આખા ગુજરાત પર મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સીધી નજર એટલે CM DASHBOARD

Published: Jan 05, 2020, 16:08 IST | Mumbai Desk

રાજ્યના ૩૩ જિલ્લા કલેક્ટર, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને તલાટી સુધીનું વહીવટી તંત્ર ડૅશબોર્ડ પર લાઇવ છે

ગુજરાતના મુખ્ય પ્રધાનની અનોખી પહેલ, જે વહીવટી કામગીરી પર નજર રાખવાની નહીં, પણ પ્રજાને શ્રેષ્ઠ કામગીરી આપવા માટે બન્યું છે અને આ વાત માંડીને કરી હતી વિજયભાઈ રૂપાણીએ મિડ-ડેના તંત્રી મયૂર જાનીને... આવો સમજીએ સીએમ ડૅશબાેર્ડને

‘હેલો, હું ગુજરાતના સીએમ વિજયભાઈ રૂપાણીની ઑફિસમાંથી વાત કરી રહી છું. શું મારે અશોકભાઈ વાળા સાથે વાત થઈ રહી છે?’
‘હા, મૅડમ, મારું નામ અશોક છે.’
‘શું તમે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દેસર ગામમાં રહો છો?’
‘હા, મૅડમ.’
‘અશોકભાઈ, આ ફોન આપને એટલા માટે કર્યો છે કે આપે ઑનલાઇન સવલતનો લાભ લઈને તમારી ખેતીની જમીન એનએ કરવા માટે અરજી કરી હતી...’
‘હા બહેન, મારી અરજી મંજૂર થઈ ગઈ છે અને મેં કન્વર્ઝન માટે જરૂરી પૈસા પણ ભરી દીધા છે.’
‘અશોકભાઈ, ફોન એટલા માટે કર્યો છે કે આપને આ પ્રક્રિયામાં કોઈ તકલીફ પડી હતી? તમને કોઈ ફરિયાદ છે?’
‘બહેન, મારું કામ ઝડપથી થઈ ગયું હતું. માત્ર એટલું જ કહેવાનું કે મને ફિઝિકલ ઑર્ડર–સહીસિક્કાવાળો ઑર્ડર મળ્યો નથી?’
‘આભાર અશોકભાઈ, આપના ફિઝિકલ ઑર્ડરવાળી વાત હું સાહેબના ધ્યાને દોરીશ... પણ મને જણાવશો કે આપને ઑનલાઇન સેવા કેવી લાગી?’
‘બહુ સરસ બહેન. ઑનલાઇનથી કામ ફટાફટ થઈ જાય છે, પણ મને હજી ઑર્ડર નથી મળ્યો.’
‘જી, તમારી ફરિયાદ મેં નોંધી લીધી છે. તમને એ મામલે કોઈ ફરિયાદ નહીં રહે એની ખાતરી આપું છું. એ બાબતે હું ચોક્કસ સાહેબનું ધ્યાન દોરીશ.’
***
ગુજરાતના કોઈ રહેવાસીને આવો ફોન આવે તો હવે ચિંતા કરવા જેવું નથી. તેમને માટે ખુશીની વાત છે. ખુદ મુખ્ય પ્રધાનની કચેરી હવે પ્રજાલક્ષી કામગીરી સાથે, વહીવટી તંત્ર વધુ ને વધુ કાર્યક્ષમ બને એ માટે મુખ્ય પ્રધાનની એક ખાસ વ્યવસ્થા દ્વારા આવો ફોન કરીને તેમની પાસેથી માહિતી એકત્ર થઈ રહી છે. આ માહિતી માત્ર એક ફોનકૉલ પૂરતી કે આશ્વાસન માટે નથી એકત્ર થઈ. એક દીર્ઘ વ્યવસ્થા એની પાછળ કામ કરી રહી છે.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સરકારની સમગ્ર ભારત દેશમાં પ્રથમ વખત અમલમાં મૂકવામાં આવેલી એક અનોખી, અદ્વિતીય પહેલને કારણે આવો ફોનકૉલ કોઈ વ્યક્તિને કરવામાં આવ્યો હતો!
દોઢ વર્ષથી રાજધાની ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને એક ઑનલાઇન સેવા ચાલે છે. આ સેવાનું નામ છે ‘સીએમ ડૅશબોર્ડ.’ એકસાથે રાજ્યના ૨૬ વિભાગો, ૩૩ જિલ્લાઓ, ૨૫૨ તાલુકાઓ અને ૧૮,૦૦૦ જેટલાં ગામડાંઓને આ સેવા ઑનલાઇન જોડે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની દરેક જાહેર સેવાઓ, યોજનાઓ, ટ્રાફિક અને એવી સંખ્યાબંધ ચીજો પર નજર રાખતી એક વ્યવસ્થા છે. આ વ્યવસ્થાનો ઉદ્દેશ એટલો જ છે કે સરકારની દરેક સેવાઓનો લાભ લોકો સુધી પહોંચે, સમયસર પહોંચે, માનવીય અભિગમથી પહોંચે અને સંપૂર્ણ એટલે કે ૧૦૦એ ૧૦૦ ટકા પહોંચે.
રાજ્યની દરેક ભૌગોલિક, વહીવટી પ્રદેશને ડૅશબોર્ડમાં આવરી લેવાયો છે. ઇમર્જન્સી ઍમ્બ્યુલન્સ સેવા હોય, બાળકોનું રસીકરણ હોય કે પછી રાજ્ય સરકારની કોઈ યોજના જેમાં પાંચ કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ હોય. મુખ્ય પ્રધાન રૂપાણી માત્ર એક જ માઉસ-ક્લિકથી આ ચીજો લોકો સુધી કેવી રીતે પહોંચી રહી છે, લોકો એનો ફાયદો ક્યારે ઉઠાવશે અને જેમને એનો લાભ મળ્યો છે તે આ સેવાથી સંતુષ્ટ છે કે નહીં એ જાણી શકે છે. સેવામાં કોઈ ઊણપ હોય, કોઈ નારાજ હોય અથવા તો એમાં વિલંબ હોય તો સીધી જ સૂચના આપી શકે છે.
ડૅશબોર્ડમાં રાજ્યના મહેસૂલ, બાળ આરોગ્ય, શહેરી વિકાસ, નાણાં, મહિલા વિકાસ જેવા ૨૬ વિભાગોને સેવાઓના આધારે ૨૦ સેક્ટરમાં અને એનાં ૬૮૦ સબ-સેક્ટરમાં આવરી લેવામાં આવ્યા છે. જેમ કે આરોગ્ય હેઠળ વિવિધ ૪૪ જેટલી સેવાઓનો સમાવેશ છે.
રાજ્ય પરિવહનની બસ પર નિયંત્રણ
આવી જ રીતે રાજ્ય વાહનવ્યહાર નિગમની ૮૦૦૦ જેટલી બસ પર પણ મૉનિટરિંગ શક્ય છે. આ બસ ક્યાં ઊભી છે, ઊભી છે તો એ શેડ્યુલ સ્ટૉપ છે કે નહીં, બસ બરાબર રૂટ પર જઈ રહી છે કે નહીં, બસની સ્પીડ કેટલી છે વગેરે બાબત સીધી જ ડૅશબોર્ડ પર મળે છે. જો ડ્રાઇવર ઓવરસ્પીડ કરે તો એની જાણ થાય છે અને તેને મોબાઇલ-મેસેજથી અલર્ટ કરીને જાણ કરવામાં આવે છે કે સ્પીડ ઘટાડો. આ પરિવહન રોજ આઠ લોકોને પ્રવાસ કરાવે છે. દરેક વ્યક્તિનું જીવન અમૂલ્ય છે અને આ રીતે સ્પીડ માૅનિટરિંગ કરીને એનું જતન થાય છે.
બસમાં કોઈ ટેક્નિકલ ખામી આવે તો એવી રીતે ડ્રાઇવર પણ સામા છેડે પોતાના વિભાગને જાણ કરે છે. જાણ કર્યાના કેટલા સમયમાં તેને મદદ મળી, ખામી દૂર થઈ કે નહીં એના પર પણ અહીંથી દેખરેખ રાખવામાં આવે છે.
પ્રજાલક્ષી અભિગમ
‘ડૅશબોર્ડનો ઉદ્દેશ એટલો કોઈ ચોક્કસ વિભાગ સારી કામગીરી કરી રહ્યો છે કે રાજ્ય પર નજર રાખવાનો નથી. આ માત્ર એવી વ્યવસ્થા છે જેનાથી સરકારની દરેક સેવાઓ પ્રજા સુધી પહોંચે, સમયસર પહોંચે અને તેને કોઈ તકલીફનો સામનો કરવો પડે નહીં’ એમ મુખ્ય પ્રધાન જણાવે છે.
ઉદાહરણ તરીકે રાજ્યની અન્નપૂર્ણા સ્કીમ છે કે દરેક મજૂરને ૧૦ રૂપિયામાં પૌષ્ટિક ખાવાનું મળી રહે. એક વ્યક્તિ સહિત કુટુંબના પાંચ સભ્યો સાથે આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. રાજ્ય સરકારની આ યોજનામાં કયા ગામ, શહેર કે તાલુકામાં કેટલા લોકોએ ભોજન લીધું, ભોજનની ગુણવત્તા કેવી છે, ભોજન સમયસર બને છે કે નહીં, લોકો એનાથી સંતુષ્ટ છે કે નહીં એના પર ડૅશબોર્ડની નજર છે. રાજ્યમાં લગભગ એક કરોડ જેટલા લોકોએ આ પ્રકારે ભોજન લીધું છે. આ યોજનામાં કોઈ ક્ષતિ હોય તો પ્રથમ તબક્કામાં વિભાગ દ્વારા અને પછી મુખ્ય પ્રધાન પોતે હસ્તક્ષેપ કરી શકે છે.

Vijay Rupani

નવજાત શિશુના, સરકારી દવાખાનાં કે હૉસ્પિટલમાં જન્મ થાય એના પર સરકાર ડૅશબોર્ડથી નજર રાખે છે અને એની સાથે માતાનું આરોગ્ય, બાળકને જન્મ પછી આપવામાં આવતી ડઝન જેટલી રસીઓ, રસીઓ સમયસર આપવામાં આવી કે નહીં વગેરે પણ ડૅશબોર્ડ પરથી જાણી શકાય છે. આવી જ રીતે એની સાથે રાજ્ય સરકારની કોઈ સ્કીમ હોય તો એ પણ જોડી દેવામાં આવી છે. માત્ર કેટલાં બાળકો જન્મ્યાં એમ નહીં પણ કયા જિલ્લામાં, કયા ગામમાં કે કઈ હૉસ્પિટલમાં જન્મ્યા ત્યાં સુધીની વિગતો ડૅશબોર્ડ પર લાઇવ છે.
મુખ્ય પ્રધાનના હસ્તક્ષેપનો કિસ્સો પણ રસપ્રદ છે. રાજ્ય સરકારની ભાગ્યલક્ષ્મી બૉન્ડની એક સ્કીમ છે. બાંધકામ-વ્યવસાયમાં જોડાયેલા બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે ૧૦,૦૦૦ રૂપિયાની રકમનાં બૉન્ડ ૧૮ વર્ષની મુદત માટે મૂકવામાં આવે છે, જે રકમ દીકરી દ્વારા ૧૮ વર્ષની વય પૂરી થતાં ઉપાડી શકાય છે. અમરેલી જિલ્લાના એક ગામના રહેવાસીને આ બૉન્ડ મળ્યાં નહોતાં. આ સંદર્ભે ડૅશબોર્ડ પર જાણ થઈ, અલર્ટ ગઈ અને ભાઈને બૉન્ડ મળી ગયાં.
આવી જ રીતે રાજ્યની ૧૯,૦૦૦ જેટલી રૅશન કાર્ડની દુકાન પર ખરીદી કરનાર અને સરકારની વિવિધ જાહેર વિતરણ વ્યવસ્થાની સ્કીમના લાભાર્થી અને એ વ્યવસ્થા પર નજર રાખવામાં આવે છે. દરેક ખરીદી, દરેક ચુકવણી અને દરેક વખતનો અનુભવ ડિજિટલ રેકૉર્ડથી ઉપલબ્ધ છે.
ઇમર્જન્સી સેવા
રાજ્યમાં ચાલતી ૧૦૮ ઍમ્બ્યુલન્સ સેવાઓમાં દરેક વાહનમાં જીપીએસ (ગ્લોબલ પોઝિશનનિંગ સિસ્ટમ) લાગેલી છે. આ સેવા સમગ્ર રાજ્યમાં આકસ્મિક માંદગી, અકસ્માત કે કોઈ વ્યક્તિની તબિયત લથડી પડે તો તેને નજીકના આરોગ્ય કેન્દ્ર, પબ્લિક હેલ્થ સેન્ટર કે હૉસ્પિટલ સુધી વિનામૂલ્ય પહોંચાડે છે. દરેક ઍમ્બ્યુલન્સનું રિયલ ટાઇમ મૉનિટરિંગ ડૅશબોર્ડ પર શક્ય છે. માત્ર મૉનિટરિંગ જ નહીં, કોઈ દરદીએ કૉલ કર્યો તો તેને હૉસ્પિટલ સુધી પહોંચાડ્યો કે નહીં, પહોંચવામાં કેટલો સમય લાગ્યો, સારવાર મળી કે નહીં, હૉસ્પિટલની સારવારમાં કેટલો સમય લાગ્યો, દરદીની તકલીફ કે દરદનો પ્રકાર અહીંથી મૉનિટર થાય છે.
આ મૉનિટરિંગ સાથે જરૂરી ડેટા પણ સરકારને મળે છે. ૨૦૧૯-’૨૦માં આજ દિવસ સુધીમાં ૮.૪૭ લાખ જેટલા લોકોને આ સેવાએ શિફ્ટ કર્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં એક દરદીને શિફ્ટ કરવામાં ૨૪ મિનિટ જેટલો સમય લાગે છે (કારણ કે અહીં અંતર વધારે હોય છે) તો શહેરી વિસ્તારમાં ૧૩ મિનિટ જેટલો સમય લાગે છે. સૌથી વધુ દરદીઓ કાર્ડિઍક (હૃદયરોગ સંબંધિત) માટેના હતા અને એ પછી પ્રેગ્નન્સી કે ઍક્સિડેન્ટલ ટ્રૉમાના હતા.
મૉનિટરિંગ એટલું ઝીણવટભર્યું છે કે માત્ર જિલ્લા કે તાલુકા અનુસાર નહીં પણ દરદીની સારવાર વિશેનો અહેવાલ હૉસ્પિટલ કે વ્યક્તિગત દરદી અનુસાર મેળવી શકાય છે.
વહીવટી અંકુશ
રાજ્યના ૩૩ જિલ્લા કલેક્ટર, મામલતદાર, જિલ્લા વિકાસ અધિકારી અને તલાટી સુધીનું વહીવટી તંત્ર ડૅશબોર્ડ પર લાઇવ છે. કલેક્ટર કચેરીથી મળતી ૫૪ જેટલી સેવાઓ આમાં જોડી દેવામાં આવી છે. પોલીસ અધિકારી માટે ૧૫ જેટલા માપદંડ છે. દરેક જિલ્લા કલેક્ટરને તેમની કામગીરીના આધારે એક સ્કોર આપવામાં આવે છે. તેમણે કેટલી કામગીરી પૂર્ણ કરી, કામગીરી બાકી કેટલી છે, કયા પ્રકારની કામગીરીમાં ઊણપ રહેલી છે કે નબળી છે એ અહીંથી સીધી જ જાણી શકાય છે. કલેક્ટરની કામગીરીમાં લૅન્ડ રેકૉર્ડ, અન્ન અને પુરવઠો, જિલ્લાનાં વિકાસકામો, કેન્દ્ર સરકારની આવાસ યોજના, ઉજ્જ્વલા યોજના જેવી યોજના સહિતની કામગીરીની અહીંથી દેખરેખ શક્ય છે. દરેક કામગીરી દૈનિક, સાપ્તાહિક, માસિક કે વાર્ષિક ધોરણે ચકાસી શકાય છે.
આવી જ રીતે રાજ્યના કાયદો અને વ્યવસ્થા પર પણ ડૅશબોર્ડની બાજનજર છે. રાજ્યના ૩૩ જેટલા જિલ્લાના પોલીસવડાઓની કામગીરી અહીં આવરી લેવામાં આવી છે. એફઆઇઆર નોંધાય કે નહીં, એને ઑનલાઇન અપલોડ કરી કે નહીં, કેટલા ગુના નોંધાયા, કેટલા ગુના ઉકેલાયા, કેટલા આરોપી પકડાયા, ચાર્જશીટ ફાઇલ થઈ કે નહીં, પાસપોર્ટ માટે સર્ટિફિકેટ આપ્યાં કે નહીં એના પર અહીંથી નજર રહે છે. આ કાર્ય હજી ત્રણ મહિના પહેલાં જ ડૅશબોર્ડ પર આવ્યું છે એટલે હજી વર્ક ઇન પ્રોગ્રેસ છે. આ ઉપરાંત મુખ્ય પ્રધાન ૭૦૦૦ જેટલા સીસીટીવી કૅમેરાથી સમગ્ર રાજ્યમાં મહત્ત્વની જગ્યાની લાઇવ ફીડ જોઈ શકે છે અને ત્યાં કેવી પરિસ્થિતિ છે એનાથી વાકેફ રહે છે.
આ કામગીરીની દેખરેખ, વહીવટી તંત્ર માટે ત્રણ સ્તરનું માળખું બનાવાયું છે. દરેક કલેક્ટર અને જિલ્લા પોલીસવડાને એના પરથી રૅન્ક આપવામાં આવે છે અને આ રૅન્ક પણ દૈનિક અપડેટ થાય છે. દરેક કામગીરીને જિલ્લા સાથે, ઑફિસના પ્રકાર સાથે અને વ્યક્તિગત રીતે જોડવામાં આવી છે. વ્યક્તિગત એટલે કોઈ ચોક્કસ વ્યક્તિનું રૅન્કિંગ્સ કે તે વ્યક્તિ કોઈ પણ જગ્યાએ ટ્રાન્સફર થાય તો તે કેવી કામગીરી કરે છે. જિલ્લા અને ઑફિસમાં વ્યક્તિ નહીં પણ એ કચેરીની પોતાની કામગીરી પર નજર રહે છે.
શિક્ષણ પણ સામેલ
રાજ્યમાં દરેક વિદ્યાર્થી ભણે, પોતાનું ભણતર પૂરું કરે એના માટે ત્રણ મહિના પહેલાં રાજ્યના એક કરોડ જેટલા વિદ્યાર્થીની હાજરી કે ગેરહાજરીને ડૅશબોર્ડ પર લાઇવ કરવામાં આવી છે. કેટલી હાજરી છે. ગેરહાજર વિદ્યાર્થી કેમ ગેરહાજર રહે છે, સતત ગેરહાજર રહે છે કે નહીં એ વિશેનો જીવંત ડેટા ડૅશબોર્ડ ફ્લૅશ કરતું રહે છે. અત્યારે પ્રથમ તબક્કામાં વિદ્યાર્થી શાળામાં હાજર રહે એના પર છે. એ પછી શિક્ષણની ગુણવત્તા વિશેના માપદંડ અને એને કેવી રીતે વધારે સુધારવા એના પર પણ કાર્યવાહી કરવાની મુખ્ય પ્રધાનની યોજના છે.
ડેટા આવ્યો, હવે શું?
રાજ્યની ૭૫ જેટલી સેવાઓ પર અત્યારે ઑનલાઇન ડેટા રજિસ્ટર થાય છે. લગભગ ૬૮૦ પ્રકારના ડેટા દર બે કલાકે જે-તે વિભાગના સર્વર પરથી ડૅશબોર્ડ પર આવે છે. આ ડેટાનો ગંજ માત્ર આંકડાઓ પૂરતો નથી. એનાથી સેવાઓ કેવી રીતે સુધારવી, કેવી રીતે કામગીરીમાં સરકાર, વહીવટી તંત્ર અને પ્રજા સાથે જોડાય એને માટે કામગીરી ચાલી રહી છે.
અત્યારે સીધું પ્રજા પાસેથી જ સેવાઓ વિશે અભિપ્રાય જાણવા માટે ડૅશબોર્ડના ડેટાના આધારે જ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને જ એક કૉલ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. બે મહિનાથી ચાલુ થયેલા આ કૉલ સેન્ટરમાં રેન્ડમલી સિલેક્ટ કરી લાભાર્થીઓને ફોન કરવામાં આવે છે. રોજ ૭૦૦ જેટલા ગુજરાતીઓને ફોન કરવામાં આવે છે. તેમનો અભિપ્રાય જાણવામાં આવે છે અને એ અભિપ્રાય પણ હવે ડૅશબોર્ડ પર મૂકવામાં આવી રહ્યો છે. આ અભિપ્રાયથી કોઈ ચોક્કસ જગ્યાએ કે કોઈ ચોક્કસ કામમાં કોઈ તકલીફ હોય તો એનું નિવારણ કરવા માટે ચીફ મિનિસ્ટર્સ ઑફિસ અને એના અધિકારીઓ સીધાં જ પગલાં લે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK