કોવિડના નિયમોનો ભંગ કરનાર અંધેરીના ત્રણ પબ સામે ઍક્શન

Published: 23rd February, 2021 09:36 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

મુંબઈમાં હોટેલ કે પબ રાત્રે ૧ વાગ્યા સુધી ઓપન રાખવાની પરવાનગી છે, પણ કેટલાક પબ વહેલી સવાર સુધી તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં એક તરફ કોરોના વાઇરસ ફરી માથું ઊંચકી રહ્યો છે ત્યારે બીજી બાજુ કેટલીક હોટેલોમાં કોવિડના તમામ નિયમોનો ભંગ કરાઈ રહ્યો હોવાથી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યા છે એવી ફરિયાદો પોલીસ અને પાલિકાને મળી રહી છે. અંધેરીમાં ત્રણ પબ મોડી રાત સુધી ધમધમતા હોવાની સાથે અહીં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને પચાસ ટકા લોકોને જ પ્રવેશ આપવાના નિયમોનું પાલન ન થતું હોવાની ફરિયાદ મળતાં પાલિકાના આરોગ્ય વિભાગે પોલીસની મદદથી અહીં કાર્યવાહી કરી હતી.

મુંબઈમાં હોટેલ કે પબ રાત્રે ૧ વાગ્યા સુધી ઓપન રાખવાની પરવાનગી છે, પણ કેટલાક પબ વહેલી સવાર સુધી તમામ નિયમોનું ઉલ્લંઘન કરીને ચાલે છે. કોવિડના કેસમાં ફરી વધારો થવાથી પાલિકા અને પોલીસ ફરી સક્રિય બની છે અને નિયમનો ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે.

અંધેરી (પશ્ચિમ)માં ટી સિરીઝ લેનમાં આવેલા વીરા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના અમેથિસ્ટ સહિતના ત્રણ પબ મોડે સુધી ચાલતા હોવાની સાથે અહીં કોવિડના નિયમોનું પાલન ન કરાતું હોવાની ફરિયાદ મળ્યા બાદ પાલિકાના કે વેસ્ટ વૉર્ડના આરોગ્ય અધિકારી ડૉ. અજિત પમ્પટવારે તેમની ટીમ અને પોલીસની મદદથી અહીં તાજેતરમાં મુલાકાત લીધી હતી. આ ત્રણેય પબના સંચાલકો અને મૅનેજર સહિતના લોકો સામે આંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને તેમની સામે કાર્યવાહી કરાઈ હતી.

આંબોલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું હતું કે પાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ એફઆઇઆર નોંધાવ્યા બાદ અમે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. કોવિડના નિયમની સાથે તેમની સામે આઇપીસીની અન્ય કલમ હેઠળ પગલાં લેવામાં આવશે. હજી સુધી કોઈની ધરપકડ નથી કરાઈ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK