Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જો તમારે એકાંતવાસમાં રહેવાનું આવે તો શું કરો?

જો તમારે એકાંતવાસમાં રહેવાનું આવે તો શું કરો?

20 March, 2020 03:05 PM IST | Mumbai
Alpa Nirmal

જો તમારે એકાંતવાસમાં રહેવાનું આવે તો શું કરો?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


કોરોનાના ચેપને રોકવા માટે આઇસોલેશનનો ટૅગ માર્યો હોવા છતાં કેટલાક લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીને બહાર ફરતા હોય છે. માન્યું કે સાવ જ આઇસોલેશનમાં એક રૂમમાં બંધ રહેવાનું આવે તો એ અઘરું છે, પરંતુ જો મનમાંથી ભયની બાદબાકી કરીને આ સંપૂર્ણ નવરાશના દિવસોને જીવવાની કોશિશ કરવાની હોય તો તમે શું કરો? કેટલાક મુંબઈગરાઓને અમે પૂછ્યું ત્યારે કેવા જવાબો મળ્યા એ જાણો.

કોરોના બાદ સૌથી વધારે ચર્ચાતો શબ્દ છે ક્વોરન્ટીન. ક્વોરન્ટીનનો અર્થ થાય છે કોઈ પણ પ્રકારનો ચેપ ન લાગે એ માટે ચેપ ધરાવતી અથવા તો ચેપ હોવાની સંભાવના ધરાવતી વ્યક્તિને એકલી અને સૌથી અલગ રાખવામાં આવે. કોરોના જેવા સંક્રમિત રોગોથી કોઈને ઇન્ફેક્શન ન લાગે એ માટે અત્યારે દરદીઓ અને આ રોગથી સસ્પેક્ટેડ વ્યક્તિઓને ૧૪ દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવે છે. આ દરમિયાન તેઓ મોબાઇલ ફોન યુઝ કરી શકે છે, ટેલિવિઝન જોઈ શકે છે, ન્યુઝપેપર-પુસ્તક વાંચી શકે છે અને અન્ય મનગમતી ઇન્ડોર પ્રવૃત્તિ પણ કરી શકે છે. બસ, એ રૂમમાંથી બહાર નથી નીકળી શકતા કે તેમને મળવા કોઈ નથી આવી શકતું. તેમણે એક જ જગ્યાએ  સેપરેટલી રહેવાનું રહે છે.



એકલા રહેવાના વિચારમાત્રથી પણ હું ડિપ્રેશનમાં  આવી જાઉં : બીના દોશી, કાંદિવલી


૫૩ વર્ષનાં બીનાબહેન ખૂબ જ સોશ્યલ છે. અનેક પ્રવૃત્તિઓ, ગ્રુપો સાથે સંકળાયેલાં છે. કાંદિવલી (વેસ્ટ)માં રહેતાં બીનાબહેન કહે છે, ‘હું એકલી રહી જ ન શકું. લોકો સાથે હળવા-મળવાનું જોઈએ જ. આઇસોલેશન વિશે વિચારવું પણ મને અઘરું લાગે. તમે શું કરો? બહાર ન જવા મળે, એકલા-એકલા એક જ જગ્યાએ બેઠા રહેવાનું. ઓહ! ચાલો થોડી વાર ટીવી જોઉં, પિક્ચરો જોઉં, સોશ્યલ મીડિયા પર સમય ગાળું કે એમાં ગેમ રમું, છાપાં કે મનગમતું પુસ્તક વાંચું. પણ કેટલો સમય? આખા દિવસ દરમિયાન આ બધી પ્રવૃત્તિ પાછળ હું ટુકડે-ટુકડે મૅક્સિમમ ચાર કલાક-પાંચ કલાક કાઢી શકું. પછી આંખો ખેંચાય અને માથું ભારે થઈ જાય. મને શૉપિંગનો બહુ શોખ છે. ઑનલાઇન એ પણ કરું. પણ કેટલા દિવસ? દરરોજ એકની એક વસ્તુ કરીને કંટાળી જવાય.  વળી બૅક ઑફ ધ માઇન્ડ ઘર અને ફૅમિલીની ચિંતા પણ  ચાલતી જ હોય. ભલે ઘરમાં સર્વન્ટ હોય. તે બધું કામ કરતા હોય, પણ એ બધું જ મૅનેજ કરવા આપણી હાજરી તો જોઈએ જ. થોડોક સમય યોગ ને લાઇટ એક્સરસાઇઝ પણ કરું. એ મને ગમતી વસ્તુ છે. છતાંય એ સતત ન કરી શકાય. માઇન્ડ ડાયવર્ટ કરવું જ પડે. ને એમાં જો કોઈ વિચારે ચડી ગયા તો-તો પછી એમાંથી બહાર આવવું પણ મુશ્કેલ. ઍક્ચ્યુલી મને બહાર ન જવા મળે, કોઈને રૂબરૂ મળવા ન મળે એ વિચારમાત્રથી જ કંપારી છૂટી જાય.’

મનમાં કેટલાય સમયથી ઘૂમતી રહેતી સંગીતની  તરજો તૈયાર કરું : દીપક ભારતી 


ધારાવાહિકમાં સંગીત આપતા દીપક ભારતીને વાંસળી વગાડવાનો બેહદ શોખ છે. ૫૪ વરસના દીપકભાઈ કહે છે, ‘કલાકારને કોઈ પણ પરિસ્થિતિમાં સંગીત સ્ફુરે, પરંતુ પ્રોફેશનલી કમિટેડ હોવાથી એને લયબદ્ધ કરવાનો સમય ન મળે. આથી જો મારે આઇસોલેટેડ થવાનું આવે તો મનમસ્તકમાં ઘૂમતી રહેતી અને મને ગમતી તરજો તૈયાર કરું. એમાંથી કંઈક નવીન કરવું હોય ત્યારે ફ્લુટ વગાડું. કલાકો થઈ જાય. મોટા ભાગના કલાકારો આવા જ હોય. હા, એવું ખરું કે હું એક જ જગ્યાએ સ્થગિત રહું એના કરતાં ટ્રાવેલિંગમાં વધુ આઇડિયા આવે. જાતજાતની સિચુએશનમાં ઊભા થતા અવાજોમાંથી જે લાઇવ લય પેદા થાય એમાંથી હું સરસ સંગીત રચી શકું કલાકાર માટે પોતાને મનગમતું કામ કરવું મોટિવેશન સમાન છે. છતાં તમે જેની સાથે જોડાયેલા હો ત્યારે તેને ગમતું કામ કરવું પડતું હોય છે. એક દાખલો આપું.  સિરિયલના કોઈ સીન માટે મને કોઈ અલગ પ્રકારનું સંગીત ગમે. પરંતુ  ડિરેક્ટરની ડિમાન્ડ અલગ હોય. ત્યારે અમારે અમને ગમતું સંગીત બાજુએ મૂકી ડિમાન્ડ પ્રમાણે મ્યુઝિક ક્રીએટ કરવાનું રહે. એક કલાકારને આવું કૉમ્પ્રોમાઇઝ અપસેટ કરી નાખે. એવા સમયે મને ૧૫ દિવસ માટે કોઈ પ્રેશર વગર પોતાને ગમતું કામ કરવા મળે, એમાં ઓતપ્રોત રહેવા મળે એ તો મારા માટે ગોળનું ગાડું મળ્યું કહેવાય.’

પહેલાં પેટ ભરીને ઊંઘ કાઢું પછી સ્કૂલમાં છૂટી ગયેલા સ્કેચિંગના શોખને રિવાઇઝ કરું : દીપક ગોગરી, દહિસર

રીટેલ દુકાનદારોની ડ્યુટી વરસના ૩૬૫ દિવસ સવારે દસથી રાતના દસ સુધીની રહે છે. તેમને  કોઈ ફિક્સ રજા નહીં કે ડ્યુટી અવર્સ નક્કી નહીં. હા, ચાહે ત્યારે રજા લઈ શકાય કે બહાર જઈ શકાય, પરંતુ દુકાન અને ધંધાના વિચારો સતત મગજમાં ચાલતા રહે. દહિસર (ઈસ્ટ)માં રેડીમેડ  ગાર્મેન્ટની શૉપ ધરાવતા દીપકભાઈ ગોગરી આવા જ એક દુકાનદાર છે. આઇસોલેટ થવાનું આવે તો શું કરો? એ પૂછતાં જ ૪૫ વર્ષના દીપકભાઈ કહે છે, ‘પહેલાં તો હું બહુ બધા કલાક સૂઈ જાઉં. બે-ત્રણ દિવસ આરામ કર્યા પછી સ્કેચિંગ કરું. રીટેલ ધંધો કરતા માણસોને બહુ સમય નથી મળતો હોતો. બિઝનેસનું જાતજાતનું ટેન્શન હોય છે. વળી સોશ્યલ કમિટમેન્ટ પણ ખરાં જ. એવા સમયે પોતાના માટે ટાઇમ કાઢવો બહુ દુષ્કર બની રહે છે. હા, ૧૫ દિવસ દુકાને નથી જવાનું એ સાંભળી પહેલાં તો થોડું ટેન્શન આવે, પરંતુ પછી માઇન્ડ તરત જ  સેટ થઈ જાય.

sonam-mask

મને દુનિયાભરના સમાચારો સાંભળવા પણ ગમે. વર્લ્ડવાઇડ દરેક બજારનો શું રુખ છે એ જાણું.  સોશ્યલ મીડિયામાં ટાઇમ સ્પેન્ડ કરું, મોબાઇલ પર ગેમ રમું. શોકેસને અલગ-અલગ કઈ રીતે  વધુ અટ્રૅક્ટિવ બનાવવું એ જોવા અને જાણવાનો મને બહુ શોખ છે. ઇન્ટરનેટ પર આવા આઇડિયા વિશે ખાંખાંખોળા કરું અને અપનાવવા જેવા આઇડિયા નોટડાઉન પણ કરું જે અત્યારે સમયના અભાવે વધુ નથી કરી શકતો. અને હા, સ્કૂલમાં છૂટી ગયેલા મારા સ્કેચિંગના શોખને ફરી રિવાઇવ કરું. સ્કૂલમાં મારું ડ્રૉઇંગ બહુ સારું હતું, પણ એ સમયે નહોતા કોઈ ડ્રૉઇંગ ક્લાસ કે નહોતી અવેરનેસ. આથી આગળ નહીં વધાયું. હવે જ્યારે ફાજલ સમય મળ્યો છે ત્યારે એનો ઉપયોગ હું મારી મનગમતી પ્રવૃત્તિ પાછળ કેમ ન કરું? ભલે બધું મનગમતું કરવા મળે, પણ ફૅમિલીને પણ બહુ મિસ કરું. બે અઠવાડિયાં તેમના વગર રહેવું થોડું મુશ્કેલ બની રહે.’

ફ્રેન્ડ સાથે હૅન્ગ આઉટ ન કરવા મળે તો ઇન્ટરનેટ મારું રિલૅક્સેશન બની રહે : દ્વિતી મિસ્ત્રી 

MBAમાં ઍડ્્મિશન લેવા માટે હાલમાં જ ગ્રૅજ્યુએશન પછી CETની એક્ઝામ આપનાર દ્વિતી  મિસ્ત્રી કહે છે, ‘મને બે વીક માટે આઇસોલેશનમાં રહેવાનું કહેવામાં આવે તો મારું પહેલું  રીઍક્શન શૉકિંગ હોય અને પછી એ ઍડ્વેન્ચરસ લાગે. હા, ફોન વગર હું ન રહી શકું. ફ્રેન્ડ સાથે વિડિયો કૉલ કરું જેથી મને ઈઝી ફીલ થાય. મને બુક્સ વાંચવી પણ ગમે. મિસ્ટરી ટાઇપની. હું એક જ સિટિંગમાં આખી બુક વાંચી જાઉં. ટીવી જોઉં અને ગૂગલ સર્ફિંગ ઇઝ બેસ્ટ. મને જાતજાતની ઇન્ફર્મેશન કલેક્ટ કરવી પણ બહુ ગમે. ‍અત્યાર સુધી ઍકેડેમિકનું ભણવાને કારણે બીજું બધું વાંચવાનું અને જાણવાનો સમય ઓછો મળ્યો છે એ બધું જ હું આ પંદર દિવસમાં કરું.’

ગમે તે એક્ઝામ હોય ત્યારે પણ રિલૅક્સ થવા એક-બે કલાક માટે પણ ઘરની બહાર જનારી  દ્વિતી આઇસોલેશન દરમિયાન ફ્રેન્ડ સાથેનું હૅન્ગઆઉટ  સાથે મમ્મી-પપ્પાને પણ બહુ મિસ કરે.  ૨૧  વર્ષની દ્વિતી કહે છે, ‘મને ડિજિટલ માર્કેટિંગ ફીલ્ડમાં પણ આગળ વધવું છે. હું નેટ દ્વારા એના વિશે પણ વધુ આઇડિયા લઈશ. મને આગળના સ્ટડી માટે જે યુઝફુલ થાય એવા સબ્જેક્ટને ઊંડાણપૂર્વક જાણવાનુ પ્રિફર કરીશ. મને એવું લાગે છે, આવું ક્વૉરન્ટાઇન મને વધુ સ્ટ્રૉન્ગ અને ફોકસ્ડ બનાવશે.’

પહેલા બે-ત્રણ દિવસ ડેડલાઇન અને વર્ક પ્રેશરથી છૂટ્યાની લાગણી થાય પછી એ જ વર્કલોડ મિસ કરું : વત્સલ મહેતા

ઘાટકોપર (ઈસ્ટ)માં રહેતો અને HDFCમાં સિનિયર મૅનેજરની પોસ્ટ પર કાર્યરત વત્સલ મહેતા આખો દિવસ ફિગર, ટાર્ગેટ, પ્રોજેક્ટ, મીટિંગમાં બિઝી રહે છે. ૨૬ વર્ષનો વત્સલ કહે છે, ‘આ સેક્ટરમાં એટલુંબધું ડેડલાઇન અને વર્કનું પ્રેશર રહે કે જ્યારે તમને જાણ થાય કે ૧૫ દિવસ તમારે આઇસોલેશનમાં રહેવાનું છે તો નાચી ઊઠવાનું મન થાય. હાશની લાગણી થાય. વાઉ! ફાઇનલી મને ‘મી’ ટાઇમ મળશે એ લાગણી થાય. જોકે બે-ત્રણ દિવસ આવી ‘વાઉ’ ફીલિંગ રહે, પછી  તો હું ઑફિસ મિસ કરું. વર્કલોડ, મીટિંગ, બૉસ, કલિગ્સ બધાંને મિસ કરું. સી, તમે આ બધું છોડીને કોઈ હૉલિડે પર જવાના હો ત્યારની ફીલિંગ ટોટલી અલગ હોય, પણ એક જ જગ્યાએ રહેવાનું, કોઈ હ્યુમન ટચ ન હોય એ બધા વગર બે અઠવાડિયાં કાઢવાં મુશ્કેલ તો બની રહે.’

જોકે આ એકવીસમી સદીની જનરેશન એમ અપસેટ થઈને બેસી રહે એવી નથી એવું કહેતાં વત્સલ  ઉમેરે છે, ‘હું સ્પોર્ટ્‍સ લવર છું. ફક્ત ક્રિકેટ રમું છું, પરંતુ મને બધી જ ઇન્ડોર-આઉટડોર  રમતો ગમે છે. કૉર્પોરેટ જૉબમાં સમયની બહુ ખેંચ રહેતી હોય ત્યારે શોખ પાછળ બહુ સમય ન આપી શકાય. આથી આ દિવસોમાં હું ટીવી પર, ઇન્ટરનેટ દ્વારા, ન્યુઝપેપર મારફત બધી જ પોસ્ટ વિશે જાણું. નવી-નવી રમતો શીખું પણ ખરો. યસ, વેબ-સિરીઝ જોઉં. એકસાથે બધા જ એપિસોડ જોઈ નાખું. હું સોશ્યલ મીડિયા પર બહુ ઍક્ટિવ નથી. ઠીક છે થોડો સમય નીકળી જાય, પણ બહુ કલાકો ચૅટિંગ ન કરી શકાય. બેઝિકલી આઇ ઍમ પ્રોડક્ટિવ વર્કોહૉલિક પર્સન. કામ વગર હું મેન્ટલી બોર થઈ જાઉં.’

Whatsapp-channel Whatsapp-channel

20 March, 2020 03:05 PM IST | Mumbai | Alpa Nirmal

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK