આ વર્ષે ભારત રત્નથી નવાજવામાં આવેલા મહામાનવોનો પરિચય મેળવી લો

Published: 25th December, 2014 05:46 IST

સૌથી વધુ મોહક વ્યક્તિત્વ ધરાવતા જૂજ દેશી રાજકારણીઓ પૈકીના એક, બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો વિરોધ કરવા બદલ ટીનેજર અટલ બિહારીને થોડા સમય માટે જેલમાં પણ ગોંધવામાં આવ્યા હતા


દેશના સૌથી વધુ મોહક વ્યક્તિત્વ ધરાવતા રાજકારણીઓ પૈકીના એક અટલ બિહારી વાજપેયીની ગણના મુત્સદ્દી રાજકારણી તરીકે કરવામાં આવે છે. તમામ રાજકીય પક્ષોમાં એકસમાન સ્વીકાર્યતા ધરાવતા વાજપેયી ૧૯૯૦ના દાયકાના અંત ભાગમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને દેશમાં કેન્દ્રસ્થાને લાવ્યા હતા.

નવા સાથીઓ મળ્યા

BJPને નવા સાથીપક્ષો વાજપેયીના પ્રભાવને કારણે મળ્યા હતા અને ખાસ કરીને ૧૯૯૮માં બાબરી મસ્જિદના ડિમોલિશન પછી એમની જમણેરી વિચારધારાને કારણે અન્ય રાજકીય પક્ષોમાં BJPને અસ્પૃશ્ય ગણવામાં આવતી થઈ હતી.

વિચક્ષણ રાજકારણી

BJPના પહેલા વડા પ્રધાન વાજપેયીએ ૧૯૯૮થી ૨૦૦૪ દરમિયાન દેશનું નેતૃત્વ સંભાળ્યું હતું, પણ વય સંબંધી બીમારીઓને કારણે હાલ તેઓ જાહેર જીવનથી અળગા થઈ ગયા છે. વિચક્ષણ રાજકારણી અને BJPના મવાળ નેતા તરીકે તેમને વખાણવામાં આવે છે અને રાજકીય પ્રતિસ્પર્ધીઓ પ્રત્યેનો તેમનો આદર તેમના વ્યક્તિત્વનું આકર્ષક પાસું છે.

હિંમતભર્યા પગલાં

વડા પ્રધાન તરીકે અમલી બનાવેલા સુવર્ણ ચતુભુર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો યશ તેમને આપવામાં આવે છે અને પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાનાં હિંમતભર્યા પગલાં લેવા માટે પણ તેમને દાદ આપવામાં આવે છે. કૉન્ગ્રેસ સિવાયના પક્ષના સૌથી વધુ સમય વડા પ્રધાન તરીકે વાજપેયીને એમના ટીકાકારોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખવટા તરીકે ઓળખાવ્યા હતા, પણ એ લોકો ક્યારેય વાજપેયી વિશે ઘસાતું બોલી નથી શક્યા.

ઉત્તમ વક્તા

ઉત્તમ વક્તા અને બહાદુરીભર્યા પગલાં લેવા માટે વિખ્યાત વાજપેયી BJPના રાષ્ટ્રવાદી એજન્ડાથી પણ આગળ વધ્યા હતા. વાજપેયીની ૧૯૯૯ની પાકિસ્તાન મુલાકાતને BJPના ઉગ્ર વિચારોવાળા નેતાઓએ અયોગ્ય ગણાવી હોવા છતાં એને ધ્યાનમાં લીધા વિના વાજપેયી લાહોરની બસમાં બિરાજ્યા હતા. વાજપેયીના આ પગલાનું એમના અનુગામી મનમોહન સિંહે પણ અનુસરણ કર્યું હતું.

નવા યુગની શરૂઆત

વાજપેયીના આ ડિપ્લોમેટિક સાહસને ભારત-પાકિસ્તાનના સંબંધમાં નવા યુગની શરૂઆત ગણાવીને વધાવી લેવામાં આવ્યું હતું, પણ પાકિસ્તાની લશ્કરે ગુપ્ત રીતે કારગિલમાં એના લશ્કરને મોકલીને હુમલો કર્યો અને પછી કારમી હારનો સામનો કર્યો એ અલગ કથા છે.

સંપૂર્ણ ટર્મ સુધી શાસન

૧૯૯૬માં પહેલી વાર વડા પ્રધાન બનેલા વાજપેયીની સરકારનું પૂરતી સભ્યસંખ્યાના અભાવે ૧૩ દિવસમાં બાળમરણ થયું હતું. ૧૯૯૮માં બીજી વખત વડા પ્રધાન બન્યા ત્યારે વાજપેયીની સરકારનું આયુષ્ય ૧૩ મહિનાનું રહ્યું હતું. ઑલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુન્નેત્ર કઝઘમનાં સુપ્રીમો જે. જયલલિતાએ ટેકો પાછો ખેંચી લેતાં એમની સરકાર તૂટી પડી હતી. એ પછી ૧૯૯૯માં ફરી ચૂંટાઈ આવ્યા બાદ એમની સરકારે સંપૂર્ણ ટર્મ શાસન કર્યું હતું.

વિચારો પ્રત્યે પ્રતિબદ્ધતા

દેશ અને વિદેશમાં જવાહરલાલ નેહરુની શ્રેણીના મુત્સદ્દી રાજકારણી તરીકે પ્રતિષ્ઠા પામેલા વાજપેયીનો ૧૯૯૮-૯૯ સુધીનો કાર્યકાળ વિચારો પ્રત્યેની હિંમતભરી પ્રતિબદ્ધતાનો સમય બની રહ્યો હતો. ૧૯૯૮ના મે મહિનામાં ભારતે પોખરણમાં શ્રેણીબદ્ધ અણુપરીક્ષણો

કર્યા હતાં.

અંગત મિશન

વાજપેયીની નિકટના લોકો કહે છે કે એમનું અંગત મિશન પાકિસ્તાન સાથેના સંબંધ સુધારવાનું હતું, જેનાં બીજ મોરારજી દેસાઈની સરકારમાં વાજપેયી વિદેશપ્રધાન હતા ત્યારે રોપવામાં આવ્યાં હતાં. લાહોરની બસયાત્રા અને પાકિસ્તાનના લશ્કરી તાનાશાહ પરવેઝ મુશર્રફ સાથેની ૨૦૦૧ની આગ્રા મંત્રણા એ બન્ને યોજના નિષ્ફળ નિવડી હતી.

બાબરી ડિમોલિશનની ટીકા

૧૯૯૨ની ૨૬ ડિસેમ્બરે અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી ત્યારે વાજપેયી લોકસભામાં વિરોધ પક્ષના નેતા હતા. એ સમયગાળો વાજપેયી માટે અગ્નિપરીક્ષાનો હતો અને વાજપેયી સેક્યુલરિઝમને વળગી રહ્યા હતા. એમના સાથી એલ. કે. અડવાણીએ બાબરી ડિમોલિશનને ટેકો આપ્યો હતો, પણ વાજપેયીએ એની ટીકા કરી હતી.

અંગત પ્રામાણિકતા

વાજપેયીની અંગત પ્રામાણિકતા સામે ક્યારેય ગંભીર રીતે આંગળી ચિંધાઈ નથી, પણ શસ્ત્રોની ખરીદી માટે લાંચ લેવાનું કૌભાંડ એમના વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં ગાજ્યું હતું.

ઉચ્ચ બ્રાહ્મણ પરિવારમાં જન્મ

મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં ૧૯૨૪ની ૨૫ ડિસેમ્બરે ઉચ્ચ જ્ઞાતિના બ્રાહ્મણ ક્રિષ્ન બિહારી વાજપેયી અને ક્રિષ્નાદેવીને ત્યાં જન્મેલા અટલ બિહારી ૧૯૫૭માં પહેલી વાર સંસદસભ્ય બન્યા હતા.

ટીનેજર જેલમાં

બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો વિરોધ કરવા બદલ ટીનેજર અટલ બિહારીને થોડા સમય માટે જેલમાં પણ ગોંધવામાં આવ્યા હતા. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં વાજપેયીએ કોઈ મોટી ભૂમિકા ભજવી નથી. થોડો સમય સામ્યવાદથી રંગાયા બાદ એમણે હિન્દુ રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને જનસંઘમાં જોડાવાનું પસંદ કર્યું હતું. ૧૯૫૦ના દાયકામાં ય્લ્લ્નું મેગેઝિન ચલાવવા માટે વાજપેયીએ કાયદાનો અભ્યાસ છોડી દીધો હતો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK