મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર એસી સુપરફાસ્ટ માટે આજથી બુકિંગ શરૂ :રવિવાર સિવાય રોજ દોડશે

Published: 18th September, 2012 04:25 IST

બન્ને દિશામાં ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ ઊભી રહેશેમુંબઈ અને અમદાવાદ વચ્ચે ડબલ ડેકર એસી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનસર્વિસ બુધવારથી શરૂ થઈ રહી છે. ઉદ્ઘાટન વખતે દોડનારી ૦૨૯૩૨ ટ્રેન અને ગુરુવારથી નિયમિત રીતે દોડનારી ૧૨૯૩૧ અને ૧૨૯૩૨ નંબરની ટ્રેનનું બુકિંગ આજથી શરૂ થશે એમ ગઈ કાલે વેસ્ટર્ન રેલવેની સત્તાવાર અખબારી યાદીમાં જણાવાયું હતું.

ગણેશચતુર્થીના દિવસે બુધવારે સાંજે સાડાચાર વાગ્યે આ ટ્રેનને અમદાવાદમાં લીલી ઝંડી બતાવીને વિદાય આપવામાં આવશે. આ ટ્રેન રાત્રે ૧૨.૩૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ આવી પહોંચશે. બીજા દિવસથી આ ટ્રેનની નિયમિત સર્વિસ શરૂ થઈ રહી છે. ગુરુવારે બપોરે ૨.૨૦ વાગ્યે ૧૨૯૩૧ નંબરની આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી ઊપડીને રાત્રે ૯.૪૦ વાગ્યે અમદાવાદ પહોંચશે. ૧૨૯૩૨ નંબરની આ ટ્રેન અમદાવાદથી સવારે છ વાગ્યે ઊપડીને બપોરે ૧.૦૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ આવશે. આ ટ્રેન રવિવાર સિવાયના તમામ દિવસોએ દોડાવવામાં આવશે. બન્ને દિશામાં આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ અને નડિયાદ ઊભી રહેશે.
આ ટ્રેનમાં શરૂમાં નવ કોચ ઉપલબ્ધ થશે, જેમાં સાત કોચ ડબલ ડેકર હશે. એક ડબલ ડેકર કોચમાં ૧૨૮ પૅસેન્જર બેસી શકશે. એમાં મનોરંજન માટે એલસીડી સ્ક્રીન ઉપલબ્ધ થશે, જેમાં જાહેરાતો પણ દર્શાવવામાં આવશે. દરેક કોચમાં એક મિની પૅન્ટ્રી કાર રહેશે અને ફ્રિજ સાથે માઇક્રોવેવ અવન પણ મૂકવામાં આવશે. આ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ પોતાના ખર્ચે સ્નૅક્સ ખરીદી શકશે.

મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચેનું ભાડું આશરે ૪૭૧ રૂપિયા રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત મુંબઈ-સુરત માટે ૩૧૮, મુંબઈ-ભરૂચ માટે ૩૬૧ અને મુંબઈ-વડોદરા માટે ૪૦૬ રૂપિયા ચૂકવવા પડશે.

એસી = ઍર-કન્ડિશન્ડ, એલસીડી = લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK