક્સપિયરના મશહૂર નાટક ‘જુલિયસ સીઝર’ના એક જ દિવસે બે શોનું આયોજન થયું હતું જેમાં સર લૉરેન્સ ઓલિવિયરની ભૂમિકા હતી. મજાની વાત એ હતી કે જે દર્શકો પહેલા શોમાં નાટક જોવાના હતા એ દરેકે બીજા શોની ટિકિટ બુક કરાવી હતી. એનું કારણ એટલું જ કે પહેલા શોમાં સર લૉરેન્સ જુલિયસ સીઝરનું પાત્ર ભજવવાના હતા અને બીજામાં  બ્રુટ્સનું. એક મહાન અદાકાર, બે યાદગાર પાત્રોનો અભિનય કઈ રીતે કરશે એ માણવાની આવી બીજી તક કદી ન મળે એટલે આવું થયું.

આ સત્સંગમાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં આગળ પડતી વ્યક્તિઓના યોગદાન વિશે વાત થતી હતી. બાપુનું વાંચન એટલું વિશાળ છે કે આ દરેક વ્યક્તિની સિદ્ધિ પાછળનું તર્કશાસ્ત્ર આપણને એટલી સરસ રીતે સમજાવી શકે કે એમાં આપણને કર્મયોગનાં દર્શન થાય. દરેક ઘટના પાછળના કારણમાં ધર્મ અને કર્મની થિયરીનું અનુસંધાન જોડાયેલું છે એ આપણે સહજ રીતે સમજી શકીએ. એક દાખલો આપું ઃ અનાયાસ રાજ કપૂરની વાત નીકળી ત્યારે સ્વાભાવિક છે કે ફિલ્મો માટેના તેમના પૅશનનો ઉલ્લેખ થાય. ફિલ્મ ‘આવારા’ માટે ડ્રીમ સીક્વન્સ ‘ઘર આયા મેરા પરદેસી, પ્યાસ બુઝી મેરી અંખિયન કી’ ગીતનું શૂટિંગ ચાલતું હતું. એ સીન માટે રાજ કપૂર પાણીની જેમ પૈસો ખર્ચ કરતા હતા. એ દિવસોમાં તેમની પાસે રહેવા માટે નાનું ઘર હતું. એક દિવસ પત્ની ક્રિષ્ના કપૂરે પતિને કહ્યું, ‘બીજા પ્રોડ્યુસર તો મોટા-મોટા બંગલામાં રહે છે, જ્યારે આપણા માટે સાવ આટલું નાનું ઘર?’ ત્યારે રાજ કપૂરે જવાબ આપ્યો હતો, ‘જીન કે ઘર બડે હોતે હૈં ના, ઉનકી ફિલ્મે છોટી હોતી હૈ. મૈં એક બડી ફિલ્મ બનાને જા રહા હૂં. ફિર દેખના, એક દિન ઐસા આયેગા, મેરી ફિલ્મોં સે બડી ફિલ્મ, ઔર મેરે ઘર સે બડા ઘર, શાયદ હી કિસી કા હોગા.’

રાજ કપૂરની આ વાતો કર્મની થિયરી સાથે એકદમ સુસંગત છે. શરૂઆતનો સમય રાજ કપૂરનો સંઘર્ષનો સમય હતો. એ સમયે તેમનું કર્મ કામ કરીને, નામ કમાવાનું હતું. સમય જતાં તેમનો ધર્મ પરિવારને સુખ-સમૃદ્ધિમાં રાખવાનો હતો. કર્મ અને ધર્મ આમ તો એકમેકનાં પૂરક છે. ક્યારે પહેલા કર્મને અને ક્યારે પહેલા ધર્મને મહત્ત્વ આપવું એ સમજ આપણને આવી જાય તો પછી આ જીવન સહેલાઈથી વીતે છે. સમય જતાં એ બન્ને એકમેકનાં પર્યાય બની જાય છે. એનો અર્થ એટલો જ કર્મ એટલે ધર્મ. આટલી જટિલ વાતો બાપુ તમને એવી રીતે સમજાવે કે શીરાની જેમ તમારા ગળે ઊતરી જાય. બાપુ સાથેની આ મુલાકાત મારા માટે યાદગાર સંભારણું બની ગઈ.

અભિનયના બેતાજ બાદશાહ દિલીપકુમારની એક ફરિયાદ સાંભળવા જેવી છે. તેઓ કહે છે, ‘કામ પતાવીને ઘેર જાઉં છું ત્યારે યુસુફ ખાન હંમેશાં મારી સાથે ઝઘડો કરતાં કહે છે દિન-રાત મહેનત કરને કે બાદ મુઝે ક્યા મિલતા હૈ? સારી શોહરત ઔર ઇઝ્ઝત દિલીપકુમાર લે જાતા હૈ. અને આ સાંભળીને હું દુખી થઈ જાઉં છું. બીજા દિવસે બહાર જાઉં છું અને દુનિયા જે અહોભાવથી દિલીપકુમારનો આદર–સત્કાર કરે છે ત્યારે દિલીપકુમારનું દિલ બાગ બાગ થઈ જાય છે અને મને કહે છે દેખો, કિતની ઇઝ્ઝત મિલતી હૈ. હૈ ઔર કોઈ દૂસરા જિસકે પીછે સબ પાગલ હૈ?

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK