દુકાનદારોને મહિલાના અવાજમાં છેતરનારો પકડાયો

Published: 18th October, 2020 09:16 IST | Mumbai correspondent | Mumbai

જનરલ સ્ટોર્સ, મેડિકલ, જ્વેલરીની દુકાનમાંથી સામાન મગાવીને બિલ્ડિંગના ગેટ પર ડિલિવરી લઈને ભાગી જતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારા પોલીસે ગઈ કાલે એક અજબ ચીટરની ધરપકડ કરી હતી. ૪૦ વર્ષનો આરોપી જનરલ સ્ટોર્સ, મેડિકલ કે જ્વેલરી અથવા કરિયાણાના દુકાનદારને મહિલાના અવાજમાં ફોન કરીને ઑર્ડર આપતો અને સાથે ૨૦૦૦ રૂપિયાના છૂટા લાવવાનું કહેતો. ડિલિવરી લઈને માણસ આવે તો પોતાને ઑર્ડર કરનારી મહિલાએ મોકલ્યો હોવાનું જણાવી સોસાયટીના ગેટ પર ડિલિવરી અને ૨૦૦૦ રૂપિયાના છૂટા લઈને બિલ્ડિંગની અંદર જઈને ગાયબ થઈ જતો હતો. આરોપી સામે થાણે, પાલઘર, નાશિક અને પુણેમાં ચીટિંગના કેટલાક કેસ હોવાનું પોલીસની તપાસમાં જણાયું છે. પોલીસે આરોપીના ઘરે દરોડો પાડીને તેની પાસેથી ૧.૬૦ લાખ રૂપિયા જપ્ત પણ કર્યા હતા.
મીરા-ભાઈંદર, વસઈ-વિરાર પોલીસના પ્રવક્તા તુકારામ તાટકરે કહ્યું હતું કે ‘નાલાસોપારામાં રહેતા દુકાનદારોએ નોંધાવેલી ફરિયાદને પગલે બાતમીદારોની મદદથી છટકું ગોઠવીને નાલાસોપારામાં રહેતા ૪૦ વર્ષના મનીષ આંબેકર નામના યુવકની દુકાનદારો સાથે ચીટિંગ કરવાના આરોપસર ધરપકડ કરાઈ હતી. તેના ઘરમાંથી ૧.૬૦ લાખ રૂપિયા કૅશ મળી આવ્યા હતા. આરોપી મેડિકલ, કરિયાણાની દુકાન, જનરલ સ્ટોર્સ કે જ્વેલરી શૉપમાં મોબાઇલથી મહિલાના અવાજમાં ફોન કરીને ઑર્ડર લેતો હતો. આરોપી મોબાઇલ નંબર પરથી મહિલાના અવાજમાં ઑર્ડર નોંધાવતો હોવાથી દુકાનદારોને જેન્યુઇન લાગતું હતું.’
આરોપીની મોડસ ઑપરેન્ડી વિશે તુકારામ તાટકરે કહ્યું હતું કે ‘આરોપી ૪૦૦થી પ૦૦ રૂપિયાના સામાનનો ઑર્ડર આપીને દુકાનદારને પોતાની પાસે ૨૦૦૦ રૂપિયાની નોટ હોવાથી ડિલિવરી કરનારા માણસને આટલા રૂપિયા છૂટા સાથે લાવવાનું કહેતો. તે પોતાના ઘરે નહીં, પણ સોસાયટીના ગેટ પર ડિલિવરી લેતો અને થોડી વારમાં અંદરથી પૅમેન્ટ લઈ આવવાનું કહીને સામાન અને ૨૦૦૦ રૂપિયાના છૂટા લઈને પલાયન થઈ જતો હતો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK