Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગમાં ૮ ભડથું કોરોના પહેલા આગે જીવ લઈ લીધો

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગમાં ૮ ભડથું કોરોના પહેલા આગે જીવ લઈ લીધો

07 August, 2020 12:50 PM IST | Mumbai Desk
Agencies

અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં આગમાં ૮ ભડથું કોરોના પહેલા આગે જીવ લઈ લીધો

અમદાવાદની કમનસીબ હૉસ્પિટલ જ્યારે આગમાં નષ્ટ થયેલો માળ બહારથી જોઈ શકાય છે. સગાં ગુમાવનારાઓનું આક્રંદ છાનું નહોતું રહ્યું. તસવીરો : પી.ટી.આઈ., એ.એફ.પી.

અમદાવાદની કમનસીબ હૉસ્પિટલ જ્યારે આગમાં નષ્ટ થયેલો માળ બહારથી જોઈ શકાય છે. સગાં ગુમાવનારાઓનું આક્રંદ છાનું નહોતું રહ્યું. તસવીરો : પી.ટી.આઈ., એ.એફ.પી.


અમદાવાદમાં બનેલી એક કરુણ અને સત્તાવાળી બેદરકારીને ઉજાગર કરતી એક અત્યંત દુખદાયક ઘટના શહેરના નવરંગપુરા વિતારમાં આવેલી ખાનગી શ્રેય હૉસ્પિટલમાં ગઈ મોડી રાત્રે અંદાજે ૩ વાગ્યે આગ ફાટી નીકળતાં આ હૉસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ઓછામાં ઓછા ૮ દરદીઓ જીવતા ભૂંજાઈને માર્યા ગયા હતા. અગ્નિકાંડ સમાન આ ઘટનામાં ચોંકાવનારી બાબત એ બહાર આવી કે દરદીઓ પાસેથી લાખોનું બિલ વસૂલતી આ હૉસ્પિટલમાં ફાયર સેફ્ટીનાં સાધનો સાવ જૂનાં એટલે કે એક્સપાયરી ડેટનાં હોવાનું બહાર આવ્યું છે. કોરોનાની સારવાર લઈને પોતાના ઘરે જવા માટે દાખલ ૮ દરદીઓના પરિવાર પર જાણે કે પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ અગ્નિકાંડમાં અનેક ક્ષતિઓ બહાર આવી રહી છે. એક સારી બાબત તરીકે ફાયરબ્રિગેડના જવાનોએ કોરોના સંક્રમણનો ડર રાખ્યા વગર કોરોના દરદીઓને જીવના જોખમે બચાવ્યા હતા. ત્યાર પછી તેઓ ક્વૉરન્ટીન થયા છે, પણ કેટલાય દરદીઓના જીવ બચી ગયા છે. અમદાવાદમાં આ અગાઉ સરકારી હૉસ્પિટલમાં બાળકોના વૉર્ડમાં શૉર્ટ સર્કિટને લીધે આવી જ આગ લાગવાની ઘટના બની હતી. શ્રેય હૉસ્પિટલની આ ઘટનાએ ઘણાને સુરતની તક્ષશિલા અગ્નિકાંડની પણ યાદ અપાવી હતી. રાજ્ય સરકારે એની તપાસના હુકમો આપ્યા છે. દરમ્યાન હૉસ્પિટલના એક ટ્રસ્ટી ભરત મહંતની પોલીસ દ્વારા પૂછપરછ થઈ રહી છે. અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલોમાં ફાયર-સેફ્ટી માટે કેટલી ગંભીર બેદરકારી અને ઉદાસિનતા અને દરદીઓના જીવન સાથે ખીલવાડ કરવામાં આવે છે એનો આ તાજો દાખલો છે.
આ સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો શહેરમાં મોડી રાત્રે સાડાત્રણ વાગ્યે શ્રેય હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)માં દાખલ કોરોના પૉઝિટિવ દરદીઓના વૉર્ડમાં આગ લાગી હતી. આગમાં કોરોનાના ૮ દરદીઓ જીવતા ભૂંજાયા હતા. આગના સમગ્ર પ્રકરણમાં હૉસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ૪ ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ છે.
અમદાવાદ શહેરના નવરંગપુરામાં આવેલી શ્રેય હૉસ્પિટલમાં કોરોના માટે કોવિડ કૅર સેન્ટર બનાવાયું હતું. મોડી રાત્રે ૩.૩૦ વાગ્યાની આસપાસમાં હૉસ્પિટલમાં ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઇસીયુ)ના બેડ નંબર-૮ના મહિલા દરદીના વાળમાં આગ લાગી હતી. એનાથી અચાનક સ્પાર્ક થયો અને દરદીના અટેન્ડન્ટની પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટમાં આગ લાગી હતી. બે અટેન્ડન્ટ બુઝાવવાનો પ્રયાસ કરતાં તેમની કિટ સળગતાં બન્ને ભાગ્યા હતા. જોતજોતામાં આગે આઇસીયુ વૉર્ડને લપેટમાં લઈ લીધો અને આ રીતે સમગ્ર અગ્નિકાંડ સર્જાયો હતો. આ સમયે આઇસીયુમાં ૧૦ દરદીઓ અને તેમની સાથે મેડિકલ સ્ટાફ હતો, જેમાં તમામ દરદીનાં મોત નીપજ્યાં છે.
શ્રેય હૉસ્પિટલમાં મોડી રાતે આગ કઈ રીતે લાગી એ વિશે સૂત્રો પાસેથી માહિતી મેળવી હતી. હૉસ્પિટલમાં રાતે આઇસીયુ વૉર્ડમાં ૮ જેટલા દરદીઓ અને બે કર્મચારીઓ પીપીઈ કિટ પહેરીને હાજર હતા. રાતે ૩.૩૦ વાગ્યે ૮ નંબરના બેડ પાસે કોઈ કારણસર શૉર્ટ સર્કિટ થયું હતું અને મહિલા દરદીના વાળમાં આગ લાગી હતી. પીપીઈ કિટ પહેરેલા કર્મચારીએ ત્યાં જઈ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીપીઈ કિટમાં આગ લાગી હતી, જેથી તેઓ બચવા માટે તાત્કાલિક ત્યાંથી બહાર દોડી ગયા હતા. આગ સીધી બેડમાં અને ત્યાં રહેલા ઑક્સિજન સિલિન્ડર સુધી પહોંચી હતી અને સિલિન્ડર આગની લપેટમાં આવતાં આખા વૉર્ડમાં આગ લાગી ગઈ હતી. તમામ દરદીઓની ચીસો સંભળાઈ હતી. પીપીઈ કિટ પહેરેલા બન્ને અટેન્ડન્ટ પણ ઈજાગ્રસ્ત થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગ લાગતાં જ ૧૫ મિનિટમાં પોલીસ પહોંચી ગઈ હતી.
અમદાવાદ ફાયરબ્રિગેડના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે રાતે અમે પહોંચ્યા ત્યારે આઇસીયુમાં આગ લાગી હતી અને આખો વૉર્ડ બળીને ખાખ થઈ ગયો છે. બીજી તરફ હૉસ્પિટલમાં બીજા માળે ૪૦ દરદી હતા, ત્યાં સુધી ધુમાડો હતો, જેમાં કેટલાક દરદી તો ઑક્સિજન સાથે હતા. આ બધાની વચ્ચે અમારી ૪૦ ફાયર જવાનોની ટીમ અંદર પહોંચીને પહેલાં તમામ જીવતા લોકોને બચાવીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા હતા. અમારો સ્ટાફ કોરોનાના દરદીઓના સીધા સંપર્કમાં આવ્યો છે અને અમે તેમને હૉસ્પિટલ સુધી લઈ ગયા હતા એટલે અમે હવે ક્વૉરન્ટીન છીએ.
શ્રેય હૉસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ ત્યાં કોરોનાની સારવાર લઈ રહેલા દરદીઓને સરદાર વલ્લભભાઈ પટેલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હૉસ્પિટલે આ વિશે માહિતી આપીને જણાવ્યું છે કે,શ્રેયમાંથી અહીં ૪૧ દરદીઓ અને ૧ ઘાયલ પૅરામેડિકલ સ્ટાફ એમ કુલ ૪૨ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ફાયરબ્રિગેડના જવાનો ક્વૉરન્ટીન થયા



શ્રેય હૉસ્પિટલના આઇસીયુમાં આગે ૧૦ જિંદગી ભરખી લીધી છે ત્યારે આગમાં ફસાયેલાઓને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડના અધિકારી અને સ્ટાફે પોતાના જીવની ચિંતા કર્યા વિના બચાવ કામગીરી કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે હૉસ્પિટલમાં પહોંચીને ૪૦ કોરોનાના દરદીને બહાર કાઢ્યા હતા. ફાયરબ્રિગેડનો સ્ટાફ સીધો કોરોનાના દરદીઓના સંપર્કમાં આવ્યો છે, એથી તમામ ક્વૉરન્ટીન થયા છે.
એક્સપાયરી ડેટનાં ફાયર-સેફ્ટીનાં સાધનો
શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-૧૯ ડેઝિગ્નેટેડ શ્રેય હૉસ્પિટલમાં ગઈ મધરાતે ૩ વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દરદી એવા પાંચ પુરુષ અને ૩ મહિલા સહિત ૮ દરદીનાં મોત થયાં છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમ જ હૉસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હૉસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર-સેફ્ટીનાં સાધનોની તપાસ કરતાં એ પણ એક્સપાયરી ડેટનાં નીકળ્યાં છે. ત્યારે હૉસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દરદીઓના પરિવારજનોને જાણ ન કરી હતી. પરિવારજનોને મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં હૉસ્પિટલમાંથી પાંચ લોકોના મૃતદેહ પીએમ માટે લઈ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હૉસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો છે.


ઑક્સિજનની અછતથી મોત થયાં
કેટલાક લોકોએ તો એવું પણ જણાવ્યું હતું કે હૉસ્પિટલ સાચી માહિતી છુપાવી રહી છે. આ ઘટનામાં આગથી નહીં, પણ ઑક્સિજનની અછતથી મોત થયું હોય એવું લાગે છે. આ સિવાય અમુક લોકોએ તો હૉસ્પિટલ પર આરોપ મૂક્યો હતો કે આ હૉસ્પિટલની મોટી બેદરકારી જ છે. તેમના સ્ટાફને કંઈ નથી થયું અને દરદીઓ મરી ગયા એવું કઈ રીતે બન્યું?

મોદીની બે-બે લાખની મદદ
અમદાવાદની શ્રેય હૉસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાના ૮ દરદીઓનાં મોત નીપજ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ અમદાવાદની શ્રેય હૉસ્પિટલની આગમાં મૃત્યુ પામેલા દરદીઓના પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તો સાથે જ આગમાં ઘાયલ થયેલા દરદીઓને ૫૦,૦૦૦ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે.


ગુજરાતની ૪-૪ લાખની સહાય
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલની આગ-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે તેમ જ પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્ય પ્રધાન રાહતનિધિમાંથી ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ ઘટનામાં ઈજા પામેલા ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે.

હૉસ્પિટલમાં ૪૦ દરદીઓ કોરોનાની સારવાર હેઠળ હતા, જેમાંથી આઠનાં મોત નીપજ્યાં, મૃતકોમાં પાંચ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ. રાત્રે ત્રણ વાગ્યે કોરોનાના આઇસીયુ વૉર્ડમાં શૉર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠી હતી, જોતજોતામાં આઇસીયુ વૉર્ડ બળીને ખાખ, મુખ્ય પ્રધાને તપાસના આદેશ આપ્યા, રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી તપાસ કરશે, ત્રણ દિવસમાં રિપોર્ટ માગ્યો.
શ્રેય હૉસ્પિટલના સંચાલક અને ટ્રસ્ટી ભરત મહંતની પોલીસે અટકાયત કરી, હૉસ્પિટલ સીલ, એફઆઇઆર દાખલ. આઇસીયુમાં સ્પાર્કથી બેડ નંબર-૮ની મહિલા દરદીના વાળ સળગ્યા, બે અટેન્ડન્ટે ઠારવાનો પ્રયાસ કરતાં પીપીઈ કિટ સળગી અને અગ્નિકાંડ સર્જાયો

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2020 12:50 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK