Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સુખી થવાની સરળ ચાવી

સુખી થવાની સરળ ચાવી

12 September, 2020 05:34 PM IST | Mumbai
Sanjay Raval

સુખી થવાની સરળ ચાવી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઈશ્વર શું છે? ભગવાન શું છે? કોણ છે આ અલ્લાહ અને કોણ છે કૃષ્ણ, કોણ છે રામ? જીઝસ એટલે શું? બુદ્ધ કોણ છે, કોઈએ તેમને જોયા છે કે પછી એ વાતો જ છે? કોણ છે આ બધા? એ વ્યક્તિરૂપી ઈશ્વર છે કે પછી તેઓ કોઈ ધર્મગ્રંથસ્વરૂપે ઈશ્વર છે કે પછી આ કોઈ અદૃશ્ય શક્તિ છે? આ અને આવા સવાલો મને હંમેશાં પૂછવામાં આવે છે અને જ્યારે આ સવાલ પાછળની સ્ટોરી સાંભળો ત્યારે ખબર પડે કે પૂછનારા ભાઈ કાં તો કોઈ જગ્યાએ નુકસાની કરીને બેઠા છે, કાં તો પરીક્ષામાં ગૂટલી મારી દીધી છે. કાં પ્રેમ મળ્યો ન હોય અને એકપક્ષીય પ્રેમમાં ભાઈ ગાંડા થયા હોય ને કાં જીવનથી થાકી ગયા હોય, નાસીપાસ થઈ ગયા હોય. આવું બન્યું હોય ત્યારે જ આવા સવાલો પૂછવામાં આવતા હોય છે. હરામ છે કોઈએ કુતૂહલથી કે પછી જાણવાની જિજ્ઞાસાથી આ સવાલ મને પૂછ્યો હોય અને પૂછવા ઇચ્છતા પણ હોય. તમે પણ જોજો, ભગવાન છે કે નહીં એવો સવાલ તમારા મનમાં પણ ત્યારે જ થતો હશે જ્યારે હતાશાએ તમારા મનમાં ઘર કરી લીધું હોય.

ભગવાન છે કે નહીં એની ચર્ચા આપણે કરવી છે, પણ એ ચર્ચા પહેલાં મારે તમને કહેવું છે કે જો તમે આ પ્રકારની હતાશા સાથે ભગવાનને શોધવા જશો તો ભગવાન હશે તો પણ ભાગી જશે. જીવનમાં નબળી માનસિકતા ધરાવતા લોકોને કોઈ મળવા નથી માગતા, અને શું કામ મળે પણ ખરા? શું કામ કોઈ નકારાત્મક માનસિકતા પોતાના માથા પર લે? ભગવાન છે કે નથી એનો જવાબ હું જ તમને આપીશ, પણ મિત્રો, એક વાત યાદ રાખજો કે ભગવાન છે કે નથી એવા સવાલ મનમાં લાવવો જ નહીં. એક પત્રકારમિત્ર મારા ભાઈબંધ છે. તેમને લીધે જ આ કૉલમ લખવાનું બન્યું. તેઓ એક સરસ વાત કર છે કે જો ભૂત છે તો ભગવાન છે અને જો ભૂત નથી તો ભગવાન નથી.



બહુ વાજબી લૉજિક સાથેનો આ તર્ક છે, પણ એમાં હું સહમત નથી. હું તો કહીશ કે ભગવાનનું સ્વરૂપ કોઈ પણ હોય, ભગવાન છે તો ખરા. આ વાતને પ્રેમથી સ્વીકારીને જોશો તો તમને પણ ભગવાન જોવા મળશે. ભગવાન ઘણાબધા સ્વરૂપે આપણી સમક્ષ છે. જે લોકો જીઝસમાં માને છે તેમને માટે તે ભગવાન છે, જે જૈન છે અને તીર્થંકરમાં માને છે કે વૈષ્ણવ છે અને હવેલીમાં માને છે તેમને માટે શ્રીનાથજીબાવા કૃષ્ણ ભગવાન છે અને એવી જ રીતે લોહાણાઓ રામને અને જલારામબાપાને ભગવાન માને છે. એમ જ લોહાણા માટે જલારામબાપા ભગવાન છે અને એવું જ ધર્મ મુજબ છે. હિન્દુ છે તેમને માટે હિન્દુઓના ભગવાન છે, મુસ્લિમ છે તેમને માટે અલ્લાહ છે અને ક્રિશ્ચિયન માટે જીઝસ છે. તમે તેને રામ કહો, રહીમ કહો કે જીઝસ કહો. કોઈ ફરક નથી પડવાનો. હમણાં મેં એક વૉટ્સઍપ પર મેસેજ વાંચ્યો. એ મેસેજ મને ખૂબ ગમ્યો.


મારે એ મેસેજની વાત કરવી છે તમને. હિન્દુઓનાં ટેમ્પલ, મુસ્લિમોની મસ્જિદ અને ક્રિશ્ચિયનનું ચર્ચ. આ ત્રણેયના અંગ્રેજી સ્પેલિંગ એક વખત ચેક કરજો. ૬ અક્ષરનો સ્પેલિંગ છે. હવે આ બધાના ધર્મગ્રંથને જોઈએ; ગીતા, કુરાન અને બાઇબલ. બધાના અંગ્રેજીના સ્પેલિંગ પાંચ અક્ષરના થાય છે. હવે જરા ગણિત સાથે આ અક્ષરોની ગણતરીને બેસાડીએ. TEMPLEના કુલ થયા ૬ અક્ષર, એમાંથી તમે GEETAના પાંચ અક્ષર બાદ કરો તો શું વધે. જવાબ છે એક. એવું જ MASJID અને CHURCHમાં પણ થશે. MASJIDમાંથી તમે QURANને બાદ કરો તો શું વધે છે? એક અને હવે CHURCHમાંથી  BIBLE તમે બાદ કરો એટલે કે છમાંથી પાંચ બાદ કરો તો શું વધે?

જવાબ છે એક અને એનો અર્થ થયો કે ભગવાન છે એક.


આ મારું કોઈ ગણિત નથી. આ તો આપણી આંખ સામેનો હિસાબ છે અને આ હિસાબ સાચો છે. ઈશ્વર એક જ છે અને આ અદૃશ્ય શક્તિ જ આ સંસારને ચલાવવાનું કામ કરે છે. હવે તમે ઈશ્વરમાં માનો કે પછી આ અદૃશ્ય શક્તિમાં માનો એ તમારા પર છે અને તમારે એ જોવાનું છે કે કઈ વાતનો વિશ્વાસ કરવો.

 

તમે એક સવાલનો મને જવાબ આપો.

તમે મંદિરમાં ભગવાનનાં દર્શન કરો છો એ શું કામ હોય છે?

જવાબ છે, મંદિરમાં જે મૂર્તિ છે એમાં કે પછી જે-તે મંદિરમાં તમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે એટલે. આ શ્રદ્ધાને લીધે તમને થાય છે કે મારે મંદિરમાં જવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. રાઇટ. હવે કહો જોઈએ કે આ વાત માનવા માટે તમે ક્યારે તૈયાર થયા? જયારે તમારા મને હા પાડી ત્યારે એટલે કે મનને પહેલાં મંદિર બનાવવું પડ્યું. તમે મનને મંદિર બનાવ્યું અને એણે હા પાડી, વિશ્વાસ અપાવ્યો એટલે તમે એ મંદિરમાં આવ્યા, તમે દર્શન કર્યાં. જેનો સીધો અર્થ એ થયો કે તમને જેણે વિશ્વાસ અપાવ્યો એને તમારે ભગવાનનું સ્થાન આપવું જોઈએ. હવે તમે જ કહો કે તમને જેના પર વિશ્વાસ છે કે પછી જેના પર ભરોસો છે એ કટોકટીના સમયે તમારી બાજુમાં ઊભો રહે છે તો એ પણ ભગવાન જ થયો, કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે આપણને જ્યારે જરૂર પડે ત્યારે ઈશ્વર હેલ્પ કરે છે. હવે ઈશ્વરને બદલે માનો કે કોઈ ભાઈબંધે હેલ્પ કરી કે પછી માબાપે હેલ્પ કરી, કોઈ અજાણ્યા માણસે હેલ્પ કરી તો તે ભગવાન જ થયોને. કરનારા એવી દલીલ કરી શકે કે એ તો તેને ભગવાને મોકલ્યો હતો એટલે આવ્યો, પણ મારું કહેવું એ છે કે આ તર્કના આધારે જીવવા કરતાં આંખ સામે જે આવી ગયો, જેણે મદદ કરી લીધી અને તમને ઉગારી લીધાતેના પર જ ભરોસો રાખોને. આસ્થા રાખવી જ છે, વિશ્વાસ રાખવો જ છે તો અદૃશ્ય શક્તિ પર રાખવાને બદલે જેના પર તમને વિશ્વાસ છે એવી વ્યક્તિ પર રાખશો તો ઓછા દુખી થશો અને ઓછામાં ઓછી હેરાનગતિ તમારે સહન કરવી પડશે. હું તો આ જ થિયરીમાં માનું છું અને વિશ્વાસ ધરાવું છું કે મને જેના પર વિશ્વાસ છે એ વિશ્વાસુ વ્યક્તિ જ મારો ભગવાન.

જો મારી આ વાત સાથે સહમત થાઓ તો સારી વાત છે, બાકી તમને સમજાવવા માટે મારી પાસે એક બહુ સરસ વાર્તા પણ છે.

એક રાજાએ તેના ગુરુને પ્રશ્ન કર્યો, ‘મહારાજ, એવું કહેવાય છે કે ઈશ્વરની ઇચ્છા વિના પાંદડું પણ નથી હલતું, માણસ પણ કંઈ નથી કરી શકતો તો પછી માણસ કર્મના બંધન સાથે શું કામ જોડાયેલો રહે છે, શું કામ તેણે સારાં-નરસાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. સવાલ સાંભળીને ગુરુએ રાજાને એક જોરદાર તમાચો મારી દીધો. રાજાનો ગાલ લાલચોળ થઈ ગયો અને રાજા સમસમી ગયો. બે ઘડી તો તેને કંઈ ખબર પડી નહીં અને પછી જેવી સભાનતા આવી કે રાજાએ પોતાના જ ગુરુને પકડવાનો આદેશ આપી દીધો.

તરત જ ગુરુ બોલ્યા, ‘રાજન એક મિનિટ, આ લાફો મેં નથી માર્યો. આ તો ઈશ્વરની ઇચ્છા હતી અને મેં તો માત્ર પાલન કર્યું છે એટલે તમે મને એને માટે કેદ ન કરી શકો. મહારાજને પોતાનો જવાબ મળી ગયો અને તમને પણ સમજાઈ ગયું હશે. જો ન સમજાયું હોય તો સમજાવું કે ઈશ્વરની ઇચ્છા સમજી લો તો બધું સરળ થઈ જાય છે. ઈશ્વરની ઇચ્છાને આધીન થઈ જાઓ તો ક્યાંય માન-અપમાન કે સાચું-ખોટું પણ નહીં લાગે. સ્વાભિમાનના નામે ઝંડો પકડીને આપણે દોડતા હોઈએ છીએ અને બીજા સાથે ઈગો ઇશ્યુ ઊભા કરી લઈએ છીએ એ પણ નહીં થાય. નિષ્ફળ જઈએ ત્યારે નાસીપાસ આપણે થઈએ છીએ, પણ એવું કરવાને બદલે કાં તો ભગવાન પર શ્રદ્ધા રાખીને તેની ઇચ્છા છે એવું માનવાનો પ્રયાસ કરો અને કાં તો તમારા પર વિશ્વાસ રાખીને નવેસરથી આગળ વધી જાઓ. આગળ વધવું આવશ્યક છે. પરિણામ સાથે બેસી રહેવાને બદલે બહેતર છે કે સમયને માન આપીને નવા આયામ મેળવો અને એ દિશામાં નવાં શિખર સર કરો. મિત્રો, ભગવાન છે કે નહીં એના વિશે તર્કવિતર્ક લાંબો સમય સુધી અને મહિનાઓ સુધી કરી શકાય છે, પણ જો એ ન કરવા હોય તો આ એક જ લાઇન યાદ રાખવાની,

તું જ તારો ઈશ્વર, તું જ કર મહેનત.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

12 September, 2020 05:34 PM IST | Mumbai | Sanjay Raval

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK