ચેઇન-સ્નૅચરો ફરી ત્રાટક્યા, ૨૪ કલાકમાં ૫ મહિલા લૂંટાઈ

Published: 1st October, 2012 05:18 IST

તાડદેવના ગંગા-જમુના થિયેટર સામે આવેલી પાલવ ચાલમાં રહેતી ૩૦ વર્ષની ગૃહિણી મંજુ રમેશ જૈન તેના વિસ્તારમાં આવેલા શાસ્ત્રી હૉલ બિલ્ડિંગ સામેના રસ્તા પરથી ગઈ કાલે બપોરે દોઢ વાગ્યે ઘરે જઈ રહી હતી એ વખતે બાઇક પર આવેલા બે યુવકો તેણે પહેરેલું ત્રણ તોલાનું ૯૧,૦૦૦ રૂપિયાનું મંગળસૂત્ર અને એક તોલાની ૩૯,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયા હતા. ગામદેવી પોલીસ-સ્ટેશનમાં મંજુ જૈને લૂંટની ફરિયાદ નોંધાવી હતી.



બીજા બનાવમાં ચકાલા વિસ્તારમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ પાસે ટંડન અપાર્ટમેન્ટમાં રહેતાં ૭૨ વર્ષનાં ગૃહિણી મૅરી આલ્બર્ટ રેરો ગઈ કાલે સવારે સાત વાગ્યે મૉર્નિંગ વૉક પર નીકળ્યાં હતાં એ વખતે મોટરસાઇકલ પર આવેલા બે યુવકો તેમની ૧૫ તોલાની ૩,૭૫,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન ખેંચીને નાસી ગયા હતા.

ત્રીજા બનાવમાં દહિસર (વેસ્ટ)ના દહિસર ગાંવઠણના પાડુરંગ ભોઇર રોડ પર આવેલી ભીમાબાઈ ચાલમાં રહેતાં ૭૦ વર્ષનાં ભીમાબાઈ પાટીલ તેમની ૬૮ વર્ષની મિત્ર વીરમણિ સાથે શનિવારે બપોરે ત્રણ વાગ્યે કોરેમાતાના મંદિર પાસે ગણપતિ વિસર્જન જોવા ગયાં હતાં ત્યારે મોટરસાઇકલ પર આવેલા બે યુવકો તેમની દોઢ તોલા વજનની ૪૨,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન અને વીરમણિની બે તોલાની ૫૬,૦૦૦ રૂપિયાની ધરાવતી સોનાની ચેઇન એમ કુલ મળી ૯૮,૦૦૦ રૂપિયાની મતા લૂંટીને નાસી ગયા હતા.

ચોથા બનાવમાં ભાયખલાના કિલ્લેદાર એસ્ટેટના બિલ્ડિંગ નંબર ત્રણના બીજા માળે રહેતી ૩૦ વર્ષની પુષ્પા શામ મ્હઈસકર શનિવારે સવારે સાડાઅગિયાર વાગ્યે તેની માતા સાથે લૅમિન્ગ્ટન રોડ પર આવેલા ગજાનન વર્તક ચોક પાસે ગણેશ વિસર્જન જોવા ગઈ હતી એ વખતે તેણે પહેરેલી ૧૧ ગ્રામ વજનની ૩૦,૦૦૦ રૂપિયાની સોનાની ચેઇન એક યુવક ખેંચીને નાસી ગયો હતો. આ સંદર્ભે ડી. બી. માર્ગ પોલીસ-સ્ટેશનમાં લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK