Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આજે રોકડા ને ઉધાર કાલે

આજે રોકડા ને ઉધાર કાલે

09 January, 2021 01:04 PM IST | Mumbai
Sanjay Raval

આજે રોકડા ને ઉધાર કાલે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


તમે જુઓ કે ચારે બાજુ લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તેથી બધું આપવામાં આવે છે? બધું એટલે બધું, ઘર પણ મળે અને જ્વેલરી પણ મળે. પ્લેનની ટિકિટ પણ અને હોટેલમાં રહેવાનું હોય તો એનું પેમેન્ટ પણ ક્રેડિટ કાર્ડથી થાય. ગાડી લેવી હોય તો લોન હાજર છે અને ફર્નિચર લેવું હોય તો પણ લોન તૈયાર છે. આ પૈસા પાછા ક્યારે આપવાના અને કઈ શરતે આપવાના? આપવામાં વહેલું-મોડું થાય તો શું અને જો પાછા ન આપો તો શું?

આ બધું તમને ત્યારે જ સમજાય જ્યારે જીવનમાં એક નાનકડી ઠોકર વાગે. કારણ બહુ સ્પષ્ટ છે. જ્યારે તમને ઠોકર વાગે ત્યારે સૌથી પહેલાં તો તમને ઉધાર આપનાર શોધતો આવે. કુદરતનો, જીવનનો આ નિયમ છે. કોઈ અંગત મિત્ર કે પછી જેને સૌથી નિકટના કહી શકાય એવા લોકો પાસેથી ઉછીના લીધેલા હશે તો પણ તે લેવા માટે આવી જશે. તમારા પર લાખ વિશ્વાસ રાખશે, ભરોસો હશે તો પણ એ લોકો પણ તમારા કઠણાઈના સમયમાં પૈસા લેવા માટે પહોંચી જશે.



મારી વાત કરું તો મારા કિસ્સામાં તો બહુ સ્પષ્ટ રહ્યું છે કે મને જેણે-જેણે અને જ્યારે-જ્યારે ઉછીના રૂપિયા આપ્યા એ બધાએ જ મને, આજના આ સ્થાને પહોંચાડ્યો છે પણ એ પણ એટલું જ સાચું છે કે તમને તમારી નાજુક પરિસ્થિતિઓમાં જ ખબર પડે કે કોણ તમારી પાસે રહેવાનું છે અને કોણ તમારી બાજુમાં ઊભું રહેવાનું છે. તમને લાગેલી એક ઠોકર રાતોરાત તમને ખબર પાડી દેવાની હોય છે કે કોણ તમારું છે અને કોણ પારકું થઈને ઊભું રહેવાનું છે? જીવનનો નિયમ છે સાહેબ કે ચડતા સૂરજને સૌ સલામ કરે, પણ એ જ જીવનનો નિયમ છે કે ચડેલા સૂરજને એ સાંજે ફરીથી નીચે લાવે જ, આથમી જ દે. તમે સતત ભાગતા રહો, સતત મહેનત કરતા રહો. સારું જ છે અને કરવી જ જોઈએ, પણ હું કહીશ કે તમારે ક્યાંક ને ક્યાંક તો રોકાવું જ પડે અને રોકાવું જ જોઈએ. તમે સતત ને સતત ચડતી જ જુઓ એવું ક્યારેય બને નહીં અને બનવું પણ ન જોઈએ. તમારે ક્યારેક પડતીનો સામનો કરવો પડે અને એ સમય જ સાચો છે. પડતી આવે કે પછી જીવનમાં ખરાબ સમય આવે ત્યારે સૌથી પહેલાં જે લોકો તમને નજીકથી ઓળખતા હશે અને જે લોકો તમારા અંગત કહેવાતા હશે એ જ આવશે, તમારા ઘામાં મીઠું ભભરાવશે અને પછી તમને બહાનું બતાવીને નીકળી જશે અને કાં તો ભૂતકાળમાં, તમારા સારા સમયમાં તમને મદદ કરી હશે તો એ પાછી લઈને નીકળી જશે. સારા દિવસોમાં લીધેલી મદદ ખરેખર એવા સમયે પાછી લઈ લેવામાં આવતી હોય છે જ્યારે તમને ખરેખર મદદની જરૂર હોય છે. હું તો મારા જીવનમાં હંમેશાં મુશ્કેલીવાળો કે પછી ખરાબ દિવસવાળો સમય માગતો રહું છું, કારણ કે આ જ એક સમય એવો હોય છે જે તમને દરેકેદરેક માણસનો પરિચય કરાવી દે છે.


મને જેમણે-જેમણે વ્યાજે કે પછી ઉછીના પૈસા આપ્યા કે ઉધાર માલ આપ્યો તેમણે મારી મદદ કરીને મારી પાસેથી કંઈકેટલું લીધું છે એ નિરાંતે જોવા બેસશો તો તમને સમજાશે કે ખરેખર આ દુનિયા કેટલી ખરાબ છે અને કેટલી વિચિત્ર છે. તમારા ખરાબ સમયમાં તમે માત્ર આર્થિક રીતે જ નથી હારી જતા પણ લોકો તમને માનસિક રીતે પણ હરાવી દે છે. રાતોરાત તમને વૈરાગ આવી જાય એવું બને. જે વ્યક્તિને સાંભળવી કે જે વ્યક્તિ સાથે વાત કરવી ગમતી હોય તે જ અચાનક બદલાઈ જાય. જેમની સાથે સમય વિતાવવો પસંદ હોય એ જ આજે અચાનક દૂર ચાલી જાય એવું પણ બને. દુનિયા જે ગઈ કાલ સુધી તમારો પડ્યો બોલ ઝીલતી હોય એ આજે કદાચ તમને સાંભળવા કે જોવા પણ રાજી ન થાય. તમને થાય કે આ શું એ જ વ્યક્તિ છે જે કાલ સુધી તમારી સાથે હતી અને આજે તમારે માથે ચડી બેઠી છે? જે વ્યક્તિ માટે કાલ સુધી તમે સર્વેસર્વા હતા એ જ વ્યક્તિ આજે તમારાથી મોઢું છુપાવતી ફરે છે. બની શકે કે કાલે કદાચ તમારા સારા દિવસો પાછા આવે ત્યારે ખરેખર એ બધું ભૂલીને ફરી પાછી તમારી સાથે થઈ જાય, પણ આજે તો તે વ્યક્તિ તમને ઓળખવા માટે પણ કદાચ તૈયાર નહીં હોય. બધાની લાઇફમાં આવો સમય આવતો જ હોય છે, જયારે ચારે બાજુથી ગંભીર કહેવાય એવી તકલીફ આવી પડે. બધા સાથે થાય છે. આવા સમયે શું કરવાનું? શાંતિ રાખવાની અને બધું જોયા કરવાનું. રીઍક્ટ નહીં કરવાનું, કારણ કે તમે કાંઈ પણ કરશો પરિસ્થિતિ તમારા હાથમાં નથી. તમે આ વાતાવરણને રાતોરાત બદલાવી નહીં શકો. તમારી પાસે રાહ જોયા સિવાયનો બીજો કોઈ રસ્તો જ નહીં રહે. અને સાચો રસ્તો એ જ છે કે પરિસ્થિતિ તમારી અનુકકૂળ થાય એવા સંજોગો જ્યાં સુધી ઊભા ન થાય ત્યાં સુધી ધીરજ રાખો.

આ સમય તમારા માટે બહુ મહત્ત્વનો છે. આ સમય તમને જીવનના તમામ પાઠ શીખવી જશે. તમને ગમતું અને ન ગમતું બધું તમારી મરજી પ્રમાણે થતું હતું આજ સુધી એ જ પરિસ્થિતિ આજે બદલાઈ ગઈ છે અને તમારે લોકોને ગમતું અને ન ગમતું કરવું પડે છે. તમે દીવો લઈને કે પછી એલઈડી લાઇટ લઈને શોધો તો પણ કોઈ તમને મદદ કરનાર ન મળે. મદદ એક જ વ્યક્તિ કરશે, તમે પોતે. તમારી મદદ તમે પોતે જ કરી શકશો. આ સમય કદાચ તમારું જીવન બદલી નાખનારો હશે. જેમ સારા દિવસો કાયમ નથી રહેતા એમ ખરાબ દિવસો પણ કાયમ રહેવાના નથી. આ સમય તમારે તમારી જાતને શોધવામાં પસાર કરવાનો છે. તમને માનસિક, આર્થિક પાયમાલી પછી જે માર્ગ મળશે એ જ સાચો માર્ગ એમ માનીને ચાલવું, કારણ કે હવે આવનારા સમયમાં તમે જ એ માર્ગ પર ચાલશો, તમે જ. અત્યારે તમારી સાથે જ્યાં સુધી સફળ ન થાઓ ત્યાં સુધી કોઈ પણ નહીં ચાલે. પણ એક વાત નક્કી છે કે તમે જ્યારે નિષ્ફળ જશો ત્યારે સફળ થવા માટેની એટલી જ ઉતાવળ તમારામાં આવશે.


તમારી નિષ્ફળતા તમને વધારે રિસ્ક લેવા માટે પ્રેરશે. તમે વધારે રિસ્ક પણ લઈ શકશો અને સજાગ થઈને રિસ્ક લઈ શકશો.

જરૂરી નથી કે તમે દરેક વખતે સાચા પડો પણ તમને એટલો તો ખ્યાલ હશે જ કે આજે તમારી પાસે હારવા માટે કાંઈ નથી અને યાદ રાખજો કે જેની પાસે હારવા માટે કાંઈ નથી હોતું તે જ જીતી શકે છે. જો તમે કોરી પાટી રાખો તો જરૂર એમાં લખી શકશો. જૂની નિષ્ફળતામાંથી શિખાય એ બધું શીખીને નવા પ્રયત્નો કરવા લાગી જજો અને બને ત્યાં સુધી એ લોકોને ક્યારેય ભૂલતા નહીં જેઓ તમારી ખરાબ પરિસ્થિતિ વખતે સાથે નહોતા. સારો સમય આવે ત્યારે તેમનું અપમાન કરવાનો કે તેમને ઉતારી પાડવાનો કોઈ આશય નથી, પણ આ એ જ લોકો છે જેમણે તમને આજે અહીં પહોંચાડ્યા છે. આજ રોકડા અને કાલ ઉધારવાળો ફન્ડા અપનાવી લેજો. આજે આપનારા, ખબર નહીં કાલે તમારી પાસે શું માગી લે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

09 January, 2021 01:04 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK