Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરના પાણીપ્રૉબ્લેમ સામે બધી પાર્ટીના નગરસેવકો મેદાનમાં

ઘાટકોપરના પાણીપ્રૉબ્લેમ સામે બધી પાર્ટીના નગરસેવકો મેદાનમાં

22 May, 2015 03:40 AM IST |

ઘાટકોપરના પાણીપ્રૉબ્લેમ સામે બધી પાર્ટીના નગરસેવકો મેદાનમાં

ઘાટકોપરના પાણીપ્રૉબ્લેમ સામે બધી પાર્ટીના નગરસેવકો મેદાનમાં



ghatkopar



ઘાટકોપર (ઈસ્ટ)ના બે લાખથી વધુ લોકોને ઍરટેલના કૉન્ટ્રૅક્ટરની ભૂલને લીધે ત્રણ દિવસ સુધી પીવાના પાણી વગર રહેવું પડ્યું હતું. આમાં સૌથી મોટી ભૂલ સુધરાઈના જાળવણી વિભાગની હતી, જેણે ઍરટેલને કેબલ નાખવા માટે પરવાનગી આપી હતી. સામાન્ય રીતે મે મહિનામાં કોઈ પણ એજન્સીને ખાડા ખોદવાની સુધરાઈ પરવાનગી આપતી નથી, પણ ઍરટેલને વિશેષરૂપે પરવાનગી આપી હતી. ઘાટકોપર (ઈસ્ટ)ના બધી જ પાર્ટીના નગરસેવકોએ મહાનગરપાલિકાના કમિશનર પાસે આ બાબતની ઇન્ક્વાયરીની માગણી કરીને લોકોને ત્રણ દિવસ સુધી પાણી વગર રાખનારા સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવા કહ્યું છે. આ સિવાય સુધરાઈનો N વૉર્ડ ઍરટેલ સામે એક કરોડ રૂપિયા સુધીનો નુકસાનીનો દાવો કરવા ગઈ કાલથી સક્રિય બન્યો હતો. આની સાથે સ્થાનિક રહેવાસીઓએ પીવાના પાણીનાં કાળાંબજાર કરનારા વેપારીઓ સામે પણ કાયદેસરનાં પગલાં લેવાની માગણી કરી હતી.

ગઈ કાલે બપોરે બે વાગ્યા સુધીમાં વૉટર ડિપાર્ટમેન્ટે પાણીની લાઇન તો રિપેર કરી લીધી હતી, પણ પાણીનો ફોર્સ ન હોવાથી અનેક વિસ્તારોને પાણી પહોંચ્યું નહોતું. પીવાના પાણીની સર્જાયેલી કટોકટીનો ફાયદો પીવાના પાણીની બૉટલોને ધંધો કરી રહેલા વેપારીઓએ લીધો હતો. તેમણે પાણીની બૉટલોનાં લિટરલી કાળાંબજાર કર્યા હતાં.

ઘાટકોપર (ઈસ્ટ)ની વલ્લભબાગ લેનમાં આવેલી એક બૅન્કની સામે ઍરટેલનું કેબલ નાખવાનું કામ શરૂ થયું હતું. સોમવારે કૉન્ટ્રૅક્ટરથી ખોદકામ દરમ્યાન પાણીની પાઇપલાઇનના એક ભાગને નુકસાન થયું હતું. સુધરાઈએ તરત જ આ પાઇપલાઇન રિપેર કરવાની શરૂઆત કરી હતી, પરંતુ કામ દરમ્યાન ખબર પડી કે ઍરટેલના કામને લીધે ત્રણ જગ્યાએ પાઇપને નુકસાન થયું છે. એને પરિણામે ઘાટકોપર (ઈસ્ટ)નાં ૯૦૦થી વધુ બિલ્ડિંગોના રહેવાસીઓને પીવાનું પાણી મળતું બંધ થઈ ગયું હતું. પીવાના પાણી વગર રસોઈ કરવી અશક્ય હતી. બીજી બાજુ સુધરાઈએ પાણીનાં ટૅન્કરો મોકલવાની મોટી-મોટી વાતો કરી, પણ એની પાસે પૂરતાં ટૅન્કરો ન હોવાથી એ લોકોને પીવાનું પાણી આપી શકી નહોતી. આથી લોકો માર્કેટમાંથી પીવાનું પાણી ખરીદવા મજબૂર બન્યા હતા.

આ પરિસ્થિતિ સર્જાતાં સુધરાઈના વૉટર ડિપાર્ટમેન્ટ અને નગરસેવકોએ ઍરટેલના કૉન્ટ્રૅક્ટરની સામે કાયદેસર પગલાં લેવા માટે કમિશનરને અને પંતનગર પોલીસ-સ્ટેશનને કહ્યું હતું. જોકે ગઈ કાલ સાંજ સુધીમાં કૉન્ટ્રૅક્ટર સામે સુધરાઈ તરફથી પંતનગર પોલીસ-સ્ટેશનમાં લેખિત ઍપ્લિકેશન જ કરવામાં આવી છે. સુધરાઈના બધા જ અધિકારીઓ ગઈ કાલે મોડી રાત સુધી લોકોને પાણી વહેલું મળે એ કામમાં બિઝી હોવાથી તેમણે ‘મિડ-ડે’ સાથે વાતચીત કરી નહોતી.

સુધરાઈની આગળની કાર્યવાહીની માહિતી આપતાં કૉન્ગ્રેસના વૉર્ડ-નંબર ૧૨૪ના નગરસેવક પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યુ હતું કે ‘સુધરાઈના N વૉર્ડના અધિકારીઓ ગઈ કાલથી સુધરાઈને ઍરટેલના કૉન્ટ્રૅક્ટરની ભૂલને લીધે થયેલા નુકસાનના આંકડા તૈયાર કરી રહ્યા છે. કેટલાં વૉટર-ટૅન્કરો ગયાં, કેટલા પાઇપ લાગ્યા, કેટલા કર્મચારીઓએ ૭૨ કલાક સુધી રિપેરિંગ-કામ કર્યું જેવી અનેક વસ્તુઓનો સુધરાઈ અત્યારે અંદાજિત ૫૦ લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયાનો ખર્ચ ગણી રહી છે. સુધરાઈ આ ખર્ચ ઍરટેલ પાસેથી વસૂલ કરવા કંપની પર કાયદેસરની કાર્યવાહી કરશે. આ સિવાય લોકોને થયેલો માનસિક ત્રાસ જેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખી ઍરટેલ પર કાર્યવાહી કરવામાં આવશે.’

સુધરાઈના જે અધિકારીઓએ નિયમોમાં ફેરફાર કરીને ઍરટેલને કામ કરવાની પરવાનગી આપી હતી તેમની સામે પણ સસ્પેન્શન ઑર્ડર નીકળે એના માટે પ્રવીણ છેડા સહિત વૉર્ડ-નંબર ૧૨૫નાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાટીનાં નગરસેવિકા રાખી જાધવ અને વૉર્ડ-નંબર ૧૨૭નાં ભારતીય જનતા પાર્ટીનાં નગરસેવિકા ફાલ્ગુની દવેએ કમિશનરને પત્રો લખ્યા છે.

પાણીની સમસ્યાનો સામનો કરી રહેલાં એક મહિલા રહેવાસી મધુ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફક્ત સુધરાઈના અધિકારી અને ઍરટેલ પર જ નહીં, પોલીસે કટોકટીનો ગેરફાયદો લઈને પીવાના પાણીનાં કાળાંબજાર કરનારા વેપારીઓ સામે પણ કાયદેસરનાં પગલાં લેવાં જોઈએ જેથી ભવિષ્યમાં આવી કટોકટી સમયે તેઓ કાળાંબજાર કરવાથી દૂર રહે.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2015 03:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK