એક સમયે હૉબી તરીકે જોવામાં આવતાં આર્ટ્સ ઍન્ડ ડિઝાઇનિંગ હવે જૉબ-ઓરિએન્ડેટ કરીઅર છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ પોતાના પૅશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકે છે અને ધારે તો ઉચ્ચ અભ્યાસક્રમ કરી દેશની સર્વોચ્ચ નોકરી પણ મેળવી શકે છે

પ્રતીકાત્મક તસવીર
દસમા ધોરણમાં ઓછા ટકા આવ્યા હોય, પ્રૅક્ટિકલ કરતાં થિયરિકલ સ્ટડીમાં વધારે ઇન્ટરેસ્ટ હોય અથવા તો ભણવાની સાથે સ્પોર્ટ્સ, ડાન્સ, મ્યુઝિક જેવી ઇતર પ્રવૃત્તિઓ માટે સમય ફાળવી શકાય એવા હેતુથી કરીઅરની પસંદગી કરનારા વિદ્યાર્થીઓ મોટા ભાગે આર્ટ્સમાં ઍડ્મિશન લેતા હોય છે. આજે પણ આપણા સમાજમાં આર્ટ્સ સ્ટુડન્ટ્સને ઍવરેજ અથવા ઠોઠ નિશાળિયા તરીકે ઓળખવામાં આવે છે. હકીકતમાં આ ફેકલ્ટીમાં જનારા વિદ્યાર્થીઓ સૌથી વધુ પ્રતિભાશાળી હોય છે. તેમનામાં મલ્ટિટાસ્કિંગની ખૂબી હોય છે. આપણા વડા પ્રધાન મોદી સાહેબ પણ આર્ટ્સના વિદ્યાર્થી હતા. તમે આર્ટ્સ સ્ટુડન્ટ્સ હો તો જાણી લો આગળ કેવો સ્કોપ છે.
પદ-પ્રતિષ્ઠા અપાવશે
આર્ટ્સમાં જ્વલંત અને ગૌરવશાળી કારકિર્દી ઘડતર માટેનાં વિવિધ ક્ષેત્રો છે. પાંચ લાખ પુસ્તકોની ભારતની સૌથી મોટી લાઇબ્રેરી ધરાવતા મહર્ષિ દયાનંદ ફાઉન્ડેશન IAS ઍકૅડેમીના સંચાલક અને કરીઅર કાઉન્સેલર વ્રજ પટેલ કહે છે, ‘કોઈ પણ રાષ્ટ્રના નિર્માણ અને વિકાસમાં શિક્ષકો મહત્ત્વનો ભાગ ભજવે છે. બીએ, બીએડ ઉપરાંત આર્ટ્સનો વિદ્યાર્થી પોતાના મનગમતા વિષયમાં એમએ સુધીનો અભ્યાસ કરી કૉલેજમાં પ્રોફેસર બની શકે છે. નોકરી ન કરવી હોય તો કોચિંગ ક્લાસિસ ખોલીને સારી આવક ઊભી કરી શકાય. આર્ટ્સના વિવિધ વિષયો જેમ કે ઇકૉનૉમિક્સ, સાઇકોલૉજી, સોશ્યોલૉજી, લૉ, પૉલિટિકલ સાયન્સ, ફિલોસૉફી અને લિટરેચરમાં ઉચ્ચ અભ્યાસ કરી ખૂબ આગળ વધી શકાય છે. વૈશ્વીકરણ અને ઉદારીકરણના લીધે આંતરરાષ્ટ્રીય વ્યાપારને વેગ મળ્યો છે. ઇકૉનૉમિક્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ આ ક્ષેત્રમાં તક ઝડપી લેવી જોઈએ. નિરાશા, હતાશા, અશાંતિ, માનસિક તનાવ વગેરે આધુનિક યુગના રોગો છે. ક્લિનિકલ સાઇકોલૉજી, સોશ્યલ ડેવલપમેન્ટ, એજ્યુકેશનલ કાઉન્સેલર જેવા વ્યવસાયલક્ષી અભ્યાક્રમો છે. આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આઇએએસ, આઇપીએસ, સીબીઆઇ, ઈડી ઇન્સ્પેક્ટર જેવી ઉચ્ચ કક્ષાની, પદ-પ્રતિષ્ઠા અપાવે એવી દમદાર સરકારી નોકરીઓ પણ છે. આઇએએસની પરીક્ષામાં આર્ટ્સના અભ્યાસક્રમો હોય છે. સરકારી નોકરીમાં સૅલેરી ઉપરાંત અનેક પ્રકારનાં ભથ્થાં પણ આપવામાં આવે છે. જોકે આઇએએસ સૌથી અઘરી પરીક્ષા હોવાથી વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર હોવો જોઈએ. સચોટ માર્ગદર્શન પણ અનિવાર્ય છે. કોઈ પણ પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પોતાની રુચિ મુજબના પ્રોફેશનલ કોર્સ અવેલેબલ છે. વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો સરકારી કૉલેજમાંથી કરવામાં સમજદારી છે.’
પૅશન ટુ પ્રોફેશન
આર્ટ્સમાં જનારા વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓછી આંકવાની ભૂલ કદાપિ ન કરવી. આ એવી ફેકલ્ટી છે જે તમને ક્રીએટિવિટી સાથે કનેક્ટેડ રાખે છે. લેવલ પ્લસ ટૂ અન્ડર ગ્રૅજ્યુએટ પ્રોગ્રામ ઇન ડિઝાઇનિંગનું માર્ગદર્શન આપતાં ઉર્મી’ઝ આર્ટ ફોરમના કો-ફાઉન્ડર ઍન્ડ કરીઅર કાઉન્સેલર કોમલ ઉલ્લલ કહે છે, ‘વર્તમાન સમયમાં વિઝ્યુઅલ આર્ટ્સમાં ઘણો સ્કોપ છે, પરંતુ વાલીઓ સમજતા નથી. ડ્રોઇંગ, પેઇન્ટિંગ, શિલ્પકળા, મ્યુઝિક, ફોટોગ્રાફી, ઍક્ટિંગ પણ સ્કિલ છે. આજના સમયમાં આર્ટ્સ ઍન્ડ ડિઝાઇનિંગ જૉબ ઓરિએન્ટેડ કરીઅર છે. જો તમારી પાસે ક્રીએટિવ માઇન્ડ હોય તો બારમા પછી ફાઇન અથવા અપ્લાઇડ આર્ટ્સના ફીલ્ડમાં જઈ તમારા પૅશનને પ્રોફેશનમાં કન્વર્ટ કરી શકો છો. ઇન્ટરૅક્શન ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, ઍનિમેશન, ગ્રાફિક્સ ઍન્ડ ઇલસ્ટ્રેશન, ફોટોગ્રાફી વિથ વિડિયો, ટેક્સટાઇલ આર્ટ, સિરૅમિક્સ, જ્વેલરી ડિઝાઇન, ફૅશન-ડિઝાઇન, કૉસ્ચ્યુમ-ડિઝાઇનમાં ખૂબ જ સારી કારકિર્દી બને છે. એની અંદર ઘણાંબધાં સબ ડિવિઝન પણ છે. ડિજિટલ વર્લ્ડમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સની જરૂરિયાતને ધ્યાનમાં લેતાં આ ક્ષેત્રમાં કારકિર્દીમાં ઝડપથી વૃદ્ધિ થઈ શકશે. એમાં સર્જનાત્મકતા બતાવવાની ઘણી તક છે. સર્ટિફાઇડ કોર્સથી લઈને માસ્ટર્સ ડિગ્રી સુધી ભણી શકાય છે.’
ડિઝાઇન ઇઝ લક્ઝરી
ફાઇન આર્ટ્સમાં એક્ઝિબિશન, ઑક્શન તેમ જ અપ્લાઇડ અથવા કમર્શિયલ આર્ટ્સમાં ગ્રાફિક્સ, પ્રોડક્ટ ડિઝાઇનિંગ જેવાં ઘણાંબધાં ડિવિઝન છે એવી માહિતી આપતાં નૅશનલ અને ઇન્ટરનૅશનલ અવૉર્ડ વિજેતા કોમલ કહે છે, ‘આ ફીલ્ડમાં જવા માટે રાજ્ય કક્ષાની અને સેન્ટ્રલ ગવર્નમેન્ટની એન્ટ્રન્સ એક્ઝામમાં ક્વૉલિફાઇડ થવું પડે છે. વર્તમાન અને ફ્યુચર ડિજિટલ ટેક્નૉલૉજી છે. ડિઝાઇન એવી લક્ઝરી છે જેના વગર કોઈ પણ ફીલ્ડમાં ચાલવાનું નથી. તમારી આજુબાજુમાં ગોઠવેલું ફર્નિચર, પાણીની બૉટલ, કમ્પ્યુટરની સ્ક્રીન પર દેખાતું ચિત્ર, મેટ્રો ટ્રેન, કારનું મૉડલ દેખાવમાં આકર્ષક હોવાં જોઈએ. અપીલિંગ પ્રોડક્ટ્સ બનાવવામાં ડિઝાઇનરના રોલને નજરઅંદાજ ન કરી શકાય. પ્રોડક્ટની ડિઝાઇન બ્રૅન્ડને આઇડેન્ટિટી આપે છે. ક્રીએટિવિટીના માધ્યમથી ડિઝાઇનર કંપની માટે માર્કેટિંગનું કામ પણ કરે છે. ફૅશન સ્ટાઇલિસ્ટ, ગ્રાફિક ડિઝાઇનર, વાઇલ્ડલાઇફ અને ફૂડ ફોટોગ્રાફી, ગેમિંગ આર્ટ ડિરેક્ટર, ઍનિમેશન ફિલ્મ, સિનેમૅટોગ્રાફરમાં એન્ટર થઈ શકાય. ફ્રીલાન્સર તરીકે કામ કરવાથી નવું-નવું શીખવા મળે છે. મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આર્ટ્સના સ્ટુડન્ટ્સનો ડંકો વાગે છે. બિઝનેસ ટુ એન્ટરટેઇનમેન્ટ સુધી દરેક ફીલ્ડમાં ડિઝાઇનરની જરૂર પડતી હોવાથી ભારતમાં અને અબ્રૉડમાં બ્રાઇટ ફ્યુચર છે.’
યોગ અને સંસ્કૃત
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, યોગગુરુ બાબા રામદેવ અને બીજા યોગાચાર્યોની મહેનતથી આજે આખા વિશ્વમાં યોગ, પ્રાણાયામ, ધ્યાન, આયુર્વેદ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ કુદરતી નિસર્ગોપચારનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે. દુનિયાના વિકસિત દેશોએ પણ એની નોંધ લીધી છે. વૈશ્વિક ફલક પર આ ક્ષેત્રમાં સફળ કારકિર્દી છે. લોકોને સ્વસ્થ રાખવાની સાથે સારી કમાણી કરવી હોય તો કુશળ યોગાચાર્ય બનવાની દિશામાં આગળ વધો. વિદ્યાર્થીઓને આવી સલાહ આપતાં વ્રજ પટેલ કહે છે, ‘યોગશાસ્ત્રમાં માસ્ટર્સ લેવલના અભ્યાસક્રમો છે. આ ડિગ્રીના આધારે અને પ્રૅક્ટિકલ નૉલેજથી વિદેશમાં સરકારી નોકરીના દરવાજા ખૂલી શકે છે. યોગની જેમ સંસ્કૃત ભાષા થકી પણ તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. વિશ્વના બધા દેશોના ભાષાવિદો સંસ્કૃતને સૌથી પ્રાચીન, સૌથી વધારે વિકસિત થયેલી અને વૈજ્ઞાનિક રીતે ઘડાયેલી ભાષા તરીકે સ્વીકારે છે. અંગ્રેજી અથવા અન્ય વિદેશી ભાષા દ્વારા સંસ્કૃત શીખવી શકે એવા શિક્ષકોની અત્યારે વિદેશમાં ખૂબ ડિમાન્ડ છે. સંસ્કૃત ભાષા સાથે બીએ, એમએ અને બીજી ભાષાઓનો લિંગ્વિસ્ટિકનો કમ્પૅરેટિવ સ્ટડી કરવાથી નામ અને દામ મેળવી શકશો. આ સાથે આપણા પ્રાચીન વારસાને તેમ જ વૈદિક પરંપરાને જાળવી રાખવામાં તમારું યોગદાન આપી શકો. સંસ્કૃતમાં કારકિર્દી ઘડવી એ સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા કરવા જેવું છે. યોગ્ય કારકિર્દીની પસંદગી કરવામાં ગૂંચવણ હોય તો અમારી લાઇબ્રેરીમાં તમામ પરીક્ષાઓનાં પુસ્તકોની સાથે માર્ગદર્શનની સુવિધા પણ છે.’
પૉપ્યુલર અભ્યાસક્રમો
બૅચલર ઑફ આર્ટ્સ (BA), બૅચલર ઑફ ફાઇન આર્ટ્સ (BFA), બૅચલર ઑફ આર્ટ્સ અને બૅચલર ઑફ લેજિસ્લેટિવ લૉ (BA LLB), બૅચલર ઑફ જર્નલિઝમ ઍન્ડ માસ કમ્યુનિકેશન (BJMC), બૅચલર ઑફ હોટેલ મૅનેજમેન્ટ (BHM), બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશન (BCA), બૅચલર ઑફ એલિમેન્ટરી એજ્યુકેશન (B.El.Ed), બૅચલર ઑફ સોશ્યલ વર્ક (BSW)