બિઝનેસ ચલાવવામાં મૂડીના માળખાનું મહત્વ

Published: Feb 04, 2019, 03:02 IST | મુકેશ દેઢિયા

મોટા ભાગના પડકારો આપણા પોતાના કાબૂની બહારના હોય છે. ફિક્સ્ડ ખર્ચ અને ધિરાણનો ખર્ચ આપણા હાથની વાત છે.

મની-પ્લાન્ટ

બધા જ ખર્ચને પહોંચી વળવાની ત્રેવડ હોય ત્યાં સુધી બિઝનેસ કરી શકાય છે. ક્યારેક બાહ્ય પરિબળો બિઝનેસ માટે પ્રતિકૂળ હોય છે, પરંતુ એવા કપરા સમયમાંથી પણ બહાર આવવાનું અગત્યનું હોય છે.

પેમેન્ટ મોડેથી મળે, દેણદારો પૈસા પાછા ન આપે, જૂના માલનો ભરાવો થઈ જાય, સ્પર્ધા કટ્ટર બને, વૈકલ્પિક માલને કારણે સ્પર્ધા ઊભી થાય, પોતાના માલના ભાવ ઘટી જાય, સપ્લાયર ભાવ વધારી દે, નિયમનકારી પડકારો ઊભા થાય, દેશ આખામાં મંદીનો માહોલ હોય, વ્યાજદર વધી જાય, ધિરાણ લેવાની મર્યાદા ઘટાડી દેવાય, પગાર, ભાડું, વગેરે જેવા ફિક્સ્ડ ખર્ચ ઘણા વધારે થઈ જાય, વ્યાજનો બોજ વધી જાય વગેરે સંખ્યાબંધ પરિબળો બિઝનેસ માટે મુશ્કેલી સર્જતાં હોય છે.

આમાંથી મોટા ભાગના પડકારો આપણા પોતાના કાબૂની બહારના હોય છે. ફિક્સ્ડ ખર્ચ અને ધિરાણનો ખર્ચ આપણા હાથની વાત છે. જો આ બન્ને વસ્તુઓને નિયંત્રિત રાખવામાં ન આવે તો બિઝનેસની સધ્ધરતા સામે સવાલ ખડો થઈ શકે છે.

આજે આપણે અહીં ધિરાણના વધી ગયેલા ખર્ચ વિશે વાત કરીશું. બિઝનેસ ચલાવવા માટે કે એના વિસ્તાર માટે આવશ્યક નાણાં ઇક્વિટી મારફત ઊભાં કરવાં કે પછી ડેટ સાધનનો ઉપયોગ કરવો એવો એક સવાલ ઉપસ્થિત થતો હોય છે. જો બન્ને સાધનોનો ઉપયોગ કરવાનો નર્ણિય લેવામાં આવે તો એમનું પ્રમાણ કેટલું રાખવું એ પણ નક્કી કરવાનું હોય છે. આ બાબતના આધારે જ બિઝનેસની મૂડીનું માળખું તૈયાર થાય છે. ઇક્વિટી અને ડેટનું કાળજીપૂવર્ક રાખવામાં આવેલું સંતુલન એટલે જ મૂડીનું માળખું.

ઘણી વાર બિઝનેસ માટે ડેટ સાધનનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપવાનું મન થતું હોય છે, કારણ કે એનો ખર્ચ ઇક્વિટી સાધન કરતાં ઓછો હોય છે. માણસ પોતાના પૈસા બિઝનેસમાં રોકે એની એક મર્યાદા આવી જતી હોય છે. બિઝનેસ માટે લેવાયેલા કરજ પર ચૂકવાતું વ્યાજ બિઝનેસનો ખર્ચ હોય છે અને એથી એ કરકપાતને પાત્ર હોય છે. ૩૦ ટકાના ટૅક્સ-બ્રૅકેટમાં આવતા કરદાતાઓને જો વ્યાજનો ખર્ચ ૧૦ ટકા આવતો હોય તો કરકપાતના લાભને લીધે વાસ્તવિક ખર્ચ ૭ ટકા થઈ જાય છે.

ચાલો, આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મને બિઝનેસ શરૂ કરવા માટે ૨૦૦ રૂપિયાની જરૂર છે. એ બિઝનેસમાં ૨૦ ટકા ચોખ્ખો નફો કમાઈ આપવાની ક્ષમતા છે. આમ કરવેરા પહેલાંનો મારો નફો ૪૦ રૂપિયા થાય. એના પર જો ૩૦ ટકાના દરે કર લેવાતો હોય તો કરની રકમ ૧૨ રૂપિયા થાય. આ રીતે કરવેરા બાદનો નફો ૨૮ રૂપિયા થાય. વળતરની ટકાવારીની દૃષ્ટિએ ૧૪ ટકા સરેરાશ વળતર મળ્યું કહેવાય.

હવે ધારો કે મૂડીનું માળખું ૧૦૦ રૂપિયા ઇક્વિટી અને ૧૦૦ રૂપિયા ડેટનું બનેલું છે. કરજ પર ચૂકવવાના વ્યાજનો દર ૧૦ ટકા છે. અગાઉ જોયું એ પ્રમાણે કરવેરા પહેલાંનો નફો ૪૦ રૂપિયા થાય. ચૂકવાયેલા વ્યાજની રકમ ૧૦ રૂપિયા થવાથી કરવેરા પહેલાંનો નફો ઘટીને ૩૦ રૂપિયા થઈ જાય. એ ૩૦ રૂપિયા પર ૯ ટકા કરવેરો ભરવાનો આવે. આમ કરવેરા બાદનો નફો ૨૧ રૂપિયા થઈ જાય. એ નફો ૧૦૦ રૂપિયાના રોકાણ પરનો છે.

પહેલી ગણતરી મુજબ ૧૪ રૂપિયા નફો થયો અને બીજી ગણતરી પ્રમાણે ૨૧ રૂપિયા નફો થયો. આમ નફામાં ૫૦ ટકા જેટલો વધારો થયો કહેવાય. એનું કારણ એ હતું કે ઇક્વિટી અને ડેટનું પ્રમાણ અડધું-અડધું હતું. બીજા શબ્દોમાં કહીએ તો ઇક્વિટી અને ડેટનો ગુણોત્તર ૧:૧ હતો.

હવે આપણે એવું ધારી લઈએ કે બિઝનેસની વૃદ્ધિ માટે બીજા ૨૦૦ રૂપિયાની જરૂર છે. જે વેપારીનો ઇક્વિટી-ડેટનો ગુણોત્તર ૧:૧ હતો એને ડેટને લીધે વધુ નફો મળતો હોવાથી એ ૨૦૦ રૂપિયા ડેટના સ્વરૂપે જ લેવા તૈયાર થઈ જાય છે. હવે એના મૂડીમાળખામાં ૧૦૦ રૂપિયા ઇક્વિટી અને ૩૦૦ રૂપિયા ડેટ છે. વ્યાજનો નિશ્ચિતખર્ચ ૩૦ રૂપિયા છે.

ધારો કે મૅક્રોઇકૉનૉમિક સંજોગો બદલાઈ જવાથી અને અર્થતંત્ર નબળું પડવાથી નફાકારકતા ૨૦ ટકાથી ઘટીને પાંચ ટકા થઈ જાય છે. આ સંજોગોમાં તેમનો કુલ નફો ૨૦ રૂપિયા (૪૦૦ના પાંચ ટકા) થઈ જાય છે અને વ્યાજની ચુકવણી ૩૦ રૂપિયા રહે છે. આમ બિઝનેસમાં તેમને ૧૦ રૂપિયાની ખોટ જાય છે. જો આ વેપારીએ નવા મૂડીમાળખામાં પણ ૧:૧નો ગુણોત્તર રાખ્યો હોત તો તેમને વ્યાજનો ખર્ચ ૨૦ રૂપિયા (૨૦૦ના ૧૦ ટકા) આવ્યો હોત અને તેઓ વ્યાજ ચૂકવવાની જવાબદારી તો પૂરી કરી શક્યા હોત.

વળી અહીં આપણે એવું ધારી લીધું છે કે નફો હાથમાં આવી ગયો છે. વાસ્તવિક જીવનમાં એવું પણ બની શકે કે કરજદારો વધી ગયા હોય અને બૅડ ડેટ થઈ ગઈ હોય. પહેલેથી લીધેલી લોન પરનું વ્યાજ ચૂકવવા માટે વધુ કરજ લેવાયું હોય એવી પરિસ્થિતિ પણ હોઈ શકે છે.

બિઝનેસને ટકાવી રાખવા માટે દેણદારો, સ્ટૉક, રોકડપ્રવાહ, મૂડીનું માળખું એ બધાં પરિબળોને સંભાળી લેવાં પડતાં હોય છે. જોખમથી બચવું અને જોખમ લેવું એ બન્ને વચ્ચે સંતુલન રાખવાનું અઘરું હોવા છતાં એ કરવું પડતું હોય છે. બિઝનેસના સંચાલનમાં એ અનિવાર્ય કાર્ય છે.

આ પણ વાંચો : વિશાળ જનસમુદાય માટે રોજગારનો પ્રશ્ન હલ કરવા સરકાર ચોક્કસપણે કંઈક કરી શકે છે

જેઓ આ બાજી સંભાળી શક્યા નથી તેઓ બિઝનેસ ચલાવી શક્યા નથી અને હાલના કપરા સંજોગોમાં તેઓ નાદારીની નજીક પહોંચી ગયા છે. મૂડીનું માળખું બરોબર નહીં હોવાને લીધે ઘણા સારા-સારા બિઝનેસ બંધ થઈ ગયાના દાખલા છે. (લેખક CA, CFP અને FRM છે)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK