Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દોઢસો વર્ષથી નવી રહેલી નવી વાડી

દોઢસો વર્ષથી નવી રહેલી નવી વાડી

02 May, 2020 04:24 PM IST | Mumbai Desk
Deepak Mehta | deepakbmehta@gmail.com

દોઢસો વર્ષથી નવી રહેલી નવી વાડી

દોઢસો વર્ષથી નવી રહેલી નવી વાડી

દોઢસો વર્ષથી નવી રહેલી નવી વાડી


આ છે નવી વાડી. ઓછામાં ઓછાં દોઢસો વર્ષથી તો નવી ને નવી જ છે. જૂની થઈ જ નથી! છે તો દાદીશેઠ અગિયારી લેનની એક બાયલેન અને પાછી આંધળી ગલી – બ્લાઇન્ડ લેન. પણ આ વિસ્તારમાં એનું મહત્ત્વ ઘણું. દાદીશેઠ અગિયારી લેનના મુખ આગળથી ત્રણ-ચાર મિનિટ ચાલો કાલબાદેવી રોડ તરફ તો ડાબા હાથે આવે. પાઠારે પ્રભુ જમાતના લોકો મુંબઈમાં બહુ વહેલા આવીને વસેલા. ઘણા માને છે કે ગુજરાતના રાજા બિંબદેવ (કે ભીમદેવ)ની સાથે પાટણથી મુંબઈ આવેલા. મૂળ ગુજરાતી, પણ અહીં રહી મહારાષ્ટ્રના બની રહ્યા. તેમની બોલાતી ભાષામાં આજે પણ ક્યાંક-ક્યાંક ગુજરાતીની છાંટ જોવા મળે. હવે પછી ક્યારેક આપણે જ્યાં જવાના છીએ એ ઝાવબાની વાડી વિસ્તારમાં તેમની મોટી વસ્તી, પણ પછી ત્યાં જગ્યા ઓછી પડવા લાગી એટલે કેટલાક પ્રભુઓ નજીકના આ વિસ્તારમાં આવીને વસ્યા અને આ ગલીને નામ આપ્યું નવી વાડી. આ નામ કોણે, ક્યારે આપ્યું એની વિગત મ્યુનિસિપાલિટીના ચોપડે પણ નોંધાઈ નથી. પણ આ એક નામ સિવાય બીજા કોઈ નામે એ ક્યારેય ઓળખાતી હોય એવું પણ જાણવા મળતું નથી. આ આંધળી ગલીનો બીજો છેડો લગભગ ઝાવબાની વાડી સુધી પહોંચે છે છતાં આ ગલીને એ વિસ્તાર સાથે જોડવાને બદલે એને બ્લાઇન્ડ લેન કેમ રાખી હશે એ પણ સમજવું મુશ્કેલ છે. ખેર, આ નવી વાડીમાં એક મંદિર છે. બહુ વિશાળ કે ભવ્ય કે સુંદર નથી, પણ છે ખાસ્સું જૂનું. આજે આ મંદિર જ્યાં ઊભું છે એ જગ્યા અગાઉ રામચંદ્ર રઘુનાથજી ત્રિલોકેકરની હતી પણ એ વખતના દસ્તાવેજમાં આવા કોઈ મંદિરનો ઉલ્લેખ નથી. ૧૮૭૪માં એ જગ્યા પાંડુરંગ દીનાનાથજી વેલકરે ખરીદી હતી અને એ અંગેના દસ્તાવેજમાં પણ મંદિરનો ઉલ્લેખ નથી. પણ ૧૮૭૮માં જ્યારે ગજાનનરાવ વેલકરનો જન્મ થયો ત્યારે મંદિર હયાત હતું. એટલે કે ૧૮૭૪ અને ૧૮૭૮ વચ્ચે ક્યારેક એ બંધાયું હોવું જોઈએ. મંદિરના ઉત્તર દિશાના ખૂણામાં કુદરતી સ્તંભના આકારનો પથ્થર છે, જેને મહેશ્વરીદેવીની સ્વયંભૂ મૂર્તિ માનીને પૂજવામાં આવે છે. લોકવાયકા પ્રમાણે આ જગ્યાએ અગાઉ એક ચંપાનું ઝાડ હતું. જગ્યાના એ વખતના માલિકને પોતાનું મકાન વધુ મોટું કરવું હતું અને એ માટે આ ઝાડ કાપવાનું જરૂરી હતું, પણ જ્યારે એ ઝાડ કાપવાની શરૂઆત થઈ ત્યારે ગેબી અવાજ સંભળાયો: ‘મી આહે, મી આહે’ (હું છુ, હું છું). આ સાંભળીને ઝાડ કાપવાનું કામ રોકવામાં આવ્યું અને કેટલાક પંડિતોને બોલાવીને તેમની સલાહ માગવામાં આવી. તેમણે કહ્યું કે અહીં અદૃશ્ય દેવીનો વાસ છે. જમીનના માલિકે મકાન મોટું કરવાની યોજના પડતી મૂકી ખૂબ કાળજીપૂર્વક ચંપાના ઝાડને દૂર કર્યું, યજ્ઞ કર્યો. ઝાડના મૂળ આગળ આ સ્વયંભૂ મૂર્તિ જોવા મળી. પછી એ જગ્યાએ મંદિર બંધાયું અને માહેશ્વરી દેવીની મૂર્તિની સ્થાપના થઈ. પાઠારે પ્રભુ કોમનાં મુંબઈમાં બે મુખ્ય મંદિર. એક પ્રભાદેવી અને બીજું આ નવી વાડીનું માહેશ્વરીદેવીનું મંદિર.

આ દેવીની મૂર્તિની બે ખાસિયત છે. કેશવરાવ ખંડેરાવ ગોરક્ષકરનાં પત્નીને એક વાર અકસ્માત નડ્યો અને હાથે કાયમી ખોડ આવી. ત્યારે તેમણે આ દેવીની માનતા માની કે જો મારો હાથ સાજોસારો થઈ જશે તો હું દેવીને મારા મોઢા જેવો ચાંદીનો મુખવટો ચડાવીશ. થોડા વખતમાં તેમનો હાથ સાજોસારો થઈ ગયો અને તેમણે ચાંદીનો મુખવટો દેવીને ચડાવ્યો. જોકે આ મુખવટો દેવીને રોજ પહેરાવવામાં આવતો નથી, પણ ગોરક્ષકર કુટુંબના ઘરે રાખવામાં આવે છે. પણ બીજો એક ચાંદીનો મુખવટો દેવીને રોજ પહેરાવવા માટે વપરાય છે. ગજાનન વિનાયક વેલકરે એ ભેટ આપ્યો હતો. દર વર્ષે કાર્તકી પૂનમથી નવી વાડીનો મેળો ભરાય ત્યારે ગોરક્ષકર કુટુંબના ઘરેથી આ મુખવટાને ધામધૂમથી લાવીને દેવીને પહેરાવવામાં આવે છે અને દસ દિવસ મેળો ચાલે ત્યાં સુધી એ મૂર્તિ પર રહે છે. અગાઉ આ મેળાનું ઘણું મહત્ત્વ હતું. આખી દાદીશેઠ અગિયારી લેનમાં જાતજાતની દુકાનો મંડાતી. સાંજ પડે ત્યારે કીડિયારું ઊભરાતું. માતાનાં દર્શન માટે આખા મુંબઈમાંથી પાઠારે પ્રભુ લોકો અહીં આવતા. પ્રસાદમાં સાકરિયાં બદામ અને કાજુ વહેંચાતાં. પણ હવે વખત જતાં આ મેળાનું નથી એટલું મહત્ત્વ રહ્યું કે નથી એવી લોકપ્રિયતા રહી. આ મેળાની શરૂઆત સાથે પણ એક દંતકથા સંકળાયેલી છે. દામોદર સુંદરજીનું નાક એક વખત ખૂબ સોજી ગયું અને કેમે કરી સોજો ઓછો થાય જ નહીં. લોકો તેમને જોઈને મશ્કરી કરવા લાગ્યા. ઘણાં દવા-ઓસડ કર્યાં પણ સારું થાય નહીં. એટલે તેમણે બાધા રાખી કે જો મને સારું થઈ જશે તો હું દર વર્ષે માતાનો મેળો ભરીશ. અને થોડા જ વખતમાં તેમનો રોગ દૂર થયો. એટલે તેમના દીકરા દામોદરે કેટલાક ઓળખીતા મીઠાઈવાળા, વાસણ અને રમકડાંના વેપારીઓ અને બીજા ફેરિયાને ભેગા કરી તરત જ મેળો ભર્યો. બાપ-દીકરો મીઠાઈ અને રમકડાં બાળકોને પોતાના તરફથી ભેટ આપતા. આ લખનાર બાળપણમાં દર વર્ષે દસે દિવસ સાંજે આ મેળામાં જતો અને રોજ બીજું કંઈ નહીં તો બે પૈસાનો ગૅસનો ફુગ્ગો ખરીદીને ફુલાઈને ફાળકો થતો એ આજેય યાદ છે.
હવે નવી વાડીમાંથી નીકળી આગળ ચાલીએ. એક જમાનામાં અહીં જાતભાતની દુકાનો હતી. આજે હવે આખી દાદીશેઠ અગિયારી લેન પેપર માર્કેટ બની ગઈ છે. જાતજાતના કાગળ, કાર્ડ, પૂંઠા, કંકોતરી વગેરેની હારબંધ દુકાનો જોવા મળે. થોડે આગળ જતાં આવે ફણસવાડી. આમ તો આખા મુંબઈમાં આવાં નામ જોવા મળે, પણ ગિરગામ વિસ્તારમાં થોડાં વધુ. કાંદાવાડી, ફોફળવાડી, તાડવાડી, મુગભાટ લેન, જામ્બુલવાડી, આંબેવાડી, કેળેવાડી અને આ ફણસવાડી. એક જમાનામાં આ ગિરગામનો વિસ્તાર અને એની પાછળનો વિસ્તાર પણ ખેતરોથી ભર્યો હતો એટલે આવાં નામ. અને પેલો પાછળનો વિસ્તાર તો આજે પણ ખેતવાડી તરીકે જ ઓળખાય છે. પણ આપણે તો જવું છે ફણસવાડીમાં. હવે એનું સત્તાવાર નામ છે સીતારામ પોદાર માર્ગ. પણ લોકો તો ફણસવાડી તરીકે જ ઓળખે છે. ફણસવાડીમાં દાખલ થયા પછી નજર જરા ડાબી બાજુ રાખજો. થોડું ચાલીશું એટલે જોવા મળશે એક મોટો ઊંચો થાંભલો, આખો સોનાના પતરાથી મઢેલો. આ છે ફણસવાડીનું શ્રી બાલાજી મંદિર. અદ્દલ દક્ષિણ ભારતીય સ્થાપત્યશૈલી પ્રમાણે બંધાયેલું. પ્રમાણમાં નવું ગણાય આ મંદિર. એનું બાંધકામ ૧૯૨૭માં પૂરું થયું અને એ જ વરસના જૂનની ચોથીથી દસમી તારીખ સુધી ચાલેલા ઉત્સવ દરમ્યાન એમાં શ્રી વેન્કટેશની મૂર્તિનું સ્થાપન થયું હતું. મંદિરમાં પુસ્તકાલય અને અતિથિગૃહની વ્યવસ્થા પણ છે. જે સોને મઢેલો સ્તંભ છે એના પર પતાકા ફરકાવવામાં આવે છે. મંદિરમાં કુલ ૧૨ થાંભલા છે. મુખ્ય દેવતા ઉપરાંત બીજાં દેવ-દેવીની મૂર્તિઓ પણ અહીં છે. મંદિરના ટ્રસ્ટ દ્વારા ચલાવાતી અનંતાચાર્ય ઇન્ડોલૉજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને સંસ્કૃત, ફિલસૂફી વગેરે વિષયોમાં એમ. એ. અને પી.એચડી. કરવાની સગવડ ધરાવે છે.
દર્શન કરી લીધાં? ચાલો પાછા દાદીશેઠ અગિયારી લેન તરફ. એ લેનમાં આગળ વધીએ. ફરી ડાબી બાજુ આવશે ભુલેશ્વર રોડ. નવું નામ ડૉ. આત્મારામ મર્ચન્ટ રોડ. વીસમી સદીના શરૂઆતના દાયકાઓના એક સેવાભાવી ડૉક્ટર. આ રસ્તો આગળ જાય છે અને પછી જમણી તરફ વળે છે ત્યાં આવેલા કબૂતરખાના સામે તેમનું દવાખાનું હતું. પણ અત્યારે આપણે એ રસ્તે આગળ નથી જવાના. ભુલેશ્વરમાં ભૂલા પડવા માટે ફરી કોઈક વાર આવીશું. દાદીશેઠ અગિયારી લેનમાં થોડે આગળ જઈએ તો આવે જી. ટી. હાઈ સ્કૂલ. જી. ટી. એટલે ગોકુળદાસ તેજપાલ. ભાટિયા કુટુંબમાં ૧૮૨૨માં જન્મ. પિતા તેજપાલ અને તેમના ભાઈએ મુંબઈમાં ફેરિયા તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ધીમે-ધીમે ધન ભેગું કર્યું. ૧૮૩૩માં તેજપાલનું અવસાન થયું ત્યારે પોતાની બધી મિલકત ગોકુળદાસને આપતા ગયા. થોડાં વરસ પછી તેજપાલના ભાઈનું મૃત્યુ થયું ત્યારે તેઓ પણ પોતાની મિલકત ગોકુળદાસને આપતા ગયા. જાતમહેનતથી ગોકુળદાસ પણ ઘણું કમાયા. પણ જેવા કમાવામાં પાવરધા એવા જ દાન કરવામાં પણ પાવરધા. આ જી. ટી. હાઈ સ્કૂલ તેમના જ દાનમાંથી બંધાયેલી. આપણા કવિ નર્મદે ત્યાં થોડો વખત માસ્તર તરીકે નોકરી કરેલી. આ જ ગોકુળદાસે ગોવાળિયા ટૅન્ક પાસે ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી. એના મકાનમાં જ ૧૮૮૫માં કૉન્ગ્રેસનું પહેલવહેલું અધિવેશન ભરાયેલું. આજે ત્યાં ગોકુળદાસ તેજપાલ ઑડિટોરિયમ ઊભું છે. તેમના દાનને પ્રતાપે જ ૧૮૭૫માં ગોકુળદાસ તેજપાલ (જી. ટી.) હૉસ્પિટલ શરૂ થયેલી. મૂળ તો આ હૉસ્પિટલ બાંધવા માટે રુસ્તમજી જમશેદજી જીજીભાઈએ ૧૫ હજાર પાઉન્ડ આપવાનું સરકારને વચન આપેલું. પણ સાથે શરત મૂકેલી કે સરકારે પણ દસ હજાર પાઉન્ડ આપવા. પણ અમેરિકન આંતરવિગ્રહ પૂરો થતાં ૧૮૬૫માં રૂના ભાવ તળિયે ગયા, શૅરબજાર ઊંધે માથે પટકાયું, કેટલીયે બૅન્કો ભાંગી. એમાં જમશેદજી પણ સપડાયા. દાનની રકમ આપી શકે તેમ નહોતું. મ્યુનિસિપલ કમિશનર આર્થર ક્રૉફર્ડ (તેમને વિષે આપણે અગાઉ વિગતે વાત કરી ગયા છીએ)ની નજર ગોકુળદાસ પર પડી અને ગોકુળદાસે એ રકમ આપી. બસ, હવે આગળ વધવાની જરૂર નથી. કારણ આગળ જતાં આ દાદીશેઠ અગિયારી લેન કાલબાદેવી રોડને મળે છે અને એ રોડ પર તો આપણે અગાઉ લટાર મારી ચૂક્યા છીએ. એટલે હવે ઊંધી દિશામાં ચાલી પાછા પહોંચીએ ગિરગામ રોડ.
પહેલાં આવે ગઝદર સ્ટ્રીટ અને પછી શંકર બારી લેન. આ ‘બારી’ તે મૂળ વાડી. એટલે મૂળ નામ શંકર વાડી લેન. આજે એને નાકે જ્યાં ‘નાના શંકરશેટ સ્મૃતિ’ નામની બહુમાળી ઇમારત ઊભી છે ત્યાં જ આવેલી હતી જગન્નાથ ઉર્ફે નાના શંકરશેટની વાડી, કહેતાં વિશાલ બંગલો. આ રસ્તેથી પસાર થતાં આ લખનારે બાળપણમાં બહારથી અનેક વાર જોયેલો. એની પાછળની જગ્યામાં કેટલીક નાની ફૅક્ટરીઓ આવેલી હતી. આપણા અગ્રણી કવિ રાજેન્દ્ર શાહ અને ભાલમલજીનું લિપિની પ્રિન્ટરી નામનું પ્રેસ પણ ત્યાં જ આવેલું હતું. ત્યાં વર્ષો સુધી ‘કવિલોક’ની બેઠકો મળતી. એમાં કેટલોક વખત જવા છતાં આ લખનારને કાવ્યલેખનનો ક પણ આવડ્યો નહીં!
અગાઉ વિક્ટોરિયા ટર્મિનસ વિષે વાત કરતી વખતે આપણે જગન્નાથ શંકરશેટ વિષે વાત કરી જ છે એટલે અહીં વધુ વાત નહીં કરીએ. પણ તેમની સાથે સંકળાયેલી બીજી બે વાત. પહેલી, મુંબઈમાં પહેલવહેલું મરાઠી નાટક ભજવાયું એ આ નાના શંકરશેટની વાડીમાં. ૧૮૪૩ના નવેમ્બરની પાંચમી તારીખે વિષ્ણુદાસ ભાવેએ સાંગલીના રાજાના મહેલમાં સીતાસ્વયંવર નામનું નાટક ભજવ્યું એ મરાઠીનું પહેલું નાટક. ત્યાર બાદ મરાઠી નાટકો ભજવવા માટે તેમણે સાંગલી નાટક મંડળી શરૂ કરી. આ મંડળી મુંબઈ આવી ત્યારે કેવળ આમંત્રિતો માટે નાટકનો પહેલો પ્રયોગ નાના શંકરશેટની વાડીમાં કરેલો. નાનાએ ગ્રાન્ટ રોડ પર એક નાટકશાળા બંધાવેલી એમાં પછીથી આ નાટકના જાહેર પ્રયોગો થયા. મુંબઈમાં પહેલવહેલું ગુજરાતી નાટક પણ આ નાના શંકરશેટના થિયેટરમાં ભજવાયેલું. ૧૮૫૩ના ઑક્ટોબરની ૨૯મી તારીખ ને શનિવારે પારસી નાટક મંડળીએ ‘રુસ્તમ અને સોહરાબ’ નામનું નાટક અને સાથે ‘ધનજીગરક’ નામનો ફારસ અહીં ભજવ્યાં અને ગુજરાતી રંગભૂમિના શ્રીગણેશ થયા. સંસ્કૃત નાટકોમાં વિદૂષક બહુ બોલ-બોલ કરે ત્યારે તેને રોકતાં રાજા કહેતો હોય છે: ‘અલમ્ અતિ વિસ્તરેણ.’ (‘લાંબું લાંબું બોલવાનું બંધ કર.’) અત્યારે એ વાક્ય આ લખનારને પણ સંભળાઈ રહ્યું છે. એટલે ગિરગામ રોડની વધુ વાતો હવે પછી.


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2020 04:24 PM IST | Mumbai Desk | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK