બાળ ઠાકરેના અનોખા ચાહકો

Published: 20th November, 2012 05:27 IST

રાજ્યના ખૂણેખાંચરેથી લોકો બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. એમાંથી કેટલાક લોકો એવા પણ હતા જેઓ અંતિમયાત્રામાં ચાલીને જઈ શકે એમ નહોતા.

એમ છતાં તેઓ પોતાના લાડલા નેતાનાં અંતિમ દર્શન કરવા આવ્યા હતા. એક ટ્રેન-અકસ્માતમાં પોતાના બન્ને પગ ગુમાવનારા બાવન વર્ષના પ્રદીપ ભોસલે પોતાની ૧૫ વર્ષની પુત્રીની સાથે આવ્યા હતા. શિવસેના સાથે કોઈ પણ રીતે જોડાયેલા ન હોવા છતાં તેઓ ૧૯૮૧થી એના પ્રશંસક રહ્યા છે. શિવસેનાના દિવંગત નેતા આનંદ દીઘેએ તેમને બાળ ઠાકરેના ફોટોવાળી કાંડાઘડિયાળ આપી હતી જે શુક્રવારે સાંજે બંધ થઈ ગઈ હતી. તેથી તેમને એવો આભાસ થયો હતો કે બાળ ઠાકરે તેમને છોડી જશે. દર વર્ષે બાળ ઠાકરેના જન્મદિવસે તેઓ સવારે છ વાગ્યે માતોશ્રી પાસે ઊભા રહેતા. બાળ ઠાકરે એક વખત તેમના હાથે હાર પહેરવા નીચે બેસી ગયા હતા એ પ્રસંગ તેમના જીવનનો યાદગાર પ્રસંગ હતો.

આવો જ તેમનો અન્ય પ્રશંસક ૬૧ વર્ષના એસ. ડી. માસવકર ૧૯૭૬માં થયેલા એક ટ્રેન-અકસ્માતમાં તેમના બન્ને પગ ગુમાવી ચૂક્યા હતા. નેરળથી સવારે સાત વાગ્યે નીકળીને બપોરે તેઓ શિવાજી પાર્કમાં પહોંચ્યા હતા. ૧૯૬૭માં તેઓ શિવસેના તરફ આકર્ષાયા હતા. ૧૯૭૧માં તેઓ પોસ્ટ-ઑફિસમાં વર્કર તરીકે જોડાયા હતા અને ત્યારથી શિવસેનાના સક્રિય સભ્ય હતા. દાદર સ્ટેશનથી શિવાજી પાર્ક સુધી તેઓ ચાલતા ગયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK