રિક્ષા અને ટેક્ષીનો આજનો બહિષ્કાર સફળ થશે?

Published: 31st October, 2012 02:57 IST

અસહ્ય ભાડાવધારા સામે એક તરફ બૉયકૉટની હાકલ અને બીજી તરફ કોર્ટમાં આજે થશે જનહિતની અરજીની સુનાવણીપીએમએ હકીમ કમિટીના અહેવાલને પગલે રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં ૧૧ ઑક્ટોબરથી વધી જતાં એના વિરોધમાં મુંબઈ ગ્રાહક પંચાયતે કરેલી જનહિતની અરજીની ૧૨ ઑક્ટોબરે થયેલી સુનાવણીમાં કોર્ટે રાજ્ય સરકારની સખત ઝાટકણી કાઢી હતી અને આજ સુધીમાં નવી સમિતિ રચવાનો આદેશ આપ્યો હતો ત્યારે આજે ફરી બૉમ્બે હાઈ કોર્ટમાં થનારી સુનાવણીમાં રાજ્ય સરકાર હકીમ કમિટી બાબતે કોર્ટમાં શું જવાબ આપે છે એના પર લોકોની નજર છે. યુનિયનના નેતા શરદ રાવે પણ આ કેસમાં એક પાર્ટી બનવા માટે અરજી કરી છે. આ સુનાવણી વખતે મુંબઈ ગ્રાહક પંચાયતની લડતને ટેકો આપવા માટે કાંદિવલીની આચાર્ય અત્રે કટ્ટા નામની સંસ્થાએ ભાડાવધારાના વિરોધમાં લોકોને આજે રિક્ષા અને ટૅક્સીમાં નહીં બેસવા માટે વિનંતી કરી છે અને ‘નો ઑટો-ટૅક્સી ડે’ મનાવવા જણાવ્યું છે. આ અનોખી લડતને પણ સારો ટેકો મળી રહ્યો હોવાનું આ સંસ્થાના કાર્યકરોએ જણાવ્યું છે.

‘મિડ-ડે’ સાથે વાતચીતમાં મુંબઈ ગ્રાહક પંચાયતના કાર્યાધ્યક્ષ ઍડ્વોકેટ શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે ‘જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ અને જસ્ટિસ અમજદ સઈદે ગઈ વખતની સુનાવણીમાં રાજ્ય સરકારની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એક વ્યક્તિની સમિતિ કેવી રીતે આવી રીતે ભાડાવધારાનો નિર્ણય લઈ શકે એવો અમારો મુદ્દો હતો જેને કોર્ટે સ્વીકાર્યો હતો અને આજની સુનાવણી પર અમારી નજર છે. અમારી માગણી છે કે જેમાં રોજ લાખો લોકો પ્રવાસ કરે છે એવી રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં વધારવાના મહત્વના નિર્ણય વખતે રાજ્ય સરકારે ગ્રાહકોની જ બાદબાકી કરી નાખી હતી તેથી એક નવી સમિતિ બને અને એમાં ટેક્નિકલ એક્સપર્ટની સાથે ગ્રાહકોને પણ સ્થાન આપવામાં આવે. ૧૨ મહિનાના સમયગાળામાં આ ત્રીજો વધારો હતો. ભાડાવધારાની જટિલ પ્રક્રિયાને એક માણસની સમિતિ કઈ રીતે હાથ ધરી શકે? ભાડાવધારાની પ્રક્રિયા પારદર્શક નથી તેથી નાગરિકો નારાજગી અનુભવે છે એટલે સમગ્ર પ્રક્રિયાને સાયન્ટિફિક રીતે હાથ ધરવામાં આવે એવું અમારું કહેવું છે.’

આ સુનાવણીમાં કોર્ટે કહ્યું હતું કે ‘માત્ર એક સભ્યની બનેલી સમિતિ ભાડાવધારા વિશે કઈ રીતે પારદર્શક નિર્ણય લઈ શકે? પોતાના ઘરનું બજેટ સંભાળતી એક મહિલાને અમે કેવી રીતે કહી શકીએ કે આ ભાવવધારો યોગ્ય અને પારદર્શક હતો? અમે હકીમની લાયકાત પર સવાલો નથી ઉઠાવતા, પરંતુ એક માણસ ઘણાબધા સલાહકારોની સલાહ છતાં ભાડાવધારાના મામલે પૂરતી ચોકસાઈ દાખવી શકે નહીં એટલે આ સમગ્ર પ્રક્રિયાને સાયન્ટિફિક રીતે હાથ ધરવામાં આવવી જોઈએ. કોઈ પણ યુનિયન હડતાળની ધમકી આપે ત્યારે ઍડહૉક રીતે ભાવવધારો કરવામાં આવે છે. આવા સમયે મોટા ભાગના નાગરિકો નારાજગી અનુભવે છે, કારણ કે તેમને લાગે છે કે ભાવવધારાની પ્રક્રિયા પારદર્શક નથી. લોકોને એવું લાગે છે કેટલાક લોકોએ સમગ્ર પ્રક્રિયાને હાઇજૅક કરી લીધી છે અને એનો ભોગ સામાન્ય માનવી બની રહ્યો છે. અમે આ ભાડાવધારાના અમલને સ્ટે આપતા નથી, પણ આ મહિનાના અંત સુધીમાં કન્ઝ્યુમર ગ્રુપો અને નિષ્ણાતોની બનેલી એક સમિતિની સ્થાપના કરવામાં આવવી જોઈએ જે આ ભાડાવધારાની કાયદેસરતા ચેક કરી શકે અને ભવિષ્યમાં પણ ભાડાવધારાનો પ્રfન આવે ત્યારે ઉપયોગી થઈ પડે.’

અયોગ્ય છે ભાડાવધારો


હકીમ સમિતિએ આપેલા અહેવાલને પગલે કરવામાં આવેલો ભાડાવધારો અયોગ્ય હોવાનું જણાવીને શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે ‘રિક્ષામાં પહેલાં ૧.૬ કિલોમીટરના સ્ટેજમાં ૧૧ રૂપિયા ભાડું હતું ત્યારે એમાં એક રૂપિયો વધારીને ૧૨ રૂપિયા કરવામાં આવ્યું. આ ભાડું ૧૬ રૂપિયા કરવામાં આવે એવી માગણી રિક્ષા યુનિયનની હતી. સમિતિએ મિનિમમ ભાડું ૧૫ રૂપિયા કર્યું છે, પણ પહેલું સ્ટેજ ૧.૬ કિલોમીટરને બદલે હવે ૧.૫ કિલોમીટર કરવામાં આવતાં યુનિયનની માગણી પૂરેપૂરી સ્વીકારવામાં આવી છે. યુનિયન ત્યાર પછીના દરેક કિલોમીટર માટે ૭ને બદલે ૯ રૂપિયાની માગણી કરતું હતું, પણ હકીમ સમિતિએ આ વધારો ૭ રૂપિયાથી વધારીને ૯.૮૭ રૂપિયા કર્યો છે. આમ યુનિયનની માગણી કરતાં પણ વધારે ભાડાવધારો કરવામાં આવ્યો છે. આવા ભાડાવધારાને કઈ રીતે યોગ્ય કહી શકાય?’

આજે શું થશે કોર્ટમાં?


આજની સુનાવણી વખતે શું થશે એવા સવાલના જવાબમાં શિરીષ દેશપાંડેએ કહ્યું હતું કે ‘અમને એની ખબર નથી, પણ જો સરકાર નવી સમિતિ રચવા માટે તૈયાર થાય તો એ લાખો લોકો માટે સારી વાત હશે. જો સરકાર હકીમ સમિતિનો બચાવ કરશે તો પછી અમે એનો વિરોધ નોંધાવવા માટે અમારી લડત હજી આગળ ચલાવીશું.’

આજે ‘નો ઑટો-ટૅક્સી ડે’

આજે આ કેસની વધુ સુનાવણી થવાની છે ત્યારે કાંદિવલીની આચાર્ય અત્રે કટ્ટા નામની સંસ્થાએ આજે ‘નો ઑટો-ટૅક્સી ડે’ દિવસ મનાવવા જણાવ્યું છે. આ સંસ્થાના મુખ્ય સંયોજક રાજેશ ગાડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારથી આ જાહેરાત કરી છે ત્યારથી લોકોનો સારો સપોર્ટ મળી રહ્યો છે. ફોન, ફેસબુક અને બીજા સોશ્યલ નેટવર્ક દ્વારા લોકો અમારો સંપર્ક કરે છે અને આ મૂવમેન્ટને સફળ બનાવવા ટેકો આપી રહ્યા છે. આમેય રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં ઘણાં વધી ગયાં છે અને લોકો નારાજ છે. અમે લોકોને રિક્ષા કે ટૅક્સીમાં ન બેસવા માટે કોઈ જબરદસ્તી કરવાના નથી, પણ એમાં લોકોનો સહકાર જરૂરી છે. આજે ‘નો ઑટો-ટૅક્સી ડે’ના દિવસે રિક્ષા અને ટૅક્સી વિના કેવી રીતે મુસાફરી કરવી એનો નિર્ણય મુંબઈગરાએ કરી લીધો છે. ઘણા લોકો રેલવે-સ્ટેશન સુધી ચાલતા જશે અથવા બસમાં પ્રવાસ કરશે. બેસ્ટ પ્રશાસને પણ આજે વધુ બસો રસ્તા પર ઉતારી છે. ઘણા લોકો મિત્રોની કારમાં ઑફિસ સુધી જશે.’

આજે સવારે બોરીવલીમાં મૂક પ્રદર્શન

આજે સવારે સાડાસાતથી નવ વાગ્યા વચ્ચે બોરીવલી (વેસ્ટ)માં રેલવે-સ્ટેશન પાસે ઍક્સિસ બૅન્કના એટીએમ નજીક કાંદિવલીની આચાર્ય અત્રે કટ્ટા સંસ્થાના કાર્યકરો મૂક પ્રદર્શન કરવાના છે. એમાં સેંકડો લોકો ભાગ લેવાના છે.

આ આંદોલન થશે ફેલ

આજે થનારું આંદોલન સફળ નહીં થાય એમ ટૅક્સી અને ઑટો યુનિયનનું માનવું છે. યુનિયનનું માનવું છે કે દરેક વ્યક્તિને રિક્ષા કે ટૅક્સીની જરૂર પડે છે એટલે આજે પણ ઘણા લોકો એનો ઉપયોગ કરશે અને આજનું આ આંદોલન નિષ્ફળ જશે.

બેસ્ટ = બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ

એટીએમ = ઑટોમેટેડ ટેલર મશીન

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK