આજની ફિલ્મો અને ફિલ્મોની આજઃ યે ક્યા હો રહા હૈ

Published: Oct 13, 2019, 16:36 IST | આરંભ હૈ પ્રચંડ – ભવ્ય ગાંધી | મુંબઈ

સિત્તેરના દસકાના લોકોને આજની ફિલ્મ ખરાબ લાગે છે અને દસ વર્ષ પછી, આજનું ઑડિયન્સ પણ આ જ ફરિયાદ કરવાની છે

ગ્રૅન્ડ મસ્તી
ગ્રૅન્ડ મસ્તી

‘ફિલ્મો અને સિરિયલોએ તો દાટ વાળ્યો છે. આજની આ ફિલ્મો જોઈને આજના છોકરાઓ ન કરવાનું કરી બેસે અને પછી પસ્તાવાનો વારો આવે. ફિલ્મોએ ખરેખર હદ કરી દીધી છે, આવી તે કાંઈ ફિલ્મો બનતી હશે? અમારા સમયમાં તો કેટલી સરસ ફિલ્મો બનતી અને કેવાં સરસ ગીતો હતાં એ ફિલ્મોમાં. બધા સાથે બેસીને એ જોઈ શકો, એની સામે આજે, આજે એક ફિલ્મ એવી નથી બનતી જે ફૅમિલી સાથે બેસીને જોઈ શકાય. વિચિત્ર અને દ્વિઅર્થી ગીતો અને સંવાદો. કાનમાં કીડા પડે એવી ગાળો. ત્રાસ છૂટી જાય છે. ખબર નહીં લોકોને આવું કેમ ગમતું હશે અને હું તો કહું છું કે ગમતું હશે કે કેમ એ પણ મોટો સવાલ છે. આવી ફિલ્મો ચાલવી જ ન જોઈએ.’

આ મારી ભાવના નથી, આમાં મારા કોઈ વર્ડ્ઝ પણ નથી. આ આજના વડીલોની, આપણા એલ્ડર્સની ફરિયાદ છે અને આવી ફરિયાદ તમે પણ તમારા વડીલો પાસેથી સાંભળી હશે. ધારો કે તમે પોતે જ વડીલની કૅટેગરીમાં આવી ગયા હો તો કદાચ આ તમારી પોતાની ફીલિંગ્સ પણ હોઈ શકે અને તમને પણ થતું હશે કે શું કામ આવી ફિલ્મો બને છે?

આ ફિલ્મો સારી છે અને એટલે જ આજની આ ફિલ્મો ૧૦૦ કરોડ અને ૨૦૦ કરોડનો બ‌િઝનેસ કરે છે. એમ છતાં શું કામ લોકો આવી ફરિયાદ કરે છે? શું ખરેખર આજે ફિલ્મની ક્વૉલિટી બગડી છે? શું ખરેખર ફિલ્મ જોવાથી માનસ પર ખરાબ અસર થઈ શકે છે? શું આજની આ ફિલ્મોથી બાળકો બગડે એવી શક્યતા સાચે જ છે?

આ પ્રશ્નો વિશે જ આપણે આજે વાત કરવી છે અને આ વાતનો મુખ્ય પૉઇન્ટ એ છે કે આ બધા માટે ખરેખર ફિલ્મોને દોષ દેવો કે નહીં?

સૌથી પહેલા હું એક સ્પષ્ટતા સાથે કહું કે હા, ફિલ્મોનું સ્તર હવે નીચું આવ્યું છે એ ફરિયાદ સાચી છે. એમાં સંવેદનશીલ મુદ્દાઓ પણ આવે છે અને ભારોભાર અશ્લીલતા પણ આવે છે. નાહકની મારધાડ પણ છે અને ગાળાગાળ પણ ખૂબ છે. આજે એક ટ્રેન્ડ ચાલ્યો છે મૅચોઇઝમનો, અને ફિલ્મોમાં ખોટું મૅચોઇઝમ દેખાડવામાં આવે છે, જેની માનસ પર આડઅસર થાય છે. આ આડઅસર પાછળ ક્યાંક ને ક્યાંક જો ફિલ્મોને દોષ દેવામાં આવે તો એ ખોટો નથી.

જ્યારે તમે કોઈ ફિલ્મ જુઓ ત્યારે એની અસર તમારા મનમાં ક્યાંક ને ક્યાંક રહેવાની જ છે અને ક્યાંક ને ક્યાંક લોકો જે રિયલ લાઇફમાં નથી કરી શકતા કે એની પોતાની ઇમેજિનેશનની બહાર છે એ બધું ફિલ્મોમાં જુએ ત્યારે તેમને એવું લાગે કે જે થઈ રહ્યું છે એ બરાબર છે, આવું જ થવું જોઈએ.

આ અસર વચ્ચે એ વાતને લોકો ધીમે-ધીમે રિયલ લાઇફમાં અમલ કરવાનું કે કરાવવાનું શરૂ કરી દે છે. એ બધું કાલ્પનિક છે, પણ એમ છતાં જ્યારે એવું કરવાનું મન થાય ત્યારે જાતને જસ્ટિફિકેશન પણ મળવા માંડે છે અને પોતાની જાતને સમજાવવા માંડે છે કે આ બધું કરનારા પણ માણસ જ છેને, જો તેને એવું લાગતું હોય કે આવું કરાય તો કરી શકાય. કંઈ ખોટું નથી એમાં.

આ જ હકીકત સાથે એક હકીકત એવી પણ છે કે આજે જે વડીલો ફિલ્મોને ગાળો ભાંડે છે તેમની પાસે તેમના વડીલો ફિલ્મોને ભાંડતા હતા. ૯૦ના દસકાના લોકોને ૧૯૭૦ની ફિલ્મ સારી લાગતી અને ૭૦ના દસકાના લોકોને ૫૦ અને ૬૦ના દસકાની ફિલ્મો ગમતી હતી અને એ ફિલ્મોમાં તથ્ય લાગતું હતું. બન્ને વડીલો પોતપોતાના સ્તરે સાચા જ છે. હમણાંની વાત કહું તમને. એક રિયલિટી શોમાં વહીદા રહેમાને એવું સ્ટેટમેન્ટ કર્યું હતું કે અમારા સમયમાં તો ઝાડ પાછળ હીરો-હિરોઇન જાય એને પણ ખરાબ ગણવામાં આવતું અને એ સીન સેન્સર-બોર્ડ કપાવી નાખતો હતો. ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘ખલનાયક’ના ગીત ‘ચોલી કે પીછે ક્યા હૈ...’ માટે સેન્સર-બોર્ડે વિરોધ કર્યો હતો અને એ વિરોધ સામે બહુ વિવાદ પણ થયો હતો તો પાંચ વર્ષ પહેલાં આવેલી ‘ઉડતા પંજાબ’ આખેઆખી ફિલ્મ સેન્સર-બોર્ડે અટકાવી દીધી હતી અને એને રિલીઝ કરવાનો ઑર્ડર હાઈ કોર્ટમાંથી લેવામાં આવ્યો હતો.

વીતેલી પેઢીને ક્યારેય એવું લાગવાનું જ નથી કે ફિલ્મો સારી બને છે. એ ધ્યાનમાં રાખીને હું કહેવા માગીશ કે ફિલ્મો ક્યારેય સારી બનતી નથી, ક્યારેય સારી બનવાની નથી અને ક્યારેય એ શક્ય બનવાનું નથી. આનું કારણ છે કે ફિલ્મો જોનારો વર્ગ હંમેશાં બે એજ-ગ્રુપમાં વેચાયેલો રહ્યો છે. એક ગ્રુપને એમ લાગે છે કે ફિલ્મો બગડી રહી છે, એની ક્વૉલિટી ઊતરતી થઈ રહી છે તો બીજા વર્ગને લાગે છે કે આજે જે ફિલ્મો બને છે એવ‌ી ફિલ્મો અગાઉ ક્યારેય બની જ નહોતી. ફિલ્મો હવે ખૂબ સરસ બને છે અને આવી ફિલ્મો અગાઉના મેકર્સ કલ્પી પણ નહોતા શકતા.

એક વાત સાથે હું પણ વડીલો સાથે ઍગ્રી થઈશ કે ફિલ્મોમાં વાત-વાતમાં ગંદી ગાળો અને મારામારી આવે છે એનો અતિરેક થઈ રહ્યો છે. ખરેખર એ જોતી વખતે એક વિચાર આવી જાય કે ક્યાંય ક્યારેય કોઈને આટલી ગાળો બોલતા જોયા નથી તો આ લોકો કેવા કલ્ચરમાં રહેતા હશે કે આ રીતે ગાળો બોલતા હશે? શું ખરેખર આ લોકોના ઘરમાં આટલી છૂટથી ગાળો બોલાતી હશે ખરી? હું તો માનું છું કે ગુંડાઓ કે અન્ડરવર્લ્ડના ડૉન પણ એક શબ્દ અને બે ગાળના રેશિયો પર વાતચીત નહીં કરતા હોય. ગાળની ડાયલૉગ્સમાં જરૂરિયાત હોય એવું મને લાગતું જ નથી. આપણે વાત ફિલ્મોની કરીએ છીએ, પણ મને અત્યારે બે વેબ-સિરીઝ યાદ આવે છે. ઍમેઝૉન પ્રાઇમની ‘ધી ફૅમિલી મૅન’ અને નેટફ્લિક્સની ‘બાર્ડ ઑફ બ્લડ.’

‘ધી ફૅમિલી મૅન’માં એટલી ગાળો છે કે તમને થાક લાગે અને એ ગાળો અર્થહીન રીતે આવે છે, વાહિયાત રીતે આવે છે. મારા જેવા ન્યુકમરને પણ સમજાય કે એની કોઈ આવશ્યકતા છે જ નહીં. ‘ધી ફૅમિલી મૅન’ પછી હવે વાત કરું તમને ‘બાર્ડ ઑફ બ્લડ’ની, શાહરુખ ખાનના પ્રોડક્શન-હાઉસની આ વેબ-સિરીઝ બકવાસ છે, પણ એમાં માંડ કદાચ એક કે બે ગાળ આવે છે. કહેવાનો અર્થ એ નથી કે ગાળ નહીં હોવાને કારણે એ વેબ-સિરીઝ બકવાસ છે, પણ કહેવાનો અર્થ એ છે કે ગાળની કોઈ જરૂરિયાત હોતી નથી અને ગાળો મોટા ભાગનાં ઘરોમાં પૉપકૉર્નની જેમ ફૂટતી પણ નથી હોતી.

ગાળ માટે મને પણ શરમ આવે છે. પૈસા તો ચોર પણ કમાઈ લે છે એટલે પૈસાને મહત્વ નહીં, નીતિને મહત્વ આપવું જોઈએ. સમજવું જોઈએ કે આવું કરવાથી કોઈ ઑડિયન્સ ખુશ નથી થતું. આજે તમે જુઓ ‘વૉર’નું કલેક્શન કેવું તોતિંગ રહ્યું. ફિલ્મ વિશે વધારે વાત નથી કરવી, પણ એટલું તો કહેવું જ પડશે કે એ ફૅમિલીને ગમે એવી સાફસૂથરી ફિલ્મ છે અને એ જ સૌથી મોટું કારણ છે એના બૉક્સ-ઑફિસ કલેક્શન માટેનું. સારું બનાવવું એ તમારી ફરજ છે અને સારું જોવું એ ઑડિયન્સની ફરજ છે. આ બન્ને ફરજમાં ક્યાંક કોઈ ખોટ રહી જશે તો ચોક્કસ આ બૅલૅન્સ બગડશે અને એ બૅલૅન્સ ન બગડે એ માટે બન્ને પક્ષે સજાગ રહેવાનું છે. જો સારી ફિલ્મોને, સાફસૂથરી ફિલ્મોને તમે નકારી દેશો તો એવી ફિલ્મ બનાવવાની હિંમત પ્રોડ્યુસર બીજી વખત નહીં કરે. બધા રોહિત શેટ્ટી નથી હોતા કે એ જે બનાવવા માગે એ બનાવી શકે. રોહિત શેટ્ટી બનવું અઘરું પણ નથી. એને માટે તમારે તમારા કામને નિષ્ઠાપૂર્વક વળગી રહેવું પડશે અને કામને પૂરા મનથી કરવું પડશે.

આ પણ વાંચો : તેરા મેલા પીછે છૂટા રાહી, ચલ અકેલા : વારુ ત્યારે આપો જવાબ, આ સમાજ માટે તમે શું કરો છો?

હું કહીશ કે આજના સમયમાં જો કંઈ બનાવવું સહેલું હોય તો એ ‘કબીર સિંહ’ છે અને જો કંઈ બનાવવું અઘરું હોય તો એ ‘ગોલમાલ’ કે ‘સિંઘમ’ છે. ‘ગોલમાલ’ને અવૉર્ડ નહીં મળે, પણ એ સોસાયટીને બગાડવાનો અપજશ પણ નહીં કમાય એ પણ નક્કી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK