છુપાવો નહીં, સ્ટાઇલમાં દેખાડો બેબી બમ્પ

Published: 10th September, 2020 11:46 IST | Varsha Chitalia | Mumbai

હાલમાં બૉલીવુડ અભિનેત્રીઓ અનુષ્કા શર્મા અને કરીના કપૂર પ્રેગ્નન્ટ છે.

હવે બેબી બમ્પ દેખાડવાનો ટ્રેન્ડ છે.
હવે બેબી બમ્પ દેખાડવાનો ટ્રેન્ડ છે.

હાલમાં બૉલીવુડ અભિનેત્રીઓ અનુષ્કા શર્મા અને કરીના કપૂર પ્રેગ્નન્ટ છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ટાઇલિશ રહેવા માટે તેઓ કેવાં વસ્ત્રો પહેરી જાહેરમાં આવશે એના પર ફૅશન-ડિઝાઇનરો, ફોટોગ્રાફરો તેમ જ સગર્ભા મહિલાઓની નજર છે ત્યારે પ્રેગ્નન્સી વેઅરના લેટેસ્ટ ટ્રેન્ડ વિશે જાણી લો ...

પ્રેગ્નન્સી અને ફૅશનનો તાલમેલ ન બેસે એવું વિચારતા હો તો તમારે વહેલી તકે વૉર્ડરોબમાં ચેન્જિસ કરવાની જરૂર છે. ગર્ભાવસ્થા દરમિયાન પહોળાં વસ્ત્રો પહેરી પેટ છુપાવવાનો જમાનો આઉટડેટેડ થઈ ગયો છે. હવે બેબી બમ્પ દેખાડવાનો ટ્રેન્ડ છે. હાલમાં બૉલીવુડની બે લોકપ્રિય અભિનેત્રીઓ અનુષ્કા અને કરીના પ્રેગ્નન્ટ છે. પોતાની પ્રથમ પ્રેગ્નન્સીની જાહેરાત કરતી વખતે અનુષ્કાએ પહેરેલા બ્લૅક પોલકા ડૉટ્સ ફ્રૉકે ફૅશન-ડિઝાઇનરો, ફોટોગ્રાફરો તેમ જ સગર્ભા મહિલાઓનું ધ્યાન ખેચ્યું છે. પ્રેગ્નન્સીના અંતિમ તબક્કા સુધી અનુષ્કા કેવાં વસ્ત્રો સાથે પબ્લિકમાં આવશે એ જોવા બધા ઉત્સુક છે. કરીના બીજી વાર માતા બનવા જઈ રહી છે. તૈમુર વખતે પહેરેલા તેના ડ્રેસિસ ખાસ્સા ચર્ચિત થયા હતા. બેબી બમ્પ સાથે વૉક કરવાનો કરીનાને અનુભવ હોવાથી બધાની નજર તેના નવા આઉફિટ્સ પર ચોંટેલી છે ત્યારે પ્રેગ્નન્સીમાં કૂલ, સ્ટાઇલિશ અને ટ્રેન્ડી રહેવા કેવાં વસ્ત્રો પહેરવાં જોઈએ એ વિષય પર નિષ્ણાત સાથે ચર્ચા કરીએ.
વૉર્ડરોબ રી-અરેન્જ
મૉડર્ન લાઇફસ્ટાઇલ પ્રત્યે આકર્ષણ ધરાવતી આજની ટુ બી મધર પ્રેગ્નન્સીમાં પણ ફૅશનેબલ રહેવાનું પસંદ કરે છે. તમે પણ લેટેસ્ટ ટ્રેન્ડ સાથે રહેવા માગતા હો તો ઇટ્સ ટાઇમ ટુ રી-અરેન્જ યૉર વૉર્ડરોબ. મનમાં નક્કી કરી લો કે ગર્ભધારણના પ્રથમ તબક્કાથી અંતિમ તબક્કા સુધી હેલ્થ અને લુક્સ પ્રત્યે કૉન્શિયસ રહેવું છે. પ્રેગ્નન્સીમાં આહાર જેટલું જ મહત્ત્વ ડ્રેસિસને આપવું જોઈએ. આરોગ્યવર્ધક આહારની સાથે વૉર્ડરોબને અપગ્રેડ કરવાનું આયોજન પહેલાં જ કરી લો જેથી વધુ દોડધામ કરવી ન પડે. આ સંદર્ભે
વાત કરતાં લોખંડવાલાનાં ફૅશન-ડિઝાઇનર ભારતી બ્રહ્મભટ્ટ કહે છે, ‘પ્રેગ્નન્સીમાં પહેરવાનાં વસ્ત્રોની પસંદગી કરતી વખતે તમારા કમ્ફર્ટને સર્વાધિક પ્રાધાન્ય આપો. શરૂઆતના ત્રણ મહિનામાં વૉર્ડરોબમાં ખાસ ચેન્જિસની જરૂર હોતી નથી. ત્યાર બાદ એવાં વસ્ત્રોમાં ઇન્વેસ્ટ કરો જે વધારે એક્સપેન્સિવ ન હોય અને ડિલિવરી સુધી પહેરી શકો. વર્તમાન માહોલમાં સગર્ભા મહિલાઓને બહાર જવાનું ટાળવાનું છે ત્યારે વધારે ફૅન્સી અને ડિઝાઇનર વસ્ત્રો માટે પૈસા ખર્ચવાની આવશ્યકતા નથી. જોકે બ્યુટિફુલ દેખાવામાં કૉમ્પ્રોમાઇઝ નથી કરવાનું.’
પ્રેગ્નન્ટ મહિલાઓએ પોતાના વૉર્ડરોબમાં બ્લૅક ઍન્ડ વાઇટ કલર્સનાં વસ્ત્રોનો વધુમાં વધુ સમાવેશ કરવો જોઈએ એમ જણાવતાં ભારતી આગળ કહે છે, ‘બ્રાઇટ કલર તમારા મૂડ પર અસર કરે છે. આ કલર્સમાં તમે હૅપિનેસ ફીલ કરો છો. અનુષ્કાએ પહેર્યું હતું એવું પોલકા ડૉટ્સ ફ્રૉક કે વનપીસ પ્રેગ્નન્ટ લેડી માટેનો બેસ્ટ ડ્રેસ છે, પરંતુ બધી મહિલાઓ એને કૅરી કરી શકતી નથી અને મૉડર્ન પણ નથી હોતી. ડે ટુ ડે લાઇફમાં પહેરવા માટે બ્લૅક અને વાઇટ સ્ટ્રેચેબલ લેગિંગ્સ, ખૂલતાં પૅન્ટ્સ, પલાઝોનો તમારા વૉર્ડરોબમાં સમાવેશ કરો. આ એવા કલર્સ છે જેની સાથે કોઈ પણ કલર મૅચ થઈ જશે. એના પર ફ્લોરલ કુરતી, લાંબાં શર્ટ, લૉન્ગ ટૉપ પહેરી સ્ટાઇલિશ દેખાઈ શકો છો. લેગિંગ્સ તમારા પગને પ્રૉપર શેપ આપશે. બેબી પિન્ક અને ઑફ વાઇટ પણ ગર્ભાવસ્થાના એવરગ્રીન કલર્સ છે. કલર કૉમ્બિનેશનમાં મિસમૅચ ટ્રેન્ડી લુક આપે છે. બેબી બમ્પ ફ્લોન્ટ કરવા કફતાન અને પોન્ચો બેસ્ટ આઉટફિટ છે. એમાં તમે રિલૅક્સ ફીલ કરો છો. કરીનાને આ ડ્રેસ સાથે રૅમ્પ વૉક કરતી જોઈ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તમારી પાસે ત્રણ-ચાર જોડી કફતાન હોવાં જોઈએ. આજકાલ લેટ પ્રેગ્નન્સીનો જમાનો છે. કફતાનની એક ખૂબી છે. આ ડ્રેસ દરેક વય અને બાંધાની સગર્ભા પર સૂટ થાય છે. એમાં શરીર ઢંકાયેલું રહે છે. ઘરમાં અને બહાર બન્ને જગ્યાએ આકર્ષક લુક આપે છે. આ સાથે બ્રેસ્ટને સપોર્ટ કરે એવી લૉન્જરી પહેરવી.’
ફૅબ્રિકની પસંદગી
ગર્ભાવસ્થામાં ફૅશનેબલ વસ્ત્રો પહેરવાની હોંશ હોય તો ફૅબ્રિકની ગુણવત્તાને પ્રાધાન્ય આપો. ભારતી કહે છે, ‘આ અવસ્થામાં સિલ્ક, પૉલિયેસ્ટર અને રેયોન ફૅબ્રિકમાં ગરમી થાય છે. પ્રેગ્નન્સીમાં ફ્લોઇંગ ફૅબ્રિકમાંથી તૈયાર કરવામાં આવેલાં વજનમાં હળવાં વસ્ત્રો પહેરવાં જોઈએ. સૉફ્ટ કૉટન અને લિનન જેવાં નૅચરલ ફૅબ્રિક્સ વજનમાં હળવાં હોય છે અને એમાં અકળામણ થતી નથી. જો તમે ઍર-કન્ડિશન્ડ વાતાવરણમાં રહેતા હો તો સેમી કૉટન પસંદ કરી શકાય. આ ઉપરાંત જ્યૉર્જેટ અને શિફોન મટીરિયલ ટ્રેન્ડમાં છે. ટૂંકમાં શરીરથી દૂર રહે એવું ફૅબ્રિક પસંદ કરવું. સગર્ભાવસ્થામાં વજન વધી જાય છે. એવામાં પ્રિન્ટેટ ડ્રેસ પહેરશો તો પાતળા દેખાશો. ઘણી મહિલાઓ સ્કર્ટ પહેરવાનું પસંદ કરે છે. મારા મતે સ્કર્ટ રાઇટ ચૉઇસ નથી. જો પહેરવાં જ હોય સ્કર્ટની ખરીદી કરતી વખતે ઇલૅસ્ટિક ચેક કરી લેવું. શક્ય હોય તો ઇલૅસ્ટિક કઢાવી નાડી નાખી દો. પ્રેગ્નન્સીમાં સ્કિન ઇરિટેશન અને ઍલર્જીથી બચવું જોઈએ. કમ્ફર્ટ ડ્રેસિસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરવાની જુદી જ મજા આવશે.’
ગ્રેસફુલ લુક
ફૅશનેબલ વસ્ત્રોની સાથે બ્યુટીને કઈ રીતે ક્રીએટ કરવી જોઈએ એ વિશે વાત કરતાં ઇમેજ કન્સલ્ટન્ટ બંસી સંઘવી કહે છે, ‘પ્રેગ્નન્ટ લેડીનો લુક ગ્રેસફુલ હોવો જોઈએ. બેબી બમ્પની સાથે મધરની બ્યુટી હાઇલાઇટ થાય એ જરૂરી છે. કમ્ફર્ટેબલ ક્લોધિંગના લિસ્ટમાં લૉન્જરી ટૉપ પર હોવી જોઈએ. આ સમય દરમિયાન તમારા પેટની સાથે બ્રેસ્ટ અને હિપ્સ પણ વધે છે. ઘણી મહિલાઓ ગભરામણ થાય છે કરીને આખો દિવસ ઘરમાં ગાઉન પહેરીને ફરે છે. જ્યારે બહાર જવાનું થાય ત્યારે જ બ્રેસિયર પહેરે છે. સુંદર દેખાવું હોય તો આ સાઇકોલૉજીને મનમાંથી કાઢી નાખો. ગર્ભધારણના દરેક તબક્કામાં બ્રેસ્ટની બ્યુટીને જાળવવાની છે. વધુ લૂઝ કે ટાઇટ લૉન્જરી ન વાપરવી. કપ્સની સાઇઝ બદલાતી રહે એમ નવી ખરીદી કરતાં જાઓ. ફુલ બ્રેસ્ટ કવર થવાં જોઈએ. આંતર વસ્ત્રોમાં ફૅશન કરતાં પર્ફેક્ટ સાઇઝ વધુ મહત્ત્વની છે. મૅટરનિટી આઉટફિટમાં નેકલાઇન અને બમ્પ કટ મહત્ત્વના છે. લૉન્જરી, નેકલાઇન અને બમ્પ કટ પર પહેલેથી ફોકસ રાખશો તો વારંવાર પેટ પર હાથ ફેરવવો નહીં પડે તેમ જ ચાલતાં, બેસતાં, ઊઠતાં મધર અને બેબીને શ્વાસ લેવાનો અવકાશ મળી રહે છે.’
આજકાલની યુવતીઓ ફૅશનેબલ દેખાવા પ્રેગ્નન્સીમાં જીન્સ પહેરે છે. જીન્સ આઇડિયલ ડ્રેસ નથી એમ જણાવતાં બંસી કહે છે, ‘જીન્સની સરખામણીમાં પલાઝો વધારે કમ્ફર્ટેબલ છે. મારા મતે પ્રેગ્નન્સીનો સૌથી બેસ્ટ ડ્રેસ છે કફતાન. કરીનાએ ફર્સ્ટ પ્રેગ્નન્સીમાં કફતાન જ વધુ પહેર્યાં હતાં. આ ડ્રેસમાં મધરનું પૉશ્ચર સુંદર દેખાય છે. કમ્ફર્ટેબલ ક્લોધિંગમાં કલર કૉમ્બિનેશન તમારી ઇમેજ બદલી નાખે છે. બેબી બમ્પને વધુ હાઇલાઇટ કરવાનું હોય ત્યારે બ્રાઇટ શેડ્સનાં વસ્ત્રો પહેરવાં અને છુપાવવું હોય તો ડાર્ક કલર પસંદ કરવો. તમારી સ્કિનને અનરૂપ એમાં થોડો ફેરફાર કરી શકાય. સગર્ભા મહિલાએ મેકઅપના થથેડા ન કરવા. મહિલાના જીવનનો આ એવો તબક્કો છે જ્યાં તમે કુદરતી રીતે જ સુંદર લાગો છો. સ્ટાઇલિશ લુક માટે સનવેઅર અને સ્કાર્ફ જેવાં વેરિએશન ઍડ કરી શકાય. બહાર ફરવા જાઓ કે પ્રસંગમાં જવાનું થાય ત્યારે મનગમતા ડ્રેસિસ, હળવી જ્વેલરી તેમ જ લાઇટ અથવા ન્યુડ મેકઅપ સાથે પ્રેગ્નન્સીને એન્જૉય કરો.’

વર્તમાન માહોલમાં પ્રેગ્નન્ટ મહિલાએ વધારે સમય ઘરની અંદર જ કાઢવાનો હોવાથી એક્સપેન્સિવ ડ્રેસિસમાં ઇન્વેસ્ટ કરવાની આવશ્યકતા નથી. તમારા વૉર્ડરોબમાં કફતાન, વનપીસ અને ફ્રોક જેવાં વસ્ત્રોનો સમાવેશ કરો. મૉડર્ન લાઇફસ્ટાઇલને ન અનુસરતા હો તો ફ્લોઇંગ કુરતા બેસ્ટ ચૉઇસ છે. સગર્ભા મહિલાએ ઇરિટેશન અને ઍલર્જી થાય એવાં ફૅબ્રિકથી બચીને રહેવું. સૉફ્ટ કૉટન, શિફોન, મલમલ અને જ્યૉર્જેટ મટીરિયલના વજનમાં હળવાં વસ્ત્રોમાં તમે કમ્ફર્ટ ફીલ કરશો અને આકર્ષક પણ દેખાશો. આવા ડ્રેસિસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરવાની જુદી જ મજા આવશે
- ભારતી બ્રહ્મભટ્ટ, ફૅશન-ડિઝાઇનર

પ્રેગ્નન્ટ લેડીનો લુક ગ્રેસફુલ હોવો જોઈએ. બેબી બમ્પની સાથે મધરની બ્યુટી હાઇલાઇટ થાય એ માટે કમ્ફર્ટેબલ ક્લોધિંગના લિસ્ટમાં લૉન્જરી ટૉપ પર હોવી જોઈએ. ઘણી મહિલાઓ ગભરામણ થાય છે કરીને આખો દિવસ ઘરમાં ગાઉન પહેરીને ફરે છે. જ્યારે બહાર જવાનું થાય ત્યારે જ બ્રેસિયર પહેરે છે. સુંદર દેખાવું હોય તો આ સાઇકોલૉજીને મનમાંથી કાઢી નાખો. ગર્ભધારણના દરેક તબક્કામાં બ્રેસ્ટની બ્યુટીને જાળવવાની છે. મૅટરનિટી આઉટફિટમાં નેકલાઇન અને બમ્પ કટ મહત્ત્વના છે. લૉન્જરી, નેકલાઇન અને બમ્પ કટ પર પહેલેથી ફોકસ રાખી જીવનના આ સુંદર તબક્કાને એન્જૉય કરો
- બંસી સંઘવી, ઇમેજ કન્સલ્ટન્ટ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK