પાકિસ્તાન જેલમાંથી છૂટીને ભાવેશ પરમાર મુંબઈ તો પહોંચ્યો, પણ...

Published: 27th October, 2012 04:42 IST

છ વર્ષે પાકિસ્તાની જેલમાંથી છૂટીને આવેલો ભાવેશ પરમાર એરપોર્ટ પર મોટી બહેનને ઓળખી જ ન શક્યો
ભાવેશ પરમાર ગઈ કાલે મમ્મી હંસાબહેન સાથે મુંબઈ એરપોર્ટ પર લૅન્ડ થયો ત્યારે તેનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તે પાર્લાના પોતાના બિલ્ડિંગમાં પહોંચ્યો ત્યારે ત્યાંના રહેવાસીઓએ પણ તેને ભાવભીનો આવકાર આપ્યો હતો. જોકે તે ગુરુવારે વાઘા બૉર્ડર પરથી ભારતમાં દાખલ થયો ત્યારથી તેનો ચહેરો તો ભાવહીન જ જોવા મળી રહ્યો છે. તસવીરો : સમીર માર્કન્ડે

જે ભાઈના હાથ પર રાખડી બાંધવા હું છેલ્લાં ૬ વર્ષથી તરસતી હતી એ ઘડી હવે આવી ગઈ છે. હવે હું તેને રાખડી બાંધીશ અને મારી નજરથી તે દૂર નહીં જાય એનું ધ્યાન રાખીશ. અમારી સૌથી પહેલી પ્રાયૉરિટી તેની સાઇકિઍટ્રિક સારવાર છે અને અમે ઝડપથી એ માટે સારામાં સારા સાઇકિયાટ્રિસ્ટની મદદ લઈશું. આ શબ્દો છે ભાવેશ પરમારની મોટી બહેન કામિની પંચાલના.

૨૦૦૭ની સાલથી પાકિસ્તાનના લાહોરની કોટ લખપત જેલમાં પૂરી દેવામાં આવેલા અને ૨૦૦૬ના ઑક્ટોબરથી વિલે પાર્લેમાંથી ગુમ થયેલા ૩૨ વર્ષના ગુજરાતી સૉફ્ટવેર એન્જિનિયર ભાવેશને ગુરુવારે પાકિસ્તાન સરકારે છોડી મૂકતાં ગઈ કાલે તે મુંબઈ પહોંચ્યો ત્યારે તેની બહેન કામિની ઘણી આતુરતાથી મુંબઈ ઍરપોર્ટ પર તેને મળવા ગઈ હતી. કામિનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો ભાઈ છ વર્ષે ઘરે પાછો આવી રહ્યો હોવાથી ગઈ કાલે સવારથી હું તેને મળવા મુંબઈ ઇન્ટનૅશનલ ઍરપોર્ટ પર પહોંચી ગઈ હતી. તેની ફ્લાઇટ એક કલાક મોડી હતી. લગભગ ૩ વાગ્યે ભાવેશ મુંબઈ આવી પહોંચ્યો ત્યારે છ વર્ષ બાદ પહેલી વાર મેં તેને જોયો હતો અને તેને જોતાંની સાથે જ મેં તેને મળવાનો ઘણો પ્રયાસ કયોર્ હતો, પણ ઍરપોર્ટ પર ફક્ત એક જ વખત તેણે મારી સામે જોયું હતું. ત્યાર બાદ મને મળ્યા વગર જ તે કારમાં બેસીને જતો રહ્યો હતો. લગભગ છ વર્ષથી હું મારા ભાઈને રાખડી બાંધવા તરસતી હતી એથી ઘણી આતુરતાથી હું ઍરપોર્ટ પર તેને મળવા ગઈ હતી, પણ હું તેને મળી નહોતી શકી. ઍરપોર્ટથી નીકળ્યા બાદ મારો ભાઈ વિલે પાર્લે (ઈસ્ટ) સ્ટેશન પાસે આવેલા વિલે પાર્લેના વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેની ઑફિસે ગયો હતો. એની જાણ થતાં તેની પાછળ-પાછળ તરત હું પણ મારા પતિ સાથે તેમની ઑફિસે પહોંચી ગઈ હતી. ઑફિસમાં જઈને ભાવેશ સાથે વાત કરવાનો મેં ઘણો પ્રયાસ કયોર્ હતો. છેવટે લગભગ સાડાચાર વાગ્યાની આસપાસ હું મારા ભાઈને મળી હતી. મારી મમ્મી સાથે હું તેને મળી ત્યારે તેણે મને ઓળખી લીધી હતી.’

પાકિસ્તાનથી મુંબઈ આવ્યા બાદ ભાવેશે ગઈ કાલે મિડિયા કે તેના પરિવારના કોઈની સાથે વાતચીત નહોતી કરી. ભાવેશ મુંબઈ આવ્યો ત્યારે તે ખૂબ જ ગભરાયેલો દેખાતો હતો. આ સંદર્ભે વિધાનસભ્ય ક્રિષ્ના હેગડેએ કહ્યું હતું કે ‘ભાવેશને હજી એવું ફીલ થઈ રહ્યું છે કે તે પાકિસ્તાનની જેલમાં જ બંધ છે. ઘડીકમાં ભાવેશ કહે છે કે તેને ઘરે તેની મમ્મી પાસે જવું છે એથી હંસાબહેનને પણ અમે તેની સાથે જ રહેવા કહ્યું છે. ૬ વર્ષ પાકિસ્તાનની જેલમાં બંધ રહ્યો હોવાથી ભાવેશ ઘણો ગભરાઈ ગયો છે અને હવે અમે તેની દેખભાળ કરીશું. ભાવેશની યાદશક્તિ ઓછી થઈ ગઈ છે. લગભગ ૬ મહિના સુધી ભાવેશને ઇલાજની જરૂર છે અને તેનો ઇલાજ અમે વહેલી તકે શરૂ કરીશું તથા તેને અમે નોકરી પણ અપાવીશું. હવે ભાવેશ અમારી જિમ્મેદારી છે.’

ભારતની બૉર્ડર પાર કરી સમઝૌતા એક્સપ્રેસમાં બેસીને જતા રહેલા ભાવેશને ટ્રેનમાં પકડી લેતાં તેના પર પાકિસ્તાન સરકારે ફૉરેન ટ્રેસપાસિંગ અને વગર ડૉક્યુમેન્ટે પાકિસ્તાનમાં ઘૂસવાના ગુનાસર પકડી લીધો હતો. જોકે લગભગ ૬ વર્ષ સુધી જેલમાં બંધ રહ્યા બાદ ગુરુવારે ભાવેશને પાકિસ્તાનની સરકારે છોડી દીધો હતો. ગુરુવારે વાઘા બૉર્ડરથી અમ્રિતસર અને ત્યાંથી દિલ્હી લઈ જવામાં આવ્યો હતો. ભાવેશ ગુરુવારે રાત્રે દિલ્હીની ફાઇવસ્ટાર હોટેલમાં જમ્યો હતો અને ગઈ કાલે બપોરે તેને ફ્લાઇટમાં મુંબઈ લાવવામાં આવ્યો હતો.

ભાવેશને લેવા માટે અમ્રિતસરથી વાઘા બૉર્ડર જતી વખતે ગુરુવારે હંસાબહેને અમ્રિતસરમાં આવેલા સુવર્ણમંદિરે જઈને તેમણે માનેલી માનતા પૂરી કરી હતી અને ત્યાર બાદ તેઓ અમ્રિતસરથી વાઘા બૉર્ડર પહોંચ્યાં હતાં.

હંસાબહેને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌપ્રથમ ભાવેશને હું મળી ત્યારે તેની આંખમાં આંસુ આવી ગયાં હતાં અને તે સૌથી પહેલો શબ્દ મને જોઈને ‘મા’ બોલ્યો હતો. તેણે મને પૂછ્યું હતું કે તું કેમ છે? હું તેને મજામાં છું એમ કહીને રડી પડી હતી. મેં તેનો હાથ પકડી લીધો હતો. મારો પુત્ર મને મળી ગયો, હવે એનાથી વધુ મને કશું જ નથી જોઈતું.  ક્રિષ્ના હેગડેનો હું ઘણો આભાર માનું છે. ભાવેશને ઘરે પાછો લાવવા તેમણે મારી ઘણી મદદ કરી છે.’

રહેવાસીઓએ કર્યું ભાવેશનું ભવ્ય સ્વાગત

વિલે પાર્લે (ઈસ્ટ)ના સુભાષ રોડ પર આવેલા કમલા ટેરેસ બિલ્ડિંગમાં રહેતાં હંસાબહેન ગઈ કાલે ભાવેશ સાથે સાંજે ૬ વાગ્યે ઘરે પહોંચ્યાં ત્યારે તેમના બિલ્ડિંગના રહેવાસીઓએ ભાવેશની આરતી ઉતારી હતી અને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ભાવેશ ઘરે આવવાનો છે એની જાણ થતાં રહેવાસીઓએ પહેલાંથી તૈયારી કરી રાખી હતી અને તેને હાર પહેરાવીને અંબામાની આરતી ગાઈને સ્વાગત કર્યું હતું.Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK