બાળ ઠાકરેને બે-ત્રણ દિવસમાં હૉસ્પિટલમાંથી રજા મળશે

Published: 27th July, 2012 05:13 IST

શિવસેનાપ્રમુખ બાળ ઠાકરેની તબિયતમાં થોડો સુધારો જોવા મળતાં તેમને બે-ત્રણ દિવસની અંદર હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવશે એવી માહિતી ગઈ કાલે લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરોએ આપી હતી.

bala-saheb-icu૮૬ વર્ષના બાળ ઠાકરેની તબિયત સ્થિર છે, પણ તેમને કોઈ ઇન્ફેક્શન ન થાય એ માટે આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમની અમુક ટેસ્ટ પણ કરવાની હતી, જે આજે પૂરી થઈ જશે એટલે ડિસ્ચાર્જ આપવામાં કોઈ તકલીફ નહીં ઊભી થાય.

 

બાળ ઠાકરેને શ્વાસ લેવામાં તકલીફ થતાં મંગળવારે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવતાં શિવસૈનિકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી એટલું જ નહીં, એમએનએસના અધ્યક્ષ અને તેમના ભત્રીજા રાજ ઠાકરે પણ હૉસ્પિટલમાં તેમના ખબર પૂછવા દોડી ગયા હતા જેને પગલે તેમની તબિયતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી. ગઈ કાલે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરી અને એનસીપીના ચીફ શરદ પવારે પણ હૉસ્પિટલમાં જઈને તેમના ખબરઅંતર પૂછ્યા હતા.

કર્ણાટક વિધાનસભામાં તાલીબાની સામ્રાજ્ય : બાળ ઠાકરે

 

બેલગામસ્થિત મરાઠી અખબાર ‘તરુણ ભારત’ની માન્યતા રદ કરવાના કર્ણાટક વિધાનસભાના ઠરાવને શિવસેનાસુપ્રીમો બાળ ઠાકરેએ તાલીબાની ગણાવ્યો હતો. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં બાળ ઠાકરેએ કર્ણાટક વિધાનસભાના આ નિર્ણયની ટીકા કરતાં લખ્યું હતું કે ‘મરાઠીઓની વાચા ગણાતા આ પેપરની માન્યતા રદ કરવાનો ઠરાવ મંજૂર કરવાની સાથે જ વિધાનસભાએ પ્રેસ-કાઉન્સિલને પણ જણાવી દીધું એ તદ્દન તાલીબાની નિર્ણય કહેવાય. આ દેશમાં પોતાનો અવાજ રજૂ કરવાની સ્વતંત્રતા પર રાજકારણીઓએ તરાપ મારી છે. એ સાથે જ અખબારના તંત્રીને ૩૦ જુલાઈએ િવધાનસભામાં હાજર રહીને માફી માગવા સુધ્ધાં કહેવામાં આવ્યું છે.

મરાઠી માણસના હક માટે લડી રહેલા અખબાર સાથે અન્યાય કરનારી આ વિધાનસભાની માન્યતા રદ કરવી જોઈએ એવો કટાક્ષ પણ બાળ ઠાકરેએ પોતાના તંત્રીલેખમાં કર્યો હતો.

 

એમએનએસ = મહારાષ્ટ્ર નવનિર્માણ સેના

બીજેપી = ભારતીય જનતા પાર્ટી

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK