Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પ્લાસ્ટિક મની વાપરતાં વડીલોને ફાવે છે ખરું?

પ્લાસ્ટિક મની વાપરતાં વડીલોને ફાવે છે ખરું?

30 September, 2020 11:46 AM IST | Mumbai
Varsha Chitalia

પ્લાસ્ટિક મની વાપરતાં વડીલોને ફાવે છે ખરું?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કોરોનાકાળમાં નાણાકીય લેવડ-દેવડમાં કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધતાં સિનિયર સિટિઝન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. સ્વાસ્થ્યની સલામતીને ધ્યાનમાં રાખી તેમને બહાર નીકળવાની ના છે. બીજી તરફ આ ઉંમરે પ્લાસ્ટિક મનીનો ઉપયોગ કરવો કે મોબાઇલ દ્વારા પૈસાની ચુકવણી કરવાના વિકલ્પો વિશે ઝાઝી સમજણ ન હોવાથી તેમનાં ઘણાંખરાં કામ અટકી ગયાં છે. ઇન્ટરનેટની ભાષા સમજવામાં અસમર્થ અને છેતરાઈ જવાના ભય વચ્ચે વર્તમાન માહોલ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરી રહેલા મુંબઈના વડીલો હાલમાં કઈ રીતે મેનેજ કરી રહ્યા છે તેમ જ ભવિષ્યમાં તેઓ ક્યા પ્રવાહ સાથે જોડાઈ રહેવાની ઇચ્છા ધરાવે છે એ જાણીએ...

ઑનલાઇન મેડિક્લેમ ડિસ્બર્સમેન્ટ અને પ્રીમિયમ ભરવાનો પહેલો અનુભવ - કર્દમ ચિતલિયા, વિલે પાર્લે



લૉકડાઉન પહેલાં બધાં કામ ફિઝિકલ કરતો હતો, હવે ક્રેડિટ કાર્ડથી પૅમેન્ટ કરતાં શીખી ગયો છું એમ જણાવતા વિલે પાર્લેના ૬૨ વર્ષના કર્દમ ચિતલિયા કહે છે, ‘કોરોના આવ્યું એ પહેલાંથી સ્ટૉક માર્કેટમાં ઑનલાઇન ટ્રેડિંગ કરતો હતો. ડિમેટ અકાઉન્ટ સાથે બૅન્કનું ખાતું જોડાયેલું હોવાથી પેમેન્ટમાં મુશ્કેલી નડતી નહોતી. આ સિવાયના બધા વ્યવહારો રોકડ રકમ અથવા ચેકથી કરવાની ટેવ હતી એટલે શરૂઆતમાં ઘણી તકલીફ પડી. સંતાનો અમેરિકા રહેતાં હોવાથી કોની પાસે શીખવું એ મૂંઝવણ હતી. ફ્રેન્ડ સર્કલમાંથી પૂછીને અને થોડું જાતે રીસર્ચ કરીને ક્રેડિટ કાર્ડથી ઇલેક્ટ્રિસિટી બિલ ભરતાં આવડી ગયું. અનલૉકની શરૂઆતમાં પ્રુડેન્શિયલ પ્લાનની મૅચ્યોરિટી ડેટ આવતાં કંપનીની ઑફિસમાં ગયો તો સ્ટાફે અંદર આવવા ન દીધો એમાં ઑનલાઇન પ્રોસિજર કરી ખાતામાં પૈસા જમા કરાવતાં શીખ્યો. હમણાં વળી નવો અનુભવ કર્યો. મારી પત્નીની તબિયત બગડતાં હૉસ્પિટલમાં અૅડમિટ કરવી પડી. મેડિકલેમ ડિસ્બર્સમેન્ટ માટે તમામ બિલો ઑનલાઇન અપલોડ કર્યાં. એટલું જ નહીં મેડિક્લેમના રીન્યુઅલ માટેનું પ્રીમિયમ પણ ભર્યું. આવા અનેક અનુભવોથી ઘડાઈને પ્લાસ્ટિક મની વાપરતાં શીખ્યો છું તેમ છતાં આજે પણ ચેકથી કામ કરવાનું વધુ ફાવે છે. અખબારો અને સોશ્યલ મીડિયામાં સાઇબર ક્રાઇમના સમાચારો વાંચતાં હોઈએ એટલે છેતરાઈ જવાનો ભય મનમાંથી જતો નથી. આપણી જીવનભરની મૂડી લૂંટાઈ જાય તો તકલીફમાં મુકાઈ જઈએ. ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવાથી હેકિંગના ચાન્સિસ ઓછાં છે. બૅન્કના કાર્ડ સિવાયના માધ્યમો પર ભરોસો નથી અને વાપરતો પણ નથી. મને લાગે છે કે વડીલો માટે આ ટેમ્પરરી વ્યવસ્થા છે. જનજીવન થાળે પડ્યા બાદ તેઓ ફરીથી પેપર મની તરફ વળી જશે.’


ખિસ્સામાં રોકડા રૂપિયા અને ચેકબુક વગર નહીં ફાવે - સુરેન્દ્ર શાહ, કિંગ સર્કલ

જીવનભર ખિસ્સામાં રોકડ રકમ અને થેલીમાં ચેકબુક લઈને કામ કર્યું છે. હવે પાકે ઘડે ઘાટ ન બદલાય એવો મત વ્યક્ત કરતાં કિંગ સર્કલમાં રહેતાં ૭૬ વર્ષના સુરેન્દ્ર શાહ કહે છે, ‘વિશ્વ સાથે કદમ મિલાવવા પ્લાસ્ટિક મનીનો વ્યાપ વધ્યો છે અને એનો સ્વીકાર થવો જોઈએ, પણ નાણાકીય વ્યવહારોમાં વડીલો માટે જૂની પદ્ધતિ જ ચાલુ રાખો. નવી સિસ્ટમમાં ફિટ થવાનું અમને ફાવતું નથી. છેલ્લા છ મહિનાથી સિનિયર સિટિઝન ઘરમાં કેદ થઈ જતાં ઘણીખરી પ્રવૃત્તિઓ સ્થગિત થઈ ગઈ છે. પૈસાની લેવડ-દેવડ અટકી ગઈ છે. ઑનલાઇન ટ્રાન્ઝેક્શનની જટિલ પ્રક્રિયા સમજવી અઘરી છે. ઓટીપીથી લઈને જુદી જુદી વિગતો ભરવી અને દસ્તાવેજો અપલોડ કરવામાં જેટલો સમય જાય છે એટલા સમયમાં રૂબરૂ જઈને કામ સરળતાથી થાય છે. સરકારે આ પદ્ધતિ થોડી સરળ બનાવવી જોઈએ. હું તો એટીએમનું કાર્ડ વાપરવાનું જોખમ પણ નથી લેતો. ભૂલમાં કાર્ડ મશીન પાસે મૂકીને આવતાં રહીએ તો ખાતાંમાંથી પૈસા ગાયબ થઈ જાય. ફૅમિલી મેમ્બરો ઘણીવાર ખીજાય છે કે શીખો કામ લાગશે, પરંતુ મગજમાં બેસતું નથી. ઉંમરના કારણે દૃષ્ટિ અને યાદશક્તિ બન્ને નબળી થઈ ગઈ હોય એમાં નવું શીખવા જાઓ તો છેતરાઈ જવાનો ભય રહે. આ ડરથી વડીલો પ્લાસ્ટિક મનીનો સ્વીકાર કરી શકતા નથી. મારા મોબાઇલમાં નાણાકીય લેવડદેવડ
માટેના એકેય ઍપ ડાઉનલોડ કરેલાં નથી. વૉટ્સઅૅપ સિવાય કોઈ વસ્તુ વાપરતાં આવડતી નથી. આખો દિવસ ઑનલાઇન-ઑનલાઇન સાંભળીને કંટાળ્યો છું. ઘરમાં છું ત્યાં સુધી દીકરો-વહુ સંભાળે છે. જીવન થાળે પડશે પછી ફરીથી ચેકબુક અને રોકડ રકમનો ઉપયોગ કરીશ. આ બધાં કામોથી અમારું જીવન પ્રવૃત્તિમય બને છે.’


ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટ થવું અઘરું છે, નામુમકિન નહીં - કિરણ ગોરડિયા, ઘાટકોપર

વિદેશની જેમ હવે આપણા દેશમાં પ્લાસ્ટિક મનીનો વપરાશ વધ્યો છે એ સારી વાત છે, પણ અમારી વયના લોકો આ પ્રવાહમાં સહેલાઈથી જોડાઈ નથી શકતા એવો મત વ્યક્ત કરતાં ઘાટકોપરનાં ૬૨ વર્ષના કિરણ ગોરડિયા કહે છે, ‘ઘરમાં દીકરો-વહુ હોય એટલે સામાન્ય રીતે કાર્ડ સ્વાઇપ કરવું, ફોનથી પૈસા ચૂકવવા કે નેટબૅન્કિંગ જેવી વસ્તુ શીખવાની વડીલોને જરૂર પડતી નથી. પાંચેક વર્ષ પહેલાં અમે યુરોપ ફરવા ગયાં હતાં ત્યારે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતાં શીખ્યાં હતાં ખરાં, પરંતુ અહીં તો રોકડાં જ વાપરવાના હોય એટલે પાછું ભુલાઈ ગયું. ભારતમાં કોરોનાની એન્ટ્રી બાદ વડીલો માટે બહાર નીકળવું મુશ્કેલ બનતાં તેમ જ રોકડ રકમથી કોરોનાના ચેપનો ભય હોવાથી ફરીથી શીખવું પડ્યું. ઘરની ચીજવસ્તુ મગાવીએ તો દુકાનદારો રોકડા લેતા નથી. તેઓ ફોન પે કર દો એમ જ કહે છે. ફોનના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરતી વખતે એકાદ આંકડો ખોટો ટાઇપ થઈ ગયો અથવા ખોટું બટન દબાઈ ગયું અને ભળતી વ્યક્તિને પૈસા પહોંચી ગયા તો? આવી શંકાના લીધે નાણાકીય જોખમ લેતાં અચકાઈએ છીએ. જોકે આત્મવિશ્વાસથી પ્રયાસ કરીએ તો આવડી જાય. ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટ થવું અઘરું છે, નામુમકિન નથી. શરૂઆતમાં વહુના અકાઉન્ટમાં દસ રૂપિયા ટ્રાન્સફર કરી ચેક કરી લેતા કે બરાબર પહોંચ્યા કે નહીં. જુદા જુદા માધ્યમથી ઘરના લોકોને નાની-મોટી રકમ ટ્રાન્સફર કરતાં આવડી ગયા પછી વહુની હાજરીમાં બહારના બિલ ચૂકવવાનું જોખમ લઈ જોયું. હવે તો દુકાનદારના ફોનમાં બે-ત્રણ હજારનું કરિયાણાનું બિલ આંગળીના ટેરવાથી જ ચૂકવી દઉં છું. આ ઉપરાંત ઑનલાઇન શોપિંગ અને ઈ-મેઇલ કરતાં પણ આવડે છે.’

શીખવાની હોંશ તો ઘણી છે, પણ વારો નથી આવતો - કુંદન મહેતા, વિલે પાર્લે

વિલે પાર્લેમાં રહેતાં ૭૩ વર્ષનાં કુંદન મહેતાને સ્માર્ટ ફોનના જુદા જુદા એપ્લિકેશન શીખવાની ઘણી હોંશ છે. નવી ટૅક્નૉલૉજીની તરફેણ કરતાં તેઓ કહે છે, ‘અમારી ઉંમરના લોકોને કમ્પ્યુટર અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઓછું હોવાથી ડિજિટલ સિસ્ટમમાં અમારી જાતને જલદીથી ઢાળી શકતાં નથી. વર્તમાન સંજોગો અને સમયની માગને ધ્યાનમાં રાખી કૉન્ટેકલેસ પેમેન્ટ શીખવું અત્યંત જરૂરી છે, પરંતુ મોટાભાગના વડીલોને ફાવતું નથી એ હકીકત છે. તેમ છતાં મારું માનવું છે કે તમારામાં આત્મવિશ્વાસ અને શીખવાની ધગશ હોય તો બૅન્કના સ્ટાફથી લઈ ઘરમાં પૌત્ર-પૌત્રીઓ શીખવાડવા તત્પર છે. સિનિયર સિટિઝન્સ ધારે તો બધું કરી શકે એમ છે. ઑનલાઇન પેમેન્ટ કઈ રીતે થાય એને સમજવાનો પ્રયાસ કરતી વખતે નોટબુક લઈને બેસું છું. આ ઉંમરે યાદશક્તિ ઘટી જાય ને ફરી ફરી પૂછો તો સામેવાળી વ્યક્તિ કંટાળી જાય છે. સ્ટેપ પ્રમાણે શું કરવું એને ડાયરીમાં ટપકાવી દો તો વારેવારે પૂછવું ન પડે. જોકે પીન નંબર અને ઓટીપીમાં ગોટાળો થઈ જાય તો પૈસા ગુમાવવાનો ડર રહે એવું લોકો પાસેથી સાંભળ્યું હોવાથી જોખમ નથી લેતી. અમારા ઘરમાં નાણાકીય વ્યવહારો માટે આમેય મારો વારો આવતો નથી. વર્ષોથી એક જ દુકાનેથી ઘરનો સામાન આવે છે, બૅન્કનાં ખાતાં પણ વર્ષો જૂનાં છે અને બધાં ઓળખે છે. ટેલિફોન બિલ, વીજળીનું બિલ, વીમાની પૉલિસી વગેરેની ચુકવણી માટે બૅન્કના બિલ પે વિભાગ સાથે અકાઉન્ટ લિંક છે અને હસબન્ડની સહી ચાલતી હોય એટલે માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. સંયુક્ત કુટુંબમાં દાદીની વયની મહિલાઓના ફાળે ઑનલાઇન પૈસાની ચુકવણી જેવાં કામ આવતાં નથી, પરંતુ એકલાં રહેતા વડીલોએ તો સજાગતાથી અને ફરજિયાતપણે શીખવું પડે એમ છે.’

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2020 11:46 AM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK