Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર

ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર

07 September, 2019 02:38 PM IST | મુંબઈ
અર્પણા શિરીષ

ગણેશ મંડળો માટે છે પહેલો પ્રેફરન્સ ઢોલ-તાસાં પથકના સૂર

ઢોલ તાસા પથક

ઢોલ તાસા પથક


શિવાજીના કાળથી શરૂ થયેલી મહારાષ્ટ્રની શાન સમાન એકસરખા લય અને તાલમાં જ્યારે ૧૦૦ જેટલાં યુવક-યુવતીઓ એકસાથે ઢોલ વગાડે ત્યારે જોનારાઓનાં રૂંવાડાં ઊભાં થઈ જાય એવો એ નજારો હોય છે. ઘોંઘાટિયા બૉલીવુડના ડાન્સ નંબરવાળા ડીજેની તો આની સામે શું વિસાત? હવે જ્યારે મુંબઈનાં યુવાનો અને યુવતીઓ પોતાની સંસ્કૃતિનું જતન કરવા માટે વધુ ને વધુ સંખ્યામાં ઢોલપથકોમાં જોડાઈ રહ્યાં છે અને હાઈ કોર્ટે અને મુંબઈ પોલીસે પણ ડીજેના ન્યુસન્સ પર બૅન મૂકવાની શરૂઆત કરી દીધી છે ત્યારે ચાલો જાણીએ મુંબઈનાં ઢોલપથકોની દુનિયાની ખાસંખાસ વાતો. એક સમયે કોઈ પણ પ્રસંગોએ શોભાયાત્રાઓમાં ઢોલવાદન માટે પૂરી રીતે પુણે પર નિર્ભર રહેનારા મુંબઈ પાસે આજે નાનાં-મોટાં મળીને ૩૦૦થીયે વધુ પોતાનાં ઢોલ-તાસા પથક છે.

અસલી મજા



ડીજે અને સ્પીકરના અવાજ પર નાચવું એ આપણી સંસ્કૃતિ છે જ નહીં એવું જણાવીને મુંબઈના રાજાનું ટાઇટલ ધરાવતા ગણેશગલ્લીના મંડળના સેક્રેટરી સ્વપ્નિલ પરબ કહે છે, ‘ઢોલ-તાસાના ગજર વચ્ચે જે મરાઠાઓની સંસ્કૃતિનું જતન કરવા માટે આજના યુવાનો આ રીતે નવા- નવા પથકો લઈને આવે છે એ આવનારી પેઢી માટે ખરેખર ખૂબ સારી વાત બની રહેશે. ડીજે અને સ્પીકરના અવાજનો ત્રાસ થાય છે જ્યારે એક લયમાં વાગનારા ઢોલથી આખો માહોલ મંગલમય લાગે છે. આપોઆપ જ એ ચીજ માટે માન ઊપજી આવે છે.’


ગણેશગલ્લીના આ મંડળના ગણેશજીની મૂર્તિના આગમન અને વિસર્જન બન્ને માટે દર વર્ષે જુદા-જુદા પથકો પોતાની કલાની રજૂઆત કરી બાપ્પાને સલામી આપે છે અને મંડળ પણ એટલા જ શોખથી આ ઢોલ-તાસા પથકોને આવકારે છે.

ધ્વનિપ્રદૂષણ પર કાબૂ


બીજી બાજુ પથકો ભાવભક્તિથી પોતાનાં માનીતાં મંડળોમાં કોઈ પણ સ્વાર્થ વિના સ્વેચ્છાએ પોતાની ટીમ સાથે પર્ફોર્મન્સ આપે છે. આ જ વાત ‘અંધેરી ચા રાજા’ને પણ લાગુ પડે. ‘અંધેરી ચા રાજા’ મંડળના સેક્રેટરી ઉદય સાલિયન કહે છે, ‘દર વર્ષે અમારે ત્યાં એક કરતાં વધુ પથકો સામેથી જ આવીને વિસર્જન યાત્રામાં ઢોલ વગાડવા માટે રિક્વેસ્ટ કરે છે. અંધેરી ચા રાજાને લોકો માનતાના ગણપતિ માનતા હોવાથી ૧૦થી ૧૨ જુદા-જુદા પથકો એકસાથે મેદાન પર હોય છે અને એ બધા જ પોતાની શિસ્ત પાળીને વગર કોઈ વાદવિવાદે વારા પ્રમાણે ઢોલ વગાડે છે. ક્યારેક સાથે મળીને પણ પર્ફોર્મ કરે છે. અને આ શિસ્તને લીધે જ અમે છેલ્લાં કેટલાંય વર્ષોથી ડીજેને કમ્પ્લીટલી બંધ કરી ઢોલપથકોને જ પસંદ કરીએ છીએ. વળી ડીજેને લીધે ધ્વનિપ્રદૂષણ પણ થાય છે. જોકે ઢોલપથક આવે એમાં પણ નિયમોનું પાલન થાય છે. રાતના દસ વાગ્યાની અવાજની લિમિટ પૂરી થયા બાદ ફક્ત મંજીરા પર વિસર્જન યાત્રા હોય છે, ઢોલ પણ નહીં.’

નિયમોનું પાલન કરવામાં માનતા અંધેરીચા રાજાનું આ મંડળ જો કોઈ પથક ૧૦ વાગ્યાની લિમિટનું પાલન ન કરે તો તેમના પર કાર્યવાહી કરવાની પણ ટ્રાફિક પોલીસને પહેલેથી જ સૂચના આપી દે છે.

અનોખી એકતા અને સંવાદ

એકસાથે ૧૦૦થી ૧૫૦ લોકો એક જગ્યાએ આવે અને એમાં પણ જ્યારે મોટા ભાગના ટીનેજર્સ હોય તો એવામાં મોટા ભાગે લોકો કોઈ પ્રૉબ્લેમ કે વાદવિવાદ થશે એવું માનતા હોય છે. જોકે આજ સુધી મુંબઈમાં એવું જોવા મળ્યું નથી. આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં કરનારું ચિંચપોકલી ચા ચિંતામણિ મંડળના વાઇસ પ્રેસિડન્ટ પ્રણીલ પાંચાળ કહે છે, ‘મુંબઈનાં મોટા ભાગનાં પથકો ‘માનાચા ગણપતિ’ તરીકે ચિંચપોકલી ચા ચિંતામણિને સલામી આપવા પોતાની ટીમ સાથે આવે છે. જોકે આ કરતા સમયે તેઓ પોતાની જવાબદારી અને મર્યાદા રાખીને જ વર્તે છે. પછી એમાં છોકરાઓ હોય કે છોકરીઓ, આજ સુધી ક્યારેય કોઈ પ્રૉબ્લેમ નથી થયો. આ સિવાય ઢોલપથક પારંપારિક હોવાને લીધે જોવા આવનારા લોકો પણ એનું અને વાદકોનું માન જાળવે છે. ડીજે હોય તો છેડછાડ જેવા બનાવો બની શકે છે, પણ ઢોલપથક હોય ત્યારે આવું થતું નથી. અને આ જ કારણોસર અમે છેલ્લાં સાતેક વર્ષોથી ન્યુસન્સ ફેલાવતા ડીજેને પડતા મૂકીને મરાઠી સંસ્કૃતિનું જતન કરતાં ઢોલપથકોની પસંદગી કરી છે. આ મંડળના ગણેશજીના આગમન વખતે કાલેશ્વરનાથ પથક મસ્ટ હોય છે. એ સિવાય લકી ડ્રૉની જેમ ચિઠ્ઠી ઉપાડી ઢોલપથકોની પસંદગી કરવામાં આવે છે.’

નો મની, ઓન્લી ભક્તિ

એકસરખો ગણવેશ પહેરેલાં યુવકો અને યુવતીઓ જ્યારે કોઈ શોભાયાત્રાની શાન વધારે ત્યારે જોનારા લોકોને હંમેશાં વિચાર આવતો હશે કે આમના પર તો રૂપિયાનો વરસાદ થતો હશે કે પછી કેટલાક એવું માનતા હશે કે આના પર જ એ વાદકો લોકોનું ઘર ચાલતું હશે. જોકે એવું કંઈ નથી. ઢોલપથકમાં વાદક તરીકે ભાગ લેતાં યુવકો અને યુવતીઓ પૂરી રીતે ફક્ત અને ફક્ત પોતાના શોખ માટે તેમ જ ગણપતિને માન આપવા માટે પથકમાં સામેલ થાય છે. આ માટે તેમને કોઈ પ્રકારનું માનધન નથી આપવામાં આવતું. બધા જ મેમ્બર્સ સ્વેચ્છાએ પોતાના બિઝી શેડ્યુલમાંથી સમય કાઢીને ઓછામાં ઓછા બેથી ત્રણ મહિના પહેલાં શરૂ થતી પ્રૅક્ટિસ અને પછી ગણેશોત્સવ વખતે શોભાયાત્રા માટે સમય આપે છે. સ્વાર્થ ફક્ત એટલો જ કે પોતાનો ઢોલ વગાડવાનો શોખ પૂર્ણ થાય. આ વિશે વધુ જણાવતાં વિક્રોલીના ‘એકલવ્ય ઢોલ તાસા પથક’ના વિપુલ શિંદે કહે છે, ‘દર વર્ષે એક વાર પથકમાં ભરતી ચાલુ છે એવી ઍડ્વર્ટાઇઝ આપવામાં આવે છે અને કેટલીક એન્ટ્રી-ફી ભર્યા બાદ યુવકો અને યુવતીઓ પથકમાં પ્રવેશ મેળવે છે. ત્યાર બાદ તેઓ કયું ઇન્સ્ટ્રુમેન્ટ સારી રીતે વગાડી શકશે એ પારખીને બેથી ત્રણ મહિના માટે તેમને ટ્રેઇનિંગ આપવામાં આવે છે. અને પછી ગણેશ ઉત્સવ, ગૂડી પાડવા, શિવજયંતી જેવા તહેવારોમાં તેઓ મેદાન પર આવી પોતાનું જોશ દેખાડે છે. કોઈને એકે રૂપિયો ન મળવાનો હોવા છતાં લોકો સામેથી આવીને પોતાના શોખ ખાતર ઢોલપથકમાં સામેલ થવા માગે છે. દરેક મેમ્બર પોતાના પોશાકનો ખર્ચ  સુધ્ધાં પોતે જ કરે છે.’

૬૦થી ૬૫ મેમ્બર્સ ધરાવતા એકલવ્ય પથકમાં મોટા ભાગના મેમ્બર્સ ૩૦ વર્ષથી નીચેના છે. કૉલેજ સ્ટુડન્ટ તેમ જ નોકરી કરતા યુવાનો ઑફિસથી ઘરે આવ્યા બાદ ત્રણ મહિના સુધી રોજ દોઢથી બે કલાક પ્રૅક્ટિસ માટે ફાળવે છે. 

સુપારી અપાય

કોઈ મંડળ જયારે ઢોલપથકોને વગાડવા માટે આમંત્રણ આપે કે જેને ‘સુપારી’ કહેવામાં આવે છે એ માટે કલાકના ૩૦થી ૪૦ હજાર કે એનાથી પણ વધુ ચાર્જ લેવામાં આવે છે. બધા જ શોખ માટે પંથકમાં સામેલ થતા હોય ત્યારે આ ધનરાશિનું શું કરવામાં આવે છે એ વિશે માહિતી આપતાં મુલુંડના કાલેશ્વરનાથ ઢોલપથકના અનિકેત માલુસરે જણાવે છે, ‘લોકોને જોવામાં ખૂબ ઈઝી લાગતા આ ઢોલ ઇન્સ્ટ્રુમેન્ટનુ મેઇન્ટેનન્સ ખૂબ વધુ છે. પ્રૅક્ટિસ કરતાં-કરતાં પણ નવા શીખવા આવેલા લોકોથી કેટલીક વાર ઢોલનાં પાન ફાટી જાય છે, જેને સમયસર મેઇન્ટેન કરાવવા પડે છે. એ સિવાય આટલાંબધાં ઇન્સ્ટ્રુમેન્ટ રાખવા માટે મોટી અને સેફ જગ્યા ભાડે લેવી પડે છે, જેનું ભાડું પણ ખૂબ ઊંચું હોય છે. આ સિવાય જે પૈસા પંથકને મળે એમાંથી ચૅરિટી થાય છે. જરૂરતમંદ બાળકોને આશ્રમોમાં ચોપડા, નોટબુક તેમ જ બાકીની જરૂરી ચીજો દાન કરવામાં આવે છે.’

આ વાત સાથે સહમત થતાં એકસાથે દોઢસો ઢોલ એક જ શોભાયાત્રામાં વગડાવવાનો રેકૉર્ડ ધરાવતા શિવબ્રહ્માંડ ઢોલ અને ધ્વજ પંથકના કૌશલ ચૌહાણ કહે છે, ‘અરેન્જમેન્ટ અને મૅનેજમેન્ટ બાદ જો પૈસા વધે તો એ પથકમાં રહેલા બસોથી અઢીસો મેમ્બર્સમાંથી જો કોઈના ઘરે મેડિકલ ઇમર્જન્સી હોય તો તેમના માટે વાપરવામાં આવે છે અથવા તેમના વેલ્ફેર માટે યુઝ થાય છે. જ્યારે પથકનો વર્ધાપનદિન હોય ત્યારે બેસ્ટ વાદકોને ટ્રોફી આપીને નવાજવામાં આવે છે.’

ઢોલપથકમાં બધા જ છે

સ્ટુડન્ટથી લઈને ગૃહિણીઓ અને ડૉક્ટરથી લઈને પોલીસ ઑફિસ સુધી બધા જ ઢોલ પંથકમાં સામેલ થઈ પોતાનો  થાક ઉતારે છે. મોટા ભાગે લોકોની માન્યતા હોય છે કે ઢોલ તાસા પથકમાં ઢોલ વગાડનારા લોકો અમુકતમુક ક્લાસના જ હોય છે, જોકે આ વાત  પર ખુલાસો કરતા અનિકેત માલુસરે કહે છે, ‘જેમને કલા માટે માન અને શોખ હોય એવા બધા જ પથકમાં સામેલ થાય છે પછી એ સ્ટુડન્ટ હોય કે ગૃહિણી કે પછી કોઈ મોટા આઇટી પ્રોફેશનલ. અમારા ગ્રુપમાં બધા જ પ્રકારના લોકો છે અને તેઓ પોતાની પર્સનલ ઓળખ ભૂલી બધા સાથે સામેલ થઈ ખૂબ જ ડિસિપ્લિન સાથે પ્રૅક્ટિસ કરી પર્ફોર્મન્સ આપે છે. ઢોલ તાસા પથકમાં જોકે નિયમોનું પણ પાલન કરવું પડે છે. તેમ જ એમાં ડિસિપ્લિનની પણ ખૂબ જરૂર હોય છે અને આજનો યુવા વર્ગ એ ખૂબ સારી રીતે ઍક્સેપ્ટ કરી આગળ આવી રહ્યો છે. પથકમાં સામેલ નાની ઉંમરના વાદકો પણ ડિસિપ્લિન જાળવે છે.’ 

પ્રૅક્ટિસ સિવાય ડેડિકેશન પણ ખૂબ મહત્ત્વનું છે જેના માટે જુદા-જુદા ફીલ્ડની આ વ્યક્તિઓ ગણપતિના બે-ત્રણ મહિના પહેલાં જ રોજના બેત્રણ કલાક પ્રૅક્ટિસ કરે છે. ગૃહિણીઓ તો આખો દિવસ ઘરનું કામ કરીને પણ ૧૫થી ૨૦ કિલોના ઢોલ ઉપાડવાની ક્ષમતા રાખે છે.  વિસર્જન મિરવણુક વખતે ઢોલ ઉપાડીને ૩થી ૪ કલાક ચાલવું પણ પડે છે, જેના માટે પણ આ ગ્રુપ મેમ્બરો તૈયાર હોય છે. 

મહારાષ્ટ્રિયન ઠસ્સો

ઢોલ તાસા પથક જ્યારે એક રિધમ સાથે પર્ફોર્મ કરે ત્યારે એ નયનરમ્ય દૃશ્ય બને છે જેનું એક કારણ તેમનો એકસરખો ગણવેશ પણ છે. સફેદ કુરતા-પાયજામા સિવાય દરેક પથક પોતાની એક પર્સનલાઇઝ્ડ ખાસિયત પોશાકમાં ઉમેરે છે. ક્યારેક રુદ્રાક્ષની મોટી માળાઓ તો ક્યારેક કપાળ પર મોટો ચંદ્ર કોર. કેટલાક પથકોમાં ભાગ લેતી સ્ત્રીઓ નાકમાં પરંપરાગત મહારાષ્ટ્રિયન નથ પણ પહેરે છે. આ સિવાય સફેદ ટોપી કે પોતાના પથકના નામવાળી ટોપી પણ મેમ્બર્સ પહેરે છે. કેટલાક પથકો સાફા, જરીના દુપટ્ટા તેમ જ મોદી જૅકેટ પહેરી પોતાની એક આગવી સ્ટાઇલ દેખાડે છે. શિવબ્રહ્માંડ પથકના કૌશલ ચૌહાણ કહે છે, ‘આ રીતે એકસરખા ગણવેશને લીધે શોભાયાત્રા શિસ્તબદ્ધ લાગે છે અને જોવી પણ ગમે છે.’ 

ગણપતિ શિવાય ગૂડી પાડવા વખતે જ્યારે આ પથકો પર્ફોર્મન્સ આપે ત્યારે પરંપરાગત મરાઠી વેશભૂષા પણ ધારણ કરે છે, જેમાં સ્ત્રીઓ નૌવારી સાડી અને દાગીના પહેરે છે. 

પુણેથી મળી છે ઇન્સ્પિરેશન

આજથી કેટલાંક વર્ષો પહેલાં મુંબઈના ગણેશોત્સવમાં પણ ખાસ પુણેથી ઢોલપથકો બોલાવવામાં આવતા અને આજે જો મુંબઈમાં આટલાબધા ઢોલપથકો હોય તો ‍એનો ફાળો પુણેના પરંપરાગત ઢોલવાદકોને ચોક્કસ જાય છે કે જેઓ અહીં આવી લોકોને ટ્રેઇનિંગ પણ પૂરી પાડતા. પુણેથી ઇન્સ્પાયર થઈને જ અહીં કેટલાક મરાઠી યુવાનોએ પોતાના ઢોલપથક શરૂ કર્યાં છે. જોકે આ ઢોલ-તાસા અને ઝાંઝ તેમ જ ધ્વજ પથકનો ઇતિહાસ શિવાજી મહારાજના કાળનો છે જ્યારે કોઈ સારા પ્રસંગોમાં ઢોલ વગડાવવાની સંસ્કૃતિ હતી. એ સિવાય માન આપવા માટે ઢોલવાદકો સાથે કેટલાક લોકોને હાથમાં કે કેસરી ધ્વજ આપી શોભાયાત્રામાં સામેલ કરવામાં આવતા. આજે પણ પોતાની ઇચ્છા પ્રમાણે આ પથકો ગણપતિબાપ્પાની શોભાયાત્રામાં તેમના માનમાં ૧૦, ૧૫, ૫૧ કે ૧૦૧ ધ્વજની સલામી અર્પણ કરે છે. ધ્વજ વિશે વધુ જણાવતાં કૌશલ કહે છે, ‘આમ તો ધ્વજ એક માન છે, પણ જ્યારે વ્યક્તિ ધ્વજ લઈને નાચે છે ત્યારે ધ્વજને જોઈને ગ્રુપનું કો-ઑર્ડિનેશન કેટલું છે એ પણ જાણી શકાય છે. જો ધ્વજ એક લયમાં ન હોય તો સમજી જવું કે ગ્રુપ કો-ઑર્ડિનેટ નથી.’

પુણેરી કે પછી નાશિક ઢોલ?

દરેક કલ્ચરમાં જુદાં-જુદાં વાજિંત્રો અને જુદા-જુદા લયમાં ઢોલ વગાડવામાં આવે છે. જોકે મહારાષ્ટ્રમાં ઢોલપથકોમાં પુણેરી સ્ટાઇલ કે જેમાં ચામડાથી બન્ને બાજુથી કવર કરેલા મોટી સાઇઝના ઢોલનો સમાવેશ થાય છે. આપણે ત્યાં મોટા ભાગનાં ઢોલપથક પુણેરી હોય છે. આ સિવાય બીજી સ્ટાઇલ નાશિક ઢોલ કે જે ફ્રી સ્ટાઇલ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારમાં નાના-નાના ઢોલનો સમાવેશ થાય છે કે જેનાં પાન ફાઇબરમાંથી બનાવેલાં હોય છે. અને ત્રીજી એટલે કે ગામઠી માવળ સ્ટાઇલ. આ સ્ટાઇલમાં ઢોલ તો પુણેરી જેવા જ હોય છે, પણ વગાડવાના લયમાં થોડોઘણો ફરક હોય છે. બધાં જ પથક પરંપરાગત શ્લોક અને ગીતોથી લઈને કેટલાક સિલેક્ટેડ બૉલીવુડ અને હૉલીવુડ મ્યુઝિક વગાડે છે. અહીં ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે ગૂડી પાડવાની શોભાયાત્રામાં મુંબઈના જ આરંભ ઢોલ તાસા પથકે ફેમસ ‘ગેમ ઑફ થ્રોન્સ’ની થીમ પર પણ ઢોલ વગાડ્યો હતો. આ સિવાય પથકો કેટલીક વાર ઢોલ સિવાય લેજીમ અને ઝાંઝ એટલે કે મોટાં મંજીરાં પણ વગાડે છે. 

સ્ત્રી વાદકો પથકનું મુખ્ય આકર્ષણ

છેલ્લાં કેટલાંક વર્ષોથી ઢોલ તાસા પથકમાં ભાગ લેતી સ્ત્રીઓની સંખ્યામાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ગૃહિણીઓ સ્ટ્રેસ-બસ્ટર તરીકે ઢોલ પથકમાં સામેલ થાય છે. આવી જ એક ગૃહિણી એટલે મૂળ મુંબઈમાં કાંદિવલીમાં જન્મીને મોટી થયેલી અને છેલ્લાં કેટલાંક વર્ષોથી પુણેમાં સ્થાયી થયેલી ફાલ્ગુની શાહ. ફાલ્ગુનીને છેલ્લાં બે-ત્રણ વર્ષથી ઢોલપથકમાં સામેલ થવાની ઇચ્છા હતી. જોકે તેની ઇચ્છા આ વર્ષે પૂરી થઈ અને તેણે તાજેતરમાં ગણપતિના આગમન વખતે પુણેના ફેમસ સ્વરગંધાર પંથકમાં સામેલ થઈને ૧૭ કિલોનો ઢોલ પોતાની કમર પર બાંધી એ વગાડવાની ઇચ્છા પૂરી કરી હતી. ફાલ્ગુની કહે છે, ‘એક વાર પર્ફોમન્સ ચાલુ કરો એટલે ઢોલનું વજન ફીલ જ ન થાય. માહોલ એવો હોય કે થાક લાગે જ નહીં. ઘરનું બધું કામ પતાવ્યા બાદ બેત્રણ મહિના માટે રોજ પ્રૅક્ટિસ કરી ત્યારે થાક લાગતો, પણ એક વાર મેદાનમાં ઊતર્યા પછી બધા સાથે ઢોલ વગાડવાનું શરૂ કરો એટલે બ્રેક લેવાનું જ મન ન થાય.’ 

કેટલાંક કારણોસર છોકરીઓને તેમના ઘરેથી પથકમાં જોડાવાની પરમિશન મેળતી નથી. જેના લીધે પથકના અધ્યક્ષો પણ સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવા લેટ નાઇટ પર્ફોર્મન્સ અવૉઇડ કરે છે. જોકે ગુજરાતી ફૅમિલીમાંથી આવવા છતાં પાંચ અને ૧૪ વર્ષનાં બે સંતાનોની મમ્મી ફાલ્ગુની આ બાબતે લકી છે, કારણ કે તેને ફક્ત પતિનો જ નહીં પણ સાસરિયાંઓનો પણ ફુલ સપોર્ટ છે. જ્યારે ફાલ્ગુની પ્રૅક્ટિસ અને પર્ફોર્મન્સ માટે બિઝી હોય ત્યારે તેનાં સાસુ-સસરા ખાસ મુંબઈથી છોકરાઓનું ધ્યાન રાખવા પુણે જાય છે અને વહુના પર્ફોર્મન્સના વિડિયો બધાં સગાંવહાલાં સાથે બેસી ખૂબ અભિમાન સાથે જુએ છે. 

આ પણ વાંચો : ઉપરવાલા સબ દેખતા હૈ

સ્ત્રીઓ માટે તેમ જ યુવતીઓ માટે ઢોલપથકમાં સામેલ થઈને રોડ પર લાખોની સંખ્યામાં દરેક પ્રકારની પબ્લિક સામે પર્ફોર્મન્સ આપવો એટલો આસાન પણ નથી હોતો, પણ પથકના બીજા મેમ્બર્સ તેમના ગ્રુપની આ યુવતીઓનું ખાસ ધ્યાન રાખે છે તેમને પ્રોટેક્શન પૂરું પાડવાની જવાબદારી તેમની હોય છે. સ્ત્રીઓ જ્યારે ઢોલ વગાડતી હોય ત્યારે પથકના બીજા મેમ્બર્સ તેમની આજુબાજુ ગોળાકાર બનાવે છે. જોકે મુંબઈમાં આવું કરવાની પણ જરૂર નથી એવું જણાવતાં શિવબ્રહ્માંડ પંથકના કૌશલ કહે છે, ‘મુંબઈની મુલગીઓને કોઈના પ્રોટેક્શનની જરૂર નથી હોતી. તેઓ પોતાનું રક્ષણ કરવા માટે સમર્થ હોય છે. મુંબઈના લોકો પણ સમજુ છે જેને લીધે છેડછાડ કેવા કોઈ બનાવો ભાગ્યે જ બને છે. આખરે સંસ્કૃતિ જાળવવી જોઈએ અને એ જાળવનારાઓને માન આપવું જ જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

07 September, 2019 02:38 PM IST | મુંબઈ | અર્પણા શિરીષ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK