ફિલ્મ-ટીવી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર હુમલો

Published: 28th October, 2020 09:27 IST | Mumbai correspondent | Mumbai

લગ્ન કરવાની ના પાડતાં ફેસબુક-ફ્રેન્ડે ચાકુના ઘા માર્યા ​: આરોપીની ધરપકડ

અભિનેત્રી માલવી મલ્હોત્રા.
અભિનેત્રી માલવી મલ્હોત્રા.

હિન્દી ફિલ્મો અને ટીવી-સિરિયલની જાણીતી અભિનેત્રી માલવી મલ્હોત્રા પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ચાકુથી કરાયેલા હુમલામાં જખમી થયેલી અભિનેત્રીને સારવાર માટે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાઈ છે, જ્યારે પોલીસે આ મામલામાં એક આરોપીની ધરપકડ કરી હતી.
વર્સોવા પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી અનુસાર અભિનેત્રી માલવી મલ્હોત્રા પર તેના મિત્ર દ્વારા ચાકુથી હુમલો કરાયો હતો. અભિનેત્રીએ પોલીસને જણાવ્યું હતું કે ગયા વર્ષે યોગેશકુમાર સિંહ નામના યુવક સાથે તેની ફેસબુકમાંથી મિત્રતા થઈ હતી. તેણે પ્રોડ્યુસર હોવાનું કહ્યું હતું અને ૩થી ૪ વખત યોગેશને કૅફે કૉફી ડેમાં મળી હતી. યોગેશકુમારે મારી સાથે લગ્ન કરવાનું કહ્યું હતું. મને એ પસંદ નહોતું એટલે હું તેને ઇગ્નોર કરતી રહી હતી છતાં તે મારી પાછળ પડ્યો હતો. ૨૫ ઑક્ટોબરે શૂટિંગનું કામ પૂરું કરીને મુંબઈ આવી રહી હતી ત્યારે જ્યાં રહું છું એ બિલ્ડિંગની નીચે તે મારી રાહ જોઈને ઊભો હતો. હું કંઈ બોલ્યા વગર ઘરમાં જતી રહી હતી.
પોલીસ સ્ટેટમેન્ટમાં અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ‘બીજા દિવસે એટલે કે ૨૬ ઑક્ટોબરે કૅફે કૉફીથી હું અંધેરીમાં મારા ઘરે જઈ રહી હતી એ વખતે તે કારમાં મારી પાસે આવ્યો હતો અને કહેવા લાગ્યો કે મને તારી સાથે વાત કરવી છે. મેં તેને કોઈ વાત ન કરવાનું કહેતાં તે ગુસ્સે થયો હતો અને મારી પાસે આવીને બોલ્યો કે હું પોતે પણ મરી જઈશ અને તને પણ મારી નાખીશ. આટલું કહીને તેણે પેન્ટના પૉકેટમાંથી ચાકુ કાઢ્યું હતું અને મારા બન્ને હાથ અને પેટના ભાગે ચાકુના ઘા મારીને ભાગી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ મને જખમી હાલતમાં નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કરી હતી.
વર્સોવા પોલીસે હુમલાની ફરિયાદ નોંધીને યોગેશકુમાર સિંહ નામના યુવકની આઇપીસીની કલમ ૩૦૭, ૩૫૪ (ડ) તથા અન્ય અંતર્ગત ગુનો નોંધીને ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK