આજથી ફરી અણ્ણાગીરી

Published: 27th December, 2011 03:50 IST

મજબૂત લોકપાલ બિલને સંસદમાં પસાર કરાવવા બીકેસીના એમએમઆરડીએ ગ્રાઉન્ડ પર આજથી શરૂ થઈ રહેલા અણ્ણા હઝારેના ત્રણ દિવસના ઉપવાસઆજથી ત્રણ દિવસના ઉપવાસ પર બેસતાં પહેલાં અણ્ણા હઝારેએ તેમના ગામ રાળેગણ સિદ્ધિમાં કહ્યું હતું કે ‘સ્ટ્રૉન્ગ લોકપાલ બિલ પાસ કરીશું એમ કહીને દર વખતે સરકાર બોલીને ફરી ગઈ છે એટલે અમારે આ વિરોધ-પ્રદર્શન અને જેલભરો આદોલન કરવું પડે છે. સરકારે આ મુદ્દે પહેલાં જૉઇન્ટ કમિટી બનાવી, એ પછી તેણે યુ ટર્ન લીધો અને બોલીને ફરી ગઈ. ત્યાર બાદ એણે સ્ટૅન્ડિંગ કમિટીમાં બિલ રજૂ કર્યું. ફરી પરિણામ એ જ આવ્યું. એણે પહેલાં કહ્યું હતું કે તેઓ મજબૂત લોકપાલ બિલ માટે પ્રયાસ કરશે, પણ પરિણામ જુદું જ આવ્યું અને એ પણ ફરી ગઈ.’ 

વડા પ્રધાન દ્વારા લેખિતમાં આપવામાં આવ્યું હતું કે સંસદમાં મજબૂત લોકપાલ બિલ પાસ કરીશું, પણ એમાંય સરકાર ફરી ગઈ એમ જણાવીને અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘વારંવાર કહેવા છતાં સરકાર સ્ટ્રૉન્ગ લોકપાલ બિલ લાવી નથી રહી એ માટે અમારે ફરજિયાત વિરોધ કરવો પડે છે. મારું આંદોલન કોઈ રાજકીય પાર્ટી સામે નથી, ભ્રષ્ટાચાર સામે છે. કૉન્ગ્રેસને એમ લાગે છે કે અમે એની વિરુદ્ધ આ આંદોલન કરી રહ્યા છીએ. પચીસ વર્ષથી હું ભ્રષ્ટાચારનો વિરોધ કરી રહ્યો છું. આ પચીસ વર્ષમાં કેટલી વાર અમે આંદોલન કર્યું? આઝાદી પછી ભ્રષ્ટાચાર રોકવા સરકાર દ્વારા માત્ર એક જ કાયદો  રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ બનાવવામાં આવ્યો છે અને એ માટે પણ લોકોએ દસ વર્ષ આંદોલન કરવું પડ્યું હતું. આ આંદોલન ભ્રષ્ટાચારને નાબૂદ કરવા છે. આપણે બધા પૈસાથી સત્તા અને સત્તા મેળવ્યા બાદ પૈસા મેળવતાં આ સર્કલનો ભોગ બન્યા છીએ. ગરીબોનું શું થાય છે એની પૉલિટિશ્યનોને ખબર જ નથી, કારણ કે તેઓ તો ઍરકન્ડિશન્ડ રૂમમાં રહેતા હોય છે અને કારમાં જ ફરતા હોય છે.’

મારી સાથે રામદેવવાળી શક્ય

સરકાર અમારું આંદોલન તોડી પાડવા કદાચ પ્રયાસ કરી શકે છે એમ જણાવતાં અણ્ણા હઝારેએ કહ્યું હતું કે ‘અમને ખબર છે કે સરકાર પાવરફુલ છે. એણે બાબા રામદેવ સાથે શું કર્યું એ બધાએ જોયું છે. સૂતેલી મહિલાઓ પર મધરાતે લાઠીઓ વીંઝવામાં આવી હતી. અમને જાણ છે કે કદાચ અમારી સાથે પણ આવું બની શકે; પણ અમે ડરતા નથી, અમે તો મરવા માટે તૈયાર છીએ. મને ખાતરી છે કે કેટલાક લોકો અમારો વિરોધ કરશે. જોકે યુવાનોને હું કહેવા માગું છે કે હિંસા ન થવી જોઈએ’

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK