સૌથી મોટો ખતરો નવા વિચાર બંધ થઈ જવાનો છે

Published: Jul 19, 2020, 22:37 IST | Kana Bantwa | Mumbai

લૉકડાઉનથી અન્ય જે નુકસાન થયું છે એ ઝડપથી ભરપાઈ થઈ જશે, પણ નવા આઇડિયાના સ્તરે જે સૂક્ષ્મ નુકસાન થયું છે એને સુધારવામાં મહેનત પડશે

વ્યવસાય ભાંગી પડ્યા એ એટલો મોટો ખતરો નથી, લૉકડાઉન પૂરું થતાં એ તો ઊભા થઈ શકશે. નોકરીઓમાં છટણી આવી, બેરોજગારી વધી એ જરા મોટો ખતરો ખરો, પણ એટલો મોટો નહીં. એ પણ ફરીથી યથાવત્ સ્થિતિએ આવી શકશે. લોકોનાં જીવનધોરણ પર અસર પડી એ ખરું, પણ એને સરખું થતાં બહુ વાર નહીં લાગે. અછત જેવી સ્થિતિ ક્યાંક પેદા થઈ છે એ પણ ટેમ્પરરી સ્થિતિ છે. લોકોના જીવનમાંથી રસ ઊડી ગયો છે, જીવન નિરસ બની ગયું છે એ પણ એવડું મોટું જોખમ નથી. જીવન ધબકતું થતાં જ એ રસ પણ પાછો આવી જશે. માણસોનાં મનોબળ તૂટ્યાં એ ખતરો મોટો છે, એ પણ એટલો મોટો નથી. એ પણ ફરીથી સંધાઈ જશે અને માનવી ઊભો થશે. ઊભા થવું, પડકારની સામે પડવું એ માનવીનો સ્વભાવ છે. કોરોનાનો ભય ફેલાયો એ પણ મોટો ખતરો નથી. સૌથી મોટો ખતરો છે, વિચાર ઓછા થઈ જવાનો. નવા વિચાર ઘટી જવાનો. માણસ આજે જેકાંઈ છે એ વિચારને લીધે છે. માણસ અને પ્રાણીમાં ફરક જ એ છે કે માણસ વધુ વિચારી શકે છે. તે નવા આઇડિયા અપનાવી શકે છે. લૉકડાઉનમાં બધું જ બંધ થઈ ગયું એમાં નવા વિચાર ઓછા થઈ ગયા છે. હા, વર્ક ફ્રૉમ હોમ અને ઑનલાઇન બિઝનેસ કે ઑનલાઇન શિક્ષણ વધ્યાં છે પણ એ નવા વિચાર નથી, મજબૂરી છે. એ લૉકડાઉનમાં કામ ચલાવવા માટેના રસ્તા છે. સમસ્યા એ છે કે નવા વિચાર, નવા આઇડિયા, નવી નજર જોવા મળતી નથી. લૉકડાઉનમાં લોકોનાં મગજ પણ લૉક થઈ ગયાં છે. માણસે અત્યારની જે દુનિયા બનાવી છે એ માત્ર ને માત્ર વિચારના જોરે બનાવી છે. ‘મોગલી’ ફિલ્મ જોઈ છે? એમાં વરુનાં બચ્ચાંઓ સાથે ઊછરેલો એક માનવબાળ વરુઓની જેમ જ રહે છે. પછી તે માણસની જેમ સાધનોનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. જે કામ તે પોતાના શારીરિક બળથી નહોતો કરી શકતો એ બધાં કામ તે આઇડિયા લગાવીને, વિચારીને, સાધનો બનાવીને કરવા માંડ્યો. વિચારને લીધે તે માણસની શારીરિક મર્યાદાઓને ઓળંગી ગયો. ફિલ્મમાં તો વરુઓ માણસ જેવા આઇડિયા અપનાવવા બદલ મોગલીને હાંકી કાઢે છે. ત્યાં પણ મુદ્દો એટલો જ હતો કે માણસ આઇડિયા વાપરવા સક્ષમ છે.

લૉકડાઉનને લીધે વિશ્વભરમાં વ્યવસાય ધીમા પડ્યા. માગ પણ ઘટી. જરૂરિયાત પણ ઘટી. લોકો જે છે એનાથી ચલાવી લેતા થયા. પ્રોડક્ટ વેચાતી જ ન હોય, બજાર જ ન હોય તો નવું લૉન્ચ શા માટે થાય? મોબાઇલ ફોનનો જ દાખલો લઈએ. લૉકડાઉનમાં મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટ્યો નથી, વધ્યો છે, પણ માગ વધી નથી. સામાન્ય રીતે મોબાઇલ ફોન કંપનીઓ સતત નવાં મૉડલ લૉન્ચ કરતી રહે છે અને એમાં નવાં-નવાં ફીચર ઉમેરતી રહે છે, પણ છેલ્લા ચાર મહિનામાં બહુ જ ઓછાં નવાં મૉડલ લૉન્ચ થયાં છે. જે લૉન્ચ થયાં એ પણ અગાઉથી આયોજન હતું એટલે થયાં છે. એવું જ ઑટો સેક્ટરમાં અને અન્ય ક્ષેત્રમાં થયું છે. કૉમ્પિટિશનના જમાનામાં હરીફથી આગળ રહેવા માટે ગ્રાહકને કશુંક નવું આપતા રહેવું પડે છે. નવું આપવા માટે વિચારવું પડે, સંશોધન કરવું પડે. હવે જ્યારે માગ જ ઘટી ગઈ છે ત્યારે નવું આપવાની વૃત્તિ પણ જાણે મરવા માંડી છે. માત્ર વ્યવસાયના સ્તરે જ નહીં, જીવનનાં તમામ ક્ષેત્રોમાં આવું થઈ રહ્યું છે. બિઝનેસમાં જે પરિવર્તન આવે એ સ્પષ્ટ સામે દેખાય છે એટલે એનું ઉદાહરણ આપવું સરળ રહે છે અને એ ઉદાહરણ સમજવું પણ સહેલું હોય છે. કલા, સંગીત વગેરે ક્ષેત્રોમાં આવતું પરિવર્તન સૂક્ષ્મ હોય છે. અભૌતિક કે આધ્યાત્મિક બાબતોમાં આવતો બદલાવ તો અતિસૂક્ષ્મ હોય છે, જે ધ્યાનમાં આવતાં વાર લાગે છે, પણ અગત્યની બાબત એ છે કે પરિવર્તન જેટલું સ્થૂળ હોય એટલું એને સુધારવું, ઠીક કરવું સહેલું અને જેટલું સૂક્ષ્મ હોય એટલું એ વધુ સ્થાયી હોય છે, એને બદલવામાં વધુ સમય લાગે. સુખ-સુવિધાનાં સાધનો, વ્યાપાર-ધંધાનાં કામ, એમાંના નવા આઇડિયા, નવા વિચાર ઝડપથી શરૂ થઈ શકે. ત્યાં જે દુષ્કાળ પડ્યો છે એમાં થોડો વરસાદ થતાં કે પરિસ્થિતિ સુધરતાં જ કૂંપળો ફૂટશે. પણ અભૌતિક બાબતોમાં આવેલા પરિવર્તનને પલટાવવામાં સમય લાગે. લૉકડાઉનમાં રહીને માણસની લાગણીઓ જડ થવા માંડી છે. એને ફરીથી હરીભરી કરવા માટે, જીવંત કરવા માટે ઘણા બધા પ્રયત્નની અને ઘણી બધી કાળજીની જરૂર પડે. પ્રેમ, લાગણી, સંબંધો વગેરે ક્ષેત્રમાં માણસ આમ પણ ઘરેડમાં વિચારતો થઈ ગયો હોય છે. તમે પ્રેમ કરો છો એ તમે ફિલ્મમાં જોયો છે, પુસ્તકોમાં વાંચ્યો છે, વાર્તાઓમાં સાંભળ્યો છે એ પ્રમાણે કરો છો. તમે સંબંધમાં ઉદારતા, ગરિમા, હૂંફ વગેરે રાખો છો એ સદ્ગુણો તમે વાંચીને, સાંભળીને, જોઈને શીખ્યા છો. મતલબ એ બધું જ કન્ડિશન્ડ છે. એક તો પહેલેથી જ કન્ડિશન્ડ હતું, એમાં વિચારોનો દુકાળ પડ્યો. પડ્યા પર પાટું જેવો ઘાટ થયો.

વિચાર જડ થઈ જવાનો, નવા વિચાર નહીં પેદા થવાનો ખતરો એટલા માટે બહુ મોટો છે કે એ આખા જગતને જડ બનાવી શકે એમ છે. ઉપનિષદનું એક વાક્ય છે, મન જ પરબ્રહ્મ છે. અર્થાત્, મન-વિચાર જ પરમાત્મા છે. થોડી અતિશયોક્તિ લાગશે. એની તાત્ત્વિક ચર્ચા આપણા મૂળ મુદ્દાને ચાતરી જાય એવી હોવાથી એ અહીં માંડવાનો ફાયદો નથી. એની ગોષ્ઠિ ક્યારેક યોગ્ય વિષયમાં માંડીશું. પ્રથમ નજરે અતિશયોક્તિ લાગે છે, પણ જરા શાંત ચિત્તે, મનને સ્થિર કરીને વિચારો તો જણાશે કે મનને કારણે જ, વિચારને કારણે જ મનુષ્ય અદ્ભુત સર્જન કરી શક્યો છે. વિચાર દ્વારા આ ગજબનાક દુનિયા બની છે એ પૂરતું તો મનને પરબ્રહ્મ કહેવામાં કશો વાંધો નથી. બ્રહ્મબિંદુ ઉપનિષદનું જ અન્ય એક વાક્ય છે, ‘મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો:’ અર્થાત્ બંધન અને મોક્ષ બન્ને માટે મન જ કારણભૂત છે. સર્જન અને વિસર્જન બન્ને માટે મન જ કારણરૂપ છે. વિચાર છે એટલે દરેક માણસ એકબીજાથી અલગ છે. બાકી શરીર તો લગભગ સમાન જ હોય. મન-વિચાર જ માણસને યુનિક બનાવે છે. દરેક માણસમાં યુનિક મન હોય છે, યુનિક વિચાર હોય છે, યુનિક સ્વભાવ હોય છે. દરેક માણસ અલગ-અલગ વિચારે છે. ઘટના એક જ હોય છે, દરેક માણસ પોતાની શક્તિ, સંસ્કાર, સમજણ અને બુદ્ધિ પ્રમાણે એને જુએ છે, મૂલવે છે, સમજે છે. એક ઘટનામાંથી દરેક માણસને અલગ-અલગ બાબત સમજાય છે. ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા ત્યારે રાજકુમાર તરીકે તેમને દોમ દોમ સાહ્યબીમાં ઉછેરવામાં આવતા હતા. જ્યોતિષીઓએ કહ્યું હતું કે આ બાળક સંસારનાં દુખો જોઈને સંન્યાસી થઈ જશે અને જગતનું કલ્યાણ કરશે. કોઈને પોતાનો પુત્ર બાવો બની જાય એ તો પસંદ ન જ હોયને? અને આ તો રાજાનો પુત્ર. રાજ્યનો ઉત્તરાધિકારી. રાજાનો બાળક સંન્યાસી ન બને એટલા માટે વ્યવસ્થા ગોઠવી. દુ:ખ તેની નજરે ન જ પડે એવી વ્યવસ્થા ગોઠવી. રાજકુમાર એક દિવસ નગરના યુવા ઉત્સવમાં સામેલ થવા માટે રથમાં બિરાજમાન થઈને નીકળ્યો. નગરની વચ્ચેથી પસાર થતાં તેમણે એક બીમાર, એક વૃદ્ધ અને એક મૃત માણસને જોયો. સારથિને પૂછ્યું કે ‘આવું કેમ?’ સારથિએ સનાતન સત્ય કહ્યું કે ‘જન્મે છે તે બીમાર પડે છે, વૃદ્ધ થાય છે અને મરે છે.’ સિદ્ધાર્થે પૂછ્યું, ‘હું પણ વૃદ્ધ થઈ જઈશ? હું પણ મરી જઈશ?’ સારથિ પ્રામાણિક હતો. તેણે કહ્યું, ‘હા મહારાજ, આ જગતમાં આવનાર તમામને આ જ ગતિ નિશ્ચિત છે,’ સિદ્ધાર્થે રથ પાછો વળાવી લીધો. હવે યુવા ઉત્સવમાં જવાનો કોઈ અર્થ નહોતો. સિદ્ધાર્થમાં બુદ્ધત્વનો અંકુર ફૂટી ચૂક્યો હતો. સિદ્ધાર્થ પહેલાં અને પછી અસંખ્ય લોકોએ બીમાર, વૃદ્ધ અને મૃત માણસને જોયા હશે, પણ બુદ્ધ જેવો વિચાર તેમને નહોતો આવ્યો, નથી આવ્યો.

 બાગમાં વૃક્ષ પરથી સફરજનને જમીન પર પડતું લાખો લોકોએ જોયું હશે, પણ ન્યુટનની જેમ ગુરુત્વાકર્ષણનો વિચાર બીજા કોઈને ન આવ્યો. સફરજનના બગીચામાં ઘણા સૂઈ રહેતા હશે, પણ સ્ટીવ જૉબ્સની જેમ કમ્પ્યુટરને યુઝર-ફ્રેન્ડ્લી બનાવવાનો વિચાર બીજા કોઈને ન આવ્યો. કિંમત વિચારની છે. આઇડિયાની છે. વિચાર જગતને બદલે છે. વિચાર જગતને સર્જે છે, સંવર્ધિત કરે છે, સજાવે છે.

વિચારવું મહત્ત્વનું નથી. મનુષ્ય તરીકે જન્મે એ બધાને વિચારવાની શક્તિ મળે જ છે. મહત્ત્વનું છે અલગ વિચારવું. મહત્ત્વનું છે નવું વિચારવું. જે કોઈએ ન વિચાર્યું હોય એ વિચારવું. જે કોઈએ કહ્યું ન હોય એની કલ્પના કરવી. જે ક્યારેય દેખાયું નથી એને જોવું. આ મહત્ત્વનું છે. વણજોયેલી ભોમકા પર જે પગ માંડે છે તે જ સફળ થાય છે, તે જ સર્જન કરે છે. જ્યાં સુધી વિચાર જીવંત છે ત્યાં સુધી આ દુનિયા જીવંત રહેશે. વિચારનું મોત વિશ્વનો અંત છે. અત્યારે જે પરિસ્થિતિ છે એનાથી વિચાર અટકી ગયા છે, એનો અંત નથી આવ્યો. તમે પોતે વિચારી જોજો કે છેલ્લે નવું ક્યારે વિચાર્યું હતું? બહુ કન્ડિશન્ડ થઈ ગયા છીએ આપણે. આ જડતાને જલદીથી ઉખેડી ફેંકવી જરૂરી છે. પરિસ્થિતિ તો જ સુધરશે જો આપણે એને સુધારવા ઇચ્છીશું. અત્યાર સુધી માણસે વિચાર્યું એવું આ દુનિયામાં થયું છે, આ મહામારીને પણ માણસ હરાવશે. બસ, તમે મનથી જીવંત રહેજો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK