ઉદ્ધવ ઠાકરેની પીછેહટ

Published: 22nd October, 2014 02:38 IST

અરુણ જેટલી કહે છે કે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને અભિનંદન આપવા ફોન કર્યો એનો મતલબ તેઓ સત્તામાં જોડાવા માગે છે : શિવસેનાએ બે સિનિયર નેતાઓને વાટાઘાટ માટે દિલ્હી મોકલ્યાવિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી NCPની બિનશરતી સપોર્ટની ઑફર ઊભી હોવા છતાં BJPએ અગાઉ જેનો સાથ ત્યજી દીધો હતો એ શિવસેનાને સ્વાભાવિક સાથી ગણાવતાં સરકાર રચવામાં એનો સાથ પસંદ કરવાના સંકેતો વહેતા મૂક્યા હતા.

રાજ્યમાં સરકારની રચના બાબતે અટકળો ચાલી રહી છે એવામાં નવી દિલ્હી ખાતે કેન્દ્રના પ્રધાન અને પાર્ટીના સિનિયર નેતા અરુણ જેટલીએ શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના પ્રેસિડન્ટ અમિત શાહ તથા અન્ય નેતાઓને ફોન કરીને અભિનંદન આપવાની ઘટનાને સંકેતરૂપ (જોડાણની શક્યતાના) ગણાવી હતી.

જેટલીએ એક ટીવી-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘અમારી પાસે બે દરખાસ્તો હાથવગી છે. એક તો શિવસેના અમારો સ્વાભાવિક સાથીપક્ષ છે. બીજી બાજુ NCPની અનકન્ડિશનલ સપોર્ટની ઑફર છે. મહારાષ્ટ્ર સરકારમાં BJP અને શિવસેના જોડે મળીને આગળ વધે એ સામાન્ય કાર્યવાહીમાં બની શકે, પરંતુ જો કોઈ મુશ્કેલી આવે તો NCPની બાબત છે ત્યાં સુધી અનકન્ડિશનલ સપોર્ટની ઑફર પર પણ વિચારી શકાય. અત્યાર સુધીમાં શિવસેના સાથે કોઈ વાતચીત થઈ નથી, પરંતુ કેન્દ્ર સરકારમાં અને મુંબઈ મહાનગરપાલિકામાં બન્ને પાર્ટીઓ સાથે જ છે. સરકારના ત્રણમાંથી બે સ્તરો પર અમે સાથી છીએ એ હકીકત છે. એકબીજાને અભિનંદન આપવા એ બાબત જ સંકેતરૂપ છે.’

શરદ પવાર પ્રણિત NCP સાથે જોડાણની શક્યતા તમે નકારો છો એવા સવાલના જવાબમાં જેટલીએ જણાવ્યું હતું કે ‘રાજકારણમાં કોઈ શક્યતા નકારી શકાય નહીં. અમે તો સ્વયંવર જેવી સ્થિતિમાં છીએ. એથી ચર્ચા-મંત્રણા પછી ઉચિત તબક્કે અમારે નક્કી કરવાનું રહેશે.’     

વાટાઘાટો માટે શિવસેનાના બે સિનિયર લીડર દિલ્હીમાં

સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારયુદ્ધમાં BJP સામે રીતસરનો મોરચો ખોલનારી શિવસેનાના બે સિનિયર લીડરોને હવે પરિણામો બાદ રાજ્યમાં BJP સાથે મળીને સરકાર રચવાની વાટાઘાટો માટે મોકલવામાં આવ્યા છે. BJPની કેન્દ્રીય નેતાગીરી સાથે શિવસેના તરફથી વાટાઘાટો માટે રાજ્યસભાના સંસદસભ્ય અનિલ દેસાઈ અને શિવસેનાના સિનિયર નેતા સુભાષ દેસાઈ ગઈ કાલે મોડી રાત્રે વિમાનમાર્ગે દિલ્હી પહોંચ્યા હતા.

શિવસેનાને સાથે લાવવા રાજનાથની મુલાકાત પોસ્ટપોન?


મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ હવે સરકારની રચના પહેલાં ગૃહમાં BJPના નેતા (ખરેખર તો ચીફ મિનિસ્ટર)ની વરણી માટે પાર્ટી તરફથી ઑબ્ઝર્વર તરીકે કેન્દ્રના હોમમિનિસ્ટર રાજનાથ સિંહ સોમવારે મુંબઈ આવવાના હતા, પરંતુ તેમની મુલાકાત મુલતવી રાખવામાં આવી હતી. ખુદ રાજનાથ સિંહે દિવાળી બાદ જ મુંબઈ આવવાનું બયાન આપ્યું હતું, પરંતુ પાર્ટીનાં સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યમાં સરકારની રચના માટે શિવસેનાને સાથે લાવવાના પાછલા બારણાના પ્રયાસો ચાલી રહ્યા છે તેથી રાજનાથ સિંહની મુંબઈની મુલાકાત મુલતવી રખાઈ છે અને વાત ખીલે બંધાયા બાદ તેઓ આ ઔપચારિકતા માટે મુંબઈ આવશે.

ચીફ મિનિસ્ટર માટે નીતિન ગડકરીનું નામ ફરી ઊછળ્યું

BJPના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અને સિનિયર નેતા સુધીર મુનગંટીવારે એક ટીવી-ચૅનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાર્ટીના રાજ્યના નેતાઓની ઇચ્છા છે કે નીતિન ગડકરી ચીફ મિનિસ્ટર બને. જોકે છેલ્લા ઘણા વખતથી ચીફ મિનિસ્ટરપદે ગડકરીનું નામ ઊછળી રહ્યું છે, પરંતુ તેઓ સતત કેન્દ્રની મિનિસ્ટ્રી છોડીને ફરીથી રાજ્યના પૉલિટિક્સમાં આવવાનો ઇનકાર કરી રહ્યા છે. ગડકરીએ નકાર ભણ્યા બાદ જ ચીફ મિનિસ્ટરની રેસમાં પાર્ટીના હાલના પ્રદેશપ્રમુખ દેવેન્દ્ર ફડણવીસ ફ્રન્ટ-રનર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK