રાજસ્થાનના રાજકારણને હચમચાવી નાખનારી નર્સ ભંવરીદેવીનો મૃતદેહ ચૂનાની ભઠ્ઠીમાં ગાળી નખાયો?

Published: 29th December, 2011 05:20 IST

રાજસ્થાનની નર્સ ભંવરીદેવીના અપહરણના વિવાદાસ્પદ કિસ્સામાં જાણકારી મળી છે કે પહેલી સપ્ટેમ્બરે બિલારાથી અપહરણ કરવામાં આવેલી ભંવરીદેવીની હત્યા તેના અપહરણકારોએ ગણતરીના કલાકો પછી જ રાજસ્થાનના જોધપુર જિલ્લાની નજીક ઓસિયન ખાતે ગળું દબાવીને કરી હતી.

 

હજી સુધી ભંવરીદેવીના મૃતદેહના કોઈ અવશેષ મળ્યા નથી એ પરથી શંકા છે કે તેના મૃતદેહને ચૂનાની ભઠ્ઠીમાં ગાળી નાખવામાં આવ્યો છે.

બીજી ડિસેમ્બરે આ કેસ અંતર્ગત જોધપુર ર્કોટમાં આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે શાહબુદ્દીન અને સોહનલાલ નામની બે વ્યક્તિઓએ ભંવરીદેવીનું અપહરણ કર્યું હતું. તપાસ કરતાં ખબર પડી હતી કે ભંવરીદેવી પદભ્રષ્ટ કૉન્ગ્રેસી નેતા મહિપાલ મર્દેણા સાથેની પોતાની અfલીલ સી.ડી.ના બદલામાં પચાસ લાખ રૂપિયા લેવાની લાલચમાં તેમની સાથે આવી હતી અને પછી મહિપાલ મર્દેણાના ઇશારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. ભંવરીદેવીને જ્યારે આ વાતનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે બૂમાબૂમ કરીને ચાલુ વાહનમાંથી ઊતરી જવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેના અપહરણકારોએ અન્ય આરોપી બલદેવ જાટની મદદ લઈ ગળું દબાવીને તેની હત્યા કરી હતી. આ ગુનામાં શાહબુદ્દીનનું જે વાહન વપરાયું હતું એ એક મહિના પછી ગુજરાતના પાલનપુર પાસેથી જપ્ત કરવામાં આવ્યું હતું, પણ હજી ભંવરીદેવીનો મૃતદેહ નથી મળ્યો.

સીબીઆઇ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ પોતાની ચાર્જશીટમાં કહ્યું છે કે ભંવરીદેવી નેતા મહિપાલ મર્દેણાને બ્લૅકમેઇલ કરતી હતી, પણ ભંવરીદેવીની હત્યા પાછળના કારણની સ્પષ્ટતા નથી થઈ શકી. સીબીઆઇને શંકા છે કે ભંવરીદેવીના મૃતદેહને ઓસિયનની આસપાસ આવેલી ચૂનાની ભઠ્ઠીમાં ગાળી દેવામાં આવ્યો છે અને આ કારણે તેના મૃતદેહના અવશેષો મળી આવી એવી શક્યતા બહુ ધૂંધળી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK