બીએમસીની તિજોરી તળિયાઝાટક

Published: 9th January, 2021 07:53 IST | Prajakta Kasale | Mumbai

આવકમાં મોટા પ્રમાણમાં ઘટાડો થતાં મોટા ભાગના વિભાગોને ખર્ચ પર કાપ મૂકવાનું જણાવાયું

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

દેશની સૌથી સમૃદ્ધ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં સ્થાન ધરાવતા બીએમસીની વાસ્તવિક આવક ઘટી ગઈ છે. ડિસેમ્બર સુધીમાં એ જીએસટીના વળતર ઉપરાંતના એના સ્રોતોમાંથી અંદાજિત આવકમાંથી માંડ ૨૦ ટકા આવક મેળવી શકી છે. બીએમસીએ હજી સુધી પ્રૉપર્ટી ટૅક્સનાં બિલનું વિતરણ નથી કર્યું, ત્યારે પાણી અને સ્યુઅરેજ ચાર્જમાંથી થતી નિયત આવક પણ ઘટી ગઈ છે.

બીએમસીની ફિક્સ્ડ ડિપોઝિટ પણ દાયકામાં પ્રથમ વખત નીચે ગઈ છે. વહીવટી તંત્ર કોરોના મહામારી બાદ આવનારી મુશ્કેલ સ્થિતિ પામી ગયું હતું અને આથી એણે કોસ્ટલ રોડ અને આરોગ્ય વિભાગ સિવાયના અન્ય તમામ વિભાગોના ખર્ચા પર કાપ મૂકવાનું શરૂ કરી દીધું હતું. નાણાકીય વર્ષ પૂરું થવાને આડે હજી ત્રણ મહિના બાકી છે અને બીએમસી પ્રૉપર્ટી ટૅક્સ પર નિર્ભર કરશે ત્યારે એની અસર આગામી વર્ષે પણ જોવા મળશે.

બીએમસીએ ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ૨૦૨૦-’૨૧ માટે એના ૩૩,૪૩૪ કરોડ રૂપિયાના અંદાજપત્રમાં ૨૮,૪૪૮ કરોડની આવકની અપેક્ષા કરી હતી, પરંતુ ૯ મહિનાના અંતે ડિસેમ્બર સુધીમાં એ એની આવકના માત્ર ૪૦ ટકા એટલે કે ૧૧,૬૧૩ કરોડ રૂપિયા જ વસૂલી શક્યું હતું. આ રકમમાંથી ૭૩૩૯ કરોડની રકમ રાજ્ય સરકાર (જીએસટી)ના ઑક્ટ્રોય માટેના વળતરમાંથી અને ૧૦૦૦ કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજમાંથી મળ્યા છે.

આવકનો સૌથી મોટો સ્રોત એવો પ્રૉપર્ટી ટૅક્સ મહામારીના પડકારરૂપ સમયમાં ઉપયોગી નીવડી શક્યો નહોતો, કારણ કે બીએમસીએ હજી સુધી બિલનું વિતરણ કર્યું નથી અને ટૅક્સ માફ કરવા કે નહીં એ વિશે પણ દ્વિધા પ્રવર્તી રહી છે.

આ ઉપરાંત બીએમસી માટે આવકનો બીજો મોટો સ્રોત એવો ડેવલપમેન્ટ પ્લાન છેલ્લાં કેટલાંક વર્ષોથી ખાસ ઉપયોગી સાબિત નથી થઈ રહ્યો.

પ્રૉપર્ટી ટૅક્સનાં બિલ જારી કરી દેવાયાં છે એથી એનું કલેક્શન વધશે, પણ બાંધકામક્ષેત્ર માટે જાહેર કરાયેલા લાભને કારણે બિલ્ડિંગ-પ્લાનની પ્રપોઝલ્સમાંથી મળતાં નાણાંમાં ઘટાડો થશે.

- પી. વેલારસુ, ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK