આ બહેન ફરી ખોવાઈ નહીં એટલે હાથ પર નામ અને મોબાઇલ નંબર લખાવી દીધાં છે

Published: 7th September, 2012 05:03 IST

બોરીવલીથી ૨૦૧૧ની ૩ નવેમ્બરે ગુમ થઈ ગયેલાં ૪૮ વર્ષનાં ચંદ્રિકા ઉપાધ્યાય ૨૩ ઑગસ્ટે ઉત્તર ગુજરાતના મહેસાણાથી સહીસલામત મળી આવતાં ઉપાધ્યાય પરિવારમાં ખુશાલીનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ આ પરિવારે માનસિક રીતે અક્ષમ એવાં ચંદ્રિકાબહેનના જમણા હાથ પર નામ અને નંબર ધરાવતું ટૅટૂ બનાવડાવી દીધું છે જેથી ભવિષ્યમાં કદાચ તેઓ ખોવાઈ જાય તો તેમની ભાળ વહેલી મળી શકે. જોકે આ પરિવાર હવે તેમને કદી એકલાં બહાર જવા દેવાનો નથી.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર પાસે રાયગઢ ગામનાં વતની ચંદ્રિકાબહેનના ૪૯ વર્ષના પતિ દિનેશ ઉપાધ્યાય કહે છે, ‘ચંદ્રિકા જે દિવસે ગુમ થઈ એ દિવસે સાંજે મંદિરમાં જાઉં છું એમ કહીને નીકળી હતી. રાત સુધી પાછી ન આવી એટલે અમને ચિંતા થવા માંડી, કારણ કે અગાઉ આ રીતે બે વાર તે ઘરેથી નીકળ્યાં પછી ભૂલી પડી ગઈ હતી. પહેલી વાર તો બે-ત્રણ દિવસમાં મળી આવી હતી, પણ બીજી વાર તે દોઢ મહિના પછી છેક વડોદરાના નારી નિકેતનમાંથી મળી હતી. જોકે આ વખતે તેની કોઈ ભાળ ન મળતાં પોલીસની સલાહ મુજબ અમે પૅમ્ફલેટ્સ છપાવીને વહેંચ્યાં, મહારાષ્ટ્રનાં અખબારોમાં જાહેરાતો આપી અને જાતે પણ તપાસ કરી હતી. પુણે, નાશિક કે અન્ય ક્યાંયથી પણ ફોન આવે તો અમે તરત જ દોડી જતા; પણ કોઈ ફાયદો નહોતો થતો. બોરીવલી પોલીસ-સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર શશિકાંત આયરેસાહેબનો ઘણો સહકાર મળતો હતો, પણ ચંદ્રિકા ક્યાંયથી મળતી નહોતી. એવામાં ‘મિડ-ડે’એ પહેલી જાન્યુઆરીએ ચંદ્રિકા ગુમ થઈ છે એવો અહેવાલ છાપ્યો એ પછી અમને છેક ગુજરાતથી ફોન આવવા લાગ્યા. મને થતું કે કદાચ તે ગુજરાત જ ગઈ હશે એટલે અમે અમારી તપાસ ગુજરાતમાં શરૂ કરી. ચાર-પાંચ મહિનાની તપાસમાં અમને કાંઈ જ હાથ નહોતું લાગતું.’

જોકે નાસીપાસ થયા વિના અમે તપાસ ચાલુ જ રાખી હતી ત્યારે એક દિવસ સાંજે સાડાપાંચ વાગ્યે એક ફોન આવ્યો એમ જણાવીને દિનેશભાઈ કહે છે, ‘૨૨ ઑગસ્ટે મારા ગામના એક યુવાન અશોક ઉપાધ્યાયે મને ફોન કરીને કહ્યું કે તેણે ચંદ્રિકાને મહેસાણામાં જોઈ છે. મેં તેને પૂછuુ કે તારી સાથે વાત કરી છે? તો તેણે હા પાડી. મેં તેની સાથે શું વાત થઈ એવું પૂછuુ ત્યારે તેણે બધું કહ્યું. મેં તેને કોઈ ચોક્કસ શબ્દો કહ્યા હોય એ યાદ કરવા કહ્યું ત્યારે તેણે કહ્યું કે તેની વાતોમાં ‘મારી સરકાર છે અને શિવસેના અમારી છે; ચલ, તું અહીંથી ચાલ્યો જા’ એવા શબ્દો આવતા હતા. હું સમજી ગયો કે આ ચંદ્રિકાના શબ્દો છે. એ વખતે હું હિંમતનગરમાં જ હોવાથી રાત્રે સાડાઆઠ વાગ્યે મહેસાણા પહોંચી ગયો. આખી રાત અમે રેલવે-સ્ટેશન, બસ-સ્ટેશન અને એની આસપાસના વિસ્તારો ખૂંદી વળ્યાં; પણ તે ક્યાંય ન મળી. બીજા દિવસે વહેલી સવારે સ્થાનિક રિક્ષાવાળાને લઈને ચાની લારીવાળાઓના સ્ટૉલ પર તપાસ કરતાં તે મને દેખાઈ ગઈ. રિક્ષામાં બેઠાં-બેઠાં થોડી વાર તેનું નિરીક્ષણ કરીને પાકી ખાતરી કરી લીધી કે આ ચંદ્રિકા જ છે. પછી તેની પાસે હું ગયો તો મને પકડીને રડવા જેવી થઈ ગઈ. બહુચરાજીની માનતા હોવાથી એ જ હાલતમાં હું તેને બહુચરાજી લઈ ગયો.’

બોરીવલીમાં જૂની અજંતા ટૉકીઝ પાસે રહેતો ઉપાધ્યાય પરિવાર ચંદ્રિકાબહેનની સારવાર કરવામાં વ્યસ્ત છે. લગભગ નવ મહિના સુધી તેઓ બહાર રહ્યાં હોવાથી તેમની દવાઓ તેમને મળી નહોતી એટલે ડૉક્ટરોના માર્ગદર્શન હેઠળ હાલમાં બધી દવાઓ આપવામાં આવી રહી છે. તેઓ ગુમ હતાં એ સમયગાળા દરમ્યાન શું થયું હતું એ યાદ અપાવવાની પણ ડૉક્ટરોએ ના પાડી દીધી છે.

- યોગેશ પંડ્યા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK