હરિયાણામાં વિક્રમી ૭૩% મતદાન, એક્ઝિટ પોલમાં BJP બોલબાલા

Published: 16th October, 2014 03:06 IST

જાટલૅન્ડમાં BJP સૌથી મોટા પક્ષ તરીકે ઊભરશે, પણ એને સ્પષ્ટ બહુમતી નહીં મળેharyanaજાટોના રાજ્ય હરિયાણામાં પણ BJP સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે, પણ ભગવી પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહીં મળે એવી આગાહી ગઈ કાલે રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં મતદાન બાદના એક્ઝિટ પોલમાં કરવામાં આવી હતી.

જોકે ટુડેઝ-ચાણક્યના એક્ઝિટ પોલમાં BJPને હરિયાણામાં સ્પષ્ટ બહુમતી મળવાની આગાહી કરવામાં આવી હતી. હરિયાણામાં ૯૦માંથી BJPને બાવન બેઠકો, INLDને ૨૩, કૉન્ગ્રેસને ૧૦ અને અન્ય પક્ષોને પાંચ બેઠકો મળશે એવું તારણ ટુડેઝ-ચાણક્યએ કાઢ્યું હતું. આ તારણ સાચું ઠરશે તો BJP હરિયાણામાં સૌપ્રથમ વાર સરકાર રચશે.

હરિયાણાની વિખેરી નાખવામાં આવેલી ગત વિધાનસભામાં કૉન્ગ્રેસ પાસે ૪૦ અને INLD પાસે ૩૧ બેઠકો હતી, જ્યારે BJP પાસે માત્ર ચાર જ બેઠકો હતી.

સી-વોટરના એક્ઝિટ પોલના તારણ અનુસાર હરિયાણામાં BJPને ૩૭, INLDને ૨૮, કૉન્ગ્રેસને ૧૫, હરિયાણા જનહિત કૉન્ગ્રેસને ૬ અને અન્યોને ચાર બેઠકો મળશે. એસી-નીલ્સનના તારણ અનુસાર અહીં BJPને ૪૬, કૉન્ગ્રેસને ૧૯, INLDને ૨૯ અને અન્યોને પાંચ બેઠકો મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં કુલ ૧૧ જાહેર સભાઓને સંબોધી હતી. અહીં મતગણતરી ૧૯ ઑક્ટોબરે થવાની છે.

રેકૉર્ડબ્રેક વોટિંગ દરમ્યાન હિંસામાં ૩૨ ઘવાયા

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કુલ ૧.૬૩ કરોડ મતદારો પૈકીના ૭૩ ટકા લોકોએ વિક્રમસર્જક વોટિંગ કરીને કૉન્ગ્રેસ, ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયન નૅશનલ લોકદળ સહિતના છ પક્ષના ઉમેદવારોના ભાવિને મતપેટીમાં કેદ કર્યું હતું. ૧૯૬૭માં હરિયાણામાં ૭૨.૬૫ ટકા મતદાન થયું હતું.

ગઈ કાલે યોજાયેલા મતદાન દરમ્યાન હિંસાના છૂટાછવાયા બનાવો બન્યા હતા અને એમાં ૧૦ પોલીસ-કર્મચારી સહિત ૩૨ જણ ઘવાયા હતા. હિસાર જિલ્લાના બરવાલામાં બે પ્રતિસ્પર્ધી પક્ષોના પોલિંગ એજન્ટ્સ વચ્ચે અથડામણ થયા બાદ એક ટોળાએ સાત મોટરસાઇકલોને આગ ચાંપી હતી. આ અથડામણમાં ૧૦ પોલીસ-કર્મચારીઓ સહિત કુલ ૩૦ જણ ઘવાયા હતા. બીજા બે જણ સિરસામાં થયેલી અથડામણમાં ઘવાયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK