મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલની પીપલ્સ મેડિકલ કૉલેજમાં કોરોનાની રસી લીધા બાદ એક વૉલન્ટિયરનું નવ દિવસ બાદ મરણ થતાં ચકચાર મચી ગઈ હતી.
આ સ્વયંસેવક ૪૭ વર્ષના દીપક મરાવીએ ૧૨ ડિસેમ્બરે પીપલ્સ મેડિકલ કૉલેજમાં ટ્રાયલ રસી લીધી હતી. રસી લીધાના નવ દિવસ બાદ તે જમાલપુરાસ્થિત સુબેદાર કૉલોનીમાં પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે તરત આ ઘટનાની તપાસ શરૂ કરી હતી.
૨૨ ડિસેમ્બરે પોલીસે મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરાવ્યું હતું. મરનારના શરીરમાં ઝેર હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું. વિગત વાર પોસ્ટમૉર્ટમ રિપોર્ટ હજી આવ્યો નહોતો. દીપકનું મરણ કોરોનાની રસીની આડઅસરથી થયું કે બીજા કોઈ કારણથી થયું એ આખરી પોસ્ટમૉર્ટમ રિપોર્ટ પછી જાણવા મળશે એમ પોલીસે કહ્યું હતું.
મરનારના પુત્ર આકાશે પોલીસને જણાવ્યા મુજબ ૧૯ ડિસેમ્બરે મારા પિતાને અસ્વસ્થતા જેવું લાગ્યું હતું. તેમને બેચેની, ગભરાટ અને જીવ મુંઝાતો હોય એવી ફરિયાદ તેમણે કરતાં અમે પીપલ્સ મેડિકલ હૉસ્પિટલમાં એક કરતાં વધુ ફોન કર્યા હતા, પરંતુ કોઈએ ફોન લેવાની પરવા કરી નહોતી.